LICનો IPOમાં રોકાણ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?

    • લેેખક, આલોક જોશી
    • પદ, વરિષ્ઠ આર્થિક પત્રકાર

લાઇવમિન્ટ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે ભારતીય જીવનવીમા નિગમ એટલે કે LICનો આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ) બુધવારથી શરૂ થઈ ગયો છે. આ સમગ્ર પ્રક્રિયા નવ મે સુધી ચાલશે. એલઆઇસી આઈપીઓ પ્રાઇસ બૅન્ડની વાત કરીએ તો એક ઇક્વિટી શૅરની કિંમત 902 રૂપિયાથી 949 રૂપિયા રાખવામાં આવી છે.

એલઆઇસી કે જેની એક હરકતથી શૅરબજારમાં ખળભળાટ મચી શકતો હોવાનું કહેવાય છે, હવે તેના ગ્રાહકમાંથી કંપનીના માલિક, ભાગીદાર કે શૅરહોલ્ડર બનવાની તક ખુલ્લી છે.

નોંધનીય છે કે એલઆઇસી દેશની સૌથી મોટી વીમાકંપની હોવાની સાથોસાથ દેશમાં પુષ્કળ પ્રમાણમાં સ્થાવર મિલકત ધરાવતી કંપની પણ છે. દેશનાં દરેક નાનાં-મોટાં શહેરમાં આ કંપની પાસે પ્રાઇમ પ્રૉપર્ટી છે. નાણાં પણ એટલાં છે કે શૅરબજારમાં મોટો ઊલટફેર કરવાનો દમ રાખે છે.

દેશમાં ભાગ્યે જ કોઈ એવો પરિવાર હશે જેના કોઈ ને કોઈ સભ્યએ LICની પૉલિસી ના લીધી હોય એટલે કે એણે વીમો ના ઊતરાવ્યો હોય. પરંતુ સવાલ એ છે કે LICનો આઇપીઓ આવે છે એમાં મોટી વાત કઈ છે?

LIC ભારતની સૌથી મોટી વીમા કંપની અને દુનિયાની પાંચમા ક્રમની મોટી જીવનવીમા કંપની છે.

ભારતનાં શૅરબજારોનાં નાણાં રોકનારી સૌથી મોટી સંસ્થા પણ LIC જ છે.

દેશનાં બધાં જ મ્યુચ્યુઅલ ફંડ્સ મળીને પણ બજારમાંના LICના રોકાણની લગભગ અડધી રકમ જ એકઠી કરી શકે. તેથી શૅરબજારના ખેલાડીઓ અને રોકાણકારો ઘણા લાંબા સમયથી એ દિવસની રાહ જોતા હતા કે સરકાર LICમાંનો પોતાનો હિસ્સો વેચવાનો નિર્ણય ક્યારે કરે અને એમને મૂલ્યવાન કંપની ગણાતી કંપનીના શૅર ખરીદવાની તક મળી જાય.

ગયા વર્ષના બજેટમાં નાણામંત્રીએ LICમાંથી સરકારનો પાંચથી દસ ટકા સુધીનો હિસ્સો વેચી દેવાની ઇચ્છા પ્રકટ કરી હતી, તે પછી કાગડોળે રાહ જોવાવા લાગી. સરકાર માટે પણ LICનો આઇપીઓ ઘણો મહત્ત્વપૂર્ણ છે, કેમ કે એનાથી જે રકમ મળશે તે એના ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યને પૂરું કરવામાં ફાળો આપશે.

LICની સંપત્તિની કિંમત કેટલી છે?

આ ખૂબ જ અઘરો સવાલ છે. નાણામંત્રીની જાહેરાતથી લઈને આઇપીઓ આવવા સુધીમાં લગભગ બે વર્ષનો જે સમય થયો એનો મોટો ભાગ એવી ગણતરી માંડવામાં જ ગયો છે કે આખા દેશમાં ફેલાયેલી LICની સંપત્તિની બજાર કિંમત કેટલી કેટલી છે અને એ બધાંને ભેગી ગણ્યા પછી LICની કિંમત શી બેસે છે.

ત્યાર પછી જ એ હિસાબ માંડી શકાય કે સરકાર LICનો હિસ્સો વેચવા માટે શો ભાવ નક્કી કરશે. તેની સાથે જ LICના ઇન્શ્યોરન્સ બિઝનેસની કિંમત અને બજારમાં એના રોકાણને પણ ઉમેરવાં જરૂરી છે. બધાંની ગણતરી ભેગી કર્યા બાદ એવા નિર્ણય પર આવ્યા હતા કે માત્ર ગણિતની રીતે LICની કિંમત આંકવામાં આવે તો લગભગ 5.4 લાખ કરોડ રૂપિયા છે.

એને એમ્બેડેડ વૅલ્યૂ કે અંતર્નિહિત મૂલ્ય પણ કહી શકાય. પરંતુ કંપનીઓ જ્યારે બજારમાં ઊતરે છે ત્યારે એણે નિર્ણય કરવાનો હોય છે કે તે બજારને આ કિંમતના કેટલા ગણા ભાવે પોતાના શેર વેચી શકે છે.

એનો નિર્ણય એ બાબત પરથી થાય છે કે કંપનીનું ભવિષ્ય કેવું દેખાય છે. અર્થાત્ ભવિષ્યમાં આ ભાવ કેટલી ઝડપથી વધી શકે છે.

બજાર પર કંપનીનો કેટલો કબજો છે, એટલે કે સ્પર્ધા કેટલી કઠિન કે આસાન છે. બીજી પણ ઘણી બાબતો છે, જેના આધારે સલાહકારોએ જાણ્યું હતું કે કંપનીની ક્ષમતા લગભગ સાડા તેર લાખ કરોડ રૂપિયા આંકી શકાય છે એટલે કે લગભગ અઢી ગણી.

પરંતુ રોકાણકારો અને સલાહકારોની સાથે ચર્ચા કર્યા બાદ હવે સરકાર LICની એમ્બેડેડ વૅલ્યૂના માત્ર 1.1 ગણા ભાવે આઇપીઓ દ્વારા શૅર વેચવા જઈ રહી છે.

એ માટે ઘણા ભાગે બજારની સ્થિતિ અને યુક્રેન યુદ્ધથી ઊભી થયેલી અનિશ્ચિતતા જવાબદાર છે. તેથી સરકાર જ્યાં LICનો 5થી 10 ટકા હિસ્સો વેચવા માગતી હતી ત્યાં હવે તે માત્ર સાડા ત્રણ ટકાનો હિસ્સો વેચી રહી છે. એટલે કે આઇપીઓનું કદ હવે ઘણું નાનું થઈ ગયું છે.

તેમ છતાં, તે ભારતીય બજારનો અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ છે અને સરકાર 22,13,74,920 શૅર વેચીને લગભગ 20,557 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તૈયારી કરી રહી છે. આની પહેલાંનો અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ પેટીએમનો હતો, જેમાં સાડા અઢાર હજાર કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા હતા.

LICનો આઇપીઓ આવવામાં આટલી વાર કેમ થઈ?

LIC અન્ય કોઈ કંપની જેવી નથી. ઈ.સ. 1956માં જ્યારે ભારત સરકારે જીવનવીમા ક્ષેત્રનું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે એણે એક વિશેષ કાયદો ઘડીને દેશની બધી વીમા કંપનીઓના બિઝનેસને સમેટી લઈને LICની રચના કરી હતી. એના અંતર્ગત LICના બધા જ શૅર સરકાર પાસે હતા.

કંપની એટલી મોટી થઈ ગઈ છે કે એની ક્ષમતા આંકવામાં પણ સમય લાગ્યો અને સરકારને આશંકા હતી કે એનો 5 કે 10 ટકા હિસ્સો વેચવાથી પણ શૅરબજારને ઝટકો લાગી શકે છે.

તેથી એ બાબતની પણ તૈયારી કરવામાં આવી કે નિયમ બદલીને વિદેશી રોકાણકારોને સીધા આઇપીઓમાં અરજી કરવાની છૂટ અપાય. એની સાથે જ LICના પૉલિસીધારકો માટે અલગ ક્વૉટાની વ્યવસ્થા પણ કરવામાં આવી અને બધી જ તૈયારી પછી ફેબ્રુઆરીમાં સરકારે સેબીને આઇપીઓ માટેની અરજી કરી.

ગયા અઠવાડિયે સેબીની મંજૂરી મળી ગઈ છે પરંતુ યુક્રેન યુદ્ધની સ્થિતિમાં બજારમાં અનિશ્ચિતતાની અસર છે તેથી સરકારને આઇપીઓના કદમાં કાપ મૂકવો પડ્યો અને જ્યાં 60 હજારથી 1.5 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાનું અનુમાન થઈ રહ્યું હતું ત્યાં હવે માત્ર 20 હજાર કરોડની આસપાસની રકમ માટે આઇપીઓ આવી રહ્યો છે.

શું સરકાર જલદી જ LICના બીજા વધારે શૅર પણ બજારમાં વેચી શકે છે?

નિયમની દૃષ્ટિએ શૅરબજારમાં લિસ્ટેડ કોઈ પણ કંપનીના ઓછામાં ઓછા 25 ટકા શૅર જનતા પાસે એટલે કે એવા લોકો પાસે હોવા જોઈએ જે કંપનીના પ્રમોટર ન હોય. લિસ્ટિંગના આ નિયમનું પાલન કરવા માટે સરકારે પોતાની ભાગીદારી 100 ટકાથી ઘટાડીને 75 ટકા સુધી લાવવી પડશે.

સરકારી કંપનીઓને આ નિયમ માટે થોડોક વધારે સમય મળી જાય છે. તેથી LICએ માત્ર સાડા ત્રણ ટકા શૅર વેચવાની વિશેષ મંજૂરી પણ મળી ગઈ છે.

સરકારે પહેલેથી કહી રાખ્યું છે કે તે બેત્રણ વર્ષમાં બીજો પણ 10થી 20 ટકા હિસ્સો વેચી શકે. નિયમ અનુસાર એણે એવું કરવાનું પણ છે.

પરંતુ આજે આઇપીઓમાં નાણા રોકનારાઓ માટે તે ચિંતાનો વિષય બની શકે છે તેથી સરકારે એવો વાયદો પણ કર્યો છે કે આઇપીઓ આવ્યા પછી ઓછામાં ઓછા એક વર્ષ સુધી તે પોતાના બાકી શૅરમાંથી કશો હિસ્સો બજારમાં નહીં વેચે, જેથી હાલના શૅર હોલ્ડરોને એમના શૅરના ભાવ અચાનક નીચા આવી જવાનો ભય ના રહે.

LICના પૉલિસીધારકોને શૅર કેમ આપવામાં આવી રહ્યા છે?

એવું પહેલી વાર બની રહ્યું છે કે કોઈ કંપની પોતાના બધા ગ્રાહકોને પોતાના શૅરધારક બનવાનો પ્રસ્તાવ કરી રહી છે. કારણ એ કે જ્યારે સરકાર LICના આઇપીઓની તૈયારી કરી રહી હતી ત્યારે એને એ વાતની બીક હતી કે આટલા મોટા આઇપીઓ માટે બજારમાં પૂરતી માગ ઊભી થશે કે નહીં.

તેથી આ અનોખી રીત વિચારવામાં આવી. LICના લગભગ 29 કરોડ પૉલિસીધારક છે. એમાંથી ખૂબ મોટી સંખ્યા એવા લોકોની છે જેમણે ક્યારેય શૅરબજારમાં રોકાણ નથી કર્યું.

જાણકારોનું માનવું છે કે એમાંથી 10 ટકા લોકો પણ જો LICના શૅર માટે અરજી કરે તો એનાથી બેવડો લાભ થશે. એક તો LICનો ઇશ્યૂ સફળ થવાની સંભાવના વધી જશે અને બીજો, આ લોકોને શૅરબજારનો માર્ગ દેખાઈ જશે તો પછી તેઓ અન્ય જગ્યાએ પણ રોકાણ માટે વિચારી શકે છે.

આ કારણ છે કે માત્ર LIC અને સરકાર જ નહીં બલકે આખું શૅરબજાર આ બાબતે ઉત્સાહિત છે. LICના એજન્ટ મહિનાઓથી કામે લાગ્યા છે અને પૉલિસીધારકોને શેર હોલ્ડર બનવાના ફાયદા જણાવી રહ્યા છે અને એવું કરવાનો માર્ગ પણ.

શું પૉલિસીધારકોને LICના શૅર મફત મળશે?

ના. કોઈને પણ આ શૅર મફત નહીં મળે. પૉલિસીધારકે પણ એની કિંમત ચૂકવવી પડશે. બસ, એમના માટે એક અલગ ક્વૉટા છે.

આ આઇપીઓનો 10 ટકા હિસ્સો એટલે કે 2 કરોડ 21 લાખ શૅર પૉલિસીધારકો માટે અલગ રાખવામાં આવ્યા છે. સાથે જ એમને શૅરના ભાવમાં 60 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ કે છૂટ પણ આપવામાં આવશે.

જે શેર સામાન્ય રોકાણકારોને 902થી 949 રૂપિયાની વચ્ચે મળશે એના ભાવ પૉલિસીધારકો માટે 842થી 889 રૂપિયા સુધી જ હશે.

પૉલિસીધારકે શૅર મેળવવા માટે શું કરવું પડશે?

LIC ઘણા સમયથી જાહેરાતો અને એજન્ટો દ્વારા પૉલિસીધારકોને જણાવી રહી હતી કે એમણે શું કરવાનું છે. સૌથી મહત્ત્વનું કામ હતું કે તમે તમારી પૉલિસીને પોતાના પાન કાર્ડ સાથે જોડી દો, જેથી પૉલિસી હોલ્ડર ક્વૉટામાં અરજી કરી શકાય.

22 એપ્રિલ સુધી પૉલિસી લેનારા લોકોને આ લાભ મળી શકતો હતો. જોકે જૂના પૉલિસીધારકોને આની પહેલાં 28 ફેબ્રુઆરી સુધીમાં પોતાની પૉલિસી અને પાન કાર્ડને જોડી દેવાનું કામ પૂરું કરવાનું હતું. LICના ચૅરમૅન અનુસાર સાડા છ કરોડ લોકો પોતાની પૉલિસીને પાન કાર્ડ સાથે જોડી ચૂક્યા છે.

જો તે લોકો એક એક લૉટ એટલે કે 15-15 શૅર માટે પણ અરજી કરશે તો લગભગ 100 કરોડ શૅરોની અરજી થઈ જશે.

ત્યાર બાદ હવે તેમને આઇપીઓનું ફૉર્મ ભરતી વખતે એ જણાવવાનું રહેશે કે તેઓ પૉલિસી હોલ્ડર ક્વૉટામાં અરજી કરી રહ્યા છે. એમનો પાન નંબર એ વાતની સાબિતી આપશે કે તેઓ પૉલિસીધારક છે.

શૅર મળશે તો તે 60 રૂપિયા જેટલા સસ્તા મળશે અને સીધા ડિમૅટ અકાઉન્ટમાં જશે. તેથી એમનું ડિમૅટ એકાઉન્ટ હોવું જરૂરી છે. હજુ સુધી ના ખોલાવ્યું હોય તો આજે પણ ખોલાવી શકે છે.

પૉલિસી કેટલી મોટી કે નાની છે તેનાથી નક્કી થશે કે કેટલા શૅર મળશે?

ના. પૉલિસી ભલે નાની હોય કે મોટી, બધાને માત્ર આ ક્વૉટામાં અરજી કરવાની તક મળશે. ત્યાર બાદ બધાને એકસમાન માનીને અલૉટમેન્ટ કરવામાં આવશે. જો ક્વૉટા કરતાં વધારે શૅર માટે આવેદન આવે તો પછી લૉટરી ફૉર્મ્યુલા દ્વારા નક્કી કરીને એના આધારે શૅર આપવામાં આવશે.

ઓછામાં ઓછા કેટલા શૅર માટે અરજી કરી શકાય?

પૉલિસીધારક હોય કે સામાન્ય વ્યક્તિ, બંને માટે ઓછામાં ઓછા એક લૉટ એટલે કે 15 શૅર માટે અરજી કરવી જરૂરી છે. એનાથી ઓછા શૅર માટે અરજી કરી શકાશે નહીં. પૉલિસી હોલ્ડર ક્વૉટામાં વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની અરજી કરી શકાય છે.

એટલે કે વધુમાં વધુ 14 લૉટ સુધી અરજી કરી શકાશે. રિટેલમાં અરજી કરનારા સામાન્ય અરજદાર પણ ઓછામાં ઓછા કે વધારેમાં વધારે આટલા શૅર માટેની જ અરજી કરી શકશે.

જો 2 લાખ રૂપિયાથી વધારેની અરજી કરવી હોય તો પછી એચએનઆઇ એટલે કે હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ શ્રેણીમાં થઈ શકશે અને એ કૅટેગરીમાં વધારેમાં વધારે કોઈ પણ રકમની અરજી કરી શકાય છે.

શું એક કરતાં વધારે અરજી કરવી શક્ય છે?

આમ તો આઇપીઓમાં એક કરતાં વધારે અરજી નથી કરી શકાતી પરંતુ LICના આઇપીઓમાં પહેલી વાર એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે પૉલિસીધારક એક જ પાન કાર્ડનો ઉપયોગ કરીને બે આવેદન ભરી શકે છે - એક પૉલિસી હોલ્ડર ક્વૉટામાં અને એક સામાન્યરૂપે રિટેલ કે એચએનઆઇ ક્વૉટામાં. જે લોકોની પાસે LICની પૉલિસી નથી કે જેમણે પોતાની પૉલિસીને પાન સાથે નથી જોડી તેઓ માત્ર એક જ અરજી કરી શકશે.

આઇપીઓમાં ક્યારથી ક્યાં સુધી અરજી કરી શકાશે?

LICનો આઇપીઓ 4 મેએ ખૂલવાનો છે અને 9 મેએ બંધ થશે. એ દરમિયાન આ અરજી કરી શકાય છે. છેલ્લા દિવસે અરજી કરનારા લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે કેટલાંક ઑનલાઇન પ્લૅટફૉર્મ પર એપ્લિકેશન બંધ થવાનો સમય થોડો જલદી પૂરો થઈ જાય છે, તેથી સારું રહેશે કે તે દિવસે 12 વાગ્યા પહેલાં જ આ કામ પૂરું કરી લેવાય.

LICના આઇપીઓમાં અરજી કરવી લાભકારક છે?

આ સવાલનો જવાબ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હશે. કંપની લાંબા સમયથી નફો કરી રહી છે. જે ભાવે શૅર આવી રહ્યા છે તે સારા દેખાય છે. પરંતુ બજારમાં અનિશ્ચિતતા ક્યારે શું કરાવે તે ખબર નથી. તેથી એ નિર્ણય દરેક રોકાણકારે પોતાના અધ્યયન કે પોતાના વિશ્વાસપાત્ર રોકાણ સલાહકાર સાથે વાત કરીને જ કરવો જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો