You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશની ચલણી નોટ પર હિંદુ દેવતા ગણેશનું ચિત્ર કેમ છે?
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
- ગૂગલ ટ્રેન્ડ્ઝની માહિતી મુજબ, કેજરીવાલની પત્રકાર પરિષદ બાદ 'ઈન્ડોનેશિયન કરન્સી' કી વર્ડ સાથેની સર્ચમાં જબરો ઉછાળો જોવા મળ્યો હતો
- ઈન્ડોનેશિયામાં અત્યારે પણ એક કરન્સી નોટ ચલણમાં છે, જેના પર ઈન્ડોનેશિયન દ્વીપ બાલીસ્થિત એક હિંદુ મંદિરનું ચિત્ર છે
- એક અહેવાલ મુજબ, 1960 અને 1970ના દાયકામાં જાવા દ્વીપ પર હજારો લોકોએ હિંદુ ધર્મ અપનાવ્યો હતો
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસને બુધવારે ચોંકાવતાં અપીલ કરી હતી કે ભારતીય ચલણ પર ગણેશ અને લક્ષ્મી જેવાં હિંદુ દેવી-દેવતાનાં ચિત્રો લગાવવાં જોઈએ.
અરવિંદ કેજરીવાલે એવી દલીલ કરી હતી કે વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયા આવું કરી શકતો હોય તો ભારત કેમ નહીં?
આમ આદમી પાર્ટીના વડાએ ત્યાં સુધી જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયાની વસતીમાં 85 ટકા લોકો મુસ્લિમ છે અને માત્ર બે ટકા જ હિંદુ છે, છતાં તેમના ચલણ પર ગણેશનું ચિત્ર છે.
અરવિંદ કેજરીવાલે બુધવારે સવારે લગભગ 11 વાગ્યે આ મુદ્દો ઉઠાવ્યો હતો. એ પછી ટીવી ચેનલોથી માંડીને સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર આ મુદ્દો છવાઈ ગયો હતો.
ગૂગલ ટ્રેન્ડની માહિતી મુજબ, કેજરીવાલની પત્રકારપરિષદ બાદ 'ઇન્ડોનેશિયન કરન્સી' કીવર્ડ સાથેના સર્ચમાં જબરો ઉછાળો જોવા મળ્યો હતો.
ઇન્ટરનેટ યુઝર્સ એ જાણવા ઈચ્છતા હતા કે ઇન્ડોનેશિયાના ચલણ હિંદુ દેવતા ગણેશનું ચિત્ર કેમ?
હિંદુ દેવતાનું ચિત્ર શા માટે?
બીબીસીની તપાસમાં જાણવા મળ્યું હતું કે ઇન્ડોનેશિયાની આ ચલણી નોટ 1998માં એક ખાસ થીમ હેઠળ બહાર પાડવામાં આવી હતી અને હાલ એ નોટ ચલણમાં નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ નોટના ફોટોગ્રાફ પર ધ્યાનથી જોઈએ તો એક તરફ ગણેશનું તથા બીજી તરફ એક વ્યક્તિનું ચિત્ર જોવા મળે છે. નોટની પાછળની બાજુનો અભ્યાસ કરતાં બાળકો દેખાય છે.
બીબીસીની ઇન્ડોનેશિયા સેવાના વરિષ્ઠ પત્રકાર અસ્તૂદેસ્ત્રા અજેંગરાસ્ત્રીએ જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયાના ચલણ પરનું ગણેશનું ચિત્ર અહીંની સાંસ્કૃતિક વિવિધતાને પ્રદર્શિત કરે છે.
તેમણે કહ્યું હતું કે, "1998માં બહાર પાડવામાં આવેલી આ ચલણી નોટની થીમ શિક્ષણ હતી. ગણેશને ઇન્ડોનેશિયામાં કળા, બુદ્ધિ અને શિક્ષણના દેવ માનવામાં આવે છે. અહીંની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ગણેશજીની તસવીરોનો ઉપયોગ કરવામાં આવે છે."
"આ કરન્સી નોટ પર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રનાયક કી હજાર દેવંતરાનું ચિત્ર પણ છે. ઇન્ડોનેશિયા જ્યારે ડેન્માર્કની કૉલોની હતું, ત્યારે ઇન્ડોનેશિયન લોકોના શિક્ષણના અધિકાર માટે તેમણે જોરદાર સંઘર્ષ કર્યો હતો. એ સમયમાં સમૃદ્ધ અને ડચ સમુદાયના બાળકોને જ સ્કૂલોમાં જવાની છૂટ હતી."
ઇન્ડોનેશિયામાં અત્યારે પણ એક કરન્સી નોટ ચલણમાં છે, જેના પર ઇન્ડોનેશિયન દ્વીપ બાલીસ્થિત એક હિંદુ મંદિરનું ચિત્ર છે. આ વાતને સમર્થન આપતાં અસ્તૂદેસ્ત્રાએ જણાવ્યું હતું કે પચાસ હજાર રૂપિયાના મૂલ્યની નોટ પર બાલીસ્થિત મંદિરનું ચિત્ર છે. બાલીમાં હિંદુઓ બહુમતીમાં છે.
ઇન્ડોનેશિયાની કરન્સી પર માત્ર હિંદુ ઘર્મનાં પ્રતીકોનાં ચિત્રો જ છે એવું નથી. તેની અલગ-અલગ કરન્સી પર અલગ-અલગ ધર્મો તથા સમુદાયોનાં પ્રતીકોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
ઇન્ડોનેશિયામાં ગણેશજી આટલા લોકપ્રિય શા માટે?
સમગ્ર ઇન્ડોનેશિયામાં હિન્દુઓની વસતી ભલે બે ટકા હોય પણ બાલી દ્વીપમાં 90 ટકા નાગરિકો હિંદુ છે. એ ઉપરાંત સમગ્ર ઇન્ડોનેશિયામાં હિંદુ ધર્મ પ્રસરેલો છે.
એક અહેવાલ મુજબ વર્ષ 1960 અને 1970ના દાયકામાં જાવા દ્વીપ પર હજારો લોકોએ હિંદુ ધર્મ અપનાવ્યો હતો.
ઇન્ડોનેશિયાનાં સમાજ તથા સંસ્કૃતિ પર નજર કરીએ તો દેશનાં અનેક ક્ષેત્રોમાં હિંદુ ઇતિહાસની ઝલક જોવા મળે છે. ઇન્ડોનેશિયામાં ભૂતકાળમાં અનેક હિંદુ રાજવંશોએ શાસન કર્યું હતું. સાતમીથી સોળમી સદી દરમિયાન ઇન્ડોનેશિયાના મોટા ભાગ પર હિંદુ-બૌદ્ધધર્મી રાજવંશોનું શાસન રહ્યું હતું.
તેમાં મજાપહિત સામ્રાજ્ય અને શ્રી વિજય સામ્રાજ્ય સૌથી મોટાં હતાં. એમના શાસનકાળમાં ઇન્ડોનેશિયાના દ્વીપોમાં હિંદુ ધર્મને ખાસ પ્રોત્સાહન મળ્યું હતું.
એ સામ્રાજ્યોમાં પણ હિંદુ, બૌદ્ધ અને એનિમિઝમ સહિતના અનેક ધર્મો પ્રચલીત હતા પરંતુ ધાર્મિક ભાષા સંસ્કૃત જ હતી. એ પહેલાં શ્રી વિજય સામ્રાજ્યનો શાસનકાળ સાતમીથી બારમી સદી સુધી રહ્યો હતો. તેની મુખ્ય ભાષા સંસ્કૃત તથા જૂની મલય હતી.
આજના વખતમાં પણ ઇન્ડોનેશિયાના ઇતિહાસમાં વિકસેલી લોકકથાઓ તથા પ્રતીકોની અસર જોવા મળે છે. ઇન્ડોનેશિયાનું રાષ્ટ્રીય પ્રતીક ગરૂડ છે, જેને હિંદુ પૌરાણિક ગ્રંથો સાથે સીધો સંબંધ છે. રામચરિત માનસમાં જણાવ્યા મુજબ, સીતાને શ્રીલંકાથી પાછાં લાવવામાં ગરૂડ પક્ષીએ શ્રીરામને મદદ કરી હતી.
ઇન્ડોનેશિયાની સૌથી વધુ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ પૈકીની એક બાંદુંગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીમાં પણ ગણેશના ચિત્રનો ઉપયોગ કરવામાં આવે છે.
ઇન્ડોનેશિયાની ઍરલાઈન્સનું નામ 'ગરૂડ ઍરલાઈન્સ' છે. તેના લૉગોમાં પણ ગરૂડના ચિત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
એ ઉપરાંત ઇન્ડોનેશિયામાંના એક સ્થળે છેક 1961થી આજ સુધી એટલે કે 60થી વધુ વર્ષોથી રામાયણનું મંચન સતત ચાલુ છે. હિંદુઓ ઉપરાંત અન્ય ધર્મના લોકો પણ તેમાં રામાયણનાં વિવિધ પાત્રો ભજવે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો