You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદીની જેમ કેજરીવાલને પણ કૉંગ્રેસે 'જુમલાવીર, ઘોષણાવીર અને પ્રચારવીર' કેમ ગણાવ્યા?
કૉંગ્રેસે દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર પર વચન મુજબ રોજગાર ન આપવાનો આરોપ લગાવીને નિશાન સાધ્યું છે.
કૉંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને પીએમ નરેન્દ્ર મોદીની જેમ જ 'જુમલાવીર, ઘોષણાવીર, પ્રચારવીર' ગણાવ્યા છે.
કૉંગ્રેસે અરવિંદ કેજરીવાલ અને પીએમ મોદી બંને પર લોકોને મોટાં સપનાં બતાવીને છેતરવાનો આરોપ પણ લગાવ્યો છે.
કૉંગ્રેસે 'આપ' પર ભાજપના માર્ગ પર ચાલવાનો આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો છે કે AAPએ દિલ્હીમાં 10 લાખ નોકરીનો દાવો કર્યો હતો, પરંતુ તેણે માત્ર 12,588 નોકરી જ આપી હતી.
કૉંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના પ્રમુખ પવન ખેડાએ રવિવારે આયોજિત પ્રેસ-કૉન્ફરન્સમાં ફેક ન્યૂઝને લઈને મીડિયા અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
પવન ખેડાએ આરોપ લગાવ્યો કે, "ફેક ન્યૂઝ એ ભાજપ અને મીડિયાના એક વર્ગ વચ્ચેની મિલીભગત છે."
પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, "18 કલાક જાગીને જુઠ્ઠાણું ફેલાવવાનું કામ કરવામાં આવે છે. આથી 18 કલાક જાગતા રહેનારાથી સાવધાન રહો."
પવન ખેડાએ દાવો કર્યો, "આજ પછી જો એક પણ વ્યક્તિ અમારી પાર્ટી, અમારા નેતા અથવા અમારી વિરાસત વિરુદ્ધ તથ્યોને તોડી મરોડીને રજૂ કરશે, ભ્રામક માહિતી આપીને કૉંગ્રેસ અથવા અમારા નેતાઓની છબીને બગાડવાનો પ્રયાસ કરશે, તો તેણે ઘણી પેઢીઓ સુધી આ યાદ રાખવું પડશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બનાસકાંઠા : મુસ્લિમ વેપારીનો માલ ખરીદવા પર પ્રતિબંધ લગાવાયો?
બનાસકાંઠાના વઘાસણ ગામમાં ગ્રૂપ ગામ પંચાયતનાં ભૂતપૂર્વ સરપંચે ગ્રામજનોને મુસ્લિમ વેપારીઓ પાસેથી માલ ન ખરીદવા અંગે આદેશ જારી કર્યો હતો.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર જિલ્લા વહીવટી તંત્રે આ આદેશ બાબતે સ્પષ્ટતા કરી છે.
સ્પષ્ટતામાં કહેવાયું છે કે આદેશ જાહેર કરનાર મફીબહેન પટેલ, એ ગામનાં ભૂતપૂર્વ સરપંચ છે, તેથી આ આદેશ આમ પણ લાગુ નહીં થાય.
આ આદેશમાં લખાયું હતું કે ઉદયપુરમાં હિંદુ દરજીની હત્યા સંદર્ભે આ આદેશ કરાઈ રહ્યો છે.
ડિસ્ટ્રિક્ટ ડેવલપમૅન્ટ ઑફિસર સ્વપ્નિલ ખરેએ આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, "આ સમગ્ર મામલો અમારા ધ્યાને શનિવાર બપોરે આવ્યો. મફીબહેન 11 મહિના પહેલાં સરપંચ હતાં. અમે આ મામલે સ્પષ્ટતા કરી દીધી છે કે પૂર્વ સરપંચના લેટરપૅડ પર કરાયેલ આદેશ એ પંચાયતનો આદેશ નથી."
ઉપરાંત આ અંગે સ્થાનિક પોલીસ અધિકારીને પણ તપાસ કરવા કહેવાયું છે, તેમજ જરૂરી લાગે તો કાયદાકીય કાર્યવાહી કરવાના પણ આદેશ અપાયા છે.
કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે
ધ હિંદુના એક અહેવાલ અનુસાર આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારથી બે દિવસ સુધી ગુજરાતની મુલાકાતે હશે.
આ દરમિયાન તેઓ મફત વીજળી મુદ્દે ટાઉનહૉલ મિટિંગ યોજવાના છે. તેમજ તેઓ આ મુલાકાત દરમિયાન પક્ષના નવા હોદ્દાધારકોને શપથ પણ લેવડાવશે.
નોંધનીય છે કે તાજેતરમાં જ ગુજરાત આપ દ્વારા પ્રદેશપ્રમુખ સિવાય પાર્ટીના સમગ્ર સંગઠનનું રિસ્ટ્રક્ચરિંગ કરાયું હતું.
આપના નેશનલ જૉઇન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ આ મુલાકાત અંગે જણાવ્યું હતું કે, "આ મુલાકાત દરમિયાન કેજરીવાલ આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પાર્ટીના કાર્યકરોનું મનોબળ વધારશે."
નોંધનીય છે કે પાછલા ઘણા સમયથી ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ મોંઘી વીજળી અને રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા અંગે ગુજરાત ભાજપ સામે સવાલ ઊભા કરી રહ્યા છે.
નરેન્દ્ર મોદી લોકશાહીની હત્યા કરી રહ્યા છે - કે. ચંદ્રશેખર રાવ
તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર લોકશાહી અને સંઘીય વ્યવસ્થાની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.
ટીઆરએસ પાર્ટીએ એક બેઠક આયોજિત કરી હતી, જેને સંબોધિત કરતાં કે ચંદ્રશેખર રાવે કહ્યું, "આપ (નરેન્દ્ર મોદી) દરરોજ લોકશાહી અને સંઘીય વ્યવસ્થાની હત્યા કરી રહ્યા છો. તમે એ સરકારને નીચે લઈ જઈ રહ્યા છો જે તમારી નથી સાંભળતી. જેઓ તમારી વાત નથી સાંભળતા તેમનું દમન કરાઈ રહ્યું છે."
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે તેમણે કહ્યું કે, "પીએમ મોદીની તાનાશાહી દરરોજ વધતી જઈ રહે છે જે દેશ માટે ખતરા સમાન છે. રાજકીય પરિવર્તન થશે કારણ કે કોઈ હંમેશાં માટે નથી. વડા પ્રધાન મોદી કદાચ સ્વપ્ન જોઈ રહ્યા છે કે તેઓ હંમેશાં માટે રહેશે, જે સત્ય નથી."
કે. ચંદ્રશેખર રાવે વડા પ્રધાન મોદી પર બંધારણીય સંસ્થાઓના ખોટા ઉપયોગનો પણ આરોપ લગાવ્યો.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર વિરુદ્ધ બોલનારા લોકો વિરુદ્ધ સરકારી એજન્સીઓનો ઉપયોગ કરાઈ રહ્યો છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો