પીએમ મોદીનો યુનિફોર્મ સિવિલ કોડ પર મુસલમાનોને સંદેશ, મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે શું આપી પ્રતિક્રિયા?

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીથી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાન નાગરિક સંહિતાનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે.

વડા પ્રધાને દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (સમાન નાગરિક સંહિતા)ની તરફેણ કરતા કહ્યું કે ’એક જ પરિવારમાં બે લોકોના અલગ-અલગ નિયમ ન હોઈ શકે. આવી બે વ્યવસ્થાથી ઘર કેવી રીતે ચાલી શકશે?’

તેમણે સવાલ કર્યો કે અલગ ટ્રિપલ તલાક ઇસ્લામમાં આટલો જ અનિવાર્ય હોત તો ઇન્ડોનેશિયા, કતાર, જૉર્ડન, સીરિયા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા મુસ્લિમ બહુમતીવાળા દેશમાં આની મંજૂરી હોત.

મધ્ય પ્રદેશમાં ભાજપના ‘મેરા બૂથ, સબસે મજબૂત’ અભિયાનની હેઠળ મંગળવારે પીએમ મોદીએ પક્ષના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે, “યુનિફોર્મ સિવિલ કોડને નામે એવા લોકોને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે. તમે મને જણાવો, એક ઘરમાં પરિવારના એક સભ્ય માટે એક કાયદો હોય. પરિવારના બીજા સભ્ય માટે બીજો કાયદો હોય તો શું ઘર ચાલી શકે ખરું? ક્યારેય ચાલી શકે ખરું? પછી આવી બે વ્યવસ્થાઓથી ઘર કેવી રીતે ચાલી શકશે.”

‘વોટના ભૂખ્યાં યુનિફોર્મ સિવિલ કોડમાં અડંદો લગાવી રહ્યા છે’

તેમણે કહ્યું કે, “આપણે યાદ રાખવાનું છે કે ભારતના બંધારણમાં પણ નાગરિકોના સમાન અધિકારની વાત કહેવામાં આવી છે. આ લોકો અમારા ઉપર આરોપ મૂકે છે પણ હકિકત એ છે કે આ જ લોકો મુસલમાન-મુસલમાન કરે છે. જો આ મુસલમાનોના ખરા અર્થમાં હિતેચ્છુ હોત તો મોટા ભાગના પરિવાર અને મારાં મુસ્લીમ ભાઈ-બહેન શિક્ષણમાં પાછળ ન રહ્યાં હોત. રોજગારમાં પાછળ ન પડી ગયા હોત. મુશ્કેલી ભર્યું જીવન જીવવા મજબૂર ન હોત.”

પીએમ મોદીએ કહ્યું કે, “સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે. સુપ્રીમ કોર્ટ ડંડો મારે છે. કહે છે કે કૉમન સિવિલ કોડ લઈ આવો. પરંતુ આ વોટબૅન્કના ભૂખ્યા લોકો આમાં અડંગો લગાવી રહ્યા છે. પરંતુ ભાજપ સૌનો સાથ, સૌનો વિકાસની ભાવનાથી કામ કરી રહ્યો છે.”

વડા પ્રધાને કહ્યું કે, “જે ‘ટ્પિલ તલાક’ની તરફેણ કરે છે, તેઓ વોટ બૅન્કના ભૂખ્યા છે અને મુસલમાન દીકરીઓની સાથે ઘોર અન્યાય કરી રહ્યા છે. ‘ટ્રિપલ તલાક’ ન માત્ર મહિલાઓની ચિંતાનો વિષય છે, પરંતુ આ સમગ્ર પરિવારનો વિનાશ કરી નાખે છે.”

તેમણે કહ્યું, “કોઈ મહિલાને, જેનો નિકાહ ભારે આશા સાથે કરવામાં આવ્યો હોય, એને ‘ટ્રિપલ તલાક’ આપીને પાછી મોકલી દેવાય છે.”

“કેટલાક લોકો મુસલમાન દીકરીઓના માથે ‘ટ્રિપલ તલાક’નો ફંદો લટકાવી રાખવા માગે છે, જેથી તેઓને તેમનું શોષણ કરતા રહેવાની આઝાદી મળી શકે.”

પીએમ મોદીનું નવિદેન અને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડેની તાત્કાલિક બેઠક

મધ્ય પ્રદેશમાં યુનિફોર્મ સિવિલ કોડ ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદનના કેટલાક કલાકોમાં જ ‘ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે’ (એઆઈએમપીએલબી) મંગળવારની સાંજે તાત્કાલિક બેઠક બોલાવી હતી.

બેઠકમાં ઇસ્લામિક પર્સનલ લૉ બૉડીએ યુસીસીના પ્રસ્તાવિત કાયદાનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.

ઓનલાઇન બેઠક દરમિયાન એઆઈએમપીએલબીના પ્રમુખ સૈફુલ્લાહ રહમાની, ઇસ્લામિક સેન્ટર ઑફ ઇન્ડિયા(આઈસીઈ)ના પ્રમુખ અને એઆઈએમપીએલબીના સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલી, એઆઈએમપીએલબીના વકીલ સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા.

તમામ એ વાતથી સહમત થયા કે 'મુસ્લિમ નિકાહ વિધિ આયોગ'ની સામે આ મુદ્દા ઉપર તેઓ પોતાનો પક્ષ વધુ પ્રભાવ સાથે રજૂ કરશે.

આઈસીઈના પ્રમુખ મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલીએ અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ 'હિન્દુસ્તાન ટાઇમ્સ' સાથે વાત કરી હતી, “એઆઈએમપીએલબી સમાન નાગરિક સંહિતાનો પુરજોશ વિરોધ કરશે. અમે વિધિ આયોગની સામે અમારી વાત મજબૂતી સાથે રાખી સરકારના પ્રસ્તાવિત પગલાનો સામનો કરવાની રણનીતિ બનાવી રહ્યા છીએ. મંગળવારે થયેલી ઓનલાઇન બેઠકમાં દેશના તમામ પ્રમુખ મુસ્લિમ નેતા હાજર રહ્યા હતા.”

તેમણે કહ્યું કે,”પાછલાં કેટલાક વર્ષોમાં રાજનેતા ચૂંટણીથી બરાબર પહેલાં સમાન નાગરિક સંહિતાનો મુદ્દો ઉઠાવતા આવ્યા છે. આ વર્ષે પણ આ મુદ્દો વર્ષ 2024ની ચૂંટણી પહેલાં સામે આવ્યા છે.”

“મેં હંમેશાં કહ્યું કે યુસીસી ન માત્ર મુસલમાનો પરંતુ દેશમાં રહેનારા હિંદુ, શીખ, ઈસાઈ, જૈન, યહૂદી, પારસી અને અન્ય નાના અલ્પસંખ્યકોને પણ પ્રભાવિત કરશે. ભારત એક એવો દેશ છે જ્યાં દર સો કિલોમીટરના અંતરે ભાષા બદલાય જાય છે. તો, આપણા બધા સમુદાય માટે સમાન નિયમ કેવી રીતે બનાવી શકાય? દરેક સમુદાયમાં પ્રાર્થના કરવા, કર્મકાંડ કરવા અને લગ્ન જેવાં સમારોહનું આયોજન કરવાની એક અલગ રીત છે. પોતાની આસ્થા અને જીવન શૈલીનું પાલન કરવાની સ્વતંત્રતા બંધારણ દ્વારા તમામને આપવામાં આવી છે.”

વિપક્ષી દળોનો વિરોધ, મોદી ઉપર સાધ્યું નિશાન

યુનિફોર્મ સિવિલ કોડ ઉપર પીએમ નરેન્દ્ર મોદીના નિવેદન પછી આને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

કૉંગ્રેસ, એઆઈએમઆઈએમ, જેડીયૂ, ડીએમકે જેવા પક્ષોએ વડા પ્રધાન મોદી પર વોટબૅન્કની રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો છે.

કૉંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદંબરમે વડા પ્રધાન મોદીના યુનિફોર્મ સિવિલ કોડ ઉપર આપેલા નિવેદનને સંપૂર્ણ રીતે ખોટું ઠેરવ્યું છે.

પી. ચિદંબરમે ટ્વિટ કરી લખ્યું કે સમાન નાગરિક સંહિતાને સાચી ગણાવવા માટે એક પરિવાર અને રાષ્ટ્રની વચ્ચે સરખામણી કરવી ખોટી બાબત છે. વ્યાપક પરિપ્રેક્ષ્યમાં આ સરખામણી ભલે સારી લાગી શકે છે પરંતુ વાસ્તવિકતા બહુ જ અલગ છે.

તેમણે લખ્યું કે, “એક પરિવાર જ્યાં લોહીના સંબંધે બંધાયેલો હોય છે. ત્યાં એક દેશ બંધારણના તાંતણે બંધાયેલો છે, જે એક રાજનૈતિક-કાયદાકીય દસ્તાવેજ છે. ત્યાં સુધી કે એક પરિવારમાં પણ વિવિધતા હોય છે. ત્યાં જ ભારતના બંધારણમાં પણ વિવિધતા અને બહુલતાને માન્યતા મળી છે.”

“યુસીસી એક મહત્ત્વકાંક્ષા છે. આને ઍજન્ડા-સંચાલિત બહુસંખ્યાવાદી સરકાર દ્વારા લોકો ઉપર થોપવામાં ન આવી શકે.”

“માનનીય વડા પ્રધાન એ દર્શાવા માગે છે કે યુસીસી એક સરળ અભ્યાસ છે. પરંતુ તેમણે ગત કાયદાપંચના રિપોર્ટને વાંચવો જોઈએ જેમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે આને લાગુ કરવું સંભવ નથી. ભાજપના કથન અને કાર્યને કારણે આજે દેશ બે ભાગમાં વહેંચાયેલો છે. લોકો ઉપર થોપવામાં આવેલ યુસીસી માત્ર આજ ભાગલાને વધારશે.”

ચિદંબરમનું કહેવું છે કે યુસીસી માટે વડા પ્રધાનની મજબૂત તરફેણનો ઉદ્દેશ્ય મોઘવારી, બેરોજગારી, હેટ ક્રાઇમ, ભેદબાવ અને રાજ્યોના અધિકારોને નકારવા જેવા મુદ્દા ઉપરથી ધ્યાન ભટકાવવાનો છે. લોકોએ સતર્ક રહેવું પડશે.

“સુશાસનમાં નિષ્ફળ થયા પછી, ભાજપ મતદાતાઓનું ધ્રુવીકરણ કરવા અને આવનારી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરવા માટે યૂસીસીને લઈને દ્રઢ છે.”

કૉંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે વડા પ્રધાન ગરીબી, મોઘવારી, બેરોજગારી અને મણિપુર હિંસા જેવી બાબતો ઉપર જવાબ નથી આપતા. તેમનું નિવેદન આ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાની કોશિશ છે.

એઆઈએમઆઈએમના નેતા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પીએમના નિવેદન ઉપર વળતો પ્રહાર કર્યો છે.

ઓવૈસીએ ટ્વિટ કર્યું હતું કે, “નરેન્દ્ર મોદીએ ત્રણ તલાક, યુનિફોર્મ સિવિલ કોડ અને પસમાંદા મુસલમાનો ઉપર કેટલીક ટિપ્પણી કરી છે. લાગે છે કે મોદીજી ઓબામાની સલાહને યોગ્ય રીતે સમજી નથી શક્યા”

તેમણે આગળ કહ્યું કે, “મોદીજી એ જણાવે કે શું તમે “હિંદુ અવિભાજિત પરિવાર”(HUF)ને દૂર કરશો? તેના લીધે દેશને દર વર્ષે 3 હજાર 64 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.”

મોદીજી વ્યાકુળ થઈ રહ્યા છે – આરજેડી

આરજેડીના સાસંદ મનોજ ઝાએ પીએમ મોદીના આ નિવેદન ઉપર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે,”પીએમ મોદી આજકાલ થોડા વ્યાકુળ થઈ રહ્યા છે. તેમને યુનિફોર્મ સિવિલ કોડને ગંભીરતાથી વાંચવો જોઈએ. એ ખૂબ જ જરૂરી છે કે પીએમ એ યુનિફોર્મ સિવિલ કોડ ઉપર 21માં વિધિ આયોગનો રિપોર્ટ વાંચવો જોઈએ. તેમણે બંધારણ સભાની ચર્ચા પણ વાંચવી જોઈએ.”

તો બીજી બાજુ કૉંગ્રેસના નેતા તારિક અનવરે પીએમના નિવેદન ઉપર કહ્યું કે,”વડા પ્રધાન પોતે વોટબૅન્કની રાજનીતિ કરી રહ્યા છે. જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો જ હતો તો 9 વર્ષથી તેમની સરકાર છે, પહેલાં જ કરી હોત. જેવી ચૂંટણી આવે કે તેમને આ બધી બાબતો યાદ આવી જાય છે.”

યુનિફોર્મ સિવિલ કોડને લઈને કૉંગ્રેસ નેતા અને ઑલ ઇંડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય આરિફ મસૂદે કહ્યું કે, “દેશ બાબાસાહેબના બનાવેલા બંધારણ ઉપર ભરોસો કરી શકે છે, દેશ એમાં કોઈ બદલાવ નહીં થવા દે.”

જેડીયૂ નેતા કેસી ત્યાગીએ ભાજપ ઉપર વોટબૅન્કની રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો હતો. ત્યાગીના કહેવા પ્રમાણે, “યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દા ઉપર તમામ પાર્ટિઓ અને સ્ટેકહોલ્ડર્સની સાથે ચર્ચા થવી જોઈએ.”

શું છે સમાન નાગરિક સંહિતા?

લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર અને દત્તક લેવાની બાબતોમાં ભારતમાં અલગ અલગ સમુદાયોમાં તેમના ધર્મ, આસ્થા અને વિશ્વાસના આધારે અલગ અલગ કાયદો છે.

જોકે, દેશ આઝાદ થયો પછીથી સમાન નાગરિક સંહિતા અથવા યુનિફોર્મ સિવિલ કોડની માગ ચાલતી આવી છે. જેની હેઠળ એકમાત્ર કાયદો હશે જેમાં કોઈ પણ ધર્મ, લિંગ અને લૈંગિક ઢોળાવની ચિંતા નહીં કરવામાં આવે.

કાયદાપંચે પણ આ મહિનાની શરૂઆતમાં રાજનૈતિક રૂપમાં સંવેદનશીલ આ મુદ્દા ઉપર સાર્વજનિક અને માન્યતા પ્રાપ્ત ધાર્મિક સંગઠનો સહિત તમામ પક્ષો પાસેથી સૂચનો માંગી સમાન નાગરિક સંહિતા ઉપર વાતચીત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.