You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સંવિધાન દિવસ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ભારતનું બંધારણ કેટલું અને કેવી રીતે બદલાયું?
- લેેખક, દિનેશ ઉપ્રેતી
- પદ, બીબીસી સંવાદદાતા
“બંધારણ ભલે ગમે તેટલું સારું હોય, તે ખરાબ સાબિત થઈ શકે છે, જો તેનું અનુસરણ કરનાર વ્યક્તિ ખરાબ હોય. એ કોણ જણાવી શકે કે ભારતની જનતા અને તેના રાજકીય પક્ષો કેવું આચરણ કરશે. પોતાના હેતુ પાર પાડવા માટે તેઓ બંધારણીય રીતો અપનાવશે કે ક્રાંતિકારી રીતો? જો તેઓ ક્રાંતિકારી રીતો અપનાવશે તો ભલે બંધારણ ગમે તેટલું સારું હોય, તે અસફળ રહેશે એવું કહેવા માટે કોઈ જ્યોતિષની આવશ્યકતા નહીં રહે.”
બંધારણ ઘડ્યા બાદ ભીમરાવ આંબેડકરે આ ભાષણ નવેમ્બર 1949ના રોજ નવી દિલ્હીમાં આપ્યું હતું.
આંબેડકરે આપેલા આ ભાષણના અમુક અંશ અવારનવાર ત્યારે સાંભળવામાં આવે છે જ્યારે ‘બંધારણના અનુરૂપ કામ ન કરવાનો’ આરોપ સત્તાધારી પક્ષો પર લગાવવામાં આવે છે.
બંધારણની પ્રસ્તાવનામાં ફેરફારની વાત હોય, જજોની નિયુક્તિની કૉલેજિયમ પ્રણાલી હોય, પક્ષપલટાવિરોધી કાયદો હોય, જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરવાની વાત હોય કે પછી ચૂંટણી કમિશનરોની નિમણૂકોનો મુદ્દો.
એવા ઘણા મુદ્દા છે જેને લઈને અવારનવાર પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ થતો રહ્યો છે અને દરેક વખત બંધારણનો હવાલો અપાય છે.
એ બંધારણ જેને 73 વર્ષ પહેલાં 26 નવેમ્બર 1949ના દિવસે અપનાવવામાં આવ્યું અને ત્યારથી દર વર્ષે આ તારીખ બંધારણ દિવસ તરીકે ઉજવાય છે. એટલે કે આજે બંધારણને અપનાવાયાની 73મી વર્ષગાંઠ છે.
ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. તેના અનુચ્છેદ 368ના આધારે સંસદને બંધારણમાં સુધારા કરવાનો અધિકાર અપાયો છે.
બંધારણમાં પ્રથમ સુધારો 1951માં અસ્થાયી સંસદે પસાર કર્યો હતો. એ સમયે રાજ્યસભા નહોતી. પ્રથમ સંશોધન અંતર્ગત ‘રાજ્યો’ને સામાજિક અને આર્થિકપણે પછાત વર્ગો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની પ્રગતિ માટે હકારાત્મક પગલાં લેવાનો અધિકાર અપાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ તો અત્યાર સુધી બંધારણમાં 105 સુધારા કરાયાં છે, પરંતુ બંધારણની પ્રસ્તાવનામાં માત્ર એક વખત જ સુધારો કરવામાં આવ્યો છે.
લઘુ બંધારણ
આ સુધારો ઇંદિરા ગાંધીના શાસન દરમિયાન કટોકટી દરમિયાન થયો હતો. તે 42મો બંધારણીય સુધારો હતો અને અત્યાર સુધીનો સૌથી વ્યાપક અને વિવાદાસ્પદ પણ. એ સમયે એવું લાગી રહ્યું હતું કે આ સુધારા દ્વારા સરકાર કંઈ પણ બદલી શકે છે.
કદાચ આ જ કારણે તેને લઘુ બંધારણ તરીકે પણ યાદ કરાય છે. તેમાં બંધારણની પ્રસ્તાવનામાં ત્રણ નવા શબ્દો – સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા જોડવામાં આવ્યા.
1976માં કરાયેલા 42મા સુધારાની મહત્ત્વપૂર્ણ બાબત એ હતી કે ગમે તે આધારે સંસદના નિર્ણયને ન્યાયાલયમાં ન પડકારી શકાય.
સાથે જ સંસદસભ્યો અને ધારાસભ્યોના સભ્યપદને ન્યાયાલયમાં પડકારી નહોતો શકાતો. વિવાદની સ્થિતિમાં તેમના સભ્યપદ અંગે નિર્ણય લેવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિને જ આપી દેવાયો અને સંસદનો કાર્યકાળ પણ પાંચ વર્ષથી વધારીને છ વર્ષ કરી દેવાયો.
આ બંધારણીય સુધારાને લઈને સડકથી માંડીને સંસદ સુધી ભારે હોબાળા અને રાજકારણ થયાં. 1977માં જનતા પાર્ટીની સરકાર બની ત્યારે તેમણે આ સંશોધનની ઘણી જોગવાઈઓ 44મા બંધારણીય સુધારાથી રદ કરી નાખી. તેમાં સંસદસભ્યોને મળેલા અસીમ અધિકારો પણ દૂર કરી દેવાયા, જોકે, બંધારણની પ્રસ્તાવનામાં થયેલા ફેરફારો સાથે કોઈ છેડછાડ ન કરાઈ.
અત્યાર સુધી થયેલ બંધારણીય સુધારામાંથી ઘણાને કોર્ટમાં પડાકારાયા છે, પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતે માત્ર 99મા બંધારણીય સુધારાને ગેરબંધારણીય જાહેર કર્યો છે. આ સુધારો રાષ્ટ્રીય ન્યાયિક આયોગ (એનજેએસી કાયદો)ની રચના અંગે હતો. સુપ્રીમ કોર્ટે 16 ઑક્ટોબર 2015ના રોજ જજો દ્વારા જજોની નિમણૂક માટેની 22 વર્ષ જૂની કૉલેજિયમ પ્રણાલીની જગ્યા લેનારા વર્ષ 2014ના એનજેએસીના કાયદાને રદ કરી દીધો હતો.
પાંચ જજોની બંધારણીય પીઠે ચાર-એકની બહુમતીથી આપેલ નિર્ણયમાં એનજેએસી કાયદો અને બંધારણ (99મુ સંશોધન) અધિનિયમ, 2014 બંનેને ગેરબંધારણીય અને અમાન્ય જાહેર કરી દીધા હતા.
સતત દસ વર્ષ સુધી ચાલેલી મનમોહનસિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારને હઠાવીને એનડીએ ગઠબંધને વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સત્તા સંભાળી. તે બાદથી સરકારના ઘણા નિર્ણયો અને તેના દ્વારા લવાયેલા ઘણા વટહુકમો અને કાયદાને લઈને ઘણો વિવાદ રહ્યો છે. આ દરમિયાન બંધારણમાં છ સુધારા કરાયા.
આવો, જાણીએ મોદી સરકારનાં આઠ વર્ષના શાસન દરમિયાન બંધારણ કેટલું બદલાયું.
99મો બંધારણીય સુધારો
નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા બાદ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો. એ હતો રાષ્ટ્રીય ન્યાયીક નિયુક્તિ આયોગનું ગઠન કરવાની દિશામાં આગળ વધવાનો. આ આયોગ દ્વારા કેન્દ્ર સરકાર ન્યાયાધીશોની નિયુક્તિ કરવામાં સક્ષમ થઈ ગઈ હોત. કાયદા અંતર્ગત એવી જોગવાઈ કરાઈ હતી કે જજોની નિમણૂક કરવા માટેના આ પંચનું અધ્યક્ષપણું ભારતના મુખ્ય ન્યાયાધીશે સંભાળવાનું હતું.
આ સિવાય સુપ્રીમ કોર્ટના બે સિનિયર ન્યાયાધીશ, કાયદામંત્રી અને બે જાણીતી હસ્તીઓ પણ આ આયોગનો ભાગ બનવાની હતી. આ બે હસ્તીઓની પસંદગી ત્રણ સભ્યોવાળી સમિતિએ કરવાની હતી જેમાં વડા પ્રધાન, મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિરોધપક્ષના નેતા કે સૌથી મોટા વિપક્ષી દળના નેતા સામેલ હતા. આમાં રસપ્રદ વાત એ હતી કે આ કાયદાની એક કલમ અંતર્ગત જો આયોગના બે સભ્યો અમુક નિમણૂક મામલે સંમત ન થાય તો આયોગ એ વ્યક્તિની નિમણૂકની ભલામણ નહીં કરે.
આ બંધારણીય સુધારા પર 29 રાજ્યોમાંથી ગોવા, રાજસ્થાન, ત્રિપુરા, ગુજરાત અને તેલંગાણા સહિત 16 રાજ્યોની વિધાનસભાએ પણ પોતાની મહોર મારી. તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા આ ખરડાને મંજૂરી આપતાં જ તે બંધારણીય સુધારો કાયદો બની ગયો. પરંતુ આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો.
અરજીઓ પર સુનાવણી બાદ 16 ઑક્ટોબર 2015ના રોજ સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે ચાર-એકના બહુમત સાથે આ બંધારણીય સુધારા કાયદાને રદ કરી દીધો. અદાલતે કહ્યું કે જજોની નિમણૂક જૂની રીત – કૉલેજિયમ સિસ્ટમ મારફતે જ થશે.
100મો બંધારણીય સુધારો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલ ભૂ-સીમા સંધિ માટે બંધારણમાં 100મું સંશોધન કરાયું. 1 ઑગસ્ટ 2015ના રોજ લાગુ આ કાયદાથી ન માત્ર 41 વર્ષથી પાડોશી દેશ બાંગ્લાદેશ સાથે ચાલી રહેલ સીમાવિવાદનો ઉકેલ લાવવાની દિશામાં પગલાં લેવાયાં, બલકે અધિનિયમ બન્યા બાદ બંને દેશોએ એકમેકની સંમતીથી અમુક ભૂ-ભાગોનું આદાન-પ્રદાન પણ કર્યું. સમજૂતી અંતર્ગત બાંગ્લાદેશમાંથી ભારતમાં સામેલ થયેલા લોકોને ભારતીય નાગરિકતા પણ અપાઈ.
નોંધનીય છે કે ભારતમાં 111 અને બાંગ્લાદેશમાં 51 એવાં ઍન્ક્લેવ હતાં જ્યાં રહેનારા લોકોને કોઈ પણ દેશની નાગરિકતા હાંસલ નહોતી. ભારતમાં તે ક્ષેત્ર પૂર્વોત્તરનાં અસમ, ત્રિપુરા, મેઘાલય અને પૂર્વ બંગાળના ભાગોમાં સ્થિત હતાં. એ ઍન્ક્લેવ અમુક દ્વીપની જેમ જ કંઈક એવી રીતે વસેલાં હતાં કે એક દેશના નાગરિકોની વસતિના ભાગો ચારો તરફથી બીજા દેશોની જમીન અને તેમના નિવાસીઓથી ઘેરાયેલા હતા.
સદીઓ પહેલાં રાજાઓના જમાનામાં થયેલ જમીનના ભાગલાના કારણે આવી સ્થિતિ સર્જાઈ હતી અને એ જ વ્યવસ્થા 1947માં બ્રિટિશ શાસન ખતમ થયું અને 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થયું ત્યાં સુધી બરકરાર રહી. બંધારણીય સુધારા બાદ બંને દેશો માટે પોતાનાં ઍન્ક્લેવોની અદલાબદલી કરવાનો રસ્તો ખૂલી ગયો.
101મો બંધારણીય સુધારો
દેશમાં વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટીને લાગુ કરવા માટે ભારતીય બંધારણમાં 101મુ સંશોધન કરાયું. હેતુ હતો રાજ્યો વચ્ચે નાણાકીય અવરોધો દૂર કરીને એક સમાન બજારને બાંધીને રાખવો. તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મંજૂરી અને રાજ્યોની સંમતી મળ્યા બાદ એક જુલાઈ 2017થી તે લાગુ થઈ ગયો. જીએસટી રાષ્ટ્રીય સ્તર પર સેવાઓની સાથોસાથ વસ્તુઓના નિર્માણ અને વેચાણ પર લાગતો અપ્રત્યક્ષ કર (મૂલ્યવર્ધિત કર) છે.
જીએસટી એક એવી વ્યવસ્થા બની જેણે કેન્દ્ર અને રાજ્યો સરકારો દ્વારા વસ્તુઓ અને સેવાઓ પર લાદવામાં આવેલા તમામ અપ્રત્યક્ષ કર (ઇનડાયરેક્ટ ટૅક્સ)ની જગ્યા લીધી. ખરેખર, જીએસટી ખરડાને કાયદો બનાવવા માટે એક દાયકાથી પ્રયત્નો ચાલી રહ્યા હતા પરંતુ રાજકીય રસાકસીના કારણે તે અટકી પડ્યો હતો. આ કાયદો ડ્રાફ્ટ બિલથી માંડીને સંસદમાં પાસ કરાયો ત્યાં સુધી ભારતને દસ વર્ષ લાગી ગયાં.
‘એક દેશ-એક કર’ તરીકે ઓળખાતી આ સેવાને મોદી સરકારે સ્વતંત્રતાનાં 70 વર્ષ બાદનો સૌથી મોટો સુધારો ગણાવ્યો. આટલું જ નહીં જીએસટી લાગુ કરવાના અમુક કલાક પહેલાં મોદી સરકારે 30 જૂને અડધી રાત્રે સેન્ટ્રલ હૉલમાં એક વિશેષ સત્ર બોલાવ્યું.
કહેવાયું કે 14 ઑગસ્ટના રોજ સંસદના કેન્દ્રીય કક્ષમાં આઝાદ ભારતનો જન્મ થયો હતો, એ જ રીતે મોદી સરકારે જીએસટી લૉન્ચિંગ માટે અડધી રાત્રે કાર્યક્રમ રાખ્યો, જોકે, કૉંગ્રેસ સહિત મોટા ભાગનાં વિપક્ષનાં દળોએ વિશેષ સત્રનો બહિષ્કાર કર્યો હતો.
102મો બંધારણીય સુધારો
વર્ષ 2018માં સંસદે બંધારણમાં 102મો સુધારો કર્યો હતો જેમાં બંધારણમાં ત્રણ નવા અનુચ્છેદ સામેલ કરાયા હતા. નવા અનુચ્છેદ 338-બી દ્વારા રાષ્ટ્રીય પછાત વર્ગ પંચનું ગઠન કરાયું. આવી જ રીતે વધુ એક અનુચ્છેદ 342 એ જોડવામાં આવ્યો જે અન્ય પછાત વર્ગની કેન્દ્રીય યાદી સાથે સંબંધિત છે. ત્રીજો અનુચ્છેદ 366 (26 સી) સામાજિક અને શૈક્ષણિક દૃષ્ટિએ પછાત વર્ગોને પરિભાષિત કરે છે. આ સંશોધનના માધ્યમથી પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જો મળ્યો.
બંધારણીય દરજ્જો મળવાના કારણે બંધારણમાં અનુચ્છેદ 342 એ જોડીને પંચને સિવિલ ન્યાયાલય સમાન અધિકાર મળ્યા. આ આયોગને પછાત વર્ગોની ફરિયાદોનં નિરાકરણ લાવવાનો અધિકાર મળ્યો.
ખરેખર તો 1993માં કાયદાકીય સંસ્થા તરીકે સ્થાપિત રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની શક્તિઓ અત્યંત સીમિત હતી. પંચ માત્ર અમુક જાતિને ઓબીસી કે કેન્દ્રીય યાદીમાં સામેલ કરવાની કે હઠાવવાની ભલામણ જ કરી શકતું હતું. ઓબીસી વર્ગની ફરિયાદો સાંભળવાનો અને તેમનાં હિતોની રક્ષા કરવાનો અધિકાર અત્યાર સુધી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ કમિશન પાસે હતો. બંધારણીય દરજ્જો મળયા બાદ પંચને ઓબીસીના અધિકારોના રક્ષણ માટેની શક્તિઓ પણ મળી ગઈ.
103મો બંધારણીય સુધારો
9 જાન્યુઆરી, 2019ના રોજ સંસદ દ્વારા 103મો બંધારણીય સુધારા અધિનિયમ 2019 પસાર કરાયો. આ અધિનિયમ આર્થિક દૃષ્ટિએ નબળા વર્ગો સાથે સંબંધિત વ્યક્તિઓને દસ ટકા આરક્ષણની જોગવાઈ કરે છે. કાયદાકીય અનામતની સીમા 50 ટકાથી વધુ ન હોવી જોઈએ અને અત્યાર સુધી સમગ્ર દેશમાં એસસી, એસટી અને ઓબીસી વર્ગને જે અનામત મળતી હતી તે 50 ટકાની સીમાની અંદર જ મળતી હતી. પરંતુ સામાન્ય વર્ગનો ક્વૉટા આ 50 ટકાની મર્યાદાથી ઉપર છે.
આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો. 40 કરતાં વધુ અરજીઓ દાખલ થઈ ગઈ અને દલીલ કરાઈ કે તે દસ ટકા અનામત બંધારણના મૂળ આંતરમાળખાનું ઉલ્લંઘન છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે આર્થિક દૃષ્ટિએ કમજોરોને દસ ટકા અનામત આપવાનો કાયદો ઉચ્ચ શિક્ષણ અને રોજગારમાં સમાન તકો આપીને સામાજિક સમાનતાની વૃદ્ધિ માટે બનાવાયો છે.
નવેમ્બર 2022ના રોજ સુપ્રીમ કોર્ટે વ્યવસ્થા આપી કે આર્થિક દૃષ્ટિએ પછાત લોકોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં દસ ટકા અનામત ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોવાળી બંધારણીય પીઠે આ નિર્ણય બહુમતી સાથે આપ્યો. ચીફ જસ્ટિસ યુ યુ લલિતની આગેવાનીવાળી પાંચ જજોની બેન્ચે ઈડબ્લ્યૂએસ ક્વૉટાના પક્ષમાં નિર્ણય આપ્યો અને કહ્યું કે 103મો બંધારણીય સુધારો યોગ્ય છે.
104મો બંધારણીય સુધારો
104મા બંધારણીય સુધારા અંતર્ગત ભારતીય બંધારણના અનુચ્છેદ 334માં સુધારો કરાયો અને લોકસભા અને વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે અનામતની મુદ્દત દસ વર્ષ માટે વધારી દેવા હતી.
આ પહેલાં આ અનામતની મર્યાદા 25 જાન્યુઆરી 2020 હતી. આ સિવાય અધિનિયમ દ્વારા લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં ઍંગ્લો ઇન્ડિયનની બેઠકો માટેની અનામત સમાપ્ત કરી દેવાઈ હતી.
105મો બંધારણીય સુધારો
તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 18 ઑગસ્ટ, 2021ના રોજ ‘105મા બંધારણીય સંશોધન અધિનિયમ, 2021’ને સ્વીકૃતિ આપી. સંશોધન અનુસાર રાષ્ટ્રપતિ માત્ર કેન્દ્ર સરકારના હેતુઓ માટે સામાજિક અને શૈક્ષણિક દૃષ્ટિએ પછાત વર્ગોની યાદીનું નૉટિફિકેશન જાહેર કરી શકે છે.
આ યાદી કેન્દ્ર સરકાર તૈયાર કરશે. આ સિવાય, આ કાયદો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સામાજિક અને શૈક્ષણિક દૃષ્ટિએ પછાત વર્ગોની પોતાની યાદી તૈયાર કરવામાં સક્ષમ બનાવે છે.
આ ખરડાનો ઉદ્દેશ અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની પોતાની યાદીની ઓળખ કરવા અને તેને નૉટિફાય કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની શક્તિને ફરી વાર બહાલ કરવાનો છે.
કેન્દ્ર સરકાર અનુસાર રાજ્યોની શક્તિ બહાલ કરવાનો લાભ એ 671 જાતિઓને મળશે જેમની રાજ્ય યાદીઓમાં કરાયેલ અધિસૂચના રદ થવાનો ખતરો હતો.
નોંધનીય છે કે બંધારણના અનુચ્છેદ – 338 બી પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સામાજિક અને શૈક્ષણિક દૃષ્ટિએ પછાત વર્ગોને પ્રભાવિત કરનાર તમામ પ્રમુખ નીતિવિષયક મામલા પર રાષ્ટ્રીય પછાત વર્ગ પંચ પાસેથી સલાહ લેવાનું અનિવાર્ય છે. સંશોધન દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સામાજિક અને શૈક્ષણિક દૃષ્ટિએ પછાત વર્ગોની યાદી તૈયાર કરવાથી સંબંધિત મામલા માટે આ અનિવાર્યતામાંથી છૂટ અપાઈ છે.
રાષ્ટ્રીય પછાત વર્ગ પંચ એટલે કે એનસીબીસીની સ્થાપના રાષ્ટ્રીય પછાત વર્ગ અધિનિયમ, 1993 અંતર્ગત કરાઈ હતી. 102મા બંધારણીય સંશોધન અધિનિયમ, 2018એ એનસીબીસીને બંધારણીય દરજ્જો આપ્યો હતો અને રાષ્ટ્રપતિને અધિકાર આપ્યો હતો કે તેઓ તમામ ઉદ્દેશો માટે ગમે તે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ માટે સામાજિક અને શૈક્ષણિક દૃષ્ટિએ પછાત વર્ગોની યાદીને અધિસૂચિત કરી શકે છે.