You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ચંદનચોર 'પુષ્પા ગૅંગ' જે મહિલાઓ અને બાળકોની મદદથી ચલાવતી હતી લાખોની લૂટ
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતનાં ગામડાંના પાદરે તંબુ બાંધીને જડીબુટ્ટી અને કાંસકા વેચવાના બહાને ગામમાં વાવેલા ચંદનના ઝાડ ચોરી કરનારી મધ્ય પ્રદેશની 'પુષ્પા ગૅંગ'ના સભ્યો પોલીસના સકંજામાં આવી ગયા છે.
આ ગૅંગ સાથે મહિલાઓ અને બાળકો પણ હતા.
સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને બાદમાં ઉત્તર ગુજરાતમાં ચંદનનાં ઝાડ ઉગાડવાની શરૂઆત થઈ છે. તાજેતરમાં જ નિવૃત્ત થયેલા ગુજરાતના ચીફ ફૉરેસ્ટ ઑફિસર સંજીવ ત્યાગી જણાવે છે કે ચંદનના ભાવ વધુ છે અને તેની ચોરી કરવા માટે અન્ય રાજ્યોમાંથી ચોરોની ટોળકી ગુજરાત આવતી હતી.
તેઓ કહે છે, "ચોરોની આ ટોળકી ઝાડ કાપીને તેના ટુકડા કરીને અન્ય રાજ્યોમાં લઈ જતી હતી. જેથી ચોરી અટકાવવા અમે રાજપીપળા અને સૌરાષ્ટ્રનાં જંગલોમાં લોખંડના ગાર્ડ મૂકવાનું શરૂ કર્યું હતું."
ચંદનની ખેતીથી ખેડૂતોને ફાયદો થાય તે માટે સરકારે જંગલ સિવાયની ખાનગી જગ્યામાં પણ ચંદનના ઝાડ ઉગાડવાની મંજૂરી આપી હતી.
ગુજરાતમાં સૌથી પહેલાં સૌરાષ્ટ્ર અને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં ચંદનનાં ઝાડ ઉગાડવાની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ ઉત્તર ગુજરાતમાં ચંદનના ઝાડ ઊગવાના શરૂ થયા હતા.
આ વિશે વાત કરતાં સંજીવ ત્યાગી કહે છે, "સરકારે મંજૂરી આપ્યા બાદ ઉત્તર ગુજરાતમાં પણ ચંદનના ઝાડ ઉગાડવાની શરૂઆત કરવામાં આવી હતી. જોકે, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચંદન ચોરીને અટકાવવા માટે સઘન પ્રયાસો થતાં ચંદન ચોરોએ ઉત્તર ગુજરાત ભણી મીટ માંડી હતી."
પુષ્પા ફિલ્મની પ્રિન્ટ ધરાવતા શર્ટ અને કમરમાં બાંધેલું લાલ કપડું
ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના જિલ્લા પોલીસ અધિક્ષક વિશાલ વાઘેલા કહે છે કે, "છેલ્લા અઢી મહિનામાં સાબરકાંઠા અને અરવલ્લીમાં ચંદનનાં ઝાડ ચોરી થયાં હોવાની સાત ફરિયાદ આવી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "આ એક લાલબત્તી હતી. જેથી અમે અગાઉ થયેલી ચંદનચોરીનો ઇતિહાસ કાઢ્યો અને તેમાં પકડાયેલા આરોપીઓનો ભૂતકાળ, મોડસ ઑપરેન્ડી જાણી. તેઓ ચોરી માટે જે રસ્તાનો ઉપયોગ કરતા હતા, ત્યાં રેકી કરી અને શકમંદો પર નજર રાખવાનું શરૂ કર્યું."
પોલીસે વનવિભાગ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈને રસ્તાઓ પર સઘન ચૅકિંગ કર્યું હતું.
વિશાલ વાઘેલા જણાવે છે, "તાજેતરમાં જંગલના એક આંતરિયાળ રસ્તા પર એક બાઇક પર ત્રણ લોકો જઈ રહ્યા હતા. તેમનાં કપડાં પણ વિચિત્ર હતાં. તેમના શર્ટ પર 'પુષ્પા' ફિલ્મના હીરોના ફોટા પ્રિન્ટ કરેલા હતા અને કમર પર લાલ કપડું બાંધેલું હતું."
તેઓ વધુમાં કહે છે, "બાઇકની નંબરપ્લેટ ગુજરાતની હોવાથી શરૂઆતમાં તેમના પર શક ન ગયો પરંતુ તેમણે કમર પર બાંધેલા એકસરખા લાલ કપડાં પર શંકા ગઈ. તેમની પૂછપરછ કરી તો હિંદીમાં વાત કરવા લાગ્યા. જેના કારણે શંકા પ્રબળ થઈ."
"તેમની કમર પર બાંધેલું લાલ કપડું ખોલાવતા તેમાંથી ઝાડ કાપવાનાં ઓજારો નીચે પડ્યાં. આ ઓજારો છૂટા કરીને તેમણે લાલ કપડામાં સંતાડ્યાં હતાં. વધુ પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે તેઓ જંગલ અને ખાનગી ખેતરોમાંથી ચંદનનાં ઝાડ કાપીને તેના નાના ટુકડા કરીને ઉત્તર પ્રદેશમાં વેચતા હતા."
સંક્ષિપ્તમાં: પુષ્પા ગૅંગની મોડસ ઑપરેન્ડી
- કોઇને શક ન થાય તે માટે ગામના પાદરે તંબુ બાંધીને રહેતા
- દિવસે ગૅંગની મહિલા અને બાળકો આસપાસમાં ચંદનનાં વૃક્ષોની રેકી કરતાં
- રાત્રે ગૅંગના પુરુષો ચંદનના ઝાડ કાપવા જતા ત્યારે તંબુ પાસે ખાડો ખોદીને રાખવામાં આવતો
- ચંદનનાં ઝાડના નાના ટુકડા કરીને રાત્રે ખાડામાં દાટી દેવામાં આવતા
- બીજા દિવસે ચંદનના લાકડા સાથે ગામ છોડી દેતા
- બાળકો અને મહિલાઓને લાકડાં વેચવા માટે ઉત્તર પ્રદેશ મોકલવામાં આવતાં હતાં
ચંદન તસ્કરીમાં મહિલા અને બાળકોનો ઉપયોગ
આ આરોપીઓની મૉડસ ઑપરેન્ડી વિશે વિશાલ વાઘેલા કહે છે, "પોલીસ અને સામાન્ય લોકોની નજરથી બચવા માટે આ લોકો એક નવી જ મૉડસ ઑપરેન્ડીથી ઑપરેટ કરતા હતા. આ લોકો વિવિધ ગામડાઓના પાદરે તંબુ નાખીને રહેતા હતા અને તેમાંથી જડીબુટ્ટી વેચવાનો ધંધો કરતા હતા."
"આ ટોળકીની મહિલાઓ અને બાળકો વિવિધ કટલરીનો સામાન વેચવા માટે આસપાસના ગામડામાં જતા અને ચંદનના વૃક્ષોની રેકી કરીને આવતા હતા. રાત પડે ત્યારે પુરુષો ચંદન ચોરી કરવા જતા અને બાળકો તેમજ મહિલાઓ તંબુ પાસે ખાડો ખોદીને રાખતી હતી."
જ્યારે પુરુષો ચંદનનાં લાકડાં ચોરી કરીને લાવે ત્યારે તેઓ તેના ટુકડા કરીને આસપાસના ખાડામાં દાટી દેતા હતા અને બીજા દિવસે ગામ છોડીને ચાલ્યા જતા હતા.
ચંદનનાં લાકડા ચોરી કર્યા બાદ તેઓ શું કરતા હતા? આ પ્રશ્નના જવાબમાં વિશાલ વાઘેલા જણાવે છે, "રાત્રિ દરમિયાન જ ચંદનનાં લાકડાંનાં નાનાં ટુકડા કરતા હતા. જેને આ ટોળકીની મહિલાઓ અને બાળકો સાથે ઉત્તર પ્રદેશ મોકલી દેવાતા હતા."
તેઓ વધુમાં જણાવે છે, "તેમનાં થેલામાં કટલરીનો સામાન, જડીબુટ્ટી સહિતનો સામાન હોવાથી જ્યારે પણ તેમને તપાસ કે પૂછપરછ માટે રોકવામાં આવતા તો તેઓ બચી જતા હતા."
આ ટોળકી દ્વારા અત્યાર સુધીમાં કેટલા ચંદનની ચોરી કરવામાં આવી હતી? આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, "અઢી મહિનામાં આ લોકોએ જેટલાં લાકડાંની ચોરી કરી હતી તેના ટુકડા કરીને બે મહિલા અને બે બાળકો સાથે ઉત્તર પ્રદેશ મોકલી આપ્યા છે. આ સિવાય હિંમતનગરની બહાર ખાડો ખોદીને રાખેલાં સાડા ચાર લાખ રૂપિયાનાં ચંદનનાં લાકડાં અમે જપ્ત કર્યાં છે."
આ ટોળકી મધ્ય પ્રદેશમાં 'પુષ્પા ગૅંગ' તરીકે પ્રખ્યાત છે. તેઓ પ્રતિકિલો છ હજારથી વધુ કિંમત ધરાવતા ચંદનનાં લાકડાં વેચીને લાખો રૂપિયા કમાતા હોય છે. સાબરકાંઠાના પોલીસ અધિક્ષક વિશાલ વાઘેલા મુજબ પુષ્પા ગૅંગની ખાસિયત એ છે કે તેઓ તાજેતરમાં આવેલી ફિલ્મ પુષ્પાના હીરોની પ્રિન્ટ ધરાવતાં શર્ટ પહેરે છે.
તેઓ વધુમાં કહે છે, "ઉત્તર પ્રદેશમાં આ ગૅંગ પાસેથી ચંદનનાં લાકડાં વેચવાં મોકલેલી મહિલા અને બાળકો તેમજ લાકડાં ખરીદનારા સમીર નામની વ્યક્તિને પકડવા માટે અમે એક ટીમ મોકલી છે."
'ગુજરાતમાં 70 ટકા ચંદનના ઝાડ સરકારની માલિકીનાં'
ચંદનનાં ઝાડ 'રિઝર્વ ટ્રી'ની કૅટેગરીમાં આવતા હોવાથી તેને ખાનગી જગ્યામાં ઉગાડેલા ઝાડ કાપતા પહેલાં વનવિભાગની મંજૂરી અનિવાર્ય છે. સાબરકાંઠાના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર હર્ષ ઠક્કર કહે છે કે આ ઝાડ કાપવાની મુદ્દત 16 જૂન સુધીની હોય છે.
તેઓ કહે છે, "ચોરીના કિસ્સા વધતા આ વર્ષે અમે ઝાડ કાપવાની વધુ પરવાનગી આપી છે. ચોરીના કિસ્સા વધતા અમે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની જેમ તેની સુરક્ષા પર વધુ ધ્યાન આપીશું."
ગુજરાતમાં ચંદનનાં વૃક્ષોની સંખ્યા વિશે હર્ષ ઠક્કર જણાવે છે, "કોરોનાને લીધે છેલ્લાં બે વર્ષથી સરવે થયો નથી પરંતુ આ વર્ષે જૂન મહિના બાદ સરવે શરૂ કરાશે. જોકે, એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતમાં 70 ટકા ચંદનનાં ઝાડ સરકારની માલિકીનાં અને 30 ટકા ખાનગી માલિકીનાં છે."
રિટાયર્ડ ફૉરેસ્ટ ઑફિસર સંજીવ ત્યાગી કહે છે, "ખેરના ઝાડ જે વિસ્તારમાં ઊગતા હોય છે, તે વિસ્તાર ચંદનનાં ઝાડને માફક આવે છે. આ ઝાડ વર્ષોની પ્રક્રિયાથી પથ્થરમાંથી બનેલી રેતીમાં ઝડપથી ઊગે છે."
તેમના કહેવા પ્રમાણે, "ગુજરાતમાં ચંદનની ખેતી વધી છે. પહેલાં ઓછાં ઝાડ અને સઘન બંદોબસ્તના કારણે ચોરીની ઘટના ઓછી બનતી હતી પરંતુ હવે ખેતી વધતાં અને ખેડૂતો પોતાના ઝાડ સુરક્ષિત ન રાખતા હોવાથી ચોરીનું પ્રમાણ વધ્યું છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો