નરેન્દ્ર મોદી 'એક દેશ એક ચૂંટણી' કેમ ઇચ્છે છે?

    • લેેખક, ગુરપ્રીત સૈની
    • પદ, બીબીસી સંવાદદાતા

સમાચાર સંસ્થા પીટીઆઈએ સૂત્રોના હવાલાથી ટ્વીટ કર્યું છે કે ભારત સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વડપણ હેઠળ 'એક દેશ એક ચૂંટણી'ની સંભાવનાઓ ચકાસવા માટે એક સમિતિની રચના કરી છે. ઉલ્લેખનીય છે કે આ સમાચાર ત્યારે આવી રહ્યા છે સરકારે જ્યારે 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન સંસદના વિશેષ સત્રનું આયોજન કર્યું છે.

આ પ્રકારે અચાનક જ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત અને ત્યારબાદ સરકાર દ્વારા 'એક દેશ એક ચૂંટણી'ની સંભાવનાઓ ચકાસવા માટે એક સમિતિની રચનાની જાહેરાતથી આ દિશામાં સરકાર પગલાં ભરશે તેવી અટકળો તેજ થઈ ગઈ છે. રાજકીય પક્ષોના નેતાઓએ પણ પોતાનાં પ્રતિભાવ આપવાની શરૂઆત કરી દીધી છે.

નોંધપાત્ર છે કે ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'એક દેશ એક ચૂંટણી'ની વર્ષોથી તરફેણ કરી રહ્યા છે. વર્ષ 2019ના જૂન મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વાર 'એક દેશ એક ચૂંટણી'ની વાત પર ભાર મૂક્યો છે. તેમણે પ્રિસાઇડિંગ અધિકારીઓના 80મા ભારતીય સંમેલનના સમાપન સત્રને વીડિયો કૉન્ફરન્સ દ્વારા સંબોધિત કરતી વખતે ફરી આ વિશે ચર્ચા કરી હતી.

તેમણે કહ્યું, "વન નેશન વન ઇલેક્શ માત્ર ચર્ચાનો વિષય નથી પણ ભારતની જરૂરિયાત છે. દર મહિને ક્યાંકને ક્યાંક ભારતમાં ચૂંટણીઓ યોજાતી જોવા મળે છે. આનાથી વિકાસ કાર્યો પર અસર થાય છે. આથી વન નેશન વન ઇલેક્શન પર ગહન મંથન આવશ્યક છે."

વડા પ્રધાને વર્ષ 2018ના જૂનમાં પણ 'એક દેશ, એક ચૂંટણી'ના મુદ્દે સર્વપક્ષીય દળની બેઠક બોલાવી હતી. તેઓ ઘણા સમયથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે જ યોજવા પર ભાર મૂકી રહ્યા છે. પરંતુ આ મુદ્દે રાજકીય પક્ષો વચ્ચે મતમતાંતર જોવા મળે છે.

મોદી ઘણી વાર કહી ચૂક્યા છે કે જો લોકસભા અન રાજ્યસભાની ચૂંટણી એક સાથે યોજાશે તો તેનાથી સમય અને પૈસા બંનેની બચત થશે.

તેમનું કહેવું છે કે વારંવાર ચૂંટણીના કારણે સરકારી વહીવટી કામો પર પણ અસર પડે છે. જો દેશમાં તમામ ચૂંટણીઓ એક સાથે જ થાય તો પક્ષો પણ દેશ અને રાજ્યમાં વિકાસનાં કામો પર વધુ સમય આપી શકે છે.

પ્રથમ ઔપચારિક બેઠક

વડા પ્રધાને ગત વર્ષે જૂનમાં પહેલી વાર ઔપચારિક રીતે તમામ પક્ષો સાથે આ મામલે વિચાર-વિમર્શ કરવા બેઠક બોલાવી હતી. આ માટે તેમણે તમામ પક્ષોના પ્રમુખોને આમંત્રિત કર્યા હતા.

ત્યારે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે આ વિશે કહ્યું હતું કે, "આ દેશમાં એવી સ્થિતિ છે કે દર મહિને ચૂંટણીઓ થાય છે. દર વખતે ચૂંટણી આવે છે એમાં ખર્ચ થાય છે."

"આચારસંહિતા લાગવાથી કેટલાય કામો પણ અટકી જાય છે અને દરેક પ્રદેશના નામે ચૂંટણીમાં બહારના પદાધિકારીઓ નિયુક્ત થાય છે જનાથી તેમના ખુદના પ્રદેશોમાં પણ કામને અસર પડે છે."

પક્ષોના અલગ-અલગ મત

રાજકીય પક્ષોના મત આ મામલે અલગ-અલગ છે. ગત વર્ષે જ્યારે કાયદા પંચે આ મુદ્દે રાજકીય પાર્ટીઓની સલાહ માગી હતી ત્યારે સમાજવાદી પાર્ટી, તેલંગણા રાષ્ટ્ર સમિતિ, શિરોમણિ અકાલી દળ જેવા પક્ષોએ એક દેશ એક ચૂંટણીના વિચારનું સમર્થન કર્યું હતું.

જોકે, ડીએમકે, તૃણમૂલ કૉંગ્રેસ, સીપીઆઈ, એઆઈયુડીએફ અને ગોવા ફૉરવર્ડ પાર્ટીએ આ વિચારનો વિરોધ કર્યો હતો.

કૉંગ્રેસનું કહેવું હતું કે તે પોતાનું વલણ નક્કી કરતાં પૂર્વે અન્ય વિરોધી પક્ષો સાથે ચર્ચા કરશે.

સીપીઆઈએમનું કહેવું હતું કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે યોજવી બિનલોકતાંત્રિક અને સંઘવાદના સિદ્ધાંતની વિરુદ્ધ હશે.

ડાબેરીઓનું કહેવું છે કે આ એક અવ્યવહારિક વિચાર છે. તે જનાદેશ અને લોકતંત્રને નષ્ટ કરી દેશે. પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર સુહાસ પલશીકર પણ આવું જ કંઈક માને છે.

તેઓ કહે છે કે નિયમોમાં બદલાવ કરવાથી લોકસભા ને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવી શકાય છે.

પરંતુ તેમનુ કહેવું છે કે આ પ્રકારનો બદલાવ દેશના બંધારણનાં બે તત્ત્વો સંસદીય લોકતંત્ર અને સંઘવાદ વિરુદ્ધ હશે.

સુહાસ પલશીકર કહે છે,"એક દેશ એક ચૂંટણીનો અર્થ છે કે પાંચ વર્ષ પછી જ ચૂંટણીઓ થશે. એ પહેલાં નહીં થઈ શકશે. એવામાં સમજો કે જો કોઈ પાર્ટીનો બહુમત વિધાનસભામાં કોઈ કારણસર ખતમ થઈ જાય તો આજે સિસ્ટમ એવી છે કે ત્યાં ચૂંટણીઓ થઈ શકે છે. પાંચ વર્ષ પહેલાં પણ. પરંતુ એક દેશ એક સિસ્ટમમાં એવું નહીં થઈ શકે."

તેમનું કહેવું છે કે, "એક દેશ એક ચૂંટણીમાં જરૂરી છે કે જ્યારે લોકસભાની ચૂંટણી આવશે ત્યારે વિધાનસભાની ચૂંટણી પણ આવવી જોઈએ. કેટલાંય વર્ષોથી આ મામલો ચાલી રહ્યો છે. હવે એક વાર ફરી આને ઉઠાવવામાં આવ્યો છે પરંતુ મારું માનવું છે કે આ બંધારણનાં તત્ત્વોની વિરુદ્ધ છે."

સુહાસ પલશીકર કહે છે કે તેમને નથી લાગતું કે આનાથી નાણાં બચશે. તેમનું કહેવું છે કે માની લઈએ કે જો પૈસા બચી પણ રહ્યા છે તો શું પૈસા બચાવવા માટે લોકતંત્રને ખતમ કરી દેવાશે.

તેમણે કહ્યું,"તો મારા ખ્યાલથી આ સવાલ પૈસાનો નથી. સવાલ એ છે કે શું આપણે આપણા ગણતંત્ર સાથે સમજૂતી કરવા તૈયાર છીએ?"

સમર્થકોના તર્ક

કહેવાય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન મતદારો અલગ રીતે મતદાન કરે છે અન વિધાનસભામાં અલગ રીતે મતદાન કરે છે.

'એક દેશ એક ચૂંટણી'ના વિચારનો વિરોધ કરનારા કહે છે કે જો બંને ચૂંટણીઓ એક સાથે થશે તો મતદાર કેન્દ્ર અને રાજ્યમાં એક જ પાર્ટી માટે મત આપી દેશે.

આ વિચાર અને મુદ્દાનું સમર્થન કરનારા ઓડિશાનું ઉદાહરણ આપે છે.

સમર્થકોનું કહેવું છે કે ઓડિશામાં 2004 પછી ચારેય વિધાનસભા ચૂંટણીઓ, લોકસભા ચૂંટણીની સાથે થઈ અને તેમાં પરિણામો પણ અલગ-અલગ રહ્યાં.

સમર્થન કરાનારાઓનો એ પણ તર્ક છે કે ઓડિશામાં આચારસંહિતા પણ ઓછા સમય માટે જ લાગુ થઈ, જેના કારણે સરકારના કામકાજમાં અન્ય રાજ્યોની સરખામણીએ ઓછો ખર્ચો થાય છે.

ક્યારે-ક્યારે એક સાથે ચૂંટણીઓ થઈ...

આઝાદી પછી પહેલી વાર 1951-52માં ચૂંટણી થઈ હતી. ત્યારે લોકસભા અને તમામ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થઈ હતી.

ત્યાર બાદ 1957, 1962 અને 1967માં પણ ચૂંટણી એક સાથે જ કરાઈ હતી. પરંતુ ફરી આ સિલસિલો તૂટી ગયો.

વર્ષ 1999માં કાયદાપંચે પહેલી વાર તેના રિપોર્ટમાં કહ્યું કે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે થાય.

વર્ષ 2015માં કાયદા અને ન્યાય મામલાની સંસદીય સમિતિએ એક સાથે ચૂંટણીઓ કરાવવાની ભલામણ કરી હતી.

વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દેશ એક ચૂંટણીના વિચારનું સમર્થન કરે છે.

ગત વર્ષે થયેલી લોકસભા ચૂંટણીઓમાં એવું કહેવાઈ રહ્યું હતું કે મોદી સરકાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવા વિશે વિચારી શકે છે પણ આવું થયું નહીં.

મોદી સરકાર ગત વર્ષે થયેલી લોકસભા ચૂંટણીઓની સાથે હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડની વિધાનસભા ચૂંટણીઓ પણ કરાવવા માગતી હતી પરંતુ કહેવાય છે કે આ રાજ્યોના મુખ્ય મંત્રીઓએ પોતાના સંમતિ નહોતી આપી.

આ રાજ્યોમાં ભાજપની સરકાર હોવા છતા ત્યાંના મુખ્ય મંત્રીઓએ કહ્યું હતું કે તેઓ સમય પહેલાં પોતાની વિધાનસભા ભંગ ન કરી શકે.

આથી સવાલ એ ઊઠે છે કે ભાજપ પોતાના જ લોકોને આ મુદ્દે સંમત નથી કરી શક્યો તો અન્ય પાર્ટીઓને કઈ રીતે એકમત કરી શકશે.

(આ લેખ મૂળ 19 જૂન 2019ના રોજ પ્રકાશિત થયો હતો.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો