ઉદય શિવાનંદ હૉસ્પિટલકાંડ : કેટલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો?- BBC TOP NEWS

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગ મામલે રાજકોટ પોલીસ દ્વારા પત્રકારપરિષદ યોજી પાંચ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હોવાની અને ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી હોવાની જાણકારી આપી છે.

જ્યારે ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. વિશાલ મોઢા અને ડૉ. તેજસ કરમટાની અટકાયત કરવામાં આવી છે. જ્યારે ડૉ. તેજસ કરમટા, ડૉ. તેજસ મોતીવરસ અને ડૉ. દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

પત્રકારપરિષદમાં ઘટનાની તપાસ માટે બનાવાયેલ SITના વડા DCP મનોહરસિંહ જાડેજાએ ઘટના અંગે પ્રાથમિક તપાસ અંગેનાં તારણો રજૂ કર્યાં હતાં.

તેમના દ્વારા અપાયેલ માહિતી અનુસાર ઘટનામાં ચાર વ્યક્તિઓનાં દાઝી જવાથી જ્યારે એક વ્યક્તિનું ગૂંગળામણથી મૃત્યુ થયું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર પોલીસે આગની ઘટના આકસ્મિક હોવાનું જણાવ્યું હતું. પ્રાથમિક વિગતો અનુસાર હૉસ્પિટલ સ્ટાફે પ્રતિક્રિયા આપી હોવાનું પોલીસે નોંધ્યું છે. પરંતુ આ પ્રયત્નો અપૂરતા હોવાની વાત પણ ઉમેરી છે.

હૉસ્પિટલ તંત્ર તરફથી બેદરકારી અંગેના પુરાવા એકત્રિત કરી તે અંગે FIRમાં ઉલ્લેખ કરાયો હોવાની જાણકારી આપવામાં આવી છે.

પત્રકારપરિષદમાં અપાયેલ માહિતી અનુસાર સમગ્ર મામલે પોલીસે IPCની કલમ 304-A અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.

નોંધનીય છે કે 26 નવેમ્બરે મોડી રાતે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં આગ લાગી હતી, જેમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે.

નરેન્દ્ર મોદી ખેડૂતોના આંદોલન વિશે 'મન કી બાત'માં શું બોલ્યા?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા અંગે કહ્યું કે ભ્રમ અને અફવાઓથી દૂર, કાયદાની યોગ્ય જાણકારી લોકોને હોવી જોઈએ.

નવા કૃષિ કાયદાનો લાભ લેતા એક ખેડૂતનું ઉદાહરણ આપીને તેઓએ કહ્યું, "કાયદાની સાચી અને પૂરી જાણકારી જ મહારાષ્ટ્રના એક ખેડૂત માટે તાકાત બની. ક્ષેત્ર કોઈ પણ હોય, દરેક પ્રકારના ભ્રમ અને અફવાઓથી દૂર, સાચી જાણકારી દરેક વ્યક્તિ માટે મોટો સહારો હોય છે."

નવા કૃષિ કાયદા અંગે તેઓએ કહ્યું કે "આ સુધારાથી ન માત્ર ખેડૂતોનાં અનેક બંધ સમાપ્ત થયાં છે, પણ તેમને નવા અધિકાર મળ્યા છે, નવી તકો પણ મળી છે."

રવિવારે 'મન કી બાત'માં મોદીએ બે ખેડૂતોનું ઉદાહરણ આપ્યું અને કૃષિ કાયદા અને પરાળની સમસ્યા અંગે વાત કરી.

તેઓએ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના ખેડૂત જિતેન્દ્ર ભોઈજીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓએ મકાઈની ખેતી કરી હતી અને તેની કિંમત મેળવવા માટે નવા કૃષિ કાયદાનો ઉપયોગ કર્યો છે.

તેઓએ કહ્યું કે જિતેન્દ્રે પોતાનો પાક વેચવા માટે કિંમત નક્કી કરી. પાકની કુલ કિંમત નક્કી થઈ અંદાજે ત્રણ લાખ બત્રીસ હજાર રૂપિયા. તેમને પચીસ હજાર રૂપિયા ઍડવાન્સ પણ મળી ગયા અને નક્કી થયું કે બાકીના પૈસા તેમને પંદર દિવસમાં મળી જશે.

મોદીએ કહ્યું કે ખેડૂતોમાં જાગરૂકતા વધારવાનું કામ બહુ જરૂરી છે, જેથી ખેડૂતોને નવા કાયદાઓ અંગે ખબર પડે અને તેનો લાભ લઈ શકે.

અમિત શાહ ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર, રાખી આ શરત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવા કૃષિ કાયદા સામે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને કહ્યું કે કેન્દ્ર સરકાર તેમની સાથે વાતચીત માટે તૈયાર છે. જોકે અમિત શાહે આ માટે કેટલીક શરતો પણ રાખી છે.

અમિત શાહે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને બુરાડી મેદાનમાં શિફ્ટ થવાની અપીલ કરી છે.

તેઓએ કહ્યું, "જેવા ખેડૂતો નક્કી કરેલી જગ્યાએ વિરોધપ્રદર્શન માટે આવી જશે, કેન્દ્ર તેમની સાથે વાતચીત માટે તૈયાર હશે."

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, અમિત શાહની અપીલ ગૃહમંત્રાલયના સત્તાવાર વૉટ્સગ્રૂપમાં ફૉરવર્ડ કરાઈ હતી.

અમિત શાહે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકારે ત્રણ ડિસેમ્બરે ખેડૂતોના એક પ્રતિનિધિમંડળને તેમની સમસ્યાઓ અંગે વાતચીત માટે આમંત્રિત કર્યું છે.

તેઓએ કહ્યું, "કેટલાંક ખેડૂત સંગઠનો અને નેતાઓએ ત્રણ ડિસેમ્બરની જગ્યાએ તરત વાતચીતની માગ કરી છે. હું તમામને વિશ્વાસ અપાવું છું કે જેવા તમે પ્રદર્શન માટે બુરાડી મેદાનમાં જશો, સરકાર તમારી સાથે વાતચીત માટે તૈયાર હશે."

યોગી આદિત્યનાથને ધમકી આપવાના આરોપમાં 15 વર્ષીય બાળકની ધરપકડ

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં કથિત રીતે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપવાના કેસમાં એક બાળકની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસે કહ્યું કે સગીર બાળકને લખનઉમાં એક જુવેનાઇલ હોમમાં રાખવામાં આવ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, પોલીસે કહ્યું કે 'છોકરાએ પ્રદેશના ડાયલ 112 હેલ્પલાઇન પર વૉટ્સઍપના માધ્યમથી ધમકી આપી હતી.'

ગત 22 નવેમ્બરે એક ગામથી લખનઉ પોલીસે 15 વર્ષીય બાળકને કથિત રીતે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાના આરોપમાં ધરપકડ કરી છે.

બાદમાં ડાયલ 112માં તહેનાત પોલીસકર્મી અનુજકુમારે કથિત અપરાધિક ધમકી મામલે લખનઉના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.

રિપોર્ટ અનુસાર સગીરની ધરપકડ પહેલાં આખો પરિવાર સમગ્ર ઘટનાથી અજાણ હતો.

પરિવારે કહ્યું કે તે મોટા ભાગે શાંત રહે છે અને તેનો મોટા ભાગનો સમય રમતમાં વિતાવે છે, ખાસ કરીને વૉલીબૉલમાં રમવામાં.

ચીની કંપનીના કાર્યક્રમમાં સામેલ થયા CDS ચીફ બિપિન રાવત

ભારત અને ચીન વચ્ચે સીમાવિવાદ પર ઘણા મહિનાઓથી વિવાદ ચાલુ છે. બંને દેશ વચ્ચે ઘણી વાર વાતચીત પછી પણ લદ્દાખમાંથી સેનાઓ ખસેડવા પર કોઈ સહમતી સધાઈ નથી.

જનસત્તાના અહેવાલ અનુસાર, આ દરમિયાન ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત એક ચીની કંપનીના કાર્યક્રમમાં સામેલ થયા હતા.

જનરલ બિપિન રાવત ચીની કંપની એમજી મોટરની એક ઇવેન્ટમાં સામેલ થયા હતા.

ધ ટેલિગ્રાફના એક રિપોર્ટ અનુસાર બુધવારે એમજી મોટરની ઇવેન્ટમાં રાવત સહિત ભાજપ સાંસદ મીનાક્ષી લેખી અને કેન્દ્રીયમંત્રી ફગ્ગનસિંહ કુલસ્તે પહોંચ્યાં હતાં.

ઝેરી ગૅસથી બે કામદારોનાં મૃત્યુ

અમદાવાદના પીરાણા વિસ્તારમાં બે કામદારોના ઝેરી ગૅસના કારણે શ્વાસ રૂંધાઈ જવાથી મૃત્યુ થયાં છે.

અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર, કેમિકલ ધરાવતી ટાંકીની સફાઈ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ ઘટના 'હાજી વૉશ' પર બની હતી, જ્યાં મુખ્યત્વે બ્લીચિંગ અને ડેનિમ વૉશિંગનું કામ ચાલે છે.

પોલીસે આ મામલે યુનિકના માલિક સલીમભાઈ અને અન્ય બે સામે એફઆઈઆર દાખલ કરી છે.

મૃતકો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરતા હતા અને તેઓ મૂળે ઉત્તર પ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ આગની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજને સોંપાઈ

રાજકોટમાં બનેલી આગની ઘટના મામલે હાઈકોર્ટના પૂર્વ જજને તપાસ સોંપવાનો નિર્ણય કરાયો છે.

રાજ્ય સરકારે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં બે દિવસ પૂર્વે લાગેલી આગની દુર્ઘટનાની ન્યાયિક તપાસ ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જજ કે. એ. પુંજને સોંપવાનો નિર્ણય કર્યો છે.

આ અગાઉ અમદાવાદમાં શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ પણ જસ્ટિસ પુંજ કમિશનને સોંપવામાં આવી હતી.

રાજકોટની ઉદય શિવાનંદ હૉસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં.

ત્રણ દર્દીઓનાં ઘટનાસ્થળે જ અને બે દર્દીઓના શિફ્ટિંગ દરમિયાન મૃત્યુ થયાં હતાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો