You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હું પાટીદાર છું એટલે ભાજપે મને ટાર્ગેટ કર્યો', મુક્ત થયા બાદ ગોપાલ ઈટાલિયાએ ભાજપને શું કહ્યું?
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાની આજે બપોરે દિલ્હી પોલીસે અટકાયત કર્યા બાદ સાંજે તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે.
આજે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પાઠવવામાં આવેલા સમન્સનો જવાબ આપવા માટે ગોપાલ ઈટાલિયા દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં દિલ્હી પોલીસે અટકાયત કરી હતી.
ઈટાલિયાને પોલીસે મુક્ત કરી દીધા હોવાની પુષ્ટિ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કરી છે.
તેમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ગુજરાતની જનતાએ કરેલા વિરોધ બાદ પોલીસે તેમને મુક્ત કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે ગોપાલ ઈટાલિયાને દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલાપંચ સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.
તેમનો એક વીડિયો ભાજપના નેતાઓએ શૅર કર્યો હતો જેમાં તેમણે વડા પ્રધાન વિશે ટિપ્પણી કરતા અપશબ્દો વાપર્યા હોવાનો આક્ષેપ હતો. ત્યાર બાદ તેમને રાષ્ટ્રીય મહિલાપંચ તરફથી નોટિસ પાઠવી દેવામાં આવી હતી.
મુક્ત થયા બાદ ગોપાલ ઈટાલિયાએ એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે હું મારો પક્ષ રાખવા આવ્યો હતો અને અટકાયત કરી લીધી. પોલીસ સ્ટેશનમાં મને બેસાડી રાખ્યો હતો. મારો વાંક શું?
તેમણે કહ્યું, "મેં કોઈ ચોરી નથી કરી, લૂંટફાટ નથી કરી, બળાત્કાર નથી કર્યો, તો મને કેમ બેસાડી દીધો? કારણ કે હું પાટીદાર સમાજનો એક યુવાન છું. ભાજપ પાટીદારોને નફરત કરે છે. કારણ કે પાટીદાર સમાજ ભાજપથી નારાજ છે અને ભાજપની વિરુદ્ધ આમ આદમી પાર્ટીને ટેકો આપી રહ્યો છે. આ જ કારણ છે મને વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે. શું વાંક છે, મારો? અમે એવું તો શું ખરાબ કામ કરી દીધું છે આ દેશમાં? કે મને પોલીસ સ્ટેશનમાં બેસાડી રહ્યા છે, એનસીડબ્લ્યુ (રાષ્ટ્રીય મહિલા આયોગ) બોલાવી રહ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વધુમાં કહ્યું કે, "ભાજપને એ વાતની ચીડ છે કે નાનકડા ગામડામાંથી આવનારો એક છોકરો કેવી રીતે પાર્ટીનો અધ્યક્ષ બની ગયો, પટેલનો દીકરો. આટલા બધા પટેલો નીકળીને કેવી રીતે રાજનીતિમાં આવી ગયા? તેઓ પટેલોથી નફરત કરે છે. નફરતમાં એટલા આંધળા થઈ ગયા છે કે ગુજરાતથી અહીં બોલાવીને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધો. અમે લોકોના અધિકારો માટે લડી રહ્યા છીએ. ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહ્યો છે, એ તમે આજે જોયું. બસ આ જ વાત છે."
રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ રેખા શર્માએ શું કહ્યું?
તો ગોપાલ ઈટાલિયાની અટકાયત અંગે આયોગનાં અધ્યક્ષ રેખા શર્માએ નિવેદન આપ્યું છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં રેખા શર્માએ કહ્યું છે, "મેં પોલીસને તેમની (ગોપાલ ઈટાલિયા) વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું છે, કારણ કે તેઓ કાયદો અને વ્યવસ્થા બગડે તેવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા."
"તેમના (ગોપાલ ઈટાલિયાના) સમર્થકો રાષ્ટ્રીય મહિલા આયોગની ઑફિસમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બપોરે 2 વાગ્યે મારી એક મહત્ત્વપૂર્ણ મીટિંગ હતી, પરંતુ હું બહાર ન આવી શકી, મારે મોડું થઈ રહ્યું છે. 100-150 લોકો આવીને મને ધમકાવે તો તેમને કેવા નેતા ગણવા?"
આ પહેલા તેમણે પોતાના અંગત ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટમાં 'આપ' કાર્યકર્તાઓ પર તેમની ઑફિસની બહાર હોબાળો કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ ટ્વીટમાં તેમણે દિલ્હી પોલીસ કમિશનર, દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના ડીસીપી અને વડા પ્રધાન કાર્યાલયને પણ ટૅગ કર્યા છે.
એએનઆઈને રેખા શર્માએ કહ્યું છે, "તેમણે એટલે કે ગોપાલ ઈટાલિયાએ કોઈ નોટિસ મળવાનો ઈન્કાર કર્યો છે, પરંતુ તેમનો જવાબ પહેલેથી તૈયાર છે. તેમણે પોતે વીડિયોમાં હોવાનો ઇનકાર કર્યો છે, પરંતુ તેના જવાબમાં ટ્વીટ કરવાની વાત સ્વીકારી છે."
"તેમનાં મૌખિક અને લેખિત નિવેદનો એકબીજા સાથે મેળ ખાતાં નથી. તેમણે યોગ્ય જવાબ આપ્યો નથી."
રેખા શર્માના જણાવ્યા અનુસાર, "ગોપાલ ઈટાલિયાએ રાષ્ટ્રીય મહિલા આયોગની ઑફિસમાં આવીને માત્ર કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના હતા. પરંતુ તેમણે શા માટે જૂઠું બોલવું પડ્યું અને તેમણે આટલા બધા વકીલોને સાથે કેમ લાવવા પડ્યા."
ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં રેલી
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી રાઘવ ચડ્ઢાએ રાજકોટમાં એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા કહ્યું કે, "ભાજપ પાસે કોઈ મુદ્દા નથી. અમે પૂછીએ છીએ કે પેપર લીકકાંડનો જવાબ આપો. અમે બેરોજગારી, ડ્રગ્સના વેપારનો જવાબ માગીએ છીએ, ભાજપ જવાબ નથી આપતો. પરંતુ તેઓ ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો કાઢીને તેમના પર હુમલો કરે છે. આ ચૂંટણી આપ બેરોજગારી પર લડવા માગે છે પરંતુ ભાજપ ગોપાલ ઈટાલિયાના એક વીડિયો પર લડવા માગે છે."
તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, "દિલ્હીની પોલીસ અને તમામ એજન્સીઓ ભાજપ ચલાવે છે. ભાજપ તેમને નિષ્પક્ષ રીતે નહીં પરંતુ પાર્ટીની ફ્રન્ટમાં રહેતી સંસ્થાઓ તરીકે ચલાવે છે."
સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "ગોપાલ ઈટાલિયાને ફસાવવા માટે ભાજપ આ ચાલ રમી રહ્યો છે. એ મનોબળ તોડવાનું કામ કરે છે, ડરાવવાની કોશિશ કરે છે. પણ ગોપાલ ઈટાલિયા કોઈનાથી ડરશે નહીં."
તો આપના નેતા ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા ભાજપ સરકાર પર કેટલાક આરોપો મૂક્યા હતા.
તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભાજપ સરકારને પાટીદારવિરોધી ગણાવી હતી અને ગોપાલ ઈટાલિયાને ખોટી રીતે હેરાન કરતા હોવાનો આરોપ મૂક્યો હતો. તથા ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં 'આપ'ના નગરસેવકો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
તો ગોપાલ ઈટાલિયાની અટકાયતના સમાચાર ફેલાતા જામનગરમાં આપના કાર્યકરોએ ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં રેલી કાઢી હતી.
'જાતિલક્ષી-પૂર્વગ્રહયુક્ત ટિપ્પણી' કરવા બદલ NCWમાં હાજર થવા ગયા હતા ગોપાલ ઈટાલિયા
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની ગુરુવારે દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.
તાજેતરમાં ગોપાલ ઈટાલિયા પર ટ્વિટર વીડિયોમાં વડા પ્રધાન મોદી વિરુદ્ધ કથિતપણે 'વાંધાજનક ભાષા'નો ઉપયોગ કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો.
આ વીડિયોના કન્ટેન્ટ અંગે નેશનલ કમિશન ફૉર વિમૅન દ્વારા સ્વસંજ્ઞાન લઈને ગોપાલ ઇટાલિયા સામે નોટિસ કાઢવામાં આવી હતી. જેનો જવાબ રજૂ કરવા માટે તેમને કમિશનમાં રૂબરૂ હાજર રહેવા બોલાવાયા હતા.
આપના કાર્યકરોએ નેશનલ કમિશન ફૉર વિમૅન (NCW)ની ઑફિસ બહાર આ મામલે પ્રદર્શન પણ કર્યું હતું.
જે બાદ ગોપાલ ઈટાલિયાએ ટ્વિટર દ્વારા રાષ્ટ્રીય મહિલા પંચ દ્વારા તેમને જેલમાં નાખવાની ધમકી અપાઈ રહી હોવાનો આરોપ કરાયો હતો.
ગોપાલ ઈટાલિયાના ટ્વીટમાં લખાયું છે કે, 'રાષ્ટ્રીય મહિલા પંચનાં ચીફ મને જેલમાં નાખવાની ધમકી આપી રહ્યાં છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય શું આપી શકે છે. ભાજપ પાટીદાર સમાજથી નફરત કરે છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલોથી ડરતો નથી. નાખી દો મને જેલમાં. આમણે પોલીસ બોલાવી લીધી છે. મને ધમકાવી રહ્યાં છે.'
નોંધનીય છે કે તાજેતરમાં ચર્ચામાં આવેલા વીડિયોમાં વાંધાજનક ભાષાનો પ્રયોગ કરાયો હોવાનો આરોપ મૂકીને ભાજપના નેતાઓએ ગોપાલ ઈટાલિયાની ટીકા કરી હતી.
બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઈટાલિયાના બચાવમાં દલીલ કરાઈ હતી કે આ વીડિયો પાંચ વર્ષ જૂનો છે અને મોદી સરકાર 'પાટીદાર' હોવાના કારણે તેમના પર કાર્યવાહી કરી રહી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો