નૂપુર શર્મા અને મોહમ્મદ ઝુબૈર સામે એકસરખી FIR પણ કાર્યવાહી કેમ અલગ?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતની સર્વોચ્ચ અદાલતે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની આકરી ઝાટકણી કાઢી અને ત્યાં સુધી કહ્યું કે રાજસ્થાનના ઉદયપુરમાં જે ઘટના બની તેની માટે નૂપુર શર્મા જવાબદાર છે.

સર્વોચ્ચ અદાલતે નૂપુર શર્માનાં નિવેદને દેશને જોખમમાં મૂકી દીધો છે એમ જણાવી એમણે દેશની માફી માગવી જોઈએ એમ પણ કહ્યું.

સર્વોચ્ચ અદાલતે નૂપુર શર્માનાં વકીલને કહ્યું, તમારી સામે પોલીસ ફરિયાદ થઈ હોય અને તમારી ધરપકડ ન થાય એ તમારી વગ દર્શાવે છે. એમને એવું લાગે છે કે એમની પાછળ લોકો છે અને તેઓ બેજવાબદાર નિવેદન આપતાં રહેશે.

ફૅક્ટ ચેકિંગ વેબસાઇટ ઑલ્ટ ન્યૂઝના પત્રકાર મોહમ્મદ ઝુબૈરની સોમવારે મોડી રાત્રે દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. ભારતીય દંડસંહિતાની કલમ 153A અને 295 હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે સોશિયલ મીડિયા મૉનિટરિંગ દરમિયાન ટ્વિટર હૅન્ડલ પરથી મળેલી માહિતી બાદ મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

તે ટ્વિટર હૅન્ડલે મોહમ્મદ ઝુબૈરના ટ્વીટ પર લખ્યું છે કે તેમણે આ તસવીર એક ખાસ ધર્મનું અપમાન કરવાના ઈરાદાથી પોસ્ટ કરી છે. તેમની સામે પગલાં લેવાં જોઈએ.

નોંધનીય છે કે જૂન મહિનામાં ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા સામે પણ આવી જ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જ્યારે તેમણે પયગંબર મહમદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. તે FIRમાં પણ આઈપીસીની કલમ 153A, 295, 505 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

મહત્ત્વની વાત એ છે કે આ બંને કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના આઈએફએસસી યુનિટ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે.

આવામાં ઘણા કાયદા નિષ્ણાતો સવાલ પૂછી રહ્યા છે કે બંને એફઆઈઆરમાં સમાન કલમો છે, તો પછી એક વ્યક્તિ જેલના સળિયા પાછળ અને એક જેલની બહાર શા માટે?

આઈપીસીના બંને વિભાગને સમજવા માટે બીબીસીએ જાણીતાં વરિષ્ઠ વકીલ અને લેખક નિત્યા રામકૃષ્ણન સાથે વાત કરી. તેમણે સરળ ભાષામાં બંને પ્રવાહોને આ રીતે સમજાવ્યાં.

કલમ 153A શું છે?

આઈપીસીની કલમ 153A વિશે સમજાવતા તેમણે કહ્યું, "બે અલગઅલગ સમુદાય વચ્ચે ધર્મ, જાતિ, જન્મસ્થળ, ભાષા વગેરેના આધારે નફરત ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે કોઈ પણ બાબત પર (ભાષણ અથવા લેખિત અથવા સંકેત દ્વારા) આ કલમ લગાવાઈ શકે છે. આ કલમ હેઠળ ત્રણ વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. તે બિનજામીનપાત્ર ગુનાની શ્રેણી હેઠળ આવે છે.

કલમ 295 શું છે?

આઈપીસીની કલમ 295 અંગે નિત્યા કહે છે, "જો કોઈ પણ ધર્મ સાથે જોડાયેલા ધર્મસ્થાનને નુકસાન પહોંચાડવા, અપમાન કરવા અથવા અપવિત્ર કરવાના ઈરાદાથી કોઈ પગલું લેવામાં આવ્યું હોય તો તે કિસ્સામાં આ કલમ લગાવી શકાય છે." તેમાં મહત્તમ બે વર્ષની સજા છે અને જામીનની જોગવાઈ છે.

જોકે, નિત્યા અહીં વધુ એક મહત્ત્વની વાત ઉમેરે છે.

તેઓ કહે છે, "IPCની કઈ કલમ જામીનપાત્ર છે કે બિનજામીનપાત્ર છે, આ સિવાય અન્ય એક કૅટેગરી છે, જેનું ધ્યાન રાખવું જોઈએ. જો કોઈ મામલે સાત વર્ષથી ઓછી સજા હોય તો ધરપકડ ન થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે અર્નેશકુમાર જજમેન્ટમાં આ વાત કરી છે. છેલ્લા બે-ત્રણ નિર્ણયમાં પણ તેનું પુનરાવર્તન થયું છે. સર્વોચ્ચ ન્યાયાલયે એમ પણ કહ્યું કે જો કોઈ આવા કેસમાં ધરપકડ થાય તો પણ ઠોસ કારણ હોવું જોઈએ અને લખવું જોઈએ કે ધરપકડ કેમ થઈ રહી છે. તેમજ જે વ્યક્તિ સામે આરોપ હોય એને એક નોટિસ પણ આપવી જોઈએ, જેથી પૂછપરછ માટે બોલાવી શકાય અને તે તપાસમાં સહયોગ આપી શકે."

આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે મોહમ્મદ ઝુબૈરનો કેસ શું છે અને નૂપુર શર્માનો કેસ શું છે? બંને વચ્ચે સમાનતા અને તફાવત શું છે?

મોહમ્મદ ઝુબૈર સામે આરોપો શું છે?

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 2018માં મોહમ્મદ ઝુબૈરે એક ફોટો ટ્વીટ કર્યો હતો જેમાં હનીમૂન હોટલનું નામ બદલીને એક હિન્દુ દેવતાનું નામ લખી દીધી હતું.

એક ટ્વિટર યૂઝરે તે ટ્વીટ શૅર કરતા લખ્યું કે તેનાથી હિંદુ દેવતાનું અપમાન થયું છે.

પોતાના ટ્વીટમાં મોહમ્મદ ઝુબૈરે એ ફોટોને 2014 પહેલાં અને પછીના શાસન સાથે જોડીને એક રીતે ટોણો માર્યો હતો.

જોકે, મોહમ્મદ ઝુબૈરે જે ફોટો ટ્વીટ કર્યો હતો એ એક હિન્દી ફિલ્મનો સીન પણ છે.

નિત્યા કહે છે, "મોહમ્મદ ઝુબૈરે જે ટ્વીટ કર્યું છે, તે બની શકે કે કોઈ ખાસ વ્યક્તિને પસંદ ન આવે, પરંતુ કલમ 153A લાગુ કરવા માટે અન્ય વધુ બાબતો સાબિત કરવી પડે, જેમ કે તેની પાછળનો હેતુ શું એવો છે કે બે તે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ પેદા કરી શકે છે અથવા પરસ્પર સૌહાર્દ ખરાબ થઈ શકે. માત્ર કોઈ વ્યક્તિ વિશેષને કોઈની કોઈ વાત સારી ન લાગે એના આધારે કલમ 153A લગાવી ન શકાય. એવી જ રીતે કલમ 295 લાગુ કરવા પર એ સાબિત કરવું પડે કે કયા પૂજાસ્થળને નુકસાન પહોંચાડવાનું કામ કરાયું છે."

નૂપુર શર્મા પર આરોપ

  • ભાજપનાં પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ 26 મેના રોજ એક ટીવી કાર્યક્રમમાં પયગંબર મહમદ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી
  • સોશિયલ મીડિયામાં નૂપુર શર્માનો ઘણો વિરોધ થયો, તેમને ધમકી પણ અપાઈ. કાનપુરમાં બે પક્ષ વચ્ચે સાંપ્રદાયિક હિંસા થઈ જેમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી
  • એક ડઝનથી વધુ મુસ્લિમ દેશોએ આના પર વિરોધ નોંધાવ્યો. કતારે આ મામલે ભારત માફી માગી એવી માગ કરી હતી
  • ભાજપે નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં અને નવીન જિંદાલને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. દિલ્હી પોલીસે નૂપુર શર્માને મળેલી ધમકીઓને લીધે સુરક્ષા આપી. દિલ્હી પોલીસે નૂપુર શર્મા વિરુદ્ધ આઈપીસીની કલમ 153, 295, 505 હેઠળ કેસ નોંધ્યો છેપરંતુ હજુ સુધી નૂપુર શર્માની ધરપકડ કરવામાં આવી નથી.

કલમો એક તો કાર્યવાહી કેમ અલગ? દિલ્હીનો પોલીસનો જવાબ

આખરે બંને કેસમાં કલમો સમાન છે તો એક કેસમાં ધરપકડ થઈ છે અને નૂપુર શર્મા કેસમાં નહીં, આવું કેમ?

આ સવાલ પર નિત્યા કહે છે, "હું પણ આ સવાલ દિલ્હી પોલીસને પૂછવા માગુ છું. તમારે આ સવાલ પોલીસને પૂછવો જોઈએ."

બીબીસીએ દિલ્હી પોલીસના ડીસીપી આઈએફએસસી કેપીએસ મલ્હોત્રાને તેમનો પક્ષ જાણવા માટે ઘણી વખત ફોન કર્યો હતો. તેમના યુનિટે બંને કેસ નોંધ્યા છે. પણ તેમણે સમય આપ્યા બાદ પણ બીબીસી સાથે વાત ન કરી.

જોકે, સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે આવા જ સવાલ પર કહ્યું કે, "વર્ષ 2020માં પણ મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આજે 2022 છે. તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી. તો કોઈ એક વ્યક્તિ સામે નોંધાયો, તેમાં કોઈ કાર્યવાહી થઈ ન હતી અને આમાં થઈ - એમ કહેવું ખોટું છે. આ સવાલ ત્યારે તો નહોતો આવ્યો જ્યારે અમે 2020ના કેસમાં જે જાણવા મળ્યું એના આધારે કોર્ટમાં સ્ટેટ્સ રિપોર્ટ આપ્યો હતો. આ પિક ઍન્ડ ચૂઝ નથી. જે ઇન્વેસ્ટિગેશનમાં સામે આવી રહ્યું છે, એના આધારે કાર્યવાહી થઈ રહી છે."

જોકે સચ્ચાઈ એ પણ છે કે 2020ના કેસમાં મોહમ્મદ ઝુબૈરને હાઈકોર્ટે ધરપકડમાંથી સુરક્ષા આપી રાખી છે.

ડીસીપી કેપીએસ મલ્હોત્રાએ એ પણ કહ્યું કે આપત્તિજનક ટ્વીટને લીધે ટ્વિટર પર નફરતભર્યાં નિવેદનોનું તોફાન આવ્યું, જે સાંપ્રદાયિક સૌહાર્દ માટે હાનિકારક છે. આ મામલે ડિવાઇસ અને ઈરાદો મહત્ત્વનો હતો. મોહમ્મદ ઝુબૈર આ બંને મુદ્દા પર બચતા નજર આવ્યા. ફોનને પણ ફૉર્મેટ મારી દીધો હતો. આ કારણ ધરપકડનો આધાર બન્યું.

મોહમ્મદ ઝુબૈરની ધરપકડની પ્રક્રિયા પર ઊઠતા સવાલ

મોહમ્મદ ઝુબૈર અને નૂપુર શર્માનાં કેસમાં એક અન્ય તાર પણ જોડાય છે.

નૂપુર શર્માએ 26 મેના રોજ ટીવી ચેનલ પર નિવેદન આપ્યું હતું. આ મામલો મોહમ્મદ ઝુબૈરના ટ્વીટ બાદ ગરમાયો હતો.

2018ના જે ટ્વીટ પર તેમની 2022માં ધરપકડ કરાઈ તે એફઆઈઆર પણ 20 જૂન, 2022ના રોજ નોંધવામાં આવી છે. એટલે કે નૂપુર શર્માનાં પ્રકરણ પછી.

મોહમ્મદ ઝુબૈરને કોઈ અન્ય કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને અન્ય કેસમાં ધરપકડ કરવામાં આવી.

મોહમ્મદ ઝુબૈરની ધરપકડની સમગ્ર પ્રક્રિયા પર પણ ઑલ્ટ ન્યૂઝના સંસ્થાપકે પણ ટ્વીટ કરીને સવાલો ઉઠાવ્યા છે.

તેમણે લખ્યું, "2020ના એક કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સોમવારે મોહમ્મદ ઝુબૈરને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ કેસમાં હાઈકોર્ટે તેમને ધરપકડથી રક્ષણ આપ્યું હતું. પરંતુ સોમવારે સાંજે 6.45 વાગ્યે અમને કહેવામાં આવ્યું કે તેમની અન્ય એફઆઈઆર પર ધરપકડ કરવામાં આવી છે. કાયદાકીય જોગવાઈ અનુસાર, તેમની જે કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે તે મુજબ અમને એફઆઈઆરની નકલ આપવી અનિવાર્ય છે. પરંતુ વારંવાર વિનંતી કરવા છતાં પણ અમને એફઆઈઆરની નકલ આપવામાં નથી આવી."

શું ઝુબૈરની ધરપકડમાં પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું છે? આ સવાલના જવાબમાં નૈલ્સાર યુનિવર્સિટી ઑફ લૉના વાઇસ ચાન્સેલર ડૉ. ફૈઝાન મુસ્તફા કહે છે કે, "ઝુબૈરના કેસમાં પોલીસે કદાચ અગાઉ નોટિસ આપી ન હતી. આ કારણે સવાલો થઈ રહ્યા છે. જો એફઆઈઆરમાં માત્ર કલમ 153A અને 295 લાગી હોય તો પોલીસે અગાઉ નોટિસ મોકલી હોત તો સારું થાત. પોલીસે ધરપકડ પણ ટાળવી જોઈતી હતી. સાત વર્ષથી ઓછી સજાના કેસમાં સુપ્રીમ કોર્ટનો આવો જ અગાઉનો ચુકાદો છે. જ્યાં સુધી એ વાતની આશંકા ન હોય કે પુરાવા સાથે ચેડાં થઈ શકે છે અથવા આરોપી ફરાર થઈ શકે છે, ધરપકડ ટાળવી જોઈતી હતી."

એફઆઈઆરની કૉપી ન આપવાના આરોપ પર ફૈઝાન મુસ્તફા કહે છે, "જો પોલીસને લાગે છે કે એફઆઈઆર અપલોડ કરવાથી આરોપી પર વધુ જોખમ હોઈ શકે છે, તો આવી સ્થિતિમાં પોલીસ દ્વારા એફઆઈઆર અપલોડ ન કરવી એ વધુ સારો નિર્ણય છે. પરંતુ આરોપી હોય કે તેમના વકીલ, તેમને એફઆઈઆરની નકલ આપવી જરૂરી છે, નહીં તો આરોપી અને તેમના વકીલ કયા આધારે તેમનો પક્ષ તૈયાર કરશે."

એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે 2018ના ટ્વીટ પર 2022માં શા માટે કાર્યવાહી કરવામાં આવી? ફૈઝાન મુસ્તફા કહે છે, "જ્યારે ક્રિમિનલ લૉમાં ક્રાઇમ ધ્યાનમાં આવે છે, ત્યારે જ તે કેસમાં કાર્યવાહી થઈ શકે છે."

દિલ્હી પોલીસના ડીસીપી આઈએફએસસી કેપીએસ મલ્હોત્રાએ પણ કહ્યું કે વર્ચ્યુઅલ દુનિયામાં જ્યારે પણ મામલો એમ્પલિફાઈ થાય (વિવાદ વધુ વકરે) તો કાર્યવાહી કરવામાં આવે છે. આ દરમિયાન આવા કિસ્સાઓ વધી રહ્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો