ગુજરાત ચૂંટણી : ચલણી નોટ પર લક્ષ્મી-ગણેશની તસવીરની માગ કરીને કેજરીવાલ કોને નિશાન બનાવી રહ્યા છે?

    • લેેખક, ચંદન કુમાર જજવાડે
    • પદ, બીબીસી સંવાદદાતા
  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હિંદુત્વ સતત ચર્ચામાં છે
  • અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં દ્વારકાધીશ મંદીર અને અક્ષરધામ મંદિર પણ ગયા હતા
  • હાલના દિવસોમાં તેમનો હિંદુવાદ વધુ દેખાઈ રહ્યો છે તો પછી તેમના અને ભાજપમાં અંતર શું છે?

દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભારતીય ચલણી નોટ પર લક્ષ્મી અને ગણેશની તસવીર મૂકવાની માગ કરી છે. હિંદુ દેવી-દેવતાઓની તસવીરોને ચલણી નોટ પર છાપવાની માગ કરવાને લઈને કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી.

કેજરીવાલે પત્રકારોને કહ્યું, "આપણે સૌ ઇચ્છીએ છીએ કે ભારત એક ધનવાન દેશ બને. ભારતના તમામ પરિવારો ધનવાન બને. તેને માટે ઘણાં પગલાં લેવાંની જરૂર છે. પરંતુ આ ત્યારે ફળીભૂત થાય જ્યારે આપણી પાસે દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે."

આ પહેલાં હિંદુત્વના મુદ્દે ઉઠેલા એક વિવાદ બાદ દિલ્હી સરકારના એક મંત્રીએ રાજીનામું આપવું પડ્યું હતું. આ મહીના એટલે કે ઑક્ટોબરના પહેલા સપ્તાહમાં એક કાર્યક્રમને લઈને મોટો વિવાદ થયો હતો.

દિલ્હી સરકારના મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમે બૌદ્ધોના એક કાર્યક્રમમાં કેટલીક પ્રતિજ્ઞાઓ લીધી હતી. કથિત રીતે તેમાં હિંદુ દેવી-દેવતાઓની પૂજા ન કરવાની શપથ પણ સામેલ હતી. જેને લઈને ભાજપે અરવિંદ કેજરીવાલ પર ઘણા આરોપો લગાવ્યા હતા.

સમાચાર અનુસાર કેજરીવાલ પોતાના મંત્રી પર ઘણા નારાજ થયા અને બાદમાં મંત્રી રાજેન્દ્ર પાલે 9 ઑક્ટોબરના રોજ રાજીનામું ધરી દીધું.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હિંદુત્વ સતત ચર્ચામાં છે.

હિંદુવાદી છબિ બનાવવાની કેજરીવાલની કોશિશ

ગુજરાત પ્રવાસ દરમિયાન કેજરીવાલે 8 ઑક્ટોબરે વિરોધીઓ પર નિશાન તાકતાં કહ્યું હતું કે, " હું એક ધાર્મિક વ્યક્તિ છું, હનુમાનજીનો કટ્ટર ભક્ત છું. હનુમાનજીની અસીમ કૃપા છે મારા પર. બધી આસુરી શક્તિઓ મારી સામે એક થઈ ગઈ છે."

કેજરીવાલે કહ્યું હતું કે, " આ તમામ લોકો કંસની ઓલાદ છે, ભગવાનનું અપમાન કરે છે, ભક્તોનું અપમાન કરે છે. હું તેમને બતાવવા માગુ છું કે મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. મને ભગવાને એક ખાસ કામ માટે મોકલ્યો છે. આ કંસની ઓલાદોનો નાશ કરવા માટે, તેમનો સફાયો કરવા માટે."

ગુજરાતમાં ગાયોને લઈને પણ અરવિંદ કેજરીવાલ નિવેદન આપી ચૂક્યા છે. તેમનું કહેવું હતું, " આપણે સૌ ગાયને માતા માનીએ છીએ, જો ગુજરાતમાં આપની સરકાર બની તો તમામ ગાયની દરકાર કરીશું. તમામ ગાયની દેખરેખ માટે અમે પ્રતિ ગાય 40 રૂપિયા સહાય આપીશું."

થોડા દિવસો પહેલા ગુજરાત યાત્રા દરમિયાન કેજરીવાલ હિંદુવાદી વેશભૂષામાં સોમનાથ મંદિરનાં દર્શન કર્યાં હતાં. આ ઉપરાંત તેઓ ગુજરાતમાં દ્વારકાધીશ મંદીર અને અક્ષરધામ મંદિર પણ ગયા હતા. તેમણે સુરતમાં ગણેશમંડપમાં આરતી પણ ઉતારી હતી.

એટલે ગુજરાતના ચૂંટણી અભિયાનમાં કેજરીવાલનું એક અલગ જ રૂપ જોવા મળી રહ્યું છે. જે સામાન્ય રીતે દિલ્હીની ચૂંટણીના માહોલ કરતાં અલગ છે. ગુજરાતમાં કેજરીવાલ એક હિંદુવાદી નેતાની છબિ બનાવતા દેખાય છે.

શું ભાજપનો મુકાબલો કરવા બનાવી છે કેજરીવાલે રણનીતિ?

હવે સવાલ એ ઉઠે છે કે દિલ્હીમાં દલિત, મુસ્લિમ અને અલ્પસંખ્યકોની વાત કરનારા કેજરીવાલનું આ અલગ રૂપ કેમ દેખાઈ રહ્યું છે. શું તેઓ હિંદુત્વના સહારે ભાજપનો મુકાબલો કરવાની તૈયારી કરી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલની રાજનીતિ પર નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર પ્રમોદ જોશી કહે છે, "એવું નથી કે આ રૂપ અત્યારે દેખાય છે. આંદોલન દરમિયાન પણ જ્યારે કેજરીવાલનો મંચ તૈયાર થતો હતો તો તેના પર ભારતમાતાની તસવીર લાગતી હતી."

કેજરીવાલ છેલ્લી દિવાળીમાં પૂજાનું લાઈવ પ્રસારણ દેખાડી ચૂક્યા છે. જોકે એ એક સ્પોન્સર્ડ કાર્યક્રમ હતો. અરવિંદ કેજરીવાલ અયોધ્યા અને બનારસમાં પણ 'હિંદુવાદી રૂપ'માં નજરે પડ્યા છે.

હાલના દિવસોમાં તેમનો હિંદુવાદ વધુ દેખાઈ રહ્યો છે તો પછી તેમના અને ભાજપમાં અંતર શું છે?

પ્રમોદ જોશી માને છે કે, "હિંદુત્વને લઈને ભાજપની વિચારધારા સ્વતંત્રતા આંદોલન સમયથી ચાલી આવે છે. તે બહુત વ્યાપક છે જેને આરએસએસ ચલાવે છે. જ્યારે કે કેજરીવાલનું હિંદુત્વ વિચારધારા વગરનું છે."

ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ બંને મોટી પાર્ટી છે. વરિષ્ઠ પત્રકાર પ્રમોદ જોશીના જણાવ્યા મુજબ, ગુજરાતમાં વડા પ્રધાને મફત રેવડીની વાત કરીને પોતે જ આમ આદમી પાર્ટી માટે જગ્યા બનાવી દીધી છે.

કેજરીવાલની રાજનીતિ

પ્રમોદ જોશીના જણાવ્યા મુજબ, "હોઈ શકે કે કેજરીવાલનો ઇરાદો એ હોય કે તેઓ ગુજરાતમાં થોડા શક્તિશાળી થઈ જાય તો ભાજપવિરોધી વોટમાં તેઓ ગાબડું પાડી શકે છે."

આનો અર્થ એ થાય છે કે આમ આદમી પાર્ટી જેટલો વોટ શૅર મેળવશે તેટલું કૉંગ્રેસને વધારે નુકસાન જશે. અને તેનો સીધો ફાયદો ભાજપને થશે.

અરવિંદ કેજરીવાલ રામ અને કૃષ્ણની વાત કરે છે. હવે હિંદુ દેવી-દેવતાઓની તસવીર ચલણી નોટ પર લગાવવાની વાત કરીને શું તેઓ મોટા પાયે પોતાની નવી છબિ બનાવવાની કોશિશ કરી રહ્યા છે, જેથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમનું એક અસ્તિત્વ બની રહે.

વિરોધીઓના નિશાન પર કેજરીવાલ

અરવિંદ કેજરીવાલની માગ બાદ ભાજપ ફરી તેમના પર આક્રમક થઈ રહ્યો છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું છે કે, "અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં જાહેરખબરની પૉલિસી ચલાવી રાખી છે. કામ ઓછું અને દેખાડો વધુ. અને હવે તેઓ ઠીકરું લક્ષ્મી અને ગણેશ પર ફોડે છે."

બીજેપી સાંસદ મનોજ તિવારીનું પણ કહેવું છે કે, "બની શકે એક દિવસ આવું થઈ પણ જાય, પરંતુ તેમના પર ભરોસો કોણ કરી શકે. એવું લાગે છે કે ચૂંટણી નજીક છે અને કેજરીવાલ તેમાં કોઈને કોઈ ષડ્યંત્ર કરવાની કોશિશ જરૂર કરશે."

ત્યાં કૉંગ્રેસે ટીમ કેજરીવાલ પર ફરી એક વાર 'ભાજપની બી ટીમ' હોવાનો આરોપ લગાવ્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો