You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોપાલ ઈટાલિયાની અટકાયતને 'આપ' પાટીદારનો વિરોધ કેમ ગણાવી રહી છે?
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની ગુરુવારે દિલ્હી ખાતે નેશનલ કમિશન ફૉર વિમૅનની (NCW) ઑફિસેથી દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. જે બાદ સાંજે તેમને છોડી મુકાયા હતા.
ગોપાલ ઈટાલિયાની મુક્તિ બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી.
તેમણે લખ્યું હતું કે, "ગુજરાતના લોકોના ભારે દબાણને પગલે ગોપાલ ઈટાલિયાને છોડી દેવા પડ્યા. ગુજરાતના લોકોનો વિજય થયો."
તાજેતરમાં ગોપાલ ઈટાલિયા પર ટ્વિટર પર વીડિયો જાહેર કરી વડા પ્રધાન મોદી સામે 'વિવાદિત ટિપ્પણી' કર્યાનો આક્ષેપ કરાયો હતો.
આ મામલે સ્વસંજ્ઞાન લઈ નેશનલ કમિશન ફૉર વિમૅન દ્વારા ગોપાલ ઈટાલિયાને પોતાનો ખુલાસો રજૂ કરવા માટે ગુરુવારે કમિશનની ઑફિસે હાજર રહેવા નોટિસ આપવામાં આવી હતી.
બાદમાં તેમની અટકાયત કરી લેવાઈ હતી.
આ મામલાની જાણકારી આપતાં ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કર્યું હતું કે, "NCWનાં વડાં મને જેલમાં નાખવાની ધમકી આપી રહ્યાં છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય આપી જ શું શકે છે. ભાજપ પાટીદાર સમાજથી નફરત કરે છે."
"હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલોથી નથી ગભરાતો. ભલે મને જેલમાં નાખી દો. તેમણે પોલીસ પણ બોલાવી લીધી છે. મને ધમકાવી રહ્યાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં એ વાત નોંધનીય છે કે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઈટાલિયા પોતે પણ તેમની પર લગાવાયેલા આરોપ અને હવે અટકાયતની કાર્યવાહીને 'પાટીદાર સમાજ તરફ ભાજપ સરકારનો દ્વેષભાવ અને સમાજનું અપમાન' ગણાવી રહ્યાં છે.
પરંતુ આવું કેમ? આ અંગે વધુ સ્પષ્ટતા મેળવવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.
ગોપાલ ઈટાલિયા સામેની કાર્યવાહીને આપ 'પાટીદારો સામેની કાર્યવાહી' કેમ ગણાવી રહી છે?
- ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની ગુરુવારે દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. જે બાદ સાંજે તેમને છોડી મુકાયા હતા
- તાજેતરમાં ગોપાલ ઈટાલિયા પર ટ્વિટર વીડિયોમાં વડા પ્રધાન મોદી વિરુદ્ધ કથિતપણે 'વાંધાજનક ભાષા'નો ઉપયોગ કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો
- આ વીડિયોના કન્ટેન્ટ અંગે નેશનલ કમિશન ફૉર વિમૅન દ્વારા સ્વસંજ્ઞાન લઈને ગોપાલ ઇટાલિયા સામે નોટિસ કાઢવામાં આવી હતી. જેનો જવાબ રજૂ કરવા માટે તેમને કમિશનમાં રૂબરૂ હાજર રહેવા બોલાવાયા હતા.
- આમ આદમી પાર્ટી ઈટાલિયા પરની કાર્યવાહીને 'પાટીદારો પ્રત્યે ભાજપના દ્વેષભાવ'ના પ્રતીકરૂપે રજૂ કરી રહી છે
- રાજકીય વિશ્લેષકો આને આપની 'પાટીદારોના મત આકર્ષવાની' વ્યૂહરચના ગણાવી રહ્યા છે
પાટીદારોનો મુદ્દો મત અંકે કરવાની વ્યૂહરચના?
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રાધ્યાપક અને રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઈટાલિયા સામે કરાયેલી કાર્યવાહીને 'પાટીદારો સામે કરાયેલા હુમલા' તરીકે રજૂ કરવાના પ્રયાસને 'પાટીદારોના વધુ મત અંકે કરવાની વ્યૂહરચના' ગણાવે છે.
તેઓ કહે છે કે, "સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સાંપડેલી સફળતામાં પાટીદાર સમાજના એક વર્ગનો ફાળો હતો. આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલાં ગુજરાતમાં પાટીદારોની સમૂહભાવનાને જાગૃત કરી અને મોટા વર્ગને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે."
ઘનશ્યામ શાહ આગળ જણાવે છે કે, "ગુજરાતમાં પાટીદારો અમુક વર્ષ પહેલાં કરેલા આંદોલનમાં સુરતના હીરા ઉદ્યોગના પાટીદાર કામદારોની બીજી પેઢી સક્રિય હતી. તે આજે પણ આમ આદમી પાર્ટીમાં એક વિકલ્પ શોધી રહી છે."
"આમ આદમી પાર્ટીનું ગુજરાતના રાજકારણમાં આગમને તેમનામાં આશા જાગૃત કરી છે, આપ આ અપીલને વધુ મજબૂત કરવા માગે છે. તેથી તેઓ ઈટાલિયા સામેની કાર્યવાહીની પાટીદાર સમાજ પરનો હુમલો પાટીદાર સમાજ પરનો હુમલો હોવાની વાત કરી રહ્યા છે."
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય પણ આમ આદમી પાર્ટી દ્વારા ઈટાલિયા પરની કાર્યવાહીને 'પાટીદાર સમાજ પ્રત્યે ભાજપના દ્વેષભાવ' તરીકે રજૂ કરવાની વાતને 'પાટીદારોની સહાનુભૂતિ' મેળવવાનો પ્રયાસ ગણાવે છે.
તેઓ કહે છે કે, "સુરતમાં આમ આદમી પાર્ટીને મળેલી સફળતામાં પાટીદાર સમાજનો ફાળો છે. તેમના મુખ્ય મતદારો પાટીદાર સમાજના જ છે. તેથી આ મતોમાં વધારો કરવા માટે આ કાર્ડ રમાઈ રહ્યું છે. પાટીદારોનો જે વર્ગ આપને સહયોગ કરે છે તેનો વ્યાપ વધારવા માટેના આ પ્રયાસ છે."
આ સિવાય ગુજરાતમાં પાછલા અમુક સમયથી મુદ્દાઓની રાજનીતિ કરનાર તરીકે પોતાની ઓળખ આપનાર આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાની જાતને 'કટ્ટર હિંદુ' ગણાવવામાં અને અમુક સમાજને પોતાની તરફ આકર્ષવામાં લાગેલા હોવાની વાત થવા લાગી હતી.
આ અંગે પોતાનો મત વ્યક્ત કરતાં જગદીશ આચાર્ય જણાવે છે કે, "હિંદુ તરીકે પોતાની છાપ રજૂ કરવાનો પ્રયાસ કેજરીવાલે તેમને હિંદુ ધર્મના વિરોધી તરીકે ચીતરવાનાં પોસ્ટર અભિયાન બાદ પ્રતિક્રિયારૂપે કર્યો હતો. તેમાં મને કોઈ મત આકર્ષવા માટેની વ્યૂહરચના નથી દેખાઈ રહી. પરંતુ પાટીદાર સમાજવાળી વાત નિ:સંદેહ સમાજના વધુ મતદારોમાં પાટીદાર ગૌરવની લાગણી જન્માવી આમ આદમી પાર્ટી તરફ આકર્ષવાના પ્રયાસરૂપે કરાઈ હતી."
વરિષ્ઠ પત્રકાર અને ન્યૂઝ પૉર્ટલ વાઇબ્સ ઑફ ઇન્ડિયાનાં સ્થાપક દીપલ ત્રિવેદી પણ માને છે કે, "ચૂંટણી સમયે પાટીદાર સમાજના મતદારોને આકર્ષવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ઈટાલિયાના મુદ્દાનો ઉપયોગ કરાઈ રહ્યો હોય તેવું લાગે છે."
તેમણે આગળ વાત કરતાં કહ્યું હતું કે, "મને નથી લાગતું આ પ્રકારના પ્રયાસોના પાટીદાર સમાજની મતદારો પર કોઈ અસર થશે, કારણ કે મોટા ભાગે પાટીદાર સમાજ એ સત્તા પક્ષને સમર્થન કરતો આવ્યો છે."
વાઇરલ વીડિયોનો વિવાદ અને 'પાટીદાર કાર્ડ'
થોડા દિવસ પહેલાં કથિતપણે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો.
જેમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે 'વાંધાજનક શબ્દો'નો પ્રયોગ કરી રહ્યા હોવાનો આરોપ મુકાયો હતો.
આ મામલે ભાજપના ઘણા નેતાઓએ ગોપાલ ઈટાલિયા સામે શાબ્દિક પ્રહાર કર્યા હતા.
ગોપાલ ઈટાલિયાના બચાવમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ અને તેમણે પોતે કરેલાં ટ્વીટમાં વારંવાર 'ઈટાલિયા પટેલ સમાજના હોવાના કારણે તેમને ટાર્ગેટ કરાઈ રહ્યા' હોવાની વાતનો ઉલ્લેખ જોવા મળે છે.
ગોપાલ ઈટાલિયા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ 10 ઑક્ટોબરના રોજ પોતાના એક ટ્વીટમાં લખે છે કે, "ગુજરાતમાં જ્યારથી પાટીદારોએ આંદોલન કર્યું છે ત્યારથી ભાજપ પાટીદારોને નફરત કરે છે. ભ્રષ્ટ ભાજપ પટેલવિરોધી છે તેથી તેઓ મને વારંવાર ટાર્ગેટ કરે છે."
ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં અટકાયત કરાયા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતના ટ્વિટર હૅન્ડલ પરથી સંખ્યાબંધ ટ્વીટ કરાયાં હતાં જેમાંથી કેટલાંકમાં ગોપાલ ઈટાલિયા સામે કરાયેલી કાર્યવાહીને 'પાટીદારો વિરુદ્ધની નફરતથી પ્રેરિત' ગણાવવામાં આવી હતી.
આવા જ એક ટ્વીટમાં લખાયું હતું કે, "પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરવામાં આવી છે. ભાજપ ગોપાલ ઈટાલિયાથી ખૂબ જ નફરત કરે છે. ગોપાલ ઈટાલિયા સરદાર પટેલના વંશજ છે, સરદાર પટેલ અંગ્રેજોના કુશાસન સામે ક્યારેય ઝૂક્યા નહોતા, તો ગોપાલભાઈના ભાજપના કુશાસન સામે ઝૂકવાનો તો કોઈ સવાલ જ પેદા નથી થતો."
આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ઈસુદાન ગઢવીએ આપેલા નિવેદનને ટાંકતાં આમ આદમી પાર્ટી ગુજરાતના ટ્વીટમાં લખાયું હતું કે, "આજે ભાજપ સરકારે તાનાશાહીની હદ વટાવી દીધી છે. ગોપાલ ઈટાલિયા એક સામાન્ય પાટીદાર પરિવારમાંથી આવે છે. ગોપાલ ઈટાલિયા એક સામાન્ય પાટીદાર પરિવારમાંથી આવે છે."
"ગોપાલ ઈટાલિયાએ કોઈ ચોરી, લૂંટફાટ કે બુટલેગરોની જેમ દારૂનું વેચાણ નથી કર્યું તો શા માટે ભાજપ એમને આ રીતે હેરાન કરી રહી છે?"
આ વીડિયો મામલે ભાજપે ગોપાલ ઈટાલિયા પર વડા પ્રધાન મોદી માટે વાંધાજનક શબ્દો વાપરવાના અને સ્ત્રીવિરોધી માનસિકતા દર્શાવવાનો આરોપ મૂક્યો હતો.
એએનઆઈને રેખા શર્માએ કહ્યું છે, "તેમણે એટલે કે ગોપાલ ઈટાલિયાએ કોઈ નોટિસ મળવાનો ઈન્કાર કર્યો છે, પરંતુ તેમનો જવાબ પહેલેથી તૈયાર છે. તેમણે પોતે વીડિયોમાં હોવાનો ઇનકાર કર્યો છે, પરંતુ તેના જવાબમાં ટ્વીટ કરવાની વાત સ્વીકારી છે."
"તેમનાં મૌખિક અને લેખિત નિવેદનો એકબીજા સાથે મેળ ખાતાં નથી. તેમણે યોગ્ય જવાબ આપ્યો નથી."
રેખા શર્માના જણાવ્યા અનુસાર, "ગોપાલ ઈટાલિયાએ રાષ્ટ્રીય મહિલા આયોગની ઑફિસમાં આવીને માત્ર કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના હતા. પરંતુ તેમણે શા માટે જૂઠું બોલવું પડ્યું અને તેમણે આટલા બધા વકીલોને સાથે કેમ લાવવા પડ્યા."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો