You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પીએફઆઈ : કેરળથી પટના સુધી સક્રિય એ ઇસ્લામી સંગઠન જેના પર બૅનની માગ થઈ રહી છે
- લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પટના પ્રવાસના થોડાં જ કલાકો પહેલાં બિહાર પોલીસે 12 જુલાઈના રોજ બે ભારત-વિરોધી ષડયંત્રો પરથી પરદો ઉઠાવવાનો દાવો કર્યો અને હવે કેસની તપાસ ભારતીય ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીને સોંપી દીધી છે.
સમગ્ર પ્રકરણમાં ફંડિંગના મુદ્દાની તપાસ સમાચાર એજન્સી ANI પ્રમાણે પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડી કરશે.
પટનાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક એમએસ ધિલ્લોંએ બીબીસીને જણાવ્યું કે પટનાના ફુલવારી શરીફમાં જે પ્રકરણ સામે આવ્યા છે, તે હાલ અલગઅલગ જોવા મળી રહ્યા છે અને બંનેને મિલાવીને પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે.
પોલીસે પોતાની એફઆઈઆરમાં કહ્યું છે કે પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઈ) હથિયારોની ટ્રેનિંગ, પ્રતિબંધિત ઇસ્લામી કટ્ટરપંથી સંગઠન સ્ટૂડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયાના પૂર્વ સભ્યોને જોડીને એક ગુપ્ત સંગઠન બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
તેનો ઉદ્દેશ મુસ્લિમો પર થઈ રહેલા કથિત અત્યાચારોનો બદલો લેવાનો છે.
તે સિવાય, પટનાના ફુલવારી શરીફ વિસ્તારમાં જ બે દિવસો બાદ વધુ બે કેસ સામે આવ્યા છે. પોલીસનું કહેવું છે કે આ મામલા બે વૉટ્સઍપ ગ્રૂપ સાથે જોડાયેલા છે, જેમાંથી એકમાં પાકિસ્તાનથી માંડીને યમન અને ખાડીના બીજા દેશોના નંબર જોડાયેલા હતા, જ્યારે બીજું ગ્રૂપ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના કુલ આઠ નંબરો સુધી મર્યાદિત હતું.
એમએસ ધિલ્લોંએ પટનામાં આયોજિત એક પ્રેસ કૉન્ફરન્સમાં આ વૉટ્સઍપ ગ્રૂપોને ભારતવિરોધી ગતિવિધિઓમાં લિપ્ત ગણાવ્યા હતા. જેની ધરપકડ કરવામાં આવી તે વ્યક્તિ મરગૂબ અહમદ દાનિશને પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબ્બૈક સાથે જોડાયેલા ગણાવવામાં આવ્યા.
પીએફઆઈ વિરુદ્ધ ઘણા હિંસક કેસોની તપાસ એનઆઈએ સહિત અલગ-અલગ એજન્સીઓ કરી રહી છે. તેમાં કેરળના અર્ણાકુલમના એક પ્રોફેસરનો હાથ કાપી નાખવો, કુન્નૂરમાં હથિયાર ચલાવવા તાલીમ આપવી અને તમિલનાડુમાં તંજાવુરનો રામલિંગમ હત્યાકાંડ સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં ઘણા લોકો દોષી સાબિત થયા છે અને તેમનો સંબંધ પીએફઆઈ સાથે રહ્યો છે. ઈડી પણ પીએફઆઈ સાથે જોડાયેલા પૈસાની લેણદેણ મામલે તપાસ કરી રહ્યું છે.
પીએફઆઈ પોતાના પર લાગેલા આરોપોનું ખંડન કરે છે.
પોલીસનું કહેવું છે કે પીએફઆઈના ઠેકાણા સાથે મળતું "ઇન્ડિયા 2047: ટૂવર્ડ રુલ ઑફ ઇસ્લામિક ઇન્ડિયા" એક એવો દસ્તાવેજ છે જેમાં ભારતને ઇસ્લામિક દેશ બનાવવા ષડયંત્ર રચવામાં આવ્યું છે. જ્યારે પીએફઆઈનું કહેવું છે કે "પોલીસ અમને ફસાવવા માટે નકલી દસ્તાવેજ પ્લાન્ટ કરીને કહાણી બનાવી રહી છે."
સંગઠનના રાષ્ટ્રીય સચિવ મોહમ્મદ શકીફના નામે જાહેર થયેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે, "આ એ કાર્યશૈલીનો ભાગ છે જેની અંદર પૉપ્યુલર ફ્રન્ટના ખોટા કેસોમાં ફસાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે એ વાત તરફ ઇશારો કરે છે કે આ એક રાજકીય ચાલ છે, જેનો આદેશ એક જ જગ્યાએથી આપવામાં આવી રહ્યો છે."
સંસ્થાનું કહેવું છે કે એક દસ્તાવેજ તૈયાર થયો હતો જે સચ્ચર આયોગ- મિશ્રા કમિશનની ભલામણોને આગળ કેવી રીતે લાવવામાં આવે તે વાત પર આધારિત હતું અને તેને જસ્ટિસ રાજિંદર સચ્ચરે 15 ઑગસ્ટ 2016ના રોજ દિલ્હીમાં જાહેર કર્યું હતું.
15 વર્ષોથી સક્રિય
વર્ષ 2007માં પીએફઆઈ શરૂઆતથી જ તપાસના નિશાને રહ્યું છે. 2008માં ગઠિત રાષ્ટ્રીય તપાસ એજન્સીની નજર પીએફઆઈ પર ત્યારથી જ રહી છે.
એર્ણાકુલમના મલયાલમ ભાષાના પ્રોફેસર ટીજે જૉસફનો મામલો મનમોહનસિંહ સરકારના ગૃહમંત્રી પી ચિદમ્બરમના કાર્યકાળ દરમિયાન જ વર્ષ 2011માં એનઆઈએને સોંપી દેવામાં આવ્યો હતો.
ચાર જુલાઈ 2010ની સવારની ઘટનાને યાદ કરતાં પ્રોફેસર ટીજે જોસેફે બીબીસીને કહ્યું, "ચર્ચથી પરત ફરતા સમયે અમને એક નિર્જન સ્થળે ઘેરી લેવામાં આવ્યા હતા અને મારા જમણા હાથ પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર આ પહેલાં ત્રણ વખત આ પ્રયાસ કરી ચૂક્યા હતા. ત્રણ વખત તો તેઓ મારા ઘરે અલગ-અલગ બહાના કરીને આવ્યા હતા."
પ્રોફેસર જોસેફે કૉલેજની પરીક્ષા માટે સવાલ પસંદ કર્યા હતા જેમાં કેટલાક લોકોના પ્રમાણે ઇસ્લામના છેલ્લા પયગંબર મોહમ્મદ સાથે અસભ્યતા વર્તવામાં આવી હતી.
તેમણે આ ઘટના પર 'અ થાઉઝન્ડ કટ્સ, એન ઇનોસન્ટ ક્વેશ્ચન ઍન્ડ ડેડલી આન્સર્સ' નામનું પુસ્તક પણ લખ્યું છે.
મલયાલમના શિક્ષકે ફોન પર જણાવ્યું કે તેમની સંસ્થાએ ન માત્ર તેમને કૉલેજથી સસ્પેન્ડ કરી દીધા, પણ તેમની વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી.
હુમલામાં સામેલ હોવાની વાત સ્વીકારી
પ્રોફેસર પર હુમલા મામલે 31 આરોપીઓની સુનાવણી ખતમ થઈ ગઈ છે. એનઆઈએની સ્પેશિયલ કૉર્ટે 13 લોકો વિરુદ્ધ નિર્ણય આપ્યો છે જ્યારે 18 લોકોને મુક્ત કરી દીધા છે. કેસના ત્રણ આરોપીઓ હજુ પણ મળી આવ્યા નથી.
ઘણા મુદ્દે પીએફઆઈ તરફથી જાહેર થયેલા એક લેખિત નિવેદનમાં એ વાતને માનવામાં આવી છે કે પ્રોફેસર પર હુમલામાં સંગઠનના કેટલાક સભ્યો સામેલ હતા. પંરતુ સાથે જ તેઓ તેને સ્થાનિક પ્રતિક્રિયા જણાવીને તેને રફેદફે કરવાનો પ્રયાસ પણ કરે છે.
સંગઠનના યુવા જનરલ સેક્રેટરી અનીસ અહમદે બીબીસી સાથે એક વાતચીતમાં દાવો કર્યો કે ઘટનાના તુરંત બાદ પીએફઆઈના તત્કાલીન નેતૃત્વએ દિલ્હીમાં પ્રેસ કૉન્ફરન્સ કરીને ન માત્ર ઘટનાની નિંદા કરી, પણ ઘટનામાં સામેલ એ લોકોને સંગઠનમાંથી સસ્પેન્ડ કરી દીધા જેમના પર ઘટનામાં સામેલ હોવાની શંકા હતી.
પરંતુ પીએફઆઈનું નામ આ ઘટના સિવાય હિંસાના બીજા મામલે પણ વારંવાર આવતું રહે છે.
તિરુવનંતપુરના સમાજશાસ્ત્રી જે રઘુ કહે છે કે પીએફઆઈ અને હિંસાની કેટલીક કહાણીઓ તો સંપૂર્ણપણે ખોટી છે જેને ફેલાવવામાં આવી છે.
તો બીજી તરફ જર્મનીની હાઈડેલબર્ગ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના આર્ન્ટ વૉલ્ટર એમરિક પ્રમાણે આ "ગૂંચવાયેલો મામલો છે જેમાં કોઈ પાક્કા પરિણામ પર પહોંચવું મુશ્કેલ છે."
વૉલ્ટર એમરિકે ઑક્સફર્ડ સ્કૉલર તરીકે છેલ્લા બે દાયકામાં ભારતીય મુસ્લિમ રાજકારણમાં આવી રહેલા પરિવર્તન પર ડૉક્ટરેટ કર્યું છે, જેના પર આધારિત 'ઇસ્લામિક મૂવમૅન્ટ્સ ઇન ઇન્ડિયા, મૉડરેશન ઍન્ડ ઇટ્સ ડિસકંટેટ' નામનું પુસ્તક પણ પ્રકાશિત થયું છે.
વૉલ્ટર એમરિકનું કહેવું છે કે આ મામલે તેમણે અલગ-અલગ પ્રકારની વાતો સાંભળી છે, "પીએફઆઈના કેટલાક પૂર્વ કાર્યકર્તાઓનું કહેવું હતું કે સંગઠન ઇસ્લામ અને મુસ્લિમોનું રક્ષણ કરી શકે છે, એ વાત સાબિત કરવા માટે તે ક્યારેક-ક્યારેક હિંસાનો સહારો લે છે, એ દર્શાવવા માટે કે મુસ્લિમોની રક્ષા મામલે તે જરા પણ પાછળ નહીં હઠે. પરંતુ તે કાર્યકર્તા મારી સામે આવા મામલે પુરાવા રજૂ ન કરી શક્યા, ન તો એવી કોઈ ઘટના મારી સામે રજૂ કરાઈ જેનાથી લાગે કે સંગઠનનું શીર્ષ નેતૃત્વ આવા મામલે હામી ભરતું હોય."
આ મામલે જે રઘુનો જવાબ છે, "હા તેઓ થોડીઘણી હિંસાનો સહારો લે છે, અને મને નથી લાગતું કે તે એટલું ખરાબ છે. આરએસએસના લોકો પીએફઆઈના લોકો પર હુમલો કરવાની હિંમત નહીં કરે."
આરએસએસ અને પીએફઆઈની સરખામણી
દક્ષિણ કેરળના અલપુઝ્ઝામાં પીએફઆઈની રાજકીય વિંગ તરીકે જાણીતી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયાના પ્રાંતીય સેક્રેટરી કે.એસ. શાનની હત્યાના થોડાં જ કલાકો બાદ ભાજપના ઓબીસી મોરચાના રાજ્ય સેક્રેટરી રંજીથ શ્રીનિવાસની હત્યા થઈ ગઈ.
સામાજિક સૂચકાંકમાં ભારતનાં સૌથી ઉત્તમ રાજ્યોમાંથી એક ગણાતા કેરળમાં રાજકીય હત્યાઓનો ક્રમ ચાલુ રહે છે, જેમાં આરએસએસ, સીપીએમ, પીએફઆઈ, એસડીપીઆઈનું નામ પોલીસ વારંવાર લે છે.
કેરળથી સેંકડો કિલોમિટર દૂર બિહારમાં જ્યાં પીએફઆઈ પર પટના પોલીસે ગંભીર આરોપ લગાવ્યા છે, ત્યાં રાજયની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળના બિહાર અધ્યક્ષ જગદાનંદ સિંહે કહ્યું છે કે "જ્યારે-જ્યારે ભારતની સુરક્ષા માટે ખતરનાક લોકો પકડવામાં આવ્યા છે, પાકિસ્તાનના એજન્ટના રૂપમાં તેઓ બધા આરએસએસ-હિંદુ લોકો હતા." તેમના આ નિવેદન સાથે વિવાદ વધુ મોટો થયો.
સમાચાર એજન્સી એએનઆઈના એક વીડિયોમાં જગદાનંદ સિંહ એ કહેતા સંભળાય છે કે, "નીતિશએ આરએસએસને વધવા દીધું. તેનાથી ભયભીત લોકો પણ ઇચ્છે છે કે અમારું સંગઠન હોય, જેથી જ્યારે અમારા પર હુમલો થાય તો અમે પોતાને બચાવી શકીએ, અમારા લોકોને બચાવી શકીએ."
જગદાનંદ સિંહે ભાજપના પૈતૃક સંગઠન તરીકે ઓળખાતા આરએસએસની જે રીતે સરખામણી કરી છે, તે કંઈક એવા જ વિવાદને જન્મ આપી શકે છે જે પટનાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકના નિવેદન બાદ થયો હતો જેમાં તેમણે કહ્યું હતું કે આરએસએસ-પીએફઆઈની કામ કરવાની રીત એકસમાન છે.
પીએફઆઈએ કહ્યું - અમે હથિયાર ચલાવવા ટ્રેનિંગ નથી આપતા
વરિષ્ઠ પોલીસ અધિક્ષક એમએસ ધિલ્લોંએ એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન મીડિયાના સવાલોના જવાબમાં પહેલા કેસનો સંબંધ કોઈ રીતે અમરાવતી, ઉદયપુર કે નૂપુર શર્મા સાથે જણાવ્યો ન હતો.
સાથે જ એ પણ કહ્યું હતું કે સંબંધિત લોકો વડા પ્રધાનની યાત્રા દરમિયાન મુસ્લિમ વસતી ધરાવતા ક્ષેત્રમાં નાગરિકતા સંશોધન કાયદા, ટ્રિપલ તલાક અને નૂપુર શર્માના મામલે વિરોધ પ્રદર્શન કરવા માગતા હતા.
મહારાષ્ટ્રના અમરાવતી, અને રાજસ્થાનના ઉદયપુરમાં બે હિંદુઓની હત્યા કરી દેવામાં આવી હતી, જેમાં ઉદયપુરમાં હત્યા કરનારા લોકોએ વીડિયો જાહેર કરીને તેને નૂપુર શર્માએ દર્શાવેલી અસભ્યતાનો બદલો ગણાવ્યો હતો.
આરોપીઓ પ્રમાણે ઉદયપુરમાં વ્યવસાયે દરજી કન્હૈયા લાલ તેલીએ નૂપુર શર્માની વાતનું સમર્થન કર્યું હતું.
ટ્રેનિંગના સવાલ પર પણ પટનાની પ્રેસ કૉન્ફરન્સમાં એસએસપીએ પારંપરિક હથિયાર, લાકડી, ભાલા વગેરેની વાત કહી હતી.
સ્ટેશનના અધ્યક્ષ એકરાર અહમદે જે એફઆઈઆર નોંધી છે, તેમાં અસ્ત્ર-શસ્ત્ર પ્રશિક્ષણ અને શાંતિભંગ કરવાના પ્રયાસની વાત કરવામાં આવી છે.
એનઆઈએની વેબસાઇટ પ્રમાણે કુન્નૂરના નારથમાં હથિયારો અને વિસ્ફોટકોના પ્રશિક્ષણ શિબિર આયોજિત કરવા અને યુવકોને આતંકવાદી ગતિવિધિઓ માટે ઉશ્કેરવાના કેસની તપાસ પણ તેમની પાસે જુલાઈ 2013માં આવી હતી.
પીએફઆઈ હથિયારોની ટ્રેનિંગની આ વાતથી સ્પષ્ટ ઇનકાર કરે છે અને કહે છે કે "તે એક યોગ શિબિર હતી જે સંસ્થા દર વર્ષે 'હેલ્ધી પીપલ, હેલ્ધી નેશન'ના સૂત્ર અંતર્ગત આયોજિત કરાવે છે અને એપ્રિલ 2013માં તેનું આયોજન એક ભીડભાડ ધરાવતી એક એવી જગ્યાએ એવા હાલમાં કરાવવામાં આવ્યું હતું કે જેની બહાર કોઈ પ્રકારનું કમ્પાઉન્ડ પણ ન હતું, છતાં પોલીસે યુએપીએની ધારાઓ લગાવીને તેના કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો."
આ મામલે જે 22 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ હતી, તેમાંથી કેટલાકને સાત અને કેટલાકને પાંચ વર્ષની કેદની સજા થઈ હતી. બાકી લોકો વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.
શું પીએફઆઈને ઘેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે?
ફુલવારી શરીફ પ્રકરણમાં પીએફઆઈ સાથે જોડાયેલા કેસમાં અન્ય સિવાય જિન અતહર પરવેઝની ધરપકડ થઈ છે, તેમને પોલીસે સિમીના પૂર્વ સક્રિય સભ્ય ગણાવ્યા છે, જે સંગઠનના જેલમાં કેદ સભ્યોની મદદ કરવાનું કામ કરતા રહેતા હતા અને હાલ એસડીપીઆઈના પટના જિલ્લાના મહાસચિવ છે.
પોલીસે પીએફઆઈની રાજકીય વિંગ તરીકે ઓળખાયેલી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયાના એક કાર્યકર્તા નુરુદ્દીન જંગીની પણ ધરપકડ કરી છે.
નુરુદ્દીન જંગીએ બિહારના દરભંગા વિધાનસભા ચૂંટણી પાર્ટીની ટિકિટ પર લડી હતી જોકે, તેમને થોડા જ વોટ મળ્યા હતા.
દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર રહી ચૂકેલા સમશુલ ઇસ્લામ કહે છે કે દેશમાં આ સમયે દરેક ચર્ચાને માથા પર ચઢાવી દીધી છે. પીએફઆઈની તો વાત જ રહેવા દો, આનંદ અને ભીમા કોરેગાંવ સાથે જોડાયેલા લોકોનો શું વાંક હતો, કે તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા?
આર્ન્ટ વૉલ્ટર એમરિક પણ માને છે કે એવું લાગે છે કે પીએફઆઈની વિરુદ્ધ કેસોનો પહાડ ઊભો કરવામાં આવી રહ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, ગત વર્ષે એપ્રિલમાં સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની એક ખંડપીઠ સમક્ષ કહ્યું હતું કે કેન્દ્ર પીએફઆઈને પ્રતિબંધિત કરવાની પ્રક્રિયામાં છે.
એનઆઈએ ગૃહમંત્રાલયને અરજી મોકલી દેવામાં આવી છે કે પીએફઆઈ પર પ્રતિબંધ લાગવો જોઈએ, પરંતુ કેન્દ્ર તરફથી આ મામલે હજુ સુધી કોઈ પહેલ થઈ નથી.
પીએફઆઈના સંસ્થાપકોમાંથી એક પ્રોફેસર પી કોયાએ પ્રતિબંધના સવાલ પર બીબીસીને કહ્યું, "પ્રતિબંધ એક રાજકીય નિર્ણય છે, તેનો કોઈ અર્થ નથી. કમ્યુનિસ્ટ પાર્ટીને પણ પ્રતિબંધિત કરવામાં આવી હતી. અને આરએસએસ પર પણ એક વખત નહીં, બે-બે વખત પ્રતિબંધ લાગી ચૂક્યો છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો