You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ત્રણ બહેનોએ કરેલી પિતાની હત્યાની એ કહાણી જેનાથી આખો દેશ હચમચ્યો
ત્રણ બહેનોએ સાથે મળીને પિતાની હત્યા કરી દીધી, આ સમાચારે આખા રશિયામાં ભારે સનસનાટી ફેલાવી દીધી હતી.
પિતાની હત્યાના સમયે ઍન્જેલિનાની ઉંમર 18 વર્ષ, મારિયાની 17 અને ક્રિસ્ટિનાની 19 વર્ષ હતી. 27 જુલાઈ 2018ની આ ઘટના છે.
મિખાઇલ ખૈચતૂરયાન નામની એક વ્યક્તિ પર તેમના ઘરમાં જ ચપ્પું અને હથોડાથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ તેમનું મૃત્યુ થયું હતું.
પોલીસે તેમની હત્યાના આરોપમાં તેમનાં ત્રણ પુત્રીઓ - ક્રિસ્ટિના, ઍન્જેલિના અને મારિયાની ધરપકડ કરી હતી.
આ બહેનોની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે પિતાની હત્યા માટે એવાં કારણો આપ્યાં, જેનાથી માત્ર રશિયા જ નહીં સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઈ ગયું હતું.
ખૈચતૂરયાન બહેનોએ હત્યા શા માટે કરી?
27 જુલાઈ 2018ની સાંજે 57 વર્ષીય પિતા મિખાઇલ ખૈચતૂરયાને પોતાનાં પુત્રીઓ ક્રિસ્ટિના, ઍન્જેલિના અને મારિયાને એક પછી એક પોતાના રૂમમાં બોલાવ્યાં અને ફર્શની યોગ્ય રીતે સફાઈ ન કરવા બદલ ઠપકો આપ્યો તથા તેમના ચહેરા પર મરચાંનો પાઉડર છાંટ્યો.
થોડા સમય પછી મિખાઇલ ખૈચતૂરયાન ઊંઘી ગયા. તે સમયે ત્રણેય બહેનોએ ચપ્પુ, હથોડા અને મરચાના પાઉડર દ્વારા પોતાના પિતા પર હુમલો કરી દીધો.
મિખાઇલનાં માથા, ગળા અને છાતી પર જીવલેણ પ્રહાર કરવામાં આવ્યા. તેમના શરીર પર ચપ્પુંથી કરાયેલા 30થી વધારે ઘા મળી આવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાર પછી આ બહેનોએ પોલીસને ફોન કર્યો અને ઘટનાસ્થળેથી તેમની ધરપકડ કરવામાં આવી.
પોલીસે તપાસ શરૂ કરી ત્યારે ખૈચતૂરયાન તેમના પરિવાર સાથે કેટલી ક્રૂરતા આચરતા હતા, તેના ઇતિહાસ પરથી પડદો ઊઠવા લાગ્યો.
છેલ્લાં ત્રણ વર્ષથી ખૈચતૂરયાન પોતાનાં પુત્રીઓને બેરહેમીથી મારતા હતા. તેમને કેદીઓની જેમ રાખતા હતા અને તેમનું જાતીય શોષણ પણ કરતા હતા.
કોર્ટમાં કેસ દરમિયાન તેમના પિતા સામે એક પછી એક પુરાવા રજૂ કરવામાં આવ્યા.
ક્રિસ્ટિનાએ પૂછપરછમાં શું જણાવ્યું?
ક્રિસ્ટિનાની ઉંમર તે સમયે 18 વર્ષ હતી.
તેમણે જણાવ્યું, "અમારા પિતા હંમેશાં કહેતા હતા કે લગ્નેતર સંબંધો પાપ ગણાય. તે બહુ ખરાબ હોય છે. પરંતુ અમે તેમની પુત્રીઓ હતી. તેમનું જ લોહી હતી. છતાં તેઓ મરજી પ્રમાણે અમારી સાથે વર્તન કરતા અને અમારે તે માનવું પડતું હતું."
તેઓ કહે છે, "તેમની પાસે એક ખાસ ઘંટડી હતી. તેઓ તેને રાત-દિવસ ગમે ત્યારે વગાડતા. અમારામાંથી કોઈ એક બહેને તેમની સામે તરત હાજર થવું પડતું."
"તેઓ જે ઇચ્છતા તે અમારે તેમની સમક્ષ પીરસવું પડતું. પછી તે ખાવાની ચીજ હોય, પાણી હોય કે બીજી કોઈ ચીજ હોય. અમારે એક ગુલામની જેમ તેમની સામે ચીજો પીરસવી પડતી હતી."
આ છોકરીઓનાં માતા ઑરેલિયાએ જણાવ્યું, "મારે પતિના હાથે ઢોરમાર સહન કરવો પડતો હતો અને જાતીય હિંસા પણ ભોગવવી પડતી હતી."
ઑરેલિયાએ જણાવ્યું કે, "મિખાઇલની પોલીસમાં ઘણી ઓળખાણ હતી. તેથી પોલીસમાં ફરિયાદ કરવાનો કોઈ ફાયદો ન હતો, ઊલટાનું તેમાં જોખમ હતું."
ઑરેલિયા મુજબ 2015માં મિખાઇલે તેમને ઘરમાંથી કાઢી મૂક્યાં હતાં.
માતાને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યાં તે પહેલાં જ ત્રણેય છોકરીઓ સાથે ક્રૂરતા આચરવાનું શરૂ કરી દેવાયું હતું.
ઍન્જેલિનાએ શું જણાવ્યું?
આ ત્રણેયમાં વચેટ બહેન ઍન્જેલિનાની ઉંમર આ હત્યા સમયે 14 વર્ષની હતી.
તેમણે જણાવ્યું, "23 ઑક્ટોબર 2014ના રોજ મૉસ્કોના એક પ્રવાસેથી પરત આવ્યા પછી મારા પિતાએ મારી પાસે ઘણાં કામ કરાવ્યાં."
"તેઓ મારા ગુપ્ત ભાગને સ્પર્શ કરતા હતા, દર અઠવાડિયે એક કે વધારે વખત આવું થતું હતું."
"મેં મારી બહેનોને આ વિશે જણાવ્યું. ત્યારે મારી મોટી બહેન ક્રિસ્ટિનાએ કહ્યું કે અમારા પિતાએ તેમનું પણ જાતીય શોષણ કર્યું હતું. એક વખત તો તેમણે વધારે પ્રમાણમાં ગોળીઓ પણ ખાઈ લીધી હતી."
આ બહેનોને લાગતું હતું કે તેમનું જીવન અત્યંત ડરામણું બની ગયું છે. તેમને આ દુખમાંથી બહાર નીકળવાની કોઈ આશા નહોતી.
તેમણે તપાસકારોને જણાવ્યું કે એક દિવસ તેમના પિતા ઊંઘતા હતા ત્યારે તેમણે તેમના પર શિકાર કરવાના ચપ્પુ અને હથોડા દ્વારા હુમલો કર્યો હતો.
આ બહેનોની ધરપકડ પછી તરત આ મામલો સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. માનવાધિકાર કાર્યકર્તાઓએ તેમને ગુનેગાર નહીં પરંતુ પીડિતાની જેમ ગણવા માગણી કરી હતી.
તેમનો તર્ક હતો કે જે પિતા પાસેથી તેમને રક્ષણ મળવું જોઈએ, તે જ તેમનું શોષણ કરતા હતા. તેથી તેમને પિતા પાસેથી આ અંગે કોઈ મદદ મળે તેવી કોઈ શક્યતા ન હતી.
જોકે, આ કેસ વિશે લોકોમાં મતમતાંતર પ્રવર્તે છે.
ઘણા લોકો માને છે કે આ છોકરીઓએ સ્વરક્ષણ માટે પોતાના પિતાની હત્યા કરી હતી, જ્યારે બીજા કેટલાકના મતે આ સમજી વિચારીને કરવામાં આવેલી હત્યા હતી.
રશિયાના ગૃહમંત્રીના જણાવ્યા અનુસાર 2019માં નોંધાયેલા કુલ હિંસક ગુના પૈકી લગભગ 40 ટકા ગુના ઘરમાં બન્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો