You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાતમાં ભાજપને અત્યાર સુધી કઈ ચૂંટણીમાં કેટલી બેઠકો મળી?
જનસંઘ બાદ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પછી ભાજપે વર્ષ 1980થી કમળના નિશાન પર ગુજરાત વિધાનસભામાં પહેલીવાર ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી.
તે વર્ષે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને માત્ર નવ બેઠકો પર જીત હાંસલ થઈ હતી. પણ બાદમાં તેણે પાછું વળીને જોયું નથી.
1980માં નવ બેઠકો જીત્યા બાદ ગુજરાતમાં સત્તા મેળવવા સુધી અને પછી તેના શાસનને લાંબા સમય સુધી ટકાવી રાખવા સુધીની આ સફરમાં ઘણા વળાંકો પણ આવ્યા હતા.
છેલ્લાં 27 વર્ષથી ભાજપને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોઈ હરાવી શક્યું નથી. વચ્ચે થોડા સમયગાળા માટે શંકરસિંહ વાઘેલાના બળવાને કારણે તેના હાથમાંથી સત્તા જતી રહી હતી પણ તેને બાદ કરતા ભાજપે સતત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની બહુમતી જાળવી રાખી છે.
ભાજપની પ્રથમ ચૂંટણી
1980માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 9 બેઠકો જીતી હતી અને તેને કુલ 14.02 ટકા મત મળ્યા હતા.
જ્યારે કે કૉંગ્રેસ આઇને 51.04 ટકા મત મળ્યા હતા અને તેણે કુલ 141 બેઠકો જીતી હતી.
જ્યારે કે જનતા પાર્ટીને 22.77 ટકા મત મળ્યા અને તેના ફાળે 21 બેઠકો આવી હતી.
જ્યારે ખામ થિયરીના કારણે કૉંગ્રેસનો ભવ્ય વિજય થયો
વર્ષ 1985ની વાત કરીએ તો ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીની ખામ થિયરીને કારણે કૉંગ્રેસે મોટો અને ભવ્ય વિજય મેળવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપને માત્ર 14.96 ટકા વોટ મળ્યા અને 11 બેઠકો જીતી હતી. જ્યારે કૉંગ્રેસે 55.55 ટકા વોટ મેળવીને 149 બેઠકો જીતી હતી.
આ રેકૉર્ડ હજી કોઈ તોડી શક્યું નથી. જનતા પાર્ટીનો વોટશૅર 19.25 ટકા હતો અને તેને 14 બેઠકો મળી હતી.
ગઠબંધનની સરકાર
વર્ષ 1990ની વાત કરીએ તો રામમંદિર આંદોલનની અસર દેખાઈ અને ભાજપે જનતાદળ સાથે ગઠબંધન કર્યું હતું.
આ ચૂંટણીમાં ભાજપે 26.69 ટકા વોટ મેળવવા સાથે 67 બેઠકો જીતી હતી.
જ્યારે કૉંગ્રેસનો વોટશૅર ઘટીને 30.74 ટકા થઈ ગયો અને તેના ફાળે માત્ર 70 બેઠકો આવી હતી.
જનતા દળે 29.26 ટકા વોટશૅર સાથે 70 બેઠકો જીતી, તેની સાથે ગુજરાતમાં પહેલીવાર ભાજપે જનતાદળ સાથે સંયુક્ત રીતે સત્તાની ભાગેદારી કરી અને ચીમનભાઈ પટેલની સરકારમાં કેશુભાઈ પટેલ નાયબ મુખ્ય મંત્રી બન્યા હતા.
જોકે, બાદમાં ચીમનભાઈ પટેલે કૉંગ્રેસ સાથે સરકાર બનાવી. ચીમનભાઈ પટેલનું અવસાન થયું ત્યારબાદ છબિલદાસ મહેતાને મુખ્ય મંત્રી બનાવાયા હતા.
જ્યારે શંકરસિંહના બળવાને કારણે સરકાર પડી ભાંગી
જોકે 1990 બાદ ભાજપે પાછું વળીને જોયું નથી. વર્ષ 1995માં ભાજપ એકલા હાથે ચૂંટણી લડ્યો અને તેણે 42.51 ટકા વોટ મેળવવા સાથે કુલ 121 બેઠકો જીતી હતી.
કૉંગ્રેસને માત્ર 32.86 ટકા વોટ મળ્યા અને તેને ફાળે માત્ર 45 બેઠકો આવી. પણ પછી શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો અને કેશુભાઈ પટેલને મુખ્ય મંત્રી પદેથી હઠાવાયા હતા.
સુરેશ મહેતાને મુખ્ય મંત્રી બનાવ્યા. પરંતુ શંકરસિંહે અલગ ચોકો રચીને કૉંગ્રેસના ટેકા સાથે સરકાર બનાવી.
પણ પછી કૉંગ્રેસ સાથેની ખટપટ બાદ શંકરસિંહની જગ્યાએ દિલીપ પરીખને મુખ્ય મંત્રી બનાવાયા. પણ સરકાર પડી ભાંગી.
સતત બીજી ચૂંટણીમાં ભાજપની 100+ બેઠકો
વર્ષ 1998માં ફરી ભાજપે 44.81 ટકા વોટ મેળવવા સાથે 117 બેઠકો જીતી અને કૉંગ્રેસે 34.85 ટકા વોટ મેળવવા સાથે 53 બેઠકો જીતી હતી.
શંકરસિંહ વાઘેલાના રાષ્ટ્રીય જનતા પાર્ટીએ માત્ર ચાર બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો હતો.
આરજેપીને માત્ર 11.68 ટકા મતો મળ્યા હતા. પાછળથી શંકરસિંહ વાઘેલા કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા અને વિધાનસભામાં ભવ્ય જીત બાદ કેશુભાઈ પટેલ ફરી મુખ્ય મંત્રી બન્યા.
ભૂકંપે સરકાર હલાવી
વર્ષ 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો. ત્યારબાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે બે બેઠકો પર હાર ખમવી પડી.
તેના કારણે કેશુભાઈની જગ્યાએ નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવાયા. પછી વર્ષ 2002માં ગુજરાતમાં ગોધરાકાંડ થયો અને પછી રમખાણો ફાટી નિકળ્યા હતા.
વર્ષ 2002માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 49.85 ટકા મત મેળવવા સાથે કુલ 127 બેઠકો કબજે કરી. જ્યારે કૉંગ્રેસને 39.28 ટકા મત મળ્યા અને તેને 51 બેઠકો મળી.
2007ની ચૂંટણી
વર્ષ 2007માં ભાજપનો વોટશૅર 49.12 ટકા રહ્યો અને તેણે 117 બેઠકો મેળવી હતી.
જ્યારે કૉંગ્રેસને 38 ટકા વોટ મળ્યા અને 59 બેઠકો પર જીત મેળવી. ફરી નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા.
કેશુભાઈની અલગ પાર્ટી
વર્ષ 2012માં કેશુભાઈ પટેલે અલગ પાર્ટી બનાવીને વિધાનસભામાં ઝંપલાવ્યું. છતાં ભાજપે 47.85 ટકા વોટ મેળવીને 115 બેઠકો પર જીત હાંસલ કરી.
જ્યારે કૉંગ્રેસને 38.93 ટકા વોટ મળ્યા અને 61 બેઠકો પર જીત મળી. કેશુભાઈની પાર્ટીનો કરુણ રકાસ થયો.
હવે વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બની ચૂક્યા હતા તેથી તેમની જગ્યાએ આનંદીબેન પટેલને મુખ્ય મંત્રી બનાવાયા.
પણ પાટીદાર અનામત આંદોલન ફાટી નિકળ્યું અને તેને પરિણામે આનંદીબેનને હઠાવીને વિજય રૂપાણીને મુખ્ય મંત્રી બનાવાયા હતા.
સરકાર ગુમાવ્યા બાદ કૉંગ્રેસનું સૌથી ઉત્કૃષ્ઠ પ્રદર્શન
વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી પરંતુ ભાજપે 49.05 ટકા વોટ મેળવીને 99 બેઠકો પર જીત મેળવી હતી.
જ્યારે કે કૉંગ્રેસને 41.44 વોટ મળવા સાથે 77 બેઠકો પર જીત મળી હતી.
વિજય રૂપાણી ફરી મુખ્ય મંત્રી બન્યા પણ કોરોના મહામારી દરમિયાન તેમને જ નહીં પરંતુ તેમના આખા મંત્રીમંડળને બરખાસ્ત કરીને ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવી દેવાયા હતા.
હવે ફરી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ વખતે ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ છે. ત્રિપાંખીયો જંગ છે ત્યારે હવે જોવાનું રહે છે કે આ ચૂંટણીમાં કઈ પાર્ટીનું પ્રદર્શન કેવું રહે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો