સુરત : વર્ષો પહેલાં ગુમ થયેલા પુત્રનું 38 વર્ષ બાદ મળ્યું ડેથ-સર્ટિફિકેટ, પરિવારના સંઘર્ષની કહાણી

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • ગુજરાતના સુરતમાં 38 વર્ષની કાનૂની લડાઈ બાદ ગુમ થયેલ પુત્રનું ડેથ-સર્ટિફિકેટ પરિવારને આપવાનો આદેશ કરાયો.
  • 1984માં કૉલેજમાં અભ્યાસ કરતા જિતેન્દ્ર અચાનક 31 જાન્યુઆરીના રોજ ગુમ થઈ ગયા હતા.
  • સ્થાનિક કોર્ટે મરણ પ્રમાણપત્ર માટેની અરજી નકારી પરંતુ ગુજરાત હાઇકોર્ટના હુકમથી એક દાયકાનો સંઘર્ષ પૂરો થયો.

કોઈનો લાડકવાયો દીકરો 38 વર્ષથી લાપતા હોય, આ 38 વર્ષમાં દીકરાની રાહ જોઈજોઈને મા પણ ગુજરી જાય અને 86 વર્ષના પિતાને પુત્રનું ડેથ-સર્ટિફિકેટ મેળવવા માટે દસ વર્ષ સુધી અદાલતમાં સંઘર્ષ કરવો પડે એવી ઘટના ગુજરાતના સુરતમાં બની છે.

એક દાયકાની કાનૂની લડત બાદ આખરે 86 વર્ષના પિતા માનસિંહ દેવધરાને 38 વર્ષ પહેલાં ગુમ થયેલા પુત્રનું મરણ સર્ટિફિકેટ આપવાનો ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે.

પરિવારના સભ્યો કાનૂની લડાઈમાં ન્યાય મળતાં રાહત અનુભવી રહ્યા છે. એક અફસોસ છે કે 38 વર્ષ પછી પણ "દીકરો પાછો નહીં આવે" એ વાતે તેમનું મન માનતું નથી.

પરિવારને દાયકો લાંબી કાનૂની લડત બાદ 1984માં લાપતા થયેલા પુત્રનું ડેથ-સર્ટિફિકેટ 2022માં મળ્યું છે.

સુરતના જિતેન્દ્ર દેવધરા નામના યુવાન કૉલેજના ત્રીજા વર્ષમાં ભણતા હતા અને 31 જાન્યુઆરી 1984ના દિવસે અચાનક જ કોઈ કારણ વગર ગુમ થઈ ગયા હતા.

રાહ જોવામાં 38 વર્ષ વીતી ગયાં

જિતેન્દ્રના કાકા તખ્તસિંહ દેવધરાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં વધુમાં જણાવ્યું હતું કે, "હું સુરતમાં હાઇસ્કૂલમાં નોકરી કરતો હતો અને મારા ભાઈનો દીકરો જિતેન્દ્ર મારી સાથે રહીને એમટીબી કૉલેજમાં આર્ટ્સમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો."

"31 જાન્યુઆરી 1984ના રોજ તે ઘરેથી જમીને કૉલેજ જવા માટે નીકળ્યો હતો પરંતુ મોડી રાત સુધી ઘરે પરત નહોતો ફર્યો. જેથી અમને ચિંતા થઈ હતી અને અમે તેના ગુમ થવાની પોલીસને જાણ કરી હતી."

"અમારા સગાંસંબંધીઓને પણ જાણ કરી હતી. તેની શોધખોળ શરૂ કરી હતી પણ શોધખોળ કરતાં ખબર પડી કે એ દિવસે જિતેન્દ્ર કૉલેજ પણ ગયો ન હતો. અમે ગુમ થયા અંગે ન્યૂઝ પેપરમાં જાહેરાત પણ આપી હતી પરંતુ અમારા જિતુની કોઈ ખબર મળી નહોતી."

જિતેન્દ્ર વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "જિતેન્દ્ર ખૂબ જ મળતાવડા સ્વભાવનો દીકરો હતો તે ક્યારેય કોઈ આડુંઅવળું પગલું ભરે તેમ ન હતો. તે પરિવારમાં સૌનો લાડકો હતો. જે દિવસે તે ગુમ થયો ત્યારે પણ કોઈ ઝઘડો કે અણબનાવ પણ બનેલ ન હતો."

"અમને આશા હતી કે અમારો દીકરો પાછો આવશે. મારાં ભાઈ અને ભાભી ખૂબ જ ધાર્મિક હતાં. તેમને શ્રદ્ધા હતી કે એક દિવસ જિતેન્દ્ર જરૂરથી પાછો આવશે. તે બનાવને 38 વર્ષ પસાર થઈ ગયાં પરંતુ જિતેન્દ્ર પરત ન આવ્યો તે ન જ આવ્યો."

માતાનું મૃત્યુ અને મિલકતની ગૂંચ

લાપતા જિતેન્દ્રનાં માતા પુત્રના પાછા આવવાની રાહ જોતાંજોતાં મૃત્યુ પામ્યાં. બીજી તરફ જિતેન્દ્રના પિતા પણ વયોવૃદ્ધ હતા અને તેમનું પણ તાજેતરમાં મૃત્યુ થયું છે.

જિતેન્દ્રના કાકા તખ્તસિંહ દેવધરાએ કહ્યું કે, "વર્ષ 2010માં જિતેન્દ્રનાં મમ્મીનું અવસાન થયું હતું તેમજ મારા ભાઈ પણ વયોવૃદ્ધ હતા. જેથી મિલકત ટ્રાન્સફર કરવામાં ગૂંચ ઊભી ન થાય તે માટે અમે 2010માં સુરત કોર્ટમાં જિતેન્દ્રના મરણ સર્ટિફિકેટ માટે અરજી કરી."

જોકે, સાત વર્ષની અંદર અરજી કરી ન હોવાનું કારણ આપીને અમારી અરજી ફગાવી દેવામાં આવી હતી. એ બાદ અમે અપીલ અરજી કરી હતી. જેને પણ ફગાવી દેવામાં આવી હતી. આખરે અમે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જ્યાં અમને ન્યાય મળ્યો છે અને જિતેન્દ્ર જે દિવસથી ગુમ થયો છે તે દિવસનું મરણ સર્ટિફિકેટ આપવા અંગેનો હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે."

સુરતના પૂરમાં દસ્તાવેજો પણ ધોવાઈ ગયા

ગુજરાત હાઇકોર્ટેના ઍડ્વોકેટ દિગંત પોપટે જણાવ્યું હતું કે, " અરજદાર માનસિંહભાઈનો દીકરો વર્ષ 1984માં ગુમ થયો હતો. તે સમયે પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી પરંતુ તેમની કોઈ ભાળ મળી નહોતી. પરિવારે 2010માં સુરત કોર્ટમાં ગુમ થનાર જિતેન્દ્રસિંહનો મરણનો દાખલો કઢાવવા માટે અરજી કરી હતી."

"સુરત કોર્ટે ટેકનિકલ ગ્રાઉન્ડ પર અરજી ફગાવી દીધી હતી પછી અરજદારે અપીલ દાખલ કરી હતી. જેમાં કોર્ટ દ્વારા પોલીસ રિપોર્ટ માગવામાં આવ્યો હતો પરંતુ સુરતમાં પૂર આવ્યું તે સમયે પોલીસ સ્ટેશનના દસ્તાવેજો ધોવાઈ ગયા હતા."

"કોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું હતું કે, અરજદારે સાત વર્ષમાં આવી જવું જોઈતું હતું. અરજદારે આવવામાં મોડું કરી દીધું છે. જે નિર્ણયની સામે અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જજ દ્વારા સુપ્રીમ કોર્ટના હુકમોને ધ્યાનમાં લઈને મરણ સર્ટિફિકેટ આપવા અંગેનો ઑર્ડર કરવામાં આવ્યો છે."

ગુજરાત હાઇકોર્ટના જજ એ. પી. ઠાકરે તેમની અરજી સ્વીકારી સરકારને ઑર્ડર કર્યો હતો કે, તેમનો દીકરો જે દિવસે ગુમ થયો છે એ તારીખનું મરણ સર્ટિફિકેટ બનાવી આપવામાં આવે.

કોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું છે કે, "જરૂરી નથી કે, પરિવારના સભ્યની માત્ર સાત વર્ષ સુધી રાહ જોવામાં આવે, ઘણા કિસ્સામાં દાયકાઓ સુધી પરિવાર રાહ જોતો હોય છે. પરિવાર કોઈ ચોક્કસ સમયે કે તારીખે પોતાનો લાપતા સભ્ય મૃત્યુ પામ્યો હશે એવું ધારી લે એવું દરેક કિસ્સામાં બને જ એવું જરૂરી નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો