કૃષિકાયદા પરત ખેંચાયાના સાત મહિના બાદ ખેડૂતો ફરી નવા આંદોલનની તૈયારી કરી રહ્યા છે?

    • લેેખક, અરવિંદ છાબરા
    • પદ, બીબીસી સંવાદદાતા, ચંદીગઢ
  • ખેડૂતોએ આંદોલન સંકેલ્યું તેના સાત મહિના પછી પણ સરકાર તેમની માગણીઓ પૂરી કરી શકી નથી.
  • ખેડૂતોએ હવે પછીની રણનીતિ નક્કી કરવા દિલ્હી નજીક ગાઝિયાબાદમાં ખેડૂત નેતાઓની બેઠક બોલાવી.
  • આ બેઠકના પગલે વધુ એક ખેડૂત આંદોલનની શક્યતા નકારી શકાતી નથી.
  • અમે ખેડૂત આગેવાનો બસ સમય અને સ્થળ નક્કી કરે તેની રાહ જોઈ રહ્યા છીએ. અમે તૈયાર છીએ : એક ખેડૂત

ઉત્તર ભારતના પંજાબ રાજ્યમાં બચિત્તરકોર અને તેમના ગામનાં અન્ય મહિલાઓએ કહ્યું કે પ્રથમ ખેડૂત આંદોલન વખતે તેમનામાં ભય, ગુસ્સો અને ઘણી બધી અનિશ્ચિતતા હતાં.

2020માં કેન્દ્ર સરકારે પસાર કરેલા નવા કૃષિકાયદાના વિરોધમાં હજારો ખેડૂતો સાથે તેમણે રાજધાની દિલ્હીની સરહદો પર આંદોલન છેડ્યું હતું.

આંદોલનકારીઓ એક વર્ષ સુધી દિલ્હીની સરહદે બેસી રહ્યા હતા અને ઉનાળાની આકરી ગરમી, શિયાળાની કડકડતી ઠંડી અને કોવિડની ઘાતક બીજી લહેર... આ તમામ અવરોધો સામે બહાદુરીપૂર્વક લડ્યા હતા.

બચિત્તરકોર કહે છે, "મેં મારા મિત્રો અને સંબંધીઓને કહ્યું હતું કે હું વિરોધ કરતાં મરી જઈશ, પરંતુ આ કૃષિકાયદાઓ લાગુ થવા દઈશ નહીં."

નિવૃત્ત શિક્ષક બચિત્તર કહે છે કે ઘરની શીળી છાંયડી છોડીને ટ્રેક્ટરની ટ્રોલીમાં શેરીઓમાં રહેવું સરળ નહોતું. "પરંતુ અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો, એ કૃષિકાયદાઓ અમારા માટે પ્રાણઘાતક હતા."

મહિનાઓ સુધી સરકાર કહેતી રહી કે કાયદા ખેડૂતો માટે સારા છે અને તેમને પાછા ખેંચવાનો કોઈ પ્રશ્ન જ નથી.

અધિકારીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે મંત્રણાના ઘણા રાઉન્ડ બાદ પણ મડાગાંઠ ન ઉકેલાઈ. સરકાર દ્વારા પ્રદર્શનો પર રોક લગાવવામાં આવતાં કેટલાય ખેડૂતોનાં મોત થયાં અને ઘણાની ધરપકડ કરવામાં આવી.

પરંતુ 19 નવેમ્બરના રોજ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક યૂ-ટર્ન લઈને કૃષિકાયદાને રદ કરવાની જાહેરાત કરી ત્યારે મોરચો સંકેલાયો. કૃષિકાયદા પાછા ખેંચવા 30 નવેમ્બરે સંસદમાં સત્તાવાર રીતે બિલ પસાર કરવામાં આવ્યું હતું.

સરકાર હજુ માગણીઓ પૂરી કરી શકી નથી

જોકે ખેડૂતોએ તરત જ મેદાન છોડ્યું ન હતું. ખેડૂતોએ કહ્યું હતું કે જ્યાં સુધી સરકાર તેમની અન્ય માગણીઓ માટે સંમત ન થાય ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. જેમાં મુખ્ય પાક માટે ટેકાના ભાવનો સમાવેશ થતો હતો.

થોડા દિવસો બાદ સરકારે આનો પણ સ્વીકાર કર્યો, જેનાથી વર્ષભરના આંદોલનનો અંત આવ્યો.

બચિત્તરકોર તેને પોતાના જીવનની "અતિ વિશિષ્ટ" ક્ષણ તરીકે યાદ કરે છે.

જોકે ખેડૂતોએ આંદોલન સંકેલ્યું તેના સાત મહિના પછી પણ સરકાર તેમની માગણીઓ પૂરી કરી શકી નથી.

હવે પછીની રણનીતિ નક્કી કરવા માટે ખેડૂત નેતાઓએ 3 જુલાઈએ બેઠક બોલાવી છે. આ બેઠક દિલ્હી નજીક ગાઝિયાબાદ શહેરમાં યોજાવાની છે અને તેમાં જેમણે વિરોધનું નેતૃત્વ કરનારા રાકેશ ટિકૈત સહિત અગ્રણી ખેડૂત નેતાઓ હાજર રહેશે.

આ બેઠકના પગલે વધુ એક ખેડૂત આંદોલનની શક્યતા નકારી શકાતી નથી.

બચિત્તરકોર કહે છે, "અમે ખેડૂત આગેવાનો બસ સમય અને સ્થળ નક્કી કરે તેની રાહ જોઈ રહ્યા છીએ. અમે આગળ જે નિર્ણય આવે તેના માટે તૈયાર છીએ."

આંદોલનની શરૂઆત નવેમ્બર 2020માં થઈ હતી. સરકારે ખેતપેદાશોના વેચાણ, કિંમત અને સંગ્રહ અંગેના નિયમોને ઢીલા કરતા ત્રણ કાયદા રજૂ કર્યા પછી હજારો ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી હતી.

આંદોલનકારીઓની સૌથી મોટી ચિંતા પૈકીની એક એ હતી કે નવા કાયદાથી ખેડૂતોને તેમની પેદાશો સીધી ખાનગી કંપનીઓ, કૃષિ-વ્યવસાયો, સુપરમાર્કેટ ચેન અને ઑનલાઇન કરિયાણાને બજાર ભાવે વેચવાની છૂટ મળી હતી.

મોટા ભાગના ભારતીય ખેડૂતો હાલમાં તેમની પેદાશો સરકાર દ્વારા નિયંત્રિત જથ્થાબંધ બજારો અથવા મંડીઓમાં ટેકાના ભાવે વેચે છે (જેને એમએસપી તરીકે પણ ઓળખવામાં આવે છે).

સરકારે દલીલ કરી હતી કે કાયદાઓ ખેતીને વધુ નફાકારક બનાવશે પરંતુ ખેડૂતો આ મત સાથે સંમત નહોતા. તેઓએ કહ્યું કે કાયદાઓ તેમને મોટી કંપનીઓની રહેમ પર છોડી દેશે અને તેઓ જ કિંમતો નક્કી કરશે.

ટેકાના ભાવ માટે સમિતિ ક્યાં?

સરકારે આખરે કૃષિકાયદાને પાછા ખેંચવાની જાહેરાત કરી, ત્યારે તેણે ટેકાના ભાવ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂત જૂથોના પ્રતિનિધિઓને સમાવતી એક સમિતિ બનાવવાનું વચન આપ્યું હતું.

કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે બે મહિના પહેલાં લોકસભામાં જણાવ્યું હતું કે સરકાર પૅનલની સ્થાપના કરવાની પ્રક્રિયામાં છે.

પરંતુ કેન્દ્ર સરકારનાં સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે આવું થયું નથી. તેઓએ જણાવ્યું હતું કે સરકારે ખેડૂત આગેવાનોને પેનલ માટે તેમનાં સભ્યોનાં નામ આપવા કહ્યું હતું, પરંતુ ખેડૂતોએ સરકારનો "ઈરાદો સ્પષ્ટ નથી" એમ કહીને તેમ કરવાનો ઇનકાર કર્યો હતો.

પંજાબનાં સૌથી મોટાં ખેડૂત સંગઠનોમાંના એક ભારતીય કિસાન યુનિયન (બીકેયુ) ઉગ્રહણના પ્રમુખ જોગીન્દરસિંહ ઉગ્રહણ કહે છે, "સરકારે કેટલાક પાકો પર એમએસપીની જાહેરાત કરી છે, પરંતુ તે બધાં રાજ્યોમાં ઉપલબ્ધ થશે કે કેમ તે પણ જોવાનું બાકી છે. તેમણે પહેલાં અમને બેઠકનો ઍજેન્ડા જણાવવો પડશે અને તેઓ એમએસપીની આસપાસની નીતિ કેવી રીતે ઘડવાની યોજના ઘડી રહ્યા છે તે પણ જણાવવું પડશે."

ટેકાના ભાવ ઉપરાંત, ખેડૂત નેતાઓએ અન્ય ઘણી માગણીઓ રજૂ કરી હતી, જેમાં આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિજનોને વળતર, ડાંગરનું ભૂસું સળગાવવા બદલ તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે છે તે બંધ કરવી અને આંદોલનકારીઓ સામે નોંધાયેલા ફોજદારી કેસ પાછા ખેંચવા સહિતની માગણીઓ સામેલ છે.

જોગીન્દરસિંહ ઉગ્રહણ કહે છે કે નવેમ્બરમાં કૃષિકાયદાઓ પાછા ખેંચ્યા પછી, કૃષિ સચિવે જેણે આંદોલનનું નેતૃત્વ કર્યું હતું તે ખેડૂત સંગઠનોની છત્ર સંસ્થા સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)ને પત્ર લખ્યો હતો અને તેમને ખાતરી આપી હતી કે તેઓ આ માગણીઓનું પાલન કરશે.

જોગીન્દરસિંહ કહે છે કે, કેટલીક શરતો પૂરી કરવામાં આવી છે, ઘણાં રાજ્યોએ ખેડૂતોને નાણાકીય વળતર આપ્યું છે, જ્યારે આંદોલનકારીઓ સામેના ફોજદારી કેસો વિવાદાસ્પદ મુદ્દો છે.

મોટા ભાગના કેસો હરિયાણા રાજ્યમાં નોંધાયા હતા, કારણ કે વિરોધસ્થળો મુખ્યત્વે તેના અધિકારક્ષેત્રમાં આવતાં હતાં.

હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે બીબીસીને જણાવ્યું કે સરકારે મોટા ભાગના કેસ પાછા ખેંચી લીધા છે. તેમણે કહ્યું, "આંદોલન દરમિયાન કુલ 272 કેસ નોંધાયા હતા, જેમાંથી 82 પાછા ખેંચી લેવામાં આવ્યા છે." પરંતુ ખેડૂતો સ્વીકારતા નથી.

જોગીન્દરસિંહ કહે છે, "આ માત્ર એક રાજ્ય છે. અમે હજુ પણ (કેન્દ્ર સરકાર તરફથી) વિવિધ રાજ્યો દ્વારા નોંધાયેલા કેસોની સંખ્યા અને તેમાંથી કેટલા કેસ પાછા ખેંચાયા તેની વિગતોની રાહ જોઈ રહ્યા છીએ."

પંજાબની ચૂંટણીમાં હાર

પરંતુ ખેડૂતો સંભવિત રીતે બીજા આંદોલનનો મુદ્દો શું હોઈ શકે તેની તૈયારીમાં હોવા છતાં તેમને ચિંતા એ છે કે જો આંદોલન આ દરમિયાન થોડું નબળું પડી જાય તો?

ખેડૂત સંગઠનના કેટલાક નેતાઓ પંજાબમાં રાજ્યની ચૂંટણી લડ્યા હતા, પરંતુ એક પણ બેઠક જીતી શક્યા નહોતા ત્યારથી ખેડૂત સંગઠનોમાં અસંતોષ છે.

ફેબ્રુઆરીમાં પરિણામો બાદ એસકેએમ દ્વારા 32 ખેડૂત યુનિયનોમાંથી જેમના સભ્યોએ ચૂંટણી લડી હતી એવા 22ને હાંકી કાઢ્યા હતા.

જોગીન્દરસિંહ કહે છે, "આનાથી ચોક્કસપણે ખેડૂતોની એકતાને ગંભીર ફટકો પડ્યો છે."

જોકે, તેઓ કહે છે કે તેણે આશા ગુમાવી નથી. તેઓ કહે છે, "એક ફોન કૉલ, અને મને ખાતરી છે કે અમે બધા સાથે આવી જઈશું."

"લડાઈ અડધી જીતી છે અને લડાઈ ખૂબ લાંબી ચાલશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો