યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ થશે તો હિંદુઓ ઉપર શું અસર થશે?

    • લેેખક, પ્રિયંકા ઝા
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન મોદીએ મંગળવારે મધ્ય પ્રદેશના ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે કેટલાક રાજનૈતિક દળ યુસીસી એટલે કે યુનિફૉર્મ સિવિલ કોડના નામ ઉપર મુસલમાનોને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યા છે.

યુનિફૉર્મ સિવિલ કોડનો મુદ્દો ભારતની ચૂંટણીલક્ષી રાજનીતિમાં ધર્મના દર્પણમાં પણ જોવામાં આવી રહ્યો છે.

જ્યાં એક બાજુ મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યા પછી મહિલાઓનું શોષણ વધ્યું છે.

સરકારનો તર્ક છે કે યુનિફૉર્મ સિવિલ કોડનો ઉદ્દેશ્ય દેશમાં રહેતા તમામ નાગરિકોના પર્સનલ લૉને એક સમાન કરવાનો છે, જે કોઈ ધર્મ, લૈંગિક અથવા જાતીય ભેદભાવ વગર લાગુ થશે.

ઘણાં મુસ્લિમ નેતાઓનું કહેવું છે કે સરકારે યુસીસીનો મુદ્દો મુસલમાનોને ટાર્ગેટ કરવા માટે ઉઠાવ્યો છે.

પણ શું સમાન નાગિરક સંહિતાની અસર માત્ર મુસલમાનો ઉપર જ પડશે?

પીએમ મોદીએ શું કહ્યું?

લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર અને દત્તક લેવાની બાબતોમાં ભારતમાં અલગ અલગ સમુદાયોમાં તેમના ધર્મ, આસ્થા અને વિશ્વાસના આધારે અલગ અલગ કાયદો છે.

યુસીસી આવ્યા પછી કોઈ પણ ધર્મ, લિંગ અને લૈંગિક ઢોળાવની ચિંતા કર્યા વિના એકમાત્ર કાયદો લાગુ થશે.

વડા પ્રધાને દેશમાં યુનિફૉર્મ સિવિલ કોડની તરફેણ કરતા કહ્યું કે, "એક જ પરિવારમાં બે લોકોના અલગ-અલગ નિયમ ન હોઈ શકે. આવી બે વ્યવસ્થાથી ઘર કઈ રીતે ચાલી શકશે?"

વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે. સુપ્રીમ કોર્ટ ડંડો મારે છે. કહે છે કે કૉમન સિવિલ કોડ લઈ આવો. પરંતુ આ વોટ બૅન્ક ભૂખ્યા લોકો આમાં અડંગો લગાવી રહ્યા છે. પરંતુ ભાજપ સૌનો સાથ, સૌનો વિકાસની ભાવનાથી કામ કરી રહ્યો છે."

વડા પ્રધાને કહ્યું કે, "જે ‘ટ્રિપલ તલાક’ની તરફેણ કરે છે, તેઓ વોટ બૅન્કના ભૂખ્યા છે અને મુસલમાન દીકરીઓની સાથે ઘોર અન્યાય કરી રહ્યા છે. ‘ટ્રિપલ તલાક’ ન માત્ર મહિલાઓની ચિંતાનો વિષય છે, પરંતુ આ સમગ્ર પરિવારનો વિનાશ કરી નાખે છે."

તેમણે કહ્યું, "કોઈ મહિલાને, જેનો નિકાહ ભારે આશા સાથે કરવામાં આવ્યો હોય, એને ‘ટ્રિપલ તલાક’ આપીને પાછી મોકલી દેવાય છે."

"કેટલાક લોકો મુસલમાન દીકરીઓના માથે ‘ટ્રિપલ તલાક’નો ફંદો લટકાવી રાખવા માગે છે, જેથી તેઓને તેમનું શોષણ કરતા રહેવાની આઝાદી મળી શકે."

હિંદુઓ ઉપર શું અસર થશે?

હિંદુવાદી સંગઠન એક લાંબા સમયથી એક દેશમાં તમામ લોકો માટે સમાન કાયદો લાગુ કરવાની માગ કરી રહ્યા છે.

એક દેશ એક વિધાનની માગથી હિંદુઓ ઉપર શું અસર પડશે?

આ સવાલ ઉપર સુપ્રીમ કોર્ટના વકીલ શાહરુખ આલમનું કહેવું છે કે, “આ ત્યારે કહી શકાય, જ્યારે અમને ખબર હોય કે કેવો કાયદો લાવવામાં આવશે.”

તેઓ કહે છે કે, “કોઈ પ્રસ્તાવિત ખરડા ઉપર તમે ચર્ચા કરો છો”

અસદુદ્દીન ઓવૈસીએ પણ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમાન નાગરિક સંહિતની નહીં પરંતુ ‘હિંદુ સંહિતા’ની વાત કરી રહ્યા છે.

શાહરુખ આલમ પણ માને છે કે ‘હિંદુ પર્સનલ લૉમાં ઘણા સુધારા થયા છે, જે મુસ્લિમ પર્સનલ લૉમાં ક્યારેય નથી થયા.’

મતલબ કે વર્ષ 2005 પછીથી હિંદુ કાયદા હેઠળ દીકરીઓને પણ પૈતૃક સંપત્તિમાં હક મળ્યો.

પરંતુ સવાલ એ ઉઠે કે શું હિંદુ પર્સનલ લૉને યુનિફૉર્મ સિવિલ કોડ માટે માપદંડ માની શકાય છે.

આના પર શાહરુખ આલમ કહે છે કે,”હિંદુ લગ્ન કાયદા હેઠળ તમે તમારા પતિને ત્યારે જ છૂટાછેડા આપી શકો છો, જ્યારે તમારા લગ્નમાં કોઈ મુશ્કેલી હોય”

“વગર કોઈ મુશ્કેલી લગ્નથી બહાર નિકળવા માટે હાલ તો કોઈ વિકલ્પ નથી. અથવા અંદરો અંદર સહમતી હોય અથવા તમે કોઈ સમસ્યા રજૂ કરો, મજબૂરીમાં લોકોએ અનેક ખોટા આરોપો પણ મૂકવા પડે છે.”

બૅંગલુરુના નેશનલ લૉ સ્કૂલ ઑફ ઇંડિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા સારસ થૉમસ યુસીસીથી હિંદુઓને થનારા નુકસાનને ગણાવે છે.

તેઓ કહે છે કે યુસીસીથી હિંદુ અવિભાજિત પરિવાર(HUF) નાબૂદ થઈ જશે. અસદુદ્દીન ઓવૈસીએ પણ HUF પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલો પૂછ્યા છે.

ઓવૈસીએ પૂછ્યું છે કે શું યુસીસી આવવાથી હિંદુ અવિભાજિત પરિવાર નાબૂદ કરી દેવામાં આવશે.

તેમણે દાવો કર્યો કે આનાથી દેશને દર વર્ષે 3,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. હિંદુ કાયદા મુજબ એક પરિવારના સભ્યો HUF બનાવી શકે છે.

આવકવેરા અધિનિયમ હેઠળ HUFને એક અલગ સંસ્થા માનવામાં આવે છે. હવે દીકરીઓ પણ પરિવારની સંપત્તિમાં ભાગીદાર છે.

અને આની હેઠળ તેમને કરની ચૂકવણીમાં અમુક છૂટ મળે છે.

‘કાયદાની ખબર નથી, પણ નુકસાનની ખાતરી’

સારસ થૉમસ પણ કહે છે કે નવા કાયદામાં શું થવાનું છે, કોઈને આના વિશે જાણકારી નથી.

જોકે, તેઓ લગ્ન સાથે સંકળાયેલ હિંદુઓના અલગ અલગ રિવાજો નાબૂદ થવાની વાત કહે છે.

તેઓ કહે છે કે દક્ષિણ ભારતમાં સંબંધીઓની વચ્ચે લગ્ન થઈ શકે છે. પરંતુ યુસીસી આ તમામ રિવાજોને નાબૂદ કરી દેશે.

જોકે, સુપ્રીમ કોર્ટના ઑન રેકર્ડ વકીલ રોહિત કુમાર યુસીસીના વિરોધને લઈને અલગ મત રજૂ કરે છે.

તેઓ કહે છે કે, “વિરોધ થશે કારણ કે કંઈક બદલાઈ રહ્યું છે પરંતુ શું બદલાવ થશે એના વિશે કોઈ ખાસ માહિતી નથી.”

પર્સનલ લૉની ચર્ચા જ્યારે પણ થાય છે ત્યારે ચર્ચા હિંદુ અને મુસ્લિમ પર્સનલ લૉને લઈને થાય છે.

આના ઉપર રોહિત કુમાર કહે છે કે, “એવું એટલા માટે થાય છે કારણ કે દેશમાં આજ બે સમુદાયોની સંખ્યા બહુમતમાં છે.”

આદિવાસી સમુદાય ઉપર શું અસર થશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન ઉપર પ્રતિક્રિયા આપતા છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે જો યુસીસી લાગુ થશે તો આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાઓનું શું થશે.

સીએમ બઘેલે કહ્યું કે,”તમે(ભાજપ) હંમેશાં હિંદુ-મુસલમાન દ્રષ્ટિકોણ જ કેમ વિચારો છો? છત્તીસગઢમાં આદિવાસી છે. તેમના નિયમ રૂઢિ પરંપરાના હિસાબે છે. હવે જો યુનિફૉર્મ સિવિલ કોડ કરી દેશો તો અમારા આદિવાસીઓની રૂઢિ પંરપરાનું શું થશે”

ઝારખંડના પણ 30થી વધુ આદિવાસી સંગઠનોએ એ નિર્ણય કર્યો છે કે કાયદાપંચની સામે યુનિફૉર્મ સિવિલ કોડના વિચારને પાછું ખેંચવાની માગ કરશે.

આ આદિવાસી સંગઠનોનું માનવું છે કે યુસીસીના લીધે આદિવાસીઓની ઓળખ જોખમમાં મૂકાઈ જશે.

કાયદાપંચે 14 જૂને જ સામાન્ય લોકો અને ધાર્મિક સંગઠનો પાસેથી યુસીસી ઉપર તેમના સૂચનની માગ કરી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ, આદિવાસી સમન્વય સમિતિ(એએસએસ)ના બેનર હેઠળ 30થી વધુ આદિવાસી જૂથોએ ગત રવિવારે આ મુદ્દે બેઠક કરી હતી.

આદિવાસી જન પરિષદના પ્રમુખ પ્રેમ સાહી મુંડાએ કહ્યું કે આદિવાસીઓને પોતાની જમીન સાથે ઊંડી લાગણી હોય છે.

તેમણે પીટીઆઈને કહ્યું કે,”અમને ભય છે કે યુસીસીના કારણે છોટા નાગપુર ટૅનેન્સી ઍક્ટ અને સંથલ પરગના ટૅનેન્સી ઍક્ટ જેવા બે આદિવાસી કાયદાઓ પ્રભાવિત થશે. આ બે કાયદાઓ આદિવાસીઓની જમીનની રક્ષા કરે છે.”

તેઓ કહે છે કે, "અમારા પારંપરિક કાયદાઓ હેઠળ મહિલાઓને લગ્ન બાદ માતા-પિતાની સંપત્તિમાં હક નથી મળતો. યુસીસી લાગુ થશે તો, આ કાયદો નબળો પડી શકે છે."

તેમણે કહ્યું કે આદિવાસીઓની વચ્ચે લગ્ન અને છૂટાછેડા સહિત અન્ય પારંપરિક કાયદાઓ પ્રચલિત છે.

સારસ થૉમસ કહે છે કે આદિવાસીઓના પર્સનલ કાયદાઓનું હજી સુધી દસ્તાવેજીકરણ પણ નથી કરવામાં આવ્યું.

એવામાં એ કહેવું મુશ્કેલ છે કે તેમની જમીનો ઉપર તેની શું અસર પડશે, તેમની સંપત્તિનું શું થશે, કેટલાકની તો પોતાની નહીં પરંતુ સામુદાયિક સંપત્તિ છે, તો એવી સ્થિતિમાં શું થશે.

પૂર્વોત્તરમાં કેમ થઈ રહ્યો છે વિરોધ?

અસદુદ્દીન ઓવૈસીએ વર્ષ 2016માં કહ્યું હતું કે યુસીસી માત્ર મુસલમાનોનો મુદ્દો નથી, પરંતુ આની ભારતનાં પૂર્વોત્તરનાં રાજ્યો, ખાસ કરીને નાગાલૅન્ડ અને મિઝોરમમાં પણ વિરોધ થશે.

ઓવૈસીના નિવેદન પાછળ એક મોટા આંકડા હતા.

વર્ષ 2011માં જનગણના પ્રમાણએ નાગાલૅન્ડમાં 86.46 ટકા, મેઘાલયમાં 86.15 ટકા અને ત્રિપુરામાં 31.76 ટકા વસ્તી અનુસૂચિત જનજાતી છે.

આ આંકડા પોતાનામાં જ પૂર્વોત્તરનાં આ રાજ્યોમાં આદિવાસી વસ્તીનું મહત્ત્વ દર્શાવે છે.

ઝારખંડથી પહેલાં ગત શનિવારે મેઘાલયમાં આદિવાસી પરિષદે યુસીસીને લાગુ કરવાના વિરોધને લગતો પ્રસ્તાવ મોકલ્યો છે.

ધ હિંદુના એક રિપોર્ટ પ્રમાણે આ પ્રસ્તાવને રજૂ કરતા ખાસી હિલ્સ ઑટોનૉમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે માન્યું કે યુસીસીથી ખાસી સમુદાયના રિવાજ, પરંપરાઓ, માન્યતાઓ, વિરાસત, લગ્ન અને ધાર્મિક બાબતોની સાથે સંકળાયેલ આઝાદી ઉપર અસર પડશે.

ખાસી સમુદાય માતૃસત્તાત્મક નિયમો ઉપર ચાલે છે. આ સમુદાયમાં પરિવારની સૌથી નાની દીકરીને સંપત્તિના રખેવાળ માનવામાં આવે છે અને બાળકોના નામ સાથે માંનું ઉપનામ લાગે છે. આ સમુદાયને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં વિશેષ અધિકાર મળ્યા છે.

આના સિવાય નાગાલૅન્ડ બૅપટિસ્ટ ચર્ચ કાઉન્સિલ(એનબીસીસી) અને નાગાલૅન્ડ ટ્રાઇબલ કાઉન્સિલ(એનટીસી)એ પણ યુસીસીને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

એમનું કહેવું છે કે યુસીસી લાગુ થવાથી લઘુમતીના પોતાના ધર્મનું પાલન કરવાના મૌલિક અધિકારનું હનન થશે.

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે શું કહ્યું?

વડા પ્રધાન મોદી તરફથી તમામ સમુદાયો માટે એક સમાન કાયદાની તરફેણ કરવાના અમુક કલાકો પછી ઑલ ઇંડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે યુસીસી વિરુદ્ધ દસ્તાવેજ ઉપર ચર્ચા કરી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈની સાથે વાતચીતમાં મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય ખાલિદ રશીદ ફરંગી મહલીએ કહ્યું કે આ બેઠકમાં યુસીસી ઉપર આપત્તિ સંબંધિત મુસદ્દાના દસ્તાવેજ ઉપર ચર્ચા થઈ પરંતુ આ નિયમિત બેઠકને પીએમ મોદીના ભાષણ સાથે ન જોડવી જોઈએ.

તેમણે કહ્યું કે, "ભારત એક એવો દેશ છે જ્યાં ધર્મો અને સંસ્કૃતિઓને માનનારા લોકો વસે છે, એટલે યુસીસી ન માત્ર મુસલમાનોને પ્રભાવિત કરશે, પરંતુ હિંદુ, શીખ, ઈસાઈ,જૈન, યહૂદી, પારસી અને અન્ય નાના લઘુમતી વર્ગ પણ આનાથી પ્રભાવિત થશે."

તેમણે કહ્યું કે "બોર્ડ યુસીસી ઉપર કાયદાપંચની સામે 14 જુલાઈ પહેલાં પોતાની આપત્તિ દાખલ કરી દેશે."

ઑલ ઇંડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ એક બિન-સરકારી સંગઠન છે જે પર્સનલ લૉની બાબતોમાં મુસલમાનોના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે.