રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર ચૂંટાયા

  • રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર ચૂંટાયા
  • ભાજપ અને શિદે જૂથના ઉમેદવાર રાહુલ સુરેશ નાર્વેકરને 164 મળ્યા
  • શિવસેના અને મહાવિકાસ અઘાડીના ઉમેદવાર રાજન સાલ્વી સ્પીકરની ચૂંટણી હારી ગયા. સાલ્વીને 107 મતો મળ્યા હતા.

મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે સ્પીકરના પદ માટે ચૂંટણી યોજાઈ, જે ભાજપ અને શિદે જૂથના ઉમેદવાર રાહુલ સુરેશ નાર્વેકર 164 મતો સાથે જીતી. જોકે, વિજય હાંસલ કરવા માટે તેમને માત્ર 145 મતો જ જોઈતા હતા.

બીજી તરફ, શિવસેનાના નેતા અને મહાવિકાસ અઘાડીના ઉમેદવાર રાજન સાલ્વી સ્પીકરની ચૂંટણી હારી ગયા. સાલ્વીને 107 મતો મળ્યા હતા.

ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન એક-એક ધારાસભ્યને એમનો મત પૂછવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં નવી સરકારના ગઠન બાદ વિધાનસભામાં બે દિવસીય વિશેષ સત્રનો રવિવારે આરંભ થયો છે. આ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાઈ હતી.

આ દરમિયાન પાછલા 11 દિવસથી સુરત, ગૌહાટી અને ગોવા પહોંચેલા શિવસેનાના વિદ્રોહી ધારાસભ્યો મુંબઈ રવાના થઈ ચૂક્યા હતા.

આ ધારાસભ્યો સાથે કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે કડક સુરક્ષાવ્યવસ્થા કરાઈ છે.

શિવસેનાના રાજન સાલ્વી ઉમેદવાર

મહાવિકાસ અઘાડી તરફથી શિવસેનાના ધારાસભ્ય રાજન સાલ્વીને વિધાનસભાના અધ્યક્ષપદ માટે ઉમેદવાર બનાવાયા હતા.

મહાવિકાસ અઘાડીનાં ઘટક દળોની બેઠક શનિવારે મુંબઈમાં થઈ. તેમાં રાજાપુર વિધાનસભા બેઠકથી શિવસેનાના ધારાસભ્ય રાજન સાલ્વીના નામ પર સહમતી સધાઈ અને તેમણે આ ચૂંટણી માટે ફોર્મ ફરી દીધું.

મહાવિકાસ અઘાડીમાં કૉંગ્રેસ પાર્ટી પાસે વિધાનસભા અધ્યક્ષનું પદ હતું.

રાહુલ નાર્વેકર ભાજપના ઉમેદવાર

તો ભાજપે રાહુલ નાર્વેકરને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. રાહુલ નાર્વેકર કોલાબાથી ધારાસભ્ય છે.

નાર્વેકર પણ એક સમયે શિવસેનામાં હતા.

શિવસેના દ્વારા લોકસભા માટે તેમની ઉમેદવારી ખારિજ કરાયા બાદ તેઓ વર્ષ 2014માં એનસીપીમાં સામેલ થયા હતા. તેમણે તે સમયે માવલ સંસદીય ક્ષેત્રથી લોકસભાની ચૂંટણી લડી હતી, આ બાદ તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા.

જ્યારે મહાવિકાસ અઘાડી સરકાર સત્તામાં હતી, તે સમયે રાજ્યપાલે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીની પરવાનગી નહોતી આપી, તેથી મહાવિકાસ અઘાડી તરફથી તેમની ટીકા પણ થઈ રહી છે.

એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટિલે કહ્યું, "જ્યારે અમે સત્તામાં હતા, ત્યારે અમે રાજ્યપાલને વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી કરાવવા માટે કહી રહ્યા હતા પરંતુ તેમણે ચૂંટણી ન કરાવી."

શિવસેનાએ જાહેર કર્યો હતો વ્હિપ

શિવસેના તરફથી સુનીલ પ્રભુએ ત્રણ લાઇનનો વ્હિપ જાહેર કર્યો હતો. આ વ્હિપ શિવસેનાના 55 ધારાસભ્યો પર લાગુ થયો હતો.

રાજન સાલ્વીને મત આપવા માટે વ્હિપ જાહેર કરાયો હતો. શિવસેનાએ કહ્યું હતું કે પાર્ટી વિરુદ્ધ જનારા ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહી થશે.

થ્રી લાઇન વ્હિપને અત્યંત ગંભીર માનવામાં આવે છે, તે જાહેર કરાયા બાદ તેની અવહેલનાની સ્થિતિમાં સીધા જ અયોગ્યતાની કાર્યવાહી કરી શકાય છે.

તો ઉદ્ધવ ઠાકરેનું જૂથ કયો રસ્તો અપનાવે છે તેના પર બધાની નજર હતી.

એક તરફ એકનાથ શિંદે આ વિદ્રોહી ધારાસભ્યના બળ પર અલગ દળ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે અને બીજી તરફ શિવસેના તરફથી વિદ્રોહી ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની હિલચાલ શરૂ કરી દેવાઈ છે.

બંને જૂથો પોતપોતાના દાવા કરી રહ્યાં છે. હવે મામલો સુપ્રીમ કોર્ટમાં છે.

શું કહે છે પક્ષાંતર કાયદો?

પક્ષાંતર કાયદો એક માર્ચ 1985માં અસ્તિત્વમાં આવ્યો, જેથી પોતાની મનમરજી પ્રમાણે પાર્ટી બદલનારા ધારાસભ્યો અને સાંસદોને નિયંત્રણમાં રાખી શકાય.

1985 પહેલાં આ અંગે કોઈ કાયદો નહોતો. તે સમયે આવી પ્રવૃત્તિ કરનારા માટે 'આયારામ ગયારામ' શબ્દપ્રયોગ કરાતો.

1967માં હરિયાણાના એક ધારાસભ્ય ગયાલાલે એક દિવસમાં ત્રણ વખત પક્ષ બદલ્યો, જે બાદ 'આયારામ ગયારામ' શબ્દપ્રયોગ પ્રચલિત થયો. પરંતુ 1985માં રાજીવ ગાંધીના નેતૃત્વવાળી કૉંગ્રેસ સરકાર આના વિરુદ્ધ ખરડો લઈ આવી.

1985માં બંધારણમાં 10મી અનુસૂચિ જોડવામાં આવી.

આ બંધારણનું 52મું સંશોધન હતું. તેમાં ધારાસભ્યો અને સાંસદો દ્વારા પક્ષ બદલવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાદવામાં આવ્યું.

આ કાયદામાં એવી પણ સ્પષ્ટતા કરાઈ કે આવી પ્રવૃત્તિમાં સામેલ થનાર લોકોનું સભ્યપદ પણ રદ કરી શકાય છે.

ક્યારે ક્યારે લાગુ થાય છે પક્ષાંતર કાયદો?

  • જો કોઈ ધારાસભ્ય કે સાંસદ જાતે જ પોતાની પાર્ટીનું સભ્યપદ છોડી દે.
  • જો કોઈ ચૂંટાયેલ ધારાસભ્ય કે સાંસદ પાર્ટી લાઇન વિરુદ્ધ જાય.
  • જો કોઈ સભ્ય વ્હિપ છતાં વોટ ન કરે.
  • જો કોઈ સભ્ય ગૃહમાં પાર્ટીનાં નિર્દેશોનું ઉલ્લંઘન કરે.

ધારાસભ્ય કે સાંસદ બન્યા બાદ જાતે જ પાર્ટીનું સભ્યપદ છોડવું, પાર્ટી વ્હિપ કે પાર્ટી નિર્દેશનું ઉલ્લંઘન પક્ષાંતર ધારા અંતર્ગત આવે છે.

તેમાં અપવાદ પણ છે...

જો કોઈ પક્ષના બે-તૃતિયાંશ ધારાસભ્ય કે સાંસદ અન્ય પાર્ટી સાથે જાય, તો તેમનું સભ્યપદ રદ નહીં થાય.

વર્ષ 2003માં આ કાયદામાં સંશોધન પણ કરાયું. જ્યારે આ કાયદો બન્યો તો જોગવાઈ એવી હતી કે જો કોઈ મૂળ પાર્ટીનું વિભાજન થાય અને તેના એક-તૃતિયાંશ ધારાસભ્ય એક નવું ગ્રૂપ બનાવે, તો તેમનું સભ્યપદ રદ નહીં થાય.

પરંતુ તે બાદ મોટા પાયે આ પ્રવૃત્તિ થઈ અને એવું લાગવા માંડ્યું કે પાર્ટીમાં તૂટ પડવાની જોગવાઈનો લાભ ઉઠાવાઈ રહ્યો છે. તેથી આ જોગવાઈ ખતમ કરી દેવાઈ.

આ બાદ બંધારણમાં 91મું સંશોધન જોડવામાં આવ્યું. જેમાં વ્યક્તિગત જ નહીં, સામૂહિક પક્ષાંતરને ગેરબંધારણીય જાહેર કરી દેવાયું.

ધારાસભ્યો અમુક પરિસ્થિતિમાં સભ્યપદ ગુમાવવાથી બચી શકે છે. જો એક પાર્ટીના બે-તૃતિયાંશ સભ્ય મૂળ પાર્ટીથી અલગ થઈને બીજી પાર્ટીમાં ભળી જાય. તો તેમનું સભ્યપદ ખતમ નહીં થાય.

આવી સ્થિતિમાં ન તો બીજી પાર્ટીમાં વિલય કરનારા સભ્યો અને ના મૂળ પાર્ટીમાં રહેલ સભ્યોને અયોગ્ય ઠેરવી શકાય છે.

આ પરિસ્થિતિઓમાં નથી લાગુ થતો પક્ષાંતર ધારો

  • જ્યારે સમગ્ર રાજકીય પાર્ટી અન્ય રાજકીય પાર્ટી સાથે મળી જાય.
  • જો કોઈ પાર્ટીના ચૂંટાયેલ સભ્યો એક નવી પાર્ટી બનાવી લે.
  • જો કોઈ પાર્ટીના સભ્ય બે પાર્ટીનું વિલય સ્વીકાર ન કરે અને વિલય સમયે અલગ ગ્રૂપમાં રહેવાનું સ્વીકાર કરે.
  • જ્યારે પાર્ટીના બે-તૃતિયાંશ સભ્ય અલગ થઈને નવી પાર્ટીમાં સામેલ થઈ જાય.

સ્પીકરના નિર્ણયની થઈ શકે છે સમીક્ષા

10મી અનુસૂચિના પેરાગ્રાફ છ પ્રમાણે સ્પીકર કે ચૅરપર્સનનો નિર્ણય આ બાબતે અંતિમ રહેશે.

પેરાગ્રાફ સાતમાં કહેવાયું છે કે કોઈ કોર્ટ તેમાં દખલ ન કરી શકે. પરંતુ 191માં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 10મી અનુસૂચિને તો યોગ્ય ગણાવી પરંતુ સાતમા પેરાગ્રાફને ગેરબંધારણીય ઠરાવી દીધો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો