શી જિનપિંગ : 'ચીનના સૌથી શક્તિશાળી નેતા'ને વડા પ્રધાન મોદીએ શુભેચ્છા કેમ ન પાઠવી?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

પ્રમુખ વાતો -

  • શી જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ ચૂંટાયા. તેમનો આ કાર્યકાળ ઐતિહાસિક હશે.
  • શી જિનપિંગ વધુ શક્તિશાળી બનીને સામે આવ્યા છે, ચીનમાં તેમને પડકારનાર હવે કોઈ નથી.
  • ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જિનપિંગને શુભેચ્છા ન પાઠવી, જિનપિંગ જ્યારે બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા હતા ત્યારે મોદીએ શુભેચ્છા પાઠવી હતી.
  • મે 2020માં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તાણ છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગત મહિને ઉઝ્બેકિસ્તાનના ઐતિહાસિક શહેર સમરકંદમાં શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની શિખર બેઠકમાં એક જ છત નીચે અન્ય નેતાઓ સાથે એક ગ્રૂપ તસવીર પડાવી હતી.

તેઓ એકબીજાથી અમુક ફૂટના અંતરે ઊભા હતા પરંતુ તેમના વચ્ચેનું અંતર વાસ્તવિકપણે ઘણું વધારે હતું. આટલા નજીક હોવા છતાં બંનેએ એકબીજા સાથે ન તો હાથ મિલાવ્યા અને ન એકબીજાની હાજરીની નોંધ લીધી, આ બધું સાર્વજનિકપણે જોવા મળ્યું.

સિંગાપુરસ્થિત ચીની મૂળના પત્રકાર સન શીનું માનવું છે કે બંને નેતાઓ વચ્ચે સમસ્યા એ હતી કે પહેલ કોણ કરશે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "2020માં ગલવાન ખીણમાં સીમાસંઘર્ષ પહેલાંના સમયવાળી તેમની મિત્રતાને ફરી શરૂ કરવા માટે પ્રથમ પગલું કોણ લેશે, બંને નેતાઓ વચ્ચે આ જ સૌથી મોટો પ્રશ્ન છે. જેમ કે આપણે હાલમાં જ એસસીઓ શિખર સંમેલનમાં જોયું, તેઓ એકબીજાથી ન મળ્યા એ ખૂબ નિરાશાજનક હતું."

રાષ્ટ્રપતિ શી જિનપિંગને હવે વધુ શક્તિશાળી ગણાવાઈ રહ્યા છે. અમુક વિશેષજ્ઞોનું માનવું છે કે તેમનું કદ કદાચ ચીનના મહાન નેતા દેંગ શિયાઓપિંગ કરતાં મોટું થઈ ચૂક્યું છે.

હાલમાં જ તેઓ રેકૉર્ડ ત્રીજી વખત પાંચ વર્ષના કાર્યકાળ માટે ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સ્વરૂપે ફરીથી ચૂંટાયા. વિશ્લેષકોનું કહેવું છે કે તેઓ પહેલાં કરતાં વધુ શક્તિશાળી બનીને સામે આવ્યા છે ને એક લાંબા સમય સુધી હવે સત્તા પર જળવાઈ રહી શકે છે.

વડા પ્રધાન મોદીનું મૌન

આ અવસરે ભારતના વડા પ્રધાને તેમને શુભેચ્છા ન પાઠવી. પાંચ વર્ષ પહેલાં તેમણે શી જિનપિંગને બીજી વખત કૉમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ તરીકે ચૂંટાઈ આવવા નિમિત્તે શુભકામના પાઠવી હતી. આ વાતને ચીનના રાજકીય પ્રવાહોમાં કેવી રીતે જોવામાં આવી રહી છે?

સિચુઆન યુનિવર્સિટીમાં આતંરરાષ્ટ્રીય અધ્યયનના પ્રોફેસર હુઆંગ યુનસોંગે બીબીસીને આપેલા એક મેઇલ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે વડા પ્રધાન મોદીના મૌનને ચીનમાં સારી રીતે નથી જોવામાં આવી રહ્યું.

તેઓ કહે છે કે, "રાષ્ટ્રપતિ શીના ફરી ચૂંટાઈ આવવા મુદ્દે વડા પ્રધાન મોદીના મૌને ખતરનાક સંકેત આપ્યા છે. આ બંને દેશો વચ્ચેનાં વિવાદો અને ઘર્ષણને ઉજાગર કરે છે અને આપણાં હિતોની સંભાવનાઓને કમજોર કરે છે. સાચું કહું તો, વડા પ્રધાન મોદીનું મૌન બંને દેશો વચ્ચેના મતભેદોને દૂર કરવા અને તેનું નિરાકરણ લાવવા માટે કોઈ સારી ભૂમિકા નથી ભજવતું."

પ્રો. હુઆંગ યુનસોંગ એવું પણ જણાવે છે કે, "આપણે એ સ્વીકારવાની જરૂર છે કે જૂન 2020થી દ્વિપક્ષીય સંબંધોના પાયા ગંભીરપણે ક્ષતિગ્રસ્ત થયા છે. ટોચના નેતાઓએ સાર્થક વાતચીતમાં સામેલ થવાની ઇચ્છા ગુમાવી દીધી છે. શીર્ષ નેતૃત્વની ભાગીદારીના અભાવમાં સંબંધોમાં સુધારો વધુ મુશ્કેલ થતો જઈ રહ્યો છે."

દિલ્હીમાં 'ફૉર સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટ'માં ચીનના મામલાના વિશેષજ્ઞ ડૉક્ટર ફૈસલ અહમદ વડા પ્રધાના મૌન અંગે જણાવે છે કે, "મિત્રતામાં થોડી પરેશાની પણ આવી શકે છે. અને આને ક્યારેક રાજદ્વારી રીતો થકી અને પ્રતીકવાદના માધ્યમથી મૅનેજ કરવું પડે છે. હકીકતમાં આ બાબત હાલની પરિસ્થિતિ સંદર્ભે પણ એક જરૂરિયાત છે. યાદ રહે કે શી જિનપિંગને પણ 2020માં રાષ્ટ્રપતિ બાઇડનને શુભકામના પાઠવવામાં બે અઠવાડિયાંનો સમય લાગ્યો હતો."

સિંગાપુરમાં ચીનના પત્રકાર સન શી પ્રમાણે, "હાલ શી જિનપિંગ કૉમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ તરીકે ચૂંટાયા છે. આવતા વર્ષે જ્યારે તેઓ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બનશે ત્યારે મને આશા છે વડા પ્રધાન તેમને જરૂર શુભકામના પાઠવશે."

શી જિનપિંગની વધતી શક્તિની ભારત પર કેવી અસર થશે?

આમ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ પણ છે કે શી જિનપિંગના વધતાં કદ અને કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચીનના ત્રીજી વખતના મહાસચિવ ચૂંટાઈ આવવાની ભારત પર શી અસર થશે? આનાં કેવાં પરિણામ આવી શકે?

ચીની પત્રકાર સન શી કહે છે કે, "એ વાતમાં કોઈ શંકા નથી કે શી જિનપિંગ ચીનના આધુનિક ઇતિહાસના સૌથી મજબૂત નેતા બની જશે. સત્તા પર તેમનું પૂર્ણ નિયંત્રણ આવી જશે. આથી મને લાગે છે કે તેઓ ભારત સહતિ તમામ પાડોશી દેશો સાથે સીમાવિવાદ સહિત આંતરરાષ્ટ્રીય મુદ્દે વધુ કડક વલણ અપનાવશે."

પરંતુ ચીનમાં સિચુઆન યુનિવર્સિટીના પ્રોફેસર હુઆંગ યુનસોંગે બીબીસીને જણાવ્યું કે રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃત્વમાં ચીન સરકાર ભારત પ્રત્યે પોતાની નીતિનું નિરંતરપણું અને સ્થિરતા જાળવી રાખશે.

તેઓ કહે છે કે, "અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ શી દ્વિપક્ષીય સંબંધોને સતત મહત્ત્વ આપતા રહેશે."

હુઆંગ યુનસોંગ આ વાતને સમજાવતાં કહે છે કે, "રાષ્ટ્રપતિ શી ભારત અને ચીનની બે મહાન સભ્યતાઓ વચ્ચે સારા અને પાડોશી મિત્રતાને કાયમ રાખશે અને ચીન-ભારત સહયોગના માધ્યમથી એશિયન સદીની પ્રતિબદ્ધતાનું પાલન કરતા રહેશે. આમ રાષ્ટ્રપતિ શીનું ફરી ચૂંટાઈ આવવું, દ્વિપક્ષીય સંબંધોને ફરી પહેલાં જેવા બનાવવા અને તેના નિરંતર વિકાસમાં સૌથી વધુ યોગદાન કરશે."

શિવ નાદર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય મામલા વિભાગના પ્રોફેસર જબિન ટી જેકબ એક અંગ્રેજી અકબારમાં સી જિનપિંગના ફરી ચૂંટાઈ આવવાની વાતે ટિપ્પણી કરતાં કહે છે કે ભારતના હાલના વલણને જોતાં એવું નથી લાગતું કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં કોઈ ખાસ પરિવર્તન થશે.

તેઓ લખે છે કે, "ભારત-ચીન સંબંધોની વર્તમાન સ્થિતિમાં ઓછા ફેરફારો થવાની સંભાવના છે. ભારતે 2020ના ચીન દ્વારા સીમા પર ઉલ્લંઘનોથી ઉત્પન્ન પૂર્વ લદ્દાખમાં સ્થિતિના સમાધાન પર ભાર મૂકવાનું ચાલુ રાખ્યું છે. તેણે પોતાના અધિકાર ક્ષેત્રમાં ચીનના આર્થિક હિતોને ટાર્ગેટ કરવાનું ચાલુ રાખ્યું છે અને અમેરિકા સાથે તેના રાજકીય સુરક્ષા સહયોગ વધતા જઈ રહ્યા છે."

ચીની મામલાના વિશેષજ્ઞ ડૉક્ટર ફૈસલ અહમદ પ્રમાણે રાષ્ટ્રપતિ શીના પરી ચૂંટાઈ આવવાથી બંન દેશો વચ્ચે આર્થિક સંબંધ બહેતર થતા જશે. વર્ષ 2021 બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 125 અબજ ડૉલર કરતાં વધુ હતો, જે 2020ની સરખામણીમાં લગભગ 40 અબજ ડૉલર કરતાં વધુ હતો.

ડૉક્ટર ફૈસલ અહમદ કહે છે કે, "ભારત-ચીન આર્થિક સંબંધ આગળ વધશે અને દ્વિપક્ષીય વેપારમાં વૃદ્ધિ થવાનું નક્કી છે. 'ગ્લોબલ વૅલ્યૂ ચેઇન'માં પારસ્પરિક ભાગીદારી અને પારસ્પરિક રોકાણથી ભારત અને ચીન વચ્ચે આર્થિક સહયોગને મજબૂત કરવામાં મદદ મળશે."

"સાથે જ, ભારતની નવી ટ્રેડ ડિલ અને ક્ષેત્રીય આર્થિક ભાગીદારી અને ટ્રાન્સ-પૅસિફિક પાર્ટનરશિપ માટે વ્યાપક અને પ્રગતિશીલ સમજૂતી (સીપી-ટીપીપી)માં ચીનની હાજરીને જોતાં, મને લાગે છે કે આર્થિક સહયોગ વ્યાપક હશે."

સંબંધ સુધારવામાં પહેલ કોણ કરે?

વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી વચ્ચે 2018 અને 2019માં 'અનૌપચારિક' શિખર મુલાકાતો ખૂબ ધામધૂમ અને મીડિયાના જબરદસ્ત કવરેજ વચ્ચે થઈ હતી. એ સમયે લાગતું હતું કે વર્ષ 2017માં ડોકલામમાં થયેલ કેટલાંક ઘર્ષણોને બંને દેશ ભૂલી ચૂક્યા છે અને હવે સંબંધોએ એક નવો વળાંક લીધો છે જેમાં બંને કદાવર નેતા પહેલ કરી રહ્યા છે.

પરંતુ ફરી જૂન 2020માં લદ્દાખ સીમા પર ઘર્ષણ થયું અને બંને દેશોના સંબંધો ફરી એક વાર અસહજ બની ગયા. ભારતનું કહેવું છે કે ઘૂસણખોરી ચીને કરી હતી. ભારતમાં લોકો ઇચ્છે છે કે સંબંધોમાં સુધારો લાવવા માટે ચીને પહેલ કરવાની રહેશે.

પરંતુ ચીનના વિશેષજ્ઞ સન શી પ્રમાણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં પહેલાં જેવી મજબૂતી લાવવા માટે ભારતે પહેલ કરવી જોઈએ. તેઓ કહે છે કે, "ભારતને વ્યવહારિક થવું જોઈએ અને દ્વિપક્ષીય સંબંધોને બહાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. મને નથી લાગતું કે ચીન સરહદે હવે ભારતની ઉશ્કેરણી કરશે. ચીન પહેલાંથી પોતાના સૌથી મોટા પ્રતિદ્વંદ્વી અમેરિકાનો સામનો કરી રહ્યું છે. ચીનની પ્રાથમિકતા ભારત નહીં અમેરિકા છે."

તેઓ કહે છે કે, "મને લાગે છે કે ભારત થોડો મૈત્રીપૂર્વ ભાવ દેખાડે તો શી તેનો સ્વીકાર કરશે કારણ કે તે ચીનની સંસ્કૃતિ છે. પરંતુ શીને ચીનના લોકો સામે કડક દેખાવાની જરૂરિયાત છે. તેથી શી માટે પહેલ કરવી એ સરળ નહીં હોય. તેથી હવે આવું કરવાની જવાબદારી ભારતની છે."

બીજી તરફ ભારતમાં પાછલાં બે વર્ષોમાં ચીન વિરુદ્ધ બનેલા માહોલને જોતાં વડા પ્રધાન મોદી માટે પણ પહેલ કરવાનું સરળ નહીં હોય. ડૉક્ટર ફૈસલ અહમદ આ મુદ્દે કહે છે કે, "વ્યૂહરચનાના મોરચે, ભારત-ચીન સહયોગમાં સુધારો થવાની સંભાવના છે. બંને દેશોએ 'અનૌપચારિક શિખર સંમેલન'ના માધ્યમથી અને ડોકલામ ઘર્ષણ બાદથી એકબીજાને સમજ્યા છે. મોદી અને શી સત્તામાં છે ત્યાં સુધી સૈન્ય અને રાજદ્વારી દૃષ્ટિએ એકબીજાને સમજવામાં કોઈ મુશ્કેલી નહીં પડે."

પ્રોફેસર યુનસોંગ પ્રમાણે રાષ્ટ્રપતિ શીના ત્રીજા કાર્યકાળ દરમિયાન, ચીન-ભારત સંબંધોમાં વ્યૂહરચનાત્મક વિશ્વાસને બહાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ભારતે વધુ નક્કર પગલાં ઉઠાવવાની વાત કરતાં તેઓ કહે છે કે, "ચીને બંને દેશો વચ્ચે વેપાર અને વેપાર સહયોગને પ્રોત્સાહન આપવા માટે સક્રિય ઉપાય કર્યા છે. દુર્ભાગ્યે, ભારતે વર્ષ 2020માં ચીની મૂડી, ઉદ્યોગ અને કામદારો પર પાબંદી લગાવી હતી, તેને હઠાવવાનું બાકી છે."

પ્રો. હુઆંગ યુનસોંગ પ્રમાણે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો લાવા માટે એકતરફી કાર્યવાહી પર્યાપ્ત નથી. "સંબંધોને ફરીથી શરૂ કરવા માટે પોતાના ત્રીજા કાર્યકાળમાં રાષ્ટ્રપતિ શીના પ્રયાસોને પીએમ મોદીની હકારાત્મક પ્રતિક્રિયાની જરૂર છે. જો ભારત ચીન પ્રત્યે તર્કસંગતપણું અને શુભભાવના દેખાડે તો સંબંધોની બહાલી આટલી મુશ્કેલ નથી. આને અત્યંત અનિશ્ચિત અને અરાજક સમયમાં ચીન-ભારત સ્થિર સંબંધોની તાતી જરૂરિયાત છે."

બંને નેતાઓ લાંબા સમય સુધી સત્તામાં રહે તે ફાયદાકારક

ટિપ્પણીકાર કહે છે કે બંને નેતા એક લાંબા સમયથી સત્તામાં જળવાઈ રહ્યા છે અને એક લાંબા સમય સુધી સત્તા પર જળવાઈ રહી શકે છે. આ વિશ્લેષકોનું માનવું છે કે જો ભારતમાં 20 મહિના બાદ થનારી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની ફરી જીત થઈ તેમણે પોતાના પૂર્વ 'ચીની દોસ્ત' સાથે સંબંધ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જ પડશે.

પ્રો. હુઆંગ યુનસોંગ કહે છે કે, "વાસ્તવમાં એક રાજકીય હકીકત એ છે કે ચીન અને ભારત બંનેના શીર્ષ નેતા તુલનાત્મક સ્વરૂપે લાંબા સમય સુધી સત્તામાં રહેશે. એકબીજાથી પરિચિત શીર્ષ નેતાઓ પાસેથી લોકોને વધુ આશા હશે. આ સ્પષ્ટપણે દ્વિપક્ષીય સંબંધોમાં સહજતા પ્રદાન કરશે."

આમ આવનારા એક વર્ષ સુધી શંઘાઈ કૉઓપરેશન ઑર્ગેનાઇઝેશનનું અધ્યપક્ષપદ ભારત પાસે છે. આવનારા વર્ષના સપ્ટેમ્બરમાં ભારતના શિખર સંમેલન કરાવવાનું રહેશે અને દરેક વખતે ચીનના રાષ્ટ્રપતિ પણ આમાં નિયમિતપણે ભાગ લેશે.

જો સંમેલન પહેલાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધાર ન થાય તો સંમેલનની સફળતા અને ભારતના અધ્યક્ષપણા પર પ્રશ્નચિહ્ન લાગી શકે છે.

કદાચ આ જ એક મોટી તક હશે જેના પહેલાં બંને દેશોમાં સંબંધો સુધરવા લાગશે, જેમ કે ચીનના પત્રકાર સન શી કહે છે કે, "મને આશા છે કે જ્યારે ભારત આવનારા વર્ષે શિખર સંમેલન માટે એસસીઓની અધ્યક્ષતા ગ્રહણ કરશે તો શી પ્રત્યે ભારત મૈત્રીપૂર્ણ સંકેત આપવા પ્રયાસ કરશે. યાદ રહે કે બંને દેશ 'બ્રિક્સ'ના સભ્યો પણ છે. તેમણે એકબીજા સાથે મેળ-મેળાપ વધારવો પડશે."

આવી પરિસ્થિતિમાં આશા છે કે 'આટલા નજીક તેમ છતાં આટલા દૂર'વાળી સ્થિતિમાં આગામી વર્ષે પરિવર્તન આવ્યું અને એશિયાના બે વિશાળ પાડોશી દેશો વચ્ચેનું અંતર ખતમ થાય.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો