You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ચૂંટણી : 'ઈસુદાનને લોકોનાં આંસુ લૂછવાં છે,' ઈસુદાન ગઢવીનાં પત્ની હીરલબહેને શું કહ્યું?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણીપ્રચારમાં લાગી ગયા છે.
ગુજરાત ભાજપ આ વખતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ચૂંટણી લડી રહ્યો છે.
તો આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને ગુજરાતમાં મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર કર્યા છે.
ઈસુદાન ગઢવી જામનગરની ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
ઈસુદાનનાં પત્ની હીરલબહેન ગઢવી સાથે બીબીસી સંવાદદાતા સાગર પટેલે વાતચીત કરી હતી અને એક મહિલા તરીકે આમ આદમી પાર્ટી પાસેથી અપેક્ષાઓ, ઈસુદાનના રાજકારણમાં જોડાવા પાછળનાં કારણો, મોંઘવારી સહિત વિવિધ મુદ્દાઓ અંગે તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો.
‘શરૂઆતમાં તો મારી ના હતી, પણ પછી...’
ઈસુદાન ગઢવી પહેલાં પત્રકાર હતા અને પત્રકારત્વની કારકિર્દી છોડીને રાજકારણમાં પ્રવેશ્યા હતા. જોકે, આ મામલે તેમણે તેમનાં પત્ની અને પરિવારની સલાહ લીધી હશે?
આ પ્રશ્નના જવાબમાં હીરલબેહેને કહ્યું, “તેમણે મારી પાસે આવીને કહ્યું કે અત્યાર સુધી મહામંથનમાં રહીને બહુ બૂમો પાડી, પણ તેમાં મર્યાદા હતી. હવે મારે રાજકારણમાં જઈને લોકોની સેવા કરવી છે.”
તેમણે આગળ કહ્યું, “શરૂઆતમાં તો મારી ના હતી, પરંતુ જ્યારે તેમણે (ઈસુદાને) કહ્યું કે લોકોનું કંઈક સારું થાય તે માટે મારે નિમિત્ત બનવું છે. તો અંતે હા પાડી દીધી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સક્રિય રાજકારણમાં રાજનેતાઓ સહિત તેમના પરિવારને પણ ઘણું સહન કરવાનું હોય છે. જે સમયે ઈસુદાન સક્રિય રાજનીતિમાં આવ્યા, ત્યારથી હીરલબહેન પણ તેને લઈને તૈયાર હતાં.
તેઓ કહે છે, “આ રાજનીતિ છે. અહીં કાદવ-કીચડ તો ઉછળવાનો જ. તેમના પર છેડતીનો આક્ષેપ કરાયો, દારૂ પીવાનો આક્ષેપ લાગ્યો પણ અમને અને ગુજરાતની જનતાને ખબર જ હતી કે ઈસુદાન સાચા છે અને અમને તેમના પર વિશ્વાસ છે.”
‘લોકો હવે થાકી ગયા છે, તેમને વિકલ્પ જોઈએ છે’
હીરલબહેનનું માનવું છે કે ગુજરાતના લોકો હવે ભાજપથી થાકી ગયા છે અને આમ આદમી પાર્ટીને ભાજપના વિકલ્પ તરીકે જુએ છે.
તેઓ જણાવે છે, “અમે ડોર ટુ ડોર પ્રચાર માટે જઈએ ત્યારે મહિલાઓ અને અન્ય લોકો ખુશ થાય છે અને એક જ વાત કહે છે કે અત્યાર સુધી વિકલ્પ નહોતો પણ આ વખતે છે. લોકો કહે છે, અત્યાર સુધી કોઈ અમારા ઘર સુધી નહોતું આવતું, તમે આવ્યા છો તો કામ પણ કરશો જ.’”
એક મહિલા તરીકે આમ આદમી પાર્ટી પાસેથી તેમની અપેક્ષા શું છે?
આ પ્રશ્નનો જવાબ આપતાં તેઓ કહે છે, “દિલ્હી અને પંજાબમાં જે રીતે મહિલાઓને સન્માન રાશિ મળે છે, ફ્રી બસસેવા મળે છે અને હૉસ્પિટલોમાં પણ સુવિધા મળે છે. ગુજરાતમાં પણ મહિલાઓને આવી સુવિધા મળે તેવી મારી અપેક્ષા છે અને હું એ પણ જાણું છું કે તેઓ આ કરીને બતાવશે.”
તેઓ ઈસુદાનના એક નિવેદનને ટાંકીને કહે છે, “તેઓ પણ કહેતા જ આવ્યા છે કે કામ ન કરીએ તો અમને કાઢી મૂકજો પણ અમે તો કામ કરવા માટે જ આવ્યા છે અને કામ કરવા માગીએ છીએ.”
‘યોજનાઓ તો આપી, પણ મોંઘવારી તો જુઓ!’
ભાજપનો દાવો છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બહુ ઓછા મત મળશે અને પાર્ટીનો સફાયો થઈ જશે.
આ દાવાના જવાબમાં હીરલબહેને કહ્યું, “આ એ લોકોનો વિચાર છે પણ લોકો વિકલ્પ શોધી રહ્યા છે. તેઓ (ઈસુદાન) જ્યારે ટીવી પર મહામંથન કરતા હતા, ત્યારે લોકોના મુદ્દા ઉઠાવતા હતા. તો પછી રાજકારણમાં આવ્યા પછી કેમ નહીં ઉઠાવે?”
તેઓ આગળ કહે છે, “ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે અને આ સરકારે વિવિધ યોજનાઓ આપી છે, પણ અત્યારે મોંઘવારી તો જુઓ! આ મોંઘવારીમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો પીસાઈ રહ્યા છે, રડી રહ્યા છે. તેમની પાસે ઘર ચલાવવાના પૈસા નથી.”
“મધ્યમવર્ગ તો કંઈ પણ કરીને ચલાવી લે છે પણ બિચારા શ્રમિકોનું તો વિચારો. તેમના ઘરમાં ચાર-પાંચ લોકો રહેતા હોય અને કમાનારી એક વ્યક્તિ હોય. એ વ્યક્તિ પણ રોજના 500-600 રૂપિયા કમાતી હોય અને આ મોંઘવારીમાં તેણે પરિવારનું ગુજરાન ચલાવવાનું હોય. આ લોકો કેવી રીતે ખુદને કે પરિવારને સાચવે?”
હીરલબહેને અંતે કહ્યું, “લોકો હવે ત્રાસી ગયા છે અને તેમને વિકલ્પ જોઈએ છીએ. આમ આદમી પાર્ટી એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે અને અમને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.”
કોણ છે ઈસુદાન ગઢવી?
જામખંભાળિયા તાલુકાના પીપળિયા ગામે 10 જાન્યુઆરી 1982ના રોજ જન્મેલા ખેડૂતપુત્ર ઈસુદાન આખરે પત્રકાર બન્યા હતા.
પત્રકાર બન્યા પછી કુટુંબથી દૂર શહેરમાં રહેવાનું આવ્યું અને તે દરમિયાન 2014માં પિતા ખેરાજભાઈનું અવસાન થયું તે ગાળામાં પિતાએ જ કહેલું કે ભલે મુશ્કેલીઓ નડે, પણ પત્રકારત્વ છોડવાનું નથી.
પત્રકાર તરીકે વાપીમાં રહીને દક્ષિણ ગુજરાતના અહેવાલો તેમણે આપેલા. દરમિયાન જંગલોમાં ચાલતો ભ્રષ્ટાચાર સહિતના ઘણા ઇન્વેસ્ટિગેટિવ અહેવાલો પણ ઈસુદાને આપેલા.
ઈટીવીમાં સંવાદદાતા તરીકે જોડાયા બાદ અમદાવાદમાં 2015ના વર્ષમાં એ ચેનલનું ન્યૂઝ-18 નામકરણ થયું ત્યારે ઈસુદાન બ્યૂરો ચીફ બન્યા.
2016માં વીટીવી જેવી અગ્રણી ચેનલમાં તંત્રી તરીકે જોડાયા પછી કારકિર્દીને મહત્ત્વનો વળાંક મળ્યો.
'મહામંથન' ડિબેટ શોની લોકપ્રિયતા સાથે ઈસુદાનની લોકપ્રિયતા પણ વધી ગઈ હતી.
ત્યાર બાદ તેઓ અરવિંદ કેજરીવાલની રાજનીતિથી પ્રભાવિત થઈને રાજકારણમાં આવ્યા અને આપમાં જોડાઈ ગયા.