You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : મોદી સરકાર કઈ રીતે ફસાઈ ગઈ?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
દેશની રાજધાની દિલ્હીની સરહદે છેલ્લા 25 દિવસથી ખેડૂતો કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિકાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહ્યા છે.
દિલ્હીની સરહદો પર હજારોની સંખ્યામાં ખેડૂતો કૃષિકાયદા રદ કરવાની માગને લઈને અડગ છે. તો દેશનાં અન્ય સ્થળોએ પણ નાનાંમોટાં વિરોધપ્રદર્શનો સમયાંતરે ચાલી રહ્યાં છે.
કેન્દ્ર સરકાર ખેડૂતોને નવા કાયદા અંગે સમજણ આપવા માટે વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી રહી છે.
ખેડૂતોની ત્રણ નવા કૃષિદાયદા રદ કરવાની માગ છે, તો સામે પક્ષે સરકાર તરફથી કહેવામાં આવે છે કે આ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે.
સરકારનું કહેવું છે કે કૃષિબિલમાં લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી) અને અનાજ-યાર્ડની વ્યવસ્થા ખતમ કરવામાં આવી રહી નથી, પરંતુ ખેડૂતોને સરકાર વિકલ્પ આપી રહી છે.
આ કાયદાઓ ખેડૂતોના ભલા માટે છે તેવું વડા પ્રધાન મોદી પણ અનેક વાર કહી ચૂક્યા છે.
વડા પ્રધાને એમ પણ કહ્યું હતું નવા કાયદામાં અમારી સરકારે ખેડૂતોને સુરક્ષા આપવા માટે કાયદાકીય જોગવાઈઓ કરી છે.
દિલ્હીની સરહદે ચાલી રહેલા આંદોલનની દેશ સહિત વિદેશમાં પણ ચર્ચા થઈ રહી છે. ત્યારે સવાલ એ થાય કે શું મોદી સરકારે આ કાયદાઓ લાવવામાં ઉતાવળ કરી છે કે સરકારે કઈ 'ભૂલ' કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવા કયા સંજોગોને કારણે વર્તમાન સમયમાં મોદી સરકાર ભીંસમાં મુકાઈ છે?
પંજાબમાં ચાલતાં આંદોલનને નજરઅંદાજ કરાયું?
કેન્દ્ર સરકાર જ્યારથી આ બિલો લાવી રહી હતી ત્યારથી આ બિલ અંગે પંજાબ-હરિયાણામાં ચર્ચા ચાલુ થઈ ગઈ હતી અને પંજાબ અને હરિયાણામાં ખેડૂતો દ્વારા નાના પાયે વિરોધપ્રદર્શન પણ ચાલુ કરાયું હતું.
પંજાબમાં આંદોલન કર્યા છતાં પણ કોઈ ઉકેલ ન આવતાં ખેડૂતોએ 'ચલો દિલ્હી'ની કૂચ કરી હતી.
કેન્દ્રીયમંત્રી હરસિમરતકોર બાદલે ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્રના આ કાયદાઓની વિરુદ્ધમાં મોદીની કૅબિનેટમાંથી બાદમાં રાજીનામું પણ આપ્યું હતું.
હરસિમરતકોરે કહ્યું હતું કે પંજાબ અને હરિયાણાના ખેડૂતો તેનાથી (કૃષિકાયદા) ખુશ નથી.
એનડીએ સાથે છેડો ફાડનારા 'શિરોમણી અકાલી દળ'ના પ્રમુખ સુખબિરસિંહ બાદલનું કહેવું હતું કે તેમની પાર્ટી સાથે આ અધ્યાદેશો મામલે સંપર્ક કરાયો નહોતો.
પંજાબમાં ઘણા સમયથી આંદોલન તો ચાલતું પણ જ્યાં સુધી ખેડૂતોનું આંદોલન દિલ્હી ન પહોંચ્યું ત્યાં સુધી તેને જાણે કે નજરઅંદાજ કરવામાં આવ્યું હતું.
'આંદોલન મોટું થશે તેવી ધારણા નહોતી'
દિલ્હીની સરહદ પર ચાલી રહેલા આંદોલનને હવે અન્ય રાજ્યોના ખેડૂતોનો પણ ટેકો મળી રહ્યો છે. જે લોકો દિલ્હી નથી આવતી શકતા એ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોને સમર્થન આપી રહ્યા છે.
ગુજરાતમાંથી પણ 200 કરતાં વધુ ખેડૂતનેતાઓ દિલ્હીની સરહદોએ વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા માટે પહોંચેલા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર વચ્ચે અનેક વાર આ મામલે ચર્ચા થઈ હતી.
સરકારની ખેડૂતનેતાઓ સાથે વાતચીત પણ થઈ હતી, પણ આંદોલનનો કોઈ અંત આવ્યો નથી. સરકાર અને ખેડૂતો પોતપોતાના પક્ષે અડગ જણાઈ રહ્યા છે.
રાજકીય નિષ્ણાતો અનુસાર સરકારને અંદાજ નહોતો કે ખેડૂતોનું આંદોલન આટલું મોટું થઈ જશે.
બીબીસી સંવાદદાતા સરોજ સિંહ સાથે વાત કરતાં 'આઉટલૂક' મૅગેઝિનનાં રાજકીય સંપાદક ભાવના વીજ અરોરા કહે છે કે સરકારને અંદાજ નહોતો કે આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરી લેશે.
તેઓ કહે છે, "ભાજપથી પહેલી ભૂલ એ થઈ કે તેને અંદાજ નહોતો કે આ આંદોલન આટલું મોટું થવાનું છે. આટલી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચી જશે. ભાજપને લાગતું હતું કે હરિયાણામાં જ ખેડૂતોને સંભાળી લેવાશે અને હરિયાણાના ખેડૂતો આ આંદોલનમાં પંજાબવાળાનો સાથ નહીં આપે."
તેઓ વધુમાં કહે છે, "અગાઉ હરિયાણાના મુખ્ય મંત્રી કહેતા હતા કે આ આંદોલન માત્ર પંજાબના ખેડૂતોનું છે, હરિયાણાના ખેડૂતો તેમાં સામેલ નથી. પણ જ્યારે હરિયાણાના ખેડૂતો પણ પંજાબના ખેડૂતો સાથે આંદોલનમાં સામેલ થયા ત્યારે સરકારને અહેસાસ થયો કે કેવી રીતે આવનારા સમયમાં સ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે."
'પહેલાં સંવાદ કરવો જોઈતો હતો'
કેન્દ્રીયમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે એમએસપી પર કોઈ ખતરો નથી.
તેઓએ કહ્યું હતું કે સરકાર મંડીઓની ઝંઝટમાંથી ખેડૂતોને મુક્ત કરવા માગે છે, જેથી ખેડૂતો પોતાનો પાક ગમે ત્યાં કોઈને પણ પોતાની કિંમતે વેચી શકે.
જાણીતા રાજકીય વિશ્લેષક અજય ઉમટ કહે છે કે સરકારે બિલ લાવતા પહેલાં ખેડૂતો સાથે યોગ્ય ચર્ચા કરવી જોઈતી હતી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે, "મને લાગે છે કે ખેડૂતો સાથે એક સંવાદ થવો જોઈતો હતો. જે ઉતાવળે વટહુકમ લાવ્યા એ મામલે એ વખતે જે દહેશતો વ્યક્ત કરવામાં આવી હતી, એના ખુલાસા થવા જોઈતા હતા. જેમ કે હાલમાં તેઓ કહી રહ્યા છે કે અમે એપીએમસી નાબૂદ નહીં કરીએ, મંડીપ્રથા નાબૂદ નહીં કરીએ. આ બધી ખાતરી અગાઉ અપાઈ ગઈ હોત, ખેડૂત આંદોલન જ્યારે શરૂ થયું ત્યારે સંવાદ કર્યો હતો, તો પરિસ્થિતિ આ રીતે વકરત નહીં."
તેઓ વધુમાં કહે છે, "મને એવું લાગે છે કે આ કૉમ્યુનિકેશન ગૅપ છે, બીજું કંઈ નથી. જે કંઈ સુધારા કરવામાં આવે, તે ખેડૂતોના હિતમાં હોય પણ એમને વિશ્વાસમાં લેવા જોઈએ. એ પ્રક્રિયા મને લાગે છે કે નથી થઈ."
તો ગુજરાતમાં 'નિરમા આંદોલન'માં મહત્ત્વની ભૂમિકા ભજવનારા અને એક સમયે ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા કનુભાઈ કલસરિયાના મતે સરકારે બિલ લાવવામાં ઉતાવળ કરી છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે, "ખેડૂતોને સરકારે વિશ્વાસમાં લીધા નથી. બિલ લાવવા માટે એવી કોઈ ઉતાવળ નહોતી કે વટહુકમ કરીને તેને લાવી શકાય. શાંતિથી ચર્ચામાંથી પસાર કરીને લાવ્યા હોત તો સરકારને આટલી તકલીફનો સામનો ન કરવો પડ્યો હોત. ચર્ચામાં સારા-ખરાબ મુદ્દાઓની વાત થઈ હોત અને જે કંઈ પણ સુધારા હોત એ સ્વીકાર્યા હોત અને થઈ શક્યા હોત."
કલસરિયા આ કાયદાઓને ખેડૂતોને ફરી 'ગુલામી તરફી લઈ જનારા' ગણાવે છે.
તેઓ કહે છે, "આ કાયદાથી ખેડૂતોની દશા વધુ ખરાબ થશે, એપીએમસી ધીરેધીરે નામશેષ થઈ જશે, ખરેખર તો માર્કેટિંગ યાર્ડને સુધારવાની જરૂર છે. તેમાં જે રાજકારણ ઘૂસી ગયું એ બંધ થવું જોઈએ. જ્યાં જ્યાં માર્કેટિંગ યાર્ડ સારી રીતે ચાલે છે, ત્યાં ખેડૂતોને સારા ભાવ મળે છે, વેપારીઓ પર અંકુશમાં રહે છે. ખેડૂતોને છેતરી શકતા નથી."
કનુભાઈ કહે છે કે સરકારે ખેડૂતોની માગણીઓને સ્વીકારીને આ કાયદા પરત લેવા જોઈએ અને પછી જરૂર પડે ત્યારે ચર્ચા કરીને પાછા લાવવા હોય ત્યારે લાવે.
મોદી યોગ્ય પ્રચાર કરવામાં નિષ્ફળ?
જાણીતા અર્થશાસ્ત્રી અને લેખક ગુરચરણ દાસ કૃષિક્ષેત્રમાં સુધારાના એક મોટા સમર્થક રહ્યા છે અને મોદી સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ નવા કૃષિકાયદાને ઘણે અંશે યોગ્ય ગણે છે.
'ઇન્ડિયા અનબાઉન્ડ' નામના જાણીતા પુસ્તકના લેખક અનુસાર વડા પ્રધાન ખેડૂતોને યોગ્ય સંદેશ આપવામાં નિષ્ફળ રહ્યા છે.
તેઓ કહે છે કે નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી મોટો કૉમ્યુનિકેટર હોવા છતાં ખેડૂતોને પોતાની વાત પહોંચાડવામાં સફળ રહ્યા નથી.
બીબીસી સાથેની ખાસ વાતચીતમાં તેઓએ અગાઉ કહ્યું હતું, "મોદીજીની ભૂલ એ હતી કે તેમણે રિફૉર્મ (સુધારો)ને યોગ્ય રીતે વેચ્યો નથી. હવે તમે તેને ના વેચો તો પરિણામ તો ભોગવવું પડશે. લોકોએ સ્ટેન્ડ લઈ લીધું છે. હવે વધુ મુશ્કેલ છે."
ચીનમાં આર્થિક સુધારા લાવનારા નેતા ડેંગ ઝિયાઓપિંગ અને બ્રિટનનાં પૂર્વ વડાં પ્રધાન માર્ગરેટ થૅચરનું ઉદાહરણ આપતાં તેઓ કહે છે કે આર્થિક સુધારા લાગુ કરવા કરતાં તેનો પ્રચાર વધુ જરૂરી છે.
તેઓ કહે છે, "દુનિયામાં જે પણ મોટા સુધારકો થયા છે, જેમ કે ડેંગ ઝિયાઓપિંગ અને માર્ગરેટ થેચર, તેઓ કહેતાં હતાં કે 20 ટકા સમય રિફૉર્મ લાગુ કરવામાં આપે છે અને 80 ટકા સમય સુધારાના પ્રચારમાં."
ગુરચરણ દાસનું માનવું છે કે ખેડૂતો સાથે શરૂઆતમાં જ વાતચીત કરવી જોઈતી હતી. તેમને લાગે છે કે હવે ખેડૂતોને સમજાવવા સરળ નહીં હોય.
તેઓ એમ પણ કહે છે, "જો સરકારે નવા કાયદાઓ પરત લઈ લીધા તો એ એક બહુ મોટું નુકસાનકારક પગલું હશે. આપણે ફરી એક વાર 30 વર્ષ પાછળ જતા રહીશું."
બિલ પાસ થયું ત્યારે વિરોધ થયો હતો
20 અને 22 સપ્ટેમ્બર, 2020માં ભારતની સંસદમાં કૃષિ સંબંધિત ત્રણેય બિલ પાસ કરાયાં હતાં.
27 સપ્ટેમ્બરે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ ત્રણેય બિલ પર હસ્તાક્ષર કરતા તે કાયદા બની ગયા હતા.
ત્યારથી કાયદામાં રહેલી જોગવાઈઓને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
બિલ જ્યારે સંસદમાં પાસ કરવામાં આવ્યું ત્યારે પણ વિપક્ષે બિલનો જોરદાર વિરોધ કર્યો હતો અને તેને 'ખેડૂતવિરોધી' ગણાવ્યું હતું.
વિપક્ષી દળોના સાંસદો રાષ્ટ્રપતિને પણ મળ્યા હતા અને કૃષિબિલ પર હસ્તાક્ષર ન કરવા અને પરત મોકલી આપવા વિનંતી કરી હતી.
રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બહાર આવીને કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે સરકારે કૃષિ સંબંધિત બિલ લાવતા પહેલાં બધા પક્ષો, ખેડૂતનેતાઓ સાથે વિચારવિમર્શ કરવો જોઈતો હતો.
આઝાદે કહ્યું હતું કે "મતનું કોઈ વિભાજન ન થયું કે ન ધ્વનિમત થયો. લોકતંત્રના મંદિરમાં સંવિધાનને નબળું કરાયું. અમે રાષ્ટ્રપતિને સૂચિત કર્યું છે કે કૃષિબિલોને ગેરબંધારણીય રીતે પાસ કરવામાં આવ્યાં છે અને તેઓએ બિલને પરત મોકલવાં જોઈએ."
તો કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમની પાર્ટી કૉંગ્રેસ સતત આ બિલનો વિરોધ કરી રહી છે.
રાહુલ ગાંધીએ એ સમયે ટ્વીટ કરીને કહ્યું હતું કે વડા પ્રધાન મોદી ખેડૂતોને મૂડીપતિઓના 'ગુલામ' બનાવી રહ્યા છે.
આ દરમિયાન 21 ડિસેમ્બરે સરકારે પણ એક ખુલ્લો પત્ર લખી ફરીથી વાતચીત માટે ખેડૂતોને આમંત્રણ આપ્યું છે.
પત્રમાં સરકારે અગાઉની વાતચીતનો હવાલો આપી ખેડૂતનેતાઓને મિટિંગની તારીખ નક્કી કરવા કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ખેડૂતોના આંદોલનની નોંધ ન લેવાતા વિવિધ ખેડૂત સંગઠનો 26-27 નવેમ્બરે દિલ્હીની સીમા પર પહોંચી ગયા હતા. અને બાદમાં સરકારે ખેડૂતનેતાઓ સાથે મામલાના ઉકેલ માટે વાતચીતનો દોર શરૂ કર્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો