APMC-MSP : ખેડૂતો જેના માટે આંદોલન કરી રહ્યા છે તે શું છે અને કેટલું મહત્ત્વનું?

    • લેેખક, મયુરેશ કોણ્ણૂર
    • પદ, બીબીસી મરાઠી

છેલ્લા કેટલાક દિવસોથી પંજાબ-હરિયાણા અને દેશના વિવિધ ભાગોમાંથી આવેલા ખેડૂતો રાજધાની દિલ્હીની સરહદે ત્રણ નવા કૃષિકાયદાઓ સામે વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે. તેમની માગણી છે કે મોદી સરકારે તાજેતરમાં પાસ કરેલા ત્રણ કૃષિકાયદાઓ રદ કરવામાં આવે.

વળી વિવિધ ખેડૂત સંગઠનો અને વિપક્ષ રાજકીય પાર્ટીઓએ આ આંદોલનને ટેકો પણ આપ્યો અને 8મી ડિસેમ્બરે ભારત બંધના એલાનને પણ સમર્થન આપ્યું હતું. જોકે કેન્દ્ર સરકાર સાથે ખેડૂત નેતાઓ વચ્ચે વખતોવખત થયેલી વાટાઘાટોમાં કોઈ ઉકેલ નથી આવ્યો.

ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી માગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ વિરોધપ્રદર્શન બંધ નહીં કરે.

ખેડૂતો માગણી કરી રહ્યા છે કે સંસદનું ખાસ સત્ર બોલાવીને ત્રણ કાયદાઓને રદ કરવામાં આવે, પરંતુ બીજી તરફ સરકાર કાયદો રદ કર્યા વગર તેમાં જે વિવાદિત જોગવાઈઓ છે તેને સુધારવા માટે તૈયારી બતાવી કાયદા રદ કરવાનો ઇન્કાર કરે છે. સરકારે એવું વચન પણઆપ્યું છે કે ખેડૂતોએ કાયદાથી ડરમાં રહેવાની જરૂર નથી.

દરમિયાન ઘણાના મનમાં આ વિરોધપ્રદર્શન વિશે તથા તેની પાછળના કારણો વિશે કેટલાક મૂળભૂત સવાલો છે. અમે અહીં તેના સરળ જવાબો આપવાની કોશિશ કરી છે.

શા માટે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે?

20 અને 22 સપ્ટેમ્બર -2020ના રોજ ભારતની સંસદે ત્રણ કૃષિ ખરડા પાસ કર્યા હતા. 27 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેના પર હસ્તાક્ષર કરતા તે કાયદો બની ગયા. ખેડૂતો આ કાયદામાં કરવામાં આવેલી કેટલીક જોગવાઈઓ સામે વિરોધ કરી રહ્યા છે.

કાયદાઓ અનુસાર વર્તમાન એપીએમસી (ઍગ્રિકલ્ચરલ પ્રૉડ્યૂસ માર્કેટ કમિટી)ની જેમ જ ખાનગી કંપનીઓને પણ ખેડૂત સાથે કરારબદ્ધ માધ્યમથી કૃષિપેદાશોની ખેતી, ખરીદી, સંગ્રહ અને વેપાર કરવાની છુટ મળશે.

જેથી ખેડૂતોને ડર છે કે આના કારણે પછી સરકાર તેમની પાસેથી કૃષિપેદાશો ખરીદશે નહીં અથવા તો ખરીદવાનું ઓછું કરી દેશે. જેમાં ખાસ કરીને ઘઉં અને ડાંગરનો સમાવેશ થાય છે. આનાથી તેઓ સંપૂર્ણપણે બજાર પર નભતા થઈ જશે.

જોકે કાયદામાં એપીએમસી મંડીને બંધ કરવાના અથવા તો દૂર કરવાનો ઉલ્લેખ નથી અથવા ન તો ન્યૂનતમ સમર્થન મૂલ્ય પદ્ધતિ ખતમ કરવાની વાત છે. પરંતુ તેમ છતાં ખેડૂતોને ડર છે કે આ કાયદાઓના માધ્યમથી ખાનગી કંપનીઓને એન્ટ્રી થવાથી તેમની ચિંતા વાસ્તવિકતામાં પરિણમશે.

વર્ષ 2019-20માં કેન્દ્ર સરકારે પંજાબ અને હરિયાણા પાસેથી ઘઉં અને અનાજની ખરીદી હતી જેમાં ખેડૂતોને લગભગ 80 હજાર કરોડ રૂપિયા ચૂકવાયા હતા. તેમાં મોટાભાગે નાના અને મધ્યમ કક્ષાના ખેડૂતો સામેલ છે.

ખાનગી કંપનીઓની એન્ટ્રી થવાથી સરકાર કૃષિ ખાદ્યાન્નની ખરીદી ઓછી કરી દેશે અથવાબ બંધ કરી દેશે એવા ડરને લીધે પંજાબના ખેડૂતોએ તથા હરિયાણાના ખેડૂતોએ કૃષિ વટહુકમો સામે પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું.

પંજાબમાં જૂન-જુલાઈમાં તથા હરિયાણામાં સપ્ટેમ્બરમાં પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા. જેમાં ખેડૂતોએ સમાન ચિંતાઓ વ્યક્ત કરી હતી.

મહિનાઓ સુધી આંદોલન પંજાબ અને હરિયાણામાં થયા પછી કેન્દ્ર સરકાર સાથે કોઈ સત્તાવાર વાટાઘાટોના અભાવે રાજ્યમાંથી રાજકીય અવાજ ઉઠવા લાગ્યા.

26 અને 27 નવેમ્બર દરમિયાન ખેડૂતોએ રાજધાની દિલ્હી કૂચ કરી અને દિલ્હી સરહદે આવ્યા ત્યારે કેન્દ્ર સરકારે આંદોલનને શાંત કરવા માટે વિવિધ ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરવાની શરૂ કરી. જોકે, વાતચીત સફળ ન રહી.

એ સમયે અન્ય રાજ્યમાંથી આવેલા ખેડૂતો પણ પંજાબ અને હરિયાણાના ખેડૂતો સાથે જોડાયા.

શું છે એ ત્રણ કાનૂન અને ખેડૂતો વિરોધ કેમ કરે છે?

આ ત્રણ બિલ આ મુજબ છે -

1 - ફાર્મર્સ પ્રૉડ્યૂસ ટ્રેડ ઍન્ડ કૉમર્સ (પ્રમોશન ઍન્ડ ફૅસિલિટેશન) બિલ - 2020

2 - ફાર્મર્સ (ઍમ્પાવર્ડ ટ્રેડ ઍન્ડ પ્રૉટેક્શન) ઍગ્રિમેન્ટ ઑન પ્રાઇસ ઍસ્યોરન્સ ઍન્ડ ફાર્મ સર્વિસ બિલ - 2020

3 - ઍસેન્સિયલ કૉમોડિટીઝ (અમૅન્ડમેન્ટ) બિલ - 2020

આ કાયદાઓ ખેડૂતોને તેમનો પાક એપીએમસી મંડી બહાર વેચવા માટે છુટ આપે છે. અને ખેડૂત તેનો વિરોધ કરી રહ્યા છે.

તેમનું કહેવું છે કે જો તેઓ બજારમાં એપીએમસી બહાર વેચશે અને બજાર કિંમત ચૂકવાશે તો તેનાથી રાજ્યને નુકસાન થશે.

તેમનું કહેવું છે કે એપીએમસીમાં કામ કરતા એજન્ટ અને વચેટિયાઓનું શું થશે. પ્રદર્શનકર્તાઓનું માનવું છે કે આ કાયદાને લીધે સરવાળે ન્યૂનતમ સમર્થન મૂલ્યથી તેમને વંચિત કરી દેવાશે.

વળી નવા કાયદા એક કરારબદ્ધ ખેતીને પણ મંજૂરી આપે છે. જેથી ખેડૂતો જથ્થાબંધ વેપારીઓ સાથે કરાર કરીને ખેતી કરશે. તેઓ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી અને ખાનગી કંપનીઓ સાથે પણ કરાર કરી શકશે. અને તેઓ ખેતી, ખરીદી-વેચાણ પણ કરી શકશે.

પેદાશની કિંમત કરારમાં નક્કી કરી દેવાશે. સરકારનું કહેવું છે કે આનાથી ખેડૂત વચેટિયા વગર સંપૂર્ણ નફો ખુદ કમાઈ શકશે.

પ્રદર્શનકર્તા ખેડૂતો આ કરાર આધારિત ખેતીની વિરુદ્ધમાં છે. ખેડૂતોએ આ વિશે બે મુખ્ય વાંધા રજૂ કર્યા છે. જેમાં એક વાંધો એ છે કે શું ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો કંપનીઓ સાથે કિંમત નક્કી કરી શકશે? બીજું કે ગુણવત્તાના કારણો આગળ ધરીને ખાનગી કંપની ઉપજ લેવાનો ઇન્કાર પણ કરી શકે છે.

સરકારે આવશ્યક વસ્તુઓ સંબંધિત ઍસેન્સિયલ કૉમોડિટીઝ ઍક્ટની મદદથી દાળ, કઠોળ, તેલીબિયાં, ડુંગળી, બટાકાને આવશ્યક વસ્તુઓની યાદીમાંથી બહાર કાઢી લીધા છે.

જેથી આ વસ્તુઓનો મોટા પાયે સંગ્રહ કરી શકાશે અને ખાનગી રોકાણને આકર્ષીને કિંમતો પણ સ્થાયી રાખી શકાશે.

ખેડૂતો આનો પણ વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ખાનગી કંપનીઓ મોટા પાયે સંગ્રહ કરતી થઈ જશે અને પછી કૃત્રિમ અછત વર્તાશે જેનાથી બજારને પ્રભાવિત કરીને ખેડૂતના નામે લાભ ખાટવામાં આવશે.

ખેડૂતોને ભય છે કે તેમને કંપનીઓના ઇશારે પાક લેવો પડશે અને પછી તેમને કિંમત પણ ઓછી મળશે.

ખેડૂતોની માગ શું છે અને સરકારની શી તૈયારી છે?

ખેડૂતો ત્રણેય કાયદા પરત લેવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. તેઓ તેમાં કોઈ સુધારો નથી ઇચ્છતા. તેઓ ઇચ્છે છે કે સંસદનું ખાસ સત્ર બોલાવીને કાયદા પરત લઈ લેવામાં આવે.

ખેડૂતોના યુનિયનોનું પણ કહેવું છે કે ન્યૂનતમ સમર્થન મૂલ્યથી ઓછી કિંમતે કૃષિપેદાશની ખરીદી ક્રિમિનલ ગુનો બનાવવામાં આવે અને સરકાર નવા કાયદામાં સરકાર ઘઉં અને ડાંગરની ખરીદીને કાયદાનો ભાગ બનાવે.

કેન્દ્ર સરકારે નવા કાયદાઓની વિવિધ જોગાવાઈઓ અને શરતો વિશે ખેડૂત નેતાઓ સાથે વાતચીતો કરી છે.

સૂત્રો અને મીડિયા અહેવાલો અનુસાર સરકાર ખાનગી કંપનીઓને એક નિયમાનુસાર કર આધારિત માળખાં હેઠળ લાવવા ઇચ્છે છે અને તેઓ ન્યૂનતમ સમર્થન મૂલ્ય જાળવી રાખવાની લેખિત ખાતરી આપવા અને એપીએમસીને પણ મજબૂત કરવા માટે ઇચ્છુક છે.

સરકાર એ માટે તૈયાર છે કે જો ખેડ઼ૂત અન કંપની વચ્ચે તકરાર થાય તો સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (સરકારી અમલદાર) દ્વારા સમાધાન નહીં પણ ખેડૂતને કોર્ટ જવાનો પણ વિકલ્પ રહેશે.

પરંતુ સુધારાઓ મામલે ખેડૂતો અત્યાર સુધી સંતુષ્ટ નથી.

એપીએમસી શું છે અને ખેડૂતો એના વિશે કેમ ચર્ચા કરી રહ્યા છે?

એપીએમસી (ઍગ્રિકલ્ચરલ પ્રૉડ્યૂસ માર્કેટ કમિટી)ની સ્થાપના રાજ્યોએ તેમના સ્થાનિક કાયદાઓ હેઠળ ખેડૂતોને તેમની પેદાશ ખરીદ-વેચાણ કરવા એક મંચ મળી રહે એ માટે કરી હતી.

અહીં એક જ સ્થળે રાજ્યની એજન્સી અથવા અધિકૃત એજન્ટ દ્વારા ખેતપેદાશોની ખરીદી થાય છે. મહારાષ્ટ્રમાં આવી 300 મંડી કમિટી છે. જોકે બિહારે આવી મંડી બંધ કરી દીધી છે. વર્ષ 2006માં બિહારે તેનો એપીએમસી ઍક્ટ રદ કરી દીધો હતો.

આવી એપીએમસી મંડી/માર્કેટે દેશભરમાં એક નવી કૃષિ અર્થવ્યવસ્થા રચવા મદદ કરી હતી. રાજ્ય સરકાર આ માર્કેટમાં થતા વ્યવહારો પર કર લગાવી શકે છે. જોકે મંડીમાં વચેટિયા અને કમિશન એજન્ટો પણ ફૂટી નીકળ્યા હતા. ઘણાએ ભૂતકાળમાં આ સિસ્ટમનો વિરોધ કર્યો છે.

સરકારનું કહેવું છે કે નવો ખાનગી વિકલ્પ ઊભો કરવાથી પારંપરિક એપીએમસી માર્કેટ અને પછી ખેડૂતો તથા ગ્રાહકો બંનેને ફાયદો થશે.

એપીએમસી તેની સર્વિસ માટે નાની ટકાવારી વસૂલે છે અને વેપારી પણ આવું કરે છે. પરંતુ નવા કાયદા મુજબ ખાનગી કંપની એપીએમસી બહાર જ આ પ્રકારની ચૂકવણીઓ કરી શકે છે અને તેમણે એપીએમસીને કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે.

ખેડૂતોનું માનવું છે કે આનાથી એપીએમસીને સ્પર્ધાત્મક નુકસાન થશે કેમ કે ખાનગી કંપનીઓ એક ટૂંકા સમય માટે આકર્ષક લોભામણી ઑફરવાળી કિંમતો આપશે અને આખરે પછી નુકસાનના કારણે મંડી બંધ કરવાનો વારો આવશે.

કૃષિ નિષ્ણાત દેવિન્દર શર્મા કહે છે, "ખાનગી ક્ષેત્ર ઇચ્છે છે કે એપીએમસી બંધ થઈ જાય. ખેડૂતોને આની ચિંતા છે. જો મંડી બંધ થઈ જશે તો ન્યૂનતમ સમર્થન મૂલ્ય પણ જતું રહેશે."

"ખેડૂતોને ડર છે કે અંતે બજારમાં ખાનગી કંપનીઓનું પ્રભુત્વ આવી જશે અને પછી ખેડૂતોએ ખાનગી કંપનીઓની રહેમનજર પર જ જીવવું પડશે."

એમએસપી શું છે અને ખેડૂતો વચ્ચે કેમ તે ચર્ચામાં છે?

ખેડૂતોની આર્થિક સુરક્ષા માટે દેશભરમાં ન્યૂનતમ સમર્થમ મૂલ્યની પદ્ધતિ લાવવામાં આવી હતી. બજારમાં કિંમતો તૂટી જાય તો પણ સરકાર એક નક્કી કિંમતોને આધારે નિયત ખેતપેદાશ ખરીદે છે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવી શકાય છે.

દેશભરમાં એક પેદાશ એટલે કે વસ્તુ માટે (દાખલા તરીકે ઘઉં) માટે દેશભરમાં સરકારનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય એકસરખું હોય છે. કૃષિ મંત્રાલય દ્વારા તે નક્કી થાય છે. કમિશન ઑન ઍગ્રિકલ્ચર કૉસ્ટ ઍન્ડ પ્રાઇસિસ દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટાના આધારે તેને નક્કી કરવામાં આવે છે.

હાલ સરકાર આ રીતે 23 પેદાશો ખરીદે છે. જોકે ખેડૂતોનું કહેવું છે કે સરકાર મોટાભાગે ઘઉં-ડાંગરની ખરીદી વધુ કરે છે જેથી તેઓ ક્યારેક જ મોટાભાગે ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર ખાનગી કંપનીને પેદાશ વેચવા સક્ષમ છે.

નવા કાયદા અનુસાર ખેડૂત એપીએમસી બહાર બજારમાં તેમનો પાક તે ઇચ્છે તેટલી કિંમતે વેચી શકશે. પરંતુ બાંયધરી માગે છે કે જો તેઓ મંડી બહાર કે એપીએમસી ગમે ત્યાં પાક વેચે તો તેમને ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) તો મળવું જ જોઈએ.

તેમને ડર છે કે જો બાંયધરી ન મળે તો ખાનગી કંપનીઓ ભાવ તોડવા માટે ખેડૂતોને નિશાન બનાવશે. ખેડૂતોનો આરોપ છે કે એમએસપીને બંધ કરવાનું આ પ્રથમ પગલું છે પણ સરકાર તેનો ઇન્કાર કરે છે.

વડા પ્રધાન મોદીએ ઘણી વાર કીધું છે કે એમએસપી ખતમ નહીં થાય અને સરકાર ખરીદી ચાલુ જ રાખશે. સરકાર અત્યાર સુધી આ બાબત લેખિતમાં આપવા તૈયાર નહોતી. તેમની દલીલ હતી કે શરૂઆતમાં કાયદામાં એમએસપીનો ઉલ્લેખ જ નથી તો પછી તેને નવા કાયદામાં સામેલ કેમ કરવું. જોકે બંને પક્ષો વચ્ચે આ મુદ્દે ચર્ચાઓ ચાલુ જ છે.

પંજાબ અને હરિયાણાના ખેડૂતો આટલા મોટા પ્રમાણમાં વિરોધ કેમ કરી રહ્યા છે?

જો દેશભરના આંકડા જોઈએ તો સરકાર એપીએમસી નેટવર્ક દ્વારા કુલ પેદાશના 10 ટકા જ ખરીદે છે. પરંતુ પંજાબ 90 ટકા જેટલી ખરીદી એપીએમસી દ્વારા કરે છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ આવી જ સંખ્યા છે. એટલે કે આવા રાજ્યોમાં મુક્ત બજારમાં માત્ર 10 ટકાની જ ખરીદી થાય છે.

1960થી ભારતમાં ખાદ્ય અછતને લીધે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશને સબસિડી આધારે હાઇબ્રિડ બિયારણ, ખાતર અને ટ્યૂબવેલ માટે લોન તથા અન્ય સુવિધાઓ અપાઈ હતી. જેથી ભારત અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બની શક્યું.

આથી આ રાજ્યોમાંથી કેન્દ્ર સરકાર ફૂડ સિક્યૉરિટી માટે ઘઉં અને ડાંગર ખરીદે છે.

જોકે ભારતમાં આજે ફૂડ બાબતે સરપ્લસ છે અને સરકાર જૂની પદ્ધતિમાં ફેરફાર કરવા માગે છે.

શાંતાકુમાર સમિતિએ અંદાજ લગાવ્યો હતો કે દેશમાં 6 ટકા ખેડૂતોને જ એમએસપીનો લાભ મળે છે અને તેમાંના મોટાભાગના પંજાબ અને હરિયાણાના છે.

જૂનમાં સરકાર કૃષિ મામલે આ કાયદાઓનો વટહુકમો લાવી હતી જેનો પંજાબ સરકાર અને પંજાબના ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પણ પછી સરકાર બિલ લાવી અને પસાર કરી તેને કાયદા પણ બનાવ્યા.

કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં પંજાબના મુખ્યમંત્રી કૅપ્ટન અમરિંદર સિંઘે લખ્યું હતું કે પંજાબમાં એપીએમસી બજાર દાયકાઓથી એક મજબૂત મશીન તરીકે કામ કરી રહ્યું છે અને ભારતમાં ખાદ્ય સુરક્ષા મામલે તેણે મોટું યોગદાન પણ આપ્યું છે. હરિયાણામાં પણ આવું જ છે.

દરમિયાન બાદમાં પંજાબ અને પાડોશી રાજ્યમાં આંદોલન પ્રસરવા લાગ્યું.

વિવિધ રાજ્યોના ખેડૂતોએ પણ તેમના રાજ્યમાં ધરણાં પ્રદર્શનો કરીને આ ખેડૂત આંદોલનને ટેકો આપ્યો. બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આસામ, છત્તીસગઢ, ઓડિશામાં પણ પ્રદર્શન જોવા મળ્યા.

ઓલ ઇન્ડિયા કિસાન સભા અને અન્ય જૂથોએ પણ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું તથા કાયદાઓનો વિરોધ કર્યો છે.

આરએસએસ સાથે સંકળાયેલા ખેડૂત સંગઠને પણ કેટલીક જોગવાઈઓ પર શંકા વ્યક્ત કરી છે.

સ્વદેશી જાગરણ મંચ આરએસએસ સાથે જોડાયેલું મંચ છે. તેમનું કહેવું છે કે નવા કાયદા ખેડૂતોના લાભ માટે છે પણ તેમાં સુધારાનો અવકાશ પણ છે.

આરએસએસની અન્ય એક સંલગ્ન સંસ્થા ભારતીય કિસાન સંઘ ભારતભરમાં હાજરી ધરાવે છે. તેમણે પ્રદર્શનને ટેકો નથી આપ્યો પરંતુ તેઓ કાયદાથી ખુશ નથી અને સુધાર ઇચ્છે છે.

હાલ પ્રદર્શનની સ્થિતિ શું છે? અને શું થઈ રહ્યું છે?

8મી ડિસેમ્બરે બંધના એલાન સમયે પણ ખેડૂતો દિલ્હીની સરહદ પાસે સિંઘુ, ટિકરી, બદરપુર અને ગાઝીપુર પાસે ધરણાં કરી રહ્યા હતા. તેઓ હજી પણ ત્યાં જ છે.

તેઓ તંબુ, ટ્રક્સ અને ટ્રૅક્ટરમાં રહી રહ્યા છે તથા રોડ પર જ ખાવાનું બનાવે છે અને જમે છે.

સ્થાનિક જૂથો અને રહીશો પણ તેમની મદદ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ 6 મહિના સુધી અહીં જ રહેશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ખેડૂતોના જૂથને મળ્યા હતા અને દિલ્હીમાં 8મી ડિસેમ્બરે એક બિનઔપચારિક વાટાઘાટો થઈ હતી. પણ તેમાં પણ કોઈ પરિણામ નહોતું આવ્યું.

ઉપરાંત ખેડૂતો દ્વારા બોલાવવામાં આવેલું ભારત બંધ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, આસામ અને કર્ણાટકામાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું તથા ખેડૂતોના સમર્થનમાં કેટલાક શાંતિમય પ્રદર્શનો પણ થયા.

પંજાબ અને હરિયાણાના ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન રીતસરનું અસર થયું છે. વળી દેશભરની ઘણી વિપક્ષી પાર્ટીઓએ ખેડૂતોને ટેકો આપ્યો છે.

ખેડૂતોના આંદોલન વિશે સમાજના અન્ય વર્ગો અને વિશ્વ શું કહી રહ્યું છે?

અનેક રાજકીય પક્ષો, બોલીવૂડ અને પ્રાદેશિક કલાકારો, રમતવીરોએ આંદોલનનું સમર્થન કર્યું છે. વળી અભિનેતા દલજિત દોસાંજ અને કંગના રણૌત વચ્ચે ટ્વિટર પર વાકયુદ્ધ પણ સર્જાયું હતું.

જેમાં બીબીસીના એક વીડિયોમાં દેખાતી વૃદ્ધ દાદીને કંગનાએ સીએએ વિરોધપ્રદર્શન વખતનાં શાહીનબાગમાં પ્રદર્શનકર્તા બિલ્કિસ દાદી તરીકે ઓળખાવ્યાં હતાં. જેને લઈને વિવાદ થયો હતો.

કૉંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ પણ નવા કાયદાઓને 'અદાણી અંબાણી કાયદા' ગણાવી ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે.

પંજાબ અને હરિયાણાના વિવિધ ભાગોમાં ઘણા જાહેર દિગ્ગજોએ ખેડૂતોને સમર્થન આપ્યું છે.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંઘ બાદલે તેમને પદ્મભૂષણ પુરસ્કાર પરત કર્યો છે જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ. એસ.ઢિન્ડસાએ પણ પદ્મશ્રી પરત કર્યો છે.

પંજાબના કેટલાક પૂર્વ ઑલિમ્પિયન અને નેશનલ સ્પોર્ટ્સ કોચે પણ તેમના પુરસ્કારો પરત કર્યાં છે. જેમાં બૉક્સર અને ઑલિમ્પિયન વિજેન્દર સિંઘે પણ તેમને ખેલ રત્ન પુરસ્કાર પરત કરવાની જાહેરાત કરી છે.

તદુપરાંત જ્યારે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ખેડૂત આંદોલનના સમર્થનમાં નિવેદન આપ્યું ત્યારે ભારત અને કૅનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં પણ થોડો તણાવ જોવા મળ્યો છે. ભારતે કૅનેડાના રાજદૂતને તેડું મોકલીને વિરોધ વ્યક્ત કર્યો હતો. વળી યુકેમાં હાઉસ ઑફ કૉમન્સના સાંસદોએ પણ આંદોલન વિશે તેમના વિચારો વ્યક્ત કર્યાં છે.

ન્યૂ યૉર્ક ટાઇમ્સ અને ગાર્ડિયન સહિતના આંતરરાષ્ટ્રીય પ્રકાશનોએ પણ આ પ્રદર્શનો પર લેખો લખ્યાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો