You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ચૂંટણી : કેજરીવાલની ચલણી નોટ પર ગણેશ-લક્ષ્મીજીની તસવીર મૂકવાની અપીલ અંગે વિવાદ કેમ?
- દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ચલણી નોટ પર ગાંધીજી સાથે ગણેશજી-લક્ષ્મીજીની તસવીર મૂકવાની અપીલ કરી
- ટ્વિટર પર આ અપીલ અંગેનો વીડિયો સામે આવતાં ભાજપ-કૉંગ્રેસે શાબ્દિક પ્રહાર કર્યા
- કેજરીવાલની માગણીને ગુજરાતની ચૂંટણીને ધ્યાને લઈને 'હિંદુવિરોધી છબિ' દૂર કરવાના પ્રયાસ ગણાવાઈ રહી છે
- આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલની માગણીને વાજબી ગણાવી રહ્યા છે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય ચલણી નોટ પર ગાંધીજીની સાથે ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની તસવીરો મૂકવાની અપીલ કરી છે.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના વીડિયો સાથેના આમ આદમી પાર્ટીના ટ્વીટમાં લખાયું છે કે, "કેન્દ્ર સરકારને એક અપીલ છે, ગાંધીજી સાથે ચલણી નોટ પર લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર હોય, દેશની કથળતી જતી અર્થવ્યવસ્થાને આશીર્વાદ મળશે, ઘણાં પગલાં લેવાં જોઈએ, જેમાંથી એક આ પણ છે."
આમ આદમી પાર્ટીએ તેમના ટ્વિટર હૅન્ડલ પર દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની અપીલનો વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયો જાહેર કરાતાં જ ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર વાઇરલ થઈ ગયો હતો અને તેના પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી હતી.
સોશિયલ મીડિયા પર અને રાજકીય પ્રવાહોમાં અરવિંદ કેજરીવાલની આ અપીલને ક્યાંક 'આવકાર્ય' તો ક્યાંક 'હિંદુવિરોધી તરીકેની છબિ બદલાવાના પ્રયાસ' તરીકે જોવામાં આવી રહી છે.
અહીં નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલે ચલણી નોટ બદલવાની વાત નથી કરી.
તેમણે કહ્યું કે જે ચલણી નોટ છપાઈ રહી છે તેમાં આ બદલાવ કરી શકાય છે, જેથી ધીરે ધીરે આ પ્રકારની ચલણી નોટ ચલણમાં આવી જાય.
કેજરીવાલે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, "આપણી અર્થવ્યવસ્થા નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. આપણે જોઈએ છીએ કે ડૉલરના મુકાબલે રૂપિયો કમજોર પડી રહ્યો છે. તેનો માર સામાન્ય માણસ પર પડે છે. તેમાં સુધાર લાવવા મારી કેન્દ્ર સરકારને અપીલ છે."
"ઇન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે. ત્યાં બે ટકા હિંદુઓની વસતિ છે છતાં ત્યાં કરન્સી નોટ પર ગણેશની તસવીર છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે ગુજરાતની ચૂંટણી આડે હવે અમુક દિવસ બાકી રહ્યા છે.
તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલને 'હિંદુવિરોધી અને મુસ્લિમોના સમર્થક' તરીકે રજૂ કરવા માટે ગુજરાતમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવાયાં હતાં. જેના જવાબમાં તેમણે પોતે 'કટ્ટર હિંદુ' હોવાની વાત કરી હતી.
એ પહેલાં દિલ્હીમાં કેજરીવાલ સરકારના તત્કાલીન મંત્રી રાજેન્દ્ર પાલે બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર લોકો સાથે લીધેલા હિંદુ દેવી દેવતાઓને નહીં પૂજવાના શપથ મામલે મોટો વિવાદ થયો હતો.
જે બાદ અરવિંદ કેજરીવાલને હિંદુવિરોધી દર્શાવવાનો પ્રયાસ કરતાં પોસ્ટર પણ ગુજરાતનાં વિવિધ શહેરોમાં જોવા મળ્યાં હતાં.
વિવાદ બાદ રાજેન્દ્ર પાલે મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું હતું અને કેજરીવાલે પોતે 'કટ્ટર હનુમાનભક્ત' હોવાની વાત કરી હતી.
છતાં તેમના રોડ શો દરમિયાન તેમની સામે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા.
કેજરીવાલે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન તેમને મુસ્લિમ દર્શાવતાં પોસ્ટરો મુકાયાંની વાત અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, "હું જન્માષ્ટમીએ જન્મ્યો છું અને કંસની ઓલાદોના સંહાર માટે મારો જન્મ થયો છે."
હવે ફરી વખત હિંદુ દેવી-દેવતાની તસવીરો ચલણી નોટ પર મૂકવાની અપીલના કારણે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણની ધ્યાને રાખીને આવાં નિવેદનો કરી રહ્યા હોવાના આરોપ મુકાઈ રહ્યા છે.
જ્યારે આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ દ્વારા કેન્દ્ર સરકાર પાસેથી તેમની આ માગણીને 'ભારતના નાગરિકોને ગર્વ થાય તેવી માગણી' ગણાવાઈ રહી છે.
સોશિયલ મીડિયા પર રાજકીય પક્ષોની પ્રતિક્રિયા
કેજરીવાલની પ્રેસ કૉન્ફરન્સ બાદ ગુજરાતમાં આપના નેતા ઈસુદાન ગઢવીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે અરવિંદ કેજરીવાલ જી એ આજે ભારતના દરેક નાગરિકને ગર્વ થાય એવી માંગણી કેન્દ્ર સરકાર પાસે કરી છે.
તો બીજી તરફ ભાજપ તરફથી આ પગલાને પોતાની 'ઔરંગઝેબ' અને 'હિંદુવિરોધી છબિ' સુધારવાનો પ્રયાસ ગણાવાઈ રહ્યો છે.
દિલ્હી ભાજપના નેતા પ્રવક્તા તેજિન્દરપાલસિંહ બગ્ગાએ આ માગણીને લઈને પ્રતિક્રિયા આપતું ટ્વીટ કર્યું છે.
તેમણે લખ્યું છે કે, "કેજરીવાલ ફટાકડા ફોડવા બદલ હિંદુ છોકરાઓને જેલ મોકલવાના પ્રયત્નો કરતા હતા, તેને હિંદુઓએ જોરદાર જવાબ આપ્યો તેથી તેઓ તેમની ઔરંગઝેબની ઇમેજને તોડવા માટે હિંદુ હોવાનો ડોળ કરી રહ્યા છે."
ટ્વિટર પર અખિલેશ શર્મા નામના એક પત્રકારે કેજરીવાલની આ અપીલને ગુજરાતની ચૂંટણીટાણે આપ તરફથી મિશ્ર સંદેશ ગણાવ્યો.
અખિલેશ શર્માએ ટ્વીટ કરતાં લખ્યું કે, "પહેલાં આપ મંત્રી દ્વારા હિંદુ-દેવીદેવતાઓની પૂજા ન કરવાની વાત કરાઈ હતી. તે બાદ સાર્વજનિક શપથ પછી દીવાળીમાં ફટાકડા ફોડવા પર આપના એક મંત્રી દ્વારા છ મહિનાની જેલની ધમકી અપાઈ અને હવે ચલણી નોટ પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીર છાપવાની માગ. ગુજરાતની ચૂંટણીમાં જનતાને આમ આદમી પાર્ટી તરફથી એક મિશ્રિત સંદેશ."
ભાજપના સાંસદ મનોજ તિવારીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
મનોજ તિવારીએ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, "કેજરીવાલની માગ પૂરી થશે પણ સવાલ એ છે કે તેમના વિચારમાં અંતર છે, તેથી જનતા તેમના પર કેવી રીતે વિશ્વાસ કરે. આવી વાત કરતા પહેલાં કેજરીવાલે પહેલાં જ્યાં તેમને જનતાએ જવાબદારી સોંપી છે તે દિલ્હી અને પંજાબમાં તેમનાં વચનો પૂરાં કરવાં જોઈએ."
કેજરીવાલ પર પ્રહાર
કેજરીવાલની અપીલ બાદ ભાજપના નેતાઓ તેમની ટીકા માટે એકાએક સક્રિય થઈ ગયા હતા. ભાજપના નેતા અમિત માલવિયે આ અંગે પ્રતિક્રિયા આપતાં ટ્વીટ કર્યું હતું, તેમણે ભાજપને હિંદુઓના વિરોધી ગણાવતાં લખ્યું હતું કે, "કેજરીવાલે હાલમાં દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધનો ફતવો જારી કર્યો હતો. તેઓ હિંદુવિરોધી છે. તેમનાં વચનો હંમેશાં તેમની નિષ્ફળતા છુપાવવા માટેનાં હથિયાર હોય છે."
એક તરફ અરવિંદ કેજરીવાલ પર રાજકીય પક્ષોના શાબ્દિક પ્રહાર ચાલુ હતા તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના અન્ય મોટા નેતાઓ તેમની માગણીને વાજબી ગણાવી અને તેમના સમર્થનમાં ટ્વીટ કરતાં જોવા મળ્યા હતા.
દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કેજરીવાલની અપીલને ટેકો આપતાં ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું, "મા લક્ષ્મી અને ભગવાન ગણેશ સંપન્નતા અને સમૃદ્ધિનાં પ્રતીક છે. તેમના આશીર્વાદથી દેશ સમૃદ્ધ થઈ આગળ વધશે અને નંબર એક બનશે. ભારતની કરન્સી પર મહાત્મા ગાંધીની સાથે મા લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીર લગાવવી દેશ માટે મંગલમય સાબિત થશે."
તો ગુજરાતમાં આપ નેતા મનોજ સોરઠિયાએ ટ્વીટ કરતાં લખ્યું કે, "આ માસ્ટર સ્ટ્રોક છે. મોદી પોતાનો ફોટો નાખે તે પહેલાં આ માગ તેમના ઇરાદા પર પાણી ફેરવશે."
રાહુલ તાહિલિયાની નામના એક યુઝરે ટ્વિટર પર કેજરીવાલની આ અપીલ સંદર્ભે ટ્વીટ કરતાં લખ્યું કે, "હવે તેઓ ન વિરોધ કરી શકે છે ન માગ સ્વીકારી શકે છે. આને કહેવાય ચેક મેટ."
વિજય પટેલ નામની વ્યક્તિએ ટ્વીટ કરતાં કહ્યું કે, "તેઓ ગુજરાત આવ્યા હતા મફતનાં વચનો આપવા પણ હવે તેમને હિંદુ બનવું પડી રહ્યું છે. આ ગુજરાત અને તેના લોકોનો પાવર છે. તે હજુ માને છે કે આવા જૂઠા કાર્ડને કારણે લોકો તેમની જાળમાં ફસાઈ જશે."
"આપ ભાજપ-આરએસએસની બી ટીમ"
આ સિવાય કૉંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે, "આપ ભાજપ અને આરએસએસની બી ટીમ છે. તેની કોઈ સ્પષ્ટ વિચારધારા નથી. આ તેની મતોની રાજનીતિ છે. તે જો પાકિસ્તાન જાય તો ત્યાં પણ કહી દે કે તેઓ પાકિસ્તાની છે તેથી તેમને વોટ કરો."
કેજરીવાલની અપીલ અને વિવાદ બાદ ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે, "આ લોકો તસવીર હઠાવનારા લોકો છે. ગાંધીના નામે શપથ લે છે અને તેમની જ તસવીરો હઠાવી દે છે."
કેજરીવાલ પર સોફ્ટ હિંદુત્વનો આરોપ
કેજરીવાલે ભૂતકાળમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની જરૂરિયાત ઉપર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ તાજેતરમાં તેમણે અયોધ્યામાં રામ જન્મસ્થળના દર્શન કર્યા હતા અને પોતે હિંદુ હોઈ, તેમની મંદિરની મુલાકાત ઉપર સવાલ ન ઉઠવા જોઈએ, એવા મતલબનું નિવેદન પણ કર્યું હતું.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલે એક છાયાચિત્ર ટ્વીટ કર્યું હતું, જેમાં આપના ચૂંટણીચિહ્ન ઝાડુધારક દ્વારા સ્વસ્તિકને મારી-મારીને ભગાડતા જણાય છે. જેમાં સ્વસ્તિકને ભાજપના 'રૂપક' તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. છતાં તે હિંદુઓનું ધાર્મિકચિહ્ન હોઈ આ મુદ્દે વિવાદ થયો હતો.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અલકેશ પટેલના કહેવા પ્રમાણે, "ગુજરાતની ચૂંટણીની તૈયારીઓ કરતી વેળાએ કયા-કયા મુદ્દા મતદારોને આકર્ષી શકે છે, એ માટેના ફિડબૅક મેળવવામાં આવ્યા હોય. જેના આધારે તેઓ ધાર્મિકસ્થળોની મુલાકાતો લેતા હોય તથા વડીલોને તીર્થયાત્રાની યોજનાની જાહેરાત કરી હોય."
"2014ની લોકસભા ચૂંટણી પછી કૉંગ્રેસ સહિતના રાજકીયપક્ષોએ જોયું છે કે હિંદુ મતો દ્વારા રાજ્યો તથા કેન્દ્રની ચૂંટણી જીતી શકાય છે. 2019ની સામાન્ય ચૂંટણી પછી રાજકીયપક્ષોમાં આ માન્યતા માન્યતા પ્રબળ બની જ છે, એટલે જ તેઓ 'સેક્યુલરિઝમ'ને બદલે 'સૉફ્ટ હિંદુત્વ' કે 'પ્રતીકાત્મક હિંદુત્વ' તરફ વળતા જણાય છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ અને મમતા બેનરજી એટલે સુધી કે ધર્મને અફીણ માનતા ડાબેરીઓના નેતા સીતારામ યેચુરી પણ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેતા જણાય છે."
યેચુરીએ તેલંગણાના 'બોનાલુ' નામના ધાર્મિક ઉત્સવમાં ભાગ લીધો હતો, જેમાં મહાકાળીની આરાધના કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ દૂધ અને ગોળમાં રાંધેલો મીઠો ભાત માટી કે ત્રાંબાના ઘડામાં માથે લઈને મંદિરે જાય છે.
'શું હિંદુત્વ તથા સૉફ્ટ હિંદુત્વની ચર્ચા વચ્ચે ક્યાંકને ક્યાંક આપ દ્વારા મુસ્લિમ મતદારોને 'ટૅકન ફૉર ગ્રાન્ટેડ' લેવામાં આવી રહ્યાં છે? ' તેના જવાબમાં પટેલે જણાવ્યું કે આપ દ્વારા હજુ પહેલી યાદી બહાર પાડવામાં આવી છે અને ભવિષ્યમાં બહાર પડનારી યાદીઓમાં મુસ્લિમ ઉમેદવારોના નામો હોઈ શકે છે. આ સિવાય પાર્ટીના સંગઠન તથા માળખામાં મુસ્લિમોને પ્રતિનિધિત્વ મળેલું જ છે, એટલે પાર્ટી દ્વારા મુસ્લિમોની અવગણના કે ઉપેક્ષા કરવામાં આવી છે, એમ ન કહી શકાય.
પટેલ ઉમેરે છે, "ગુજરાતનો મતદાતા પાકટ છે, તે બધું જુએ અને સમજે છે એટલે મંદિરદર્શન વગેરે જેવા પગલાંથી કોઈ મોટો રાજકીય લાભ થાય તેમ લાગતું નથી."
દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો જન્મ અણ્ણા હઝારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનથી થયો હતો. જેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા ભાજપનું સમર્થન હાંસલ હતું. આપની પ્રારંભિક સફળતામાં દિલ્હીના રીક્ષાવાળા અને ગરીબવર્ગનો મોટો ફાળો હતો. જોકે, ગુજરાતમાં તે મધ્યમ વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક મનીષી જાનીના કહેવા પ્રમાણે, "આમ આદમી પાર્ટીએ મધ્યમવર્ગમાંથી ઉદ્દભવેલી પાર્ટી છે. જો તેણે ગુજરાતમાં પેઠ વધરાવી હોય અને પાયો મજબૂત કરવો હોય તો તેમને ગમતી વાત કરવી પડે. મધ્યમવર્ગનો મોટો ભાગ હિંદુ છે. આપને લાગે છે કે મંદિરદર્શન અને યોજનાઓની જાહેરાત દ્વારા આ વર્ગને આકર્ષી શકાય તેમ છે એટલે તેઓ આ પ્રયાસ કરી રહ્યાં છે."
તેઓ ઉમેરે છે, "ગુજરાતમાં આપએ કૉંગ્રેસની ખાલી જગ્યા પૂરવા માટે પ્રયાસ કરી રહી છે. કૉંગ્રેસ હિંદુતરફી પાર્ટી નથી અને સોનિયા ગાંધી ઇટાલિયન છે એવી છાપ ઊભી કરવામાં આવી છે. એટલે અમે ભારતીય છીએ તથા ભારતીય સંસ્કૃતિ અને રીતરિવાજોમાં માનીએ છીએ એવો સંદેશ આપવાની તક પણ આપને મળે છે. આપ દ્વારા ભાજપને તેની જ ભાષામાં જવાબ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો