અમરાવતીમાં ઉમેશ કોલ્હેની હત્યા શું નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ થઈ?

    • લેેખક, નીતેશ રાઉત
    • પદ, અમરાવતીથી, બીબીસી મરાઠી માટે
  • રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની હત્યા જેવો જ મામલો મહારાષ્ટ્રના અમરાવતીમાં બન્યો હોવાનો પોલીસે દાવો કર્યો છે.
  • ભાજપનાં નેતા નૂપુર શર્માના મહમદ પયગંબર અંગેના નિવેદનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા ઉમેશ કોલ્હેની હત્યા કરી દેવાઈ છે.
  • મેડિકલ વ્યવસાયી ઉમેશ કોલ્હેની હત્યા સંદર્ભે અમુક લોકોની ધરપકડ કરાઈ છે, હવે મીડિયા અહેવાલો અનુસાર આની તપાસ પણ એનઆઈએને સોંપાઈ છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે કહ્યું છે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) હવે અમરાવતીમાં મેડિકલ પ્રૉફેશનલની હત્યાની તપાસ કરશે.

ઉમેશ કોલ્હેની 11 દિવસ પહેલાં મહારાષ્ટ્રના અમરાવતીમાં હત્યા કરી દેવાઈ હતી.

ભાજપના કેટલાક નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે હત્યાના તાર નૂપુર શર્મા મામલા સાથે જોડાયેલા છે.

પોલીસ પ્રમાણે કેટલાક દિવસ પહેલાં ઉદયપુરમાં એક દરજીની હત્યા પણ આ જ મામલા સાથે જોડાયેલી હતી.

તેથી એનઆઈએ હવે તપાસ કરશે કે શું અમરાવતી અને જોધપુર મામલા વચ્ચે કોઈ સીધો સંબંધ છે ખરો? પોલીસે ઉમેશ કોલ્હે હત્યાકાંડમાં અત્યાર સુધી છ લોકોની ધરપકડ કરી છે.

અમરાવતીના ડીસીપી વિક્રમે ન્યૂઝ એજન્સી એએનઆઈએ જણાવ્યું કે ધરપકડ કરાયેલ લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 302, 120બી, અને 109 અંતર્ગત મામલો દાખલ કરાયો છે.

તેમણે કહ્યું, "પ્રથમ દૃષ્ટિએ લાગી રહ્યું છે તેમણે (ઉમેશ કોલ્હે) નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી આ કારણે આ ઘટના થઈ."

હત્યા કેવી રીતે થઈ?

ઉમેશ કોલ્હેની અમરાવતી તાલુકા કાર્યાલય પાસે રચનાશ્રી મૉલમાં અમિત વેટરનરી નામની એક મેડિકલ શૉપ છે.

21 જૂનની રાત્રે તેઓ પોતાની મેડિકલ શૉપ બંધ કરીને ઘરે જતા રહ્યા હતા. 51 વર્ષીય કોલ્હે એક ગાડીમાં હતા જ્યારે બીજી ગાડીમાં તેમના પુત્ર સંકેત અને પત્ની વૈષ્ણવી હતાં.

રાતના લગભગ સાડા દસ વાગ્યે ચાર-પાંચ હુમલાખોરોએ તેમને પકડી લીધા, ચપ્પુ વડે ઉમેશનું ગળું કાપી નાખ્યું અને ફરાર થઈ ગયા.

ઉમેશના દીકરા સંકેત તેમને નજીકની એક હૉસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા.

હુમલા સમયે ઉમેશ કોલ્હેના ખિસ્સામાં 35 હજાર રૂપિયા રોકડા હતા. પરંતુ હુમલાખોરોએ તેને હાથ પણ ન લગાવ્યો. તેથી હત્યા પૈસા લૂંટવા માટે કરાઈ હોવાની શક્યતા નહોતી, શરૂઆતની તપાસથી એ સ્પષ્ટ હતું.

ઉમેશના ભાઈએ શું કહ્યું?

ઉમેશ કોલ્હેના ભાઈ મહેશ કોલ્હેએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું, "ભાઈએ અમુક ગ્રૂપમાં નૂપુર શર્મા વિશેના કેટલાક મૅસેજ ફૉરવર્ડ કર્યા હતા. પરંતુ આટલું કરવા માત્રથી તેમની હત્યા થાય, તે વાતની સમજ નથી પડી રહી. અત્યાર સુધી અમને આ અંગે અન્ય કોઈ કારણ નથી દેખાઈ રહ્યું."

મહેશ કોલ્હેએ કહ્યું, "તેમની (ઉમેશ કોલ્હે) કોઈની સાથે ક્યારેય દુશ્મનાવટ નહોતી. અમને એ સમજ નથી પડી રહી કે હત્યા પાછળનું ખરું કારણ શું હોઈ શકે?"

"12 દિવસ થઈ ગયા પરંતુ પોલીસે અમને કોઈ કારણ નથી જણાવ્યું. અમે પોલીસને પૂછ્યું કે શું આ લૂંટનો મામલો છે તો પોલીસે કહ્યું કે લૂંટમાં શરીર પર ઘા કરાય છે, ગળા પર નહીં."

હવે અમરાવતી પોલીસે એક પૅમ્ફલેટ બહાર પાડ્યું છે જેમાં કહેવાયું છે કે ઉમેશ કોલ્હેએ નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી.

ઘટનાની તપાસમાં સામે આવ્યું છે કે ઘટનાની હવે આ સંબંધે કરાયેલ પોસ્ટની દિશામાં જ તપાસ કરાઈ રહી છે.

પોસ્ટ વાઇરલ થઈ

દવાની દુકાન ચલાવનાર ઉમેશ કોલ્હે 'બ્લૅક ફ્રીડમ' નામના એક વૉટ્સઍપ ગ્રૂપના સક્રિય સદસ્ય હતા.

આ ગ્રૂપમાં હિંદુ સમર્થક પોસ્ટ શૅર કરાતી હતી. અમુક દિવસ પહેલાં ઉમેશ કોલ્હેએ પણ નૂપુર શર્માના વિવાદિત નિવેનદના સમર્થનમાં એક પોસ્ટ કરી હતી.

અમરાવતી પોલીસને શંકા છે કે તે પોસ્ટ સમૂહ બહાર વાઇરલ થઈ હશે. ઉમેશ કોલ્હે પર તેના કારણે જ હુમલો થયો હતો, કારણ કે તેમણે 'ભૂલથી' તે એક મુસ્લિમ સમૂહને મોકલી દીધી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો