સેમ્યુયલ લિટલ : અમેરિકાના ઇતિહાસનો ખતરનાક હત્યારો જેણે 93 લોકોની હત્યા કરી

40થી વધુ વર્ષમાં 93 લોકોની હત્યાની કબૂલાત કરી ચૂકેલો એક વર્તમાન કેદી અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો માનવહત્યારો હોવાની વાતને અમેરિકાની ફેડરલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (એફબીઆઈ) સમર્થન આપ્યું છે.

સેમ્યુલ લિટલ નામના આ હત્યારાએ તેમણે કરેલી હત્યાના ગુનાને કબૂલી લીધો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે સેમ્યુઅલે નિઃસહાય લોકોને અને ખાસ કરીને અશ્વેત મહિલાઓને નિશાન બનાવતો હતો.

એ પૈકીનાં ઘણાં મહિલાઓ સેક્સ વર્કર હતાં અથવા માદક દ્રવ્યોનું સેવન કરતાં હતાં.

ભૂતપૂર્વ બૉક્સર સેમ્યુઅલ લિટલ તેના શિકારની ગૂંગળાવીને હત્યા કરતાં પહેલાં તેમને મુક્કા મારીને પછાડી દેતો હતો. તેથી એ વ્યક્તિની ઠંડા કલેજે હત્યા કરાઈ હોવાનાં નિશાન મળતાં નહીં.

એ કારણે એફબીઆઈએ ઘણી હત્યાની ક્યારેય તપાસ કરી જ ન હતી અને ઘણા લોકોનાં મોતને ખોટી રીતે આકસ્મિક મોત કે માદક પદાર્થના ઑવરડોઝને લીધે થયેલાં મૃત્યુ ગણવામાં આવ્યાં હતાં.

કેટલાકના મૃતદેહ ક્યારેય ન મળ્યા હોવાનું પણ એફબીઆઈએ જણાવ્યું હતું.

એફબીઆઈએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સેમ્યુઅલે કરેલી તમામ કબૂલાત ભરોસાપાત્ર હોવાનું અમારા વિશ્લેષકો માને છે.

એફબીઆઈના ગુના વિશ્લેષક ક્રિસ્ટી પાલાઝોલોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે "સેમ્યુઅલ લિટલ વર્ષો સુધી એવું માનતો રહ્યો હતો કે તે ક્યારેય પકડાશે નહીં, કારણ કે તેણે જેની હત્યા કરી છે એ લોકોને કોઈ ગણતરીમાં જ લેતું નથી."

"સેમ્યુઅલ હાલ જેલમાં હોવા છતાં એફબીઆઈ માને છે કે તેનો ભોગ બનેલી દરેક વ્યક્તિને ન્યાય મળે તે જરૂરી છે."

પોતે જેની હત્યા કરી તેમના રંગીન પોટ્રેટ્સ જેલમાં દોર્યાં

પોતે જેની હત્યા કરી હતી તેનાં રંગીન પોટ્રેટ્સ સેમ્યુઅલ લિટલે જેલમાં દોર્યાં હતાં.

તેનો ભોગ બનેલા વધારે લોકો સંબંધી માહિતી મેળવવા માટે એફબીઆઈએ અગાઉ એ પોર્ટ્રેટ્સ જાહેર કર્યાં હતાં.

70ના દાયકાની શરૂઆતમાં ફ્લોરિડાના માયામીમાં મેરી એન નામના એક અશ્વેત ટ્રાન્સજેન્ડરને પોતે મળ્યો હોવાનું સેમ્યુઅલ લિટલે જણાવ્યું હતું.

શેરડીના ખેતર નજીક 19 વર્ષની એક યુવતીની હત્યાની વિગત આપતાં સેમ્યુઅલે જણાવ્યું હતું કે એ યુવતીના મૃતદેહને ઢસડીને કાદવ-કળણવાળી જમીનમાં લઈ ગયો હતો.

એમ સેમ્યુઅલે કહ્યું હતું, "મેં તેના પરની પકડ ઢીલી કરી કે તરત જ એ યુવતી મોઢાભેર કળણવાળી જમીનમાં પટકાઈ હતી."

1993માં લાસ વેગાસની એક મોટેલના રૂમમાં એક મહિલાને ગળે ટૂંપો દઈને હત્યા કર્યાની વિગત પણ સેમ્યુઅલ લિટલે આપી હતી.

એ મહિલાની હત્યા બાદ લિટલ તેમના મૃતદેહને કારમાં શહેરની બહાર લઈ ગયો હતો અને એક ઢોળાવ પર મૃતદેહને ફેંકી દીધો હતો.

હત્યા અંગે લિટલની સ્મૃતિ એકદમ ચોક્કસ છે

અધિકારીઓએ જણાવ્યું હતું કે પોતે કરેલી હત્યા વિશેની લિટલની સ્મૃતિ એકદમ ચોક્કસ છે, પણ તેને ચોક્કસ તારીખ યાદ નથી. આથી તપાસમાં મુશ્કેલી થઈ હતી.

સેમ્યુઅલ લિટલ રીઢો ગુનેગાર છે અને તેની સામે સમગ્ર અમેરિકામાં સશસ્ત્ર લૂંટથી માંડીને બળાત્કાર સુધીના ગુના નોંધાયેલા છે.

માદક દ્વવ્યો સંબંધિત આરોપસર 2012માં કેન્ટુકીમાં લિટલની ધરપકડ કરવામાં આવી હતી અને કૅલિફોર્નિયા મોકલી આપવામાં આવ્યો હતો.

કૅલિફોર્નિયામાં અધિકારીઓએ તેના ડીએનએનું પરીક્ષણ કર્યું હતું.

એ ડીએનએ સૅમ્પલનો ઉપયોગ લૉસ ઍન્જલસ કાઉન્ટીમાં ત્રણ મહિલાના મૃત્યુનો ભેદ ઉકેલવા માટે કરવામાં આવ્યો હતો. તેના અનુસંધાને લિટલ દોષી પુરવાર થયો હતો.

સેમ્યુઅલ લિટલ પરના હત્યાના આરોપ પુરવાર થયા બાદ તેને એફબીઆઈના વાયોલન્ટ ક્રિમિનલ એપ્રીહેન્સન પ્રોગ્રામમાં મોકલવામાં આવ્યો હતો.

ગુનેગારે આચરેલા શ્રેણીબદ્ધ ગુનાઓનું વિશ્લેષણ આ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવે છે.

તેની માહિતી કાયદાનું પાલન કરાવતી સ્થાનિક એજન્સીઓના અધિકારીઓને મોકલવામાં આવે છે, જેનો ઉપયોગ વણઉકલ્યા ગુનાનો ભેદ ખોલવા માટે કરવામાં આવે છે.

સેમ્યુઅલ લિટલ નામના 79 વર્ષના આ ગુનેગારે 1970થી 2005 સુધીમાં આચરેલા 50 ગુનાઓનો ભેદ એફબીઆઈએ ઉકેલી નાખ્યો છે.

સેમ્યુઅલ લિટલે બાકીના 43 કેસ વિશે જે કબૂલાત કરી છે તેની ચકાસણી વિવિધ સરકારી એજન્સીઓ કરી રહી છે.

1987 અને 1989માં લૉસ ઍન્જલસ કાઉન્ટીમાં ત્રણ મહિલાની હત્યા બદલ આજીવન કારાવાસની સજા ભોગવતો સેમ્યુઅલ હાલ જેલમાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો