You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયાં
સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને આર.બી. શ્રીકુમારને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયાં છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, પલ્બિક પ્રોસિક્યૂટર અમિત પટેલે કહ્યું કે ગુજરાત પોલીસે બંનેના રિમાન્ડ વધારવાની માગ નથી કરી. પોલીસે કોર્ટમાં તેમને ન્યાયિક કસ્ટડીમાં રાખવાની અપીલ કરી હતી.
સેતલવાડે કહ્યું છે કે જેલમાં રમખાણોના આરોપીઓ છે અને તેમના જીવને જોખમ છે. તો રાજ્ય તરફથી તેમની આ અરજીનો વિરોધ કરાયો હતો.
શ્રીકુમારે કોર્ટને કહ્યું હતું કે સીઆરપીસીની કલમ 164 હેઠળ તેમનું નિવેદન નોંધવામાં આવે, જોકે રાજ્ય તરફથી તેમની આ માગનો વિરોધ કરાયો હતો.
તિસ્તાએ કોર્ટને કહ્યું કે તેમને 'ભારતના બંધારણનું ઘડતર' પુસ્તક જેલમાં લઈ જવા દે. તેમણે કહ્યું કે મને વાંચનની ટેવ છે.
તિસ્તા સેતલવાડની ગુજરાત ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે મુંબઈથી અટકાયત કરી હતી અને બાદમાં તેમની ધરપકડ કરાઈ હતી.
તિસ્તા સહિત રાજ્યના પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમાર અને બરતરફ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે પણ ગુજરાત પોલીસ દ્વારા 'નિર્દોષોને ફાંસીની સજા થાય તેવા કેસમાં ફસાવવાના' આરોપસર ફરિયાદ દાખલ કરાઈ હતી.
મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાત રમખાણ મામલે SITના રિપોર્ટ વિરુદ્ધની ઝકિયા જાફરીની અરજી નકારી દેતાં સુપ્રીમ કોર્ટે એવાં અવલોકન કર્યાં હતાં કે આ કેસ 'અન્ય દ્વારા પ્રેરિત' હતો, તેમજ તેમાં ભૂમિકા ભજવનાર તમામ પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે બાદ અમિત શાહ અને રવિશંકર પ્રસાદે સંબંધિત મામલે તિસ્તાનો હાથ હોવાનાં નિવેદનો આપ્યાં હતાં અને અમુક કલાકોમાં જ ગુજરાત પોલીસે આ કાર્યવાહી કરી હતી.
તિસ્તાની ધરપકડ કેમ કરાઈ હતી?
વર્ષ 2002નાં ગુજરાત રમખાણોમાં એ વખતના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય 63 વ્યક્તિઓને SIT દ્વારા અપાયેલી ક્લીનચિટને પડકારતી અરજી શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
કૉંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં હુલ્લડમાં 69 લોકો મૃત્યુ પામ્યાં હતાં.
અહેસાન જાફરીનાં વિધવા ઝકિયા જાફરીએ આ અને અન્ય મામલે નરેન્દ્ર મોદી તથા અન્ય કથિત કાવતરાખોરોની ભૂમિકા મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા અપાયેલી ક્લીનચિટને પડકારી મામલાની પુન:તપાસ માટે અરજી કરી હતી.
ઝકિયા જાફરીનો આરોપ હતો કે નરોડા પાટિયા, નરોડા ગામ અને ગુલબર્ગ સોસાયટી જેવા કેસ 'એક મોટા કાવતરા'નો ભાગ હતા. તિસ્તા સેતલવાડ વર્ષોથી ઝકિયા જાફરી સાથે આ કેસ મામલે ઊભાં હતાં. તેઓ ઉપરોક્ત અરજીમાં કોપિટિશનર પણ હતાં.
આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટે આ મામલે રચાયેલ SIT સમક્ષ તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી, અન્ય નેતાઓ, આગેવાનો અને અધિકારીઓ સામે 'મોટા ષડ્યંત્ર'માં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયેલી ફરિયાદ વિશે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે નોંધ્યું હતું તેના આધારે આ ત્રણ વ્યક્તિઓએ અરાજકતા ફેલાવવા અને નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવા માટે ષડ્યંત્ર રચ્યું હતું. જેથી આ ફરિયાદ કરવામાં આવી છે અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.
આર. બી. શ્રીકુમાર
શ્રીકુમારની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગત શનિવારના રોજ કરી હતી.
શુ્ક્રવારે 2002નાં રમખાણોના મામલે નરેન્દ્ર મોદી તથા અન્યોને મળેલી ક્લીનચિટને પડકારતી ઝકિયા જાફરીની અરજી પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શનિવારે ક્રાઇમ બ્રાન્ચે તેમને સમન્સ પાઠવ્યા હતા અને જ્યારે તેઓ ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા ત્યારે તેમની ધરપકડ કરી લેવાઈ હતી.
પોતાની ઇમાનદારી માટે ઓળખાતા આ પોલીસ અધિકારીની આ ધરપકડ વિશે સાંભળીને અનેક લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.
તેમની ઉપર આરોપ છે કે "તેમણે પોતાની નોકરી દરમિયાન મળેલી સરકારી માહિતી બહાર પાડી હતી, તેની સાથે-સાથે પોલીસની નોકરી થકી મળેલી સત્તાનો દુરુપયોગ કર્યો હતો અને તિસ્તા સેતલવાડ તેમજ સંજીવ ભટ્ટ સાથે મળીને તેમણે સરકારને બદનામ કરવા માટે એક કાવતરું રચ્યું હતું."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો