જયંતી વિશેષ : વર્ગીસ કુરિયન અને એક ગુજરાતીની એ જોડી જેણે ભારતની ‘શ્વેત ક્રાંતિ’નો પાયો નાખ્યો

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

'ધ ખેડા ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડક્શન યુનિયન લિમિટેડ' વતી એક યુવક મુંબઈમાં આવેલી લાર્સન ઍન્ડ ટુબ્રો કંપનીના મૅનેજર ઍક્સિલ પીટરસનની ઑફિસે પહોંચે છે.

યુવકની દાઢી વધેલી હતી અને દેખાવ લઘરવઘર હતો. તેમણે મૅનેજરને કહ્યું કે 'સિલ્કબૉર્ગ પૅસ્ચરાઇઝર' મશીનનો ઑર્ડર દેવા આવ્યો છું.' યુવકનો દેખાવ જોઈને મૅનેજરને વાત મજાક લાગી.

'કૉલોનિયલ માનસિકતા' ધરાવતા એ મૅનેજર માટે મશીનની કિંમત બહુ વધારે હતી અને એટલે જ તેમને લાગતું હતું કે યુવક તે ખરીદી શકે એમ નહોતો.

પણ યુવક માથાનો હતો. તેણે પોતાના ખિસ્સામાંથી 40 હજાર રૂપિયા કાઢ્યા અને મૅનેજરના ટેબલ પર ફેંક્યા.

દેશને આઝાદી મળી એને હજુ આંગળીના વેઢે ગણી શકાય એટલાં વર્ષો જ વીત્યાં હતાં અને 40 હજાર રૂપિયા એ વખતે બહુ મોટી રકમ હતી.

પૈસા જોતાં જ મૅનેજરનું યુવક પ્રત્યેનું વર્તન બદલાઈ ગયું. તેણે ઑર્ડર સ્વીકારી લીધો અને એના અમલ માટે તાબડતોબ 'ઘોડા દોડાવી દીધા.'

મૅનેજરના ટેબલ પર વટભેર પૈસા ફેંકનારો એ યુવક એટલે 'શ્વેતક્રાંતિ'ના જનક વર્ગીસ કુરિયન.

વર્ગીસ કુરિયનની આત્મકથા 'આઈ ટુ હૅડ અ ડ્રીમ'માં ઉપરોક્ત કિસ્સો ટાંકવામાં આવ્યો છે. આજે તેમની જંયતી છે ત્યારે વાંચો તેમની કહાણી.

શ્વેતક્રાંતિના ‘જનક’ કુરિયન

26 નવેમ્બર, 1921ના રોજ કેરળમાં જન્મેલા કુરિયને ગુજરાતના આણંદ ડેરીઉદ્યોગને સફળ સહકારી મૉડલ તરીકે સ્થાપિત કર્યું હતું.

એક સમયે દેશમાં દૂધની અછત હતી, ત્યારે કુરિયનના નેતૃત્વમાં ભારતને દૂધ ઉત્પાદનક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા.

આજે ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતાં રાષ્ટ્રોમાં સામેલ છે, આથી કુરિયનને 'શ્વેતક્રાંતિના જનક' તરીકે ઓળખવામાં આવે છે.

વર્ષ 1973માં કુરિયને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની સ્થાપના કરી અને 34 વર્ષ સુધી તેના અધ્યક્ષપદે રહ્યા.

જીસીએમએમએફ અમૂલના નામે ડેરી ઉત્પાદન બનાવે છે. આજે અગ્યાર હજારથી વધુ ગામડાંમાં 20 લાખથી વધુ ખેડૂત આ સંગઠનનું સભ્યપદ ધરાવે છે.

કુરિયનને તેમના જીવનકાળ દરમિયાન ભારત સરકારે પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણની નવાજ્યા હતા. વર્ષ 1965માં કુરિયનને મૅગ્સેસે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

કુરિયનને આણંદ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલની સ્થાપના કરી હતી અને તેના અધ્યક્ષપદે પણ રહ્યા હતા. કુરિયનને 'ભારતના મિલ્કમૅન' પણ કહેવામાં આવતા.

ભારત સરકારના કૃષિ મંત્રાલયે કુરિયનને આણંદની જૂની સરકારી ક્રીમરી ખાતે આવેલી ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ડેરી ઇજનેર તરીકે મોકલ્યા હતા.

પ્રાંરભિક સમયમાં કુરિયનને આણંદ બિલકુલ પસંદ નહોતું આવ્યું.

આત્મકથામાં તેઓ જણાવે છે કે તેમના વિદેશ અભ્યાસ માટે ભારત સરકારે પૈસા ખર્ચ્યા હતા અને એટલે ભારત સરકાર ઇચ્છે ત્યાં પાંચ વર્ષ સુધી કામ કરવા તેઓ બંધાયેલા હતા. કુરિયન એ દિવસોમાં સમય મળતા જ મુંબઈ ચાલ્યા જતા અને હોટલ તાજમાં આરામ કરતા હતા.

ત્રિભુવનદાસના આગ્રહને કારણે રોકાયા કુરિયન

કુરિયનની આત્મકથા અનુસાર, ''હતાશ થઈ હું દર મહિને દિલ્હીમાં કૃષિ મંત્રાલયને પત્ર લખતો હતો કે અહીં મારે કરવાનું કંઈ નથી. સરકાર મારા પર નાહકનો ખર્ચ કરે છે, એટલે મને છૂટો કરવામાં આવે.''

ત્રિભુવદાસ પટેલ સાથેની પ્રથમ મુલાકાતને યાદ કરતા કુરિયન આત્મકથામાં કહે છે, ''મારી નજીક જ ચાલી રહેલી સહકારી પ્રવૃત્તિ અંગે હું કશુંય નહોતો જાણતો પણ એ કઠોર જણાતા ખેડૂતો અને તેમના નેતા ત્રિભુવનદાસ પટેલની નિષ્ઠા પ્રત્યે ચોક્કસથી માન થયું.''

દર મહિને પોતાને મુક્ત કરવા કુરિયન દ્વારા લખાઈ રહેલા પત્રોને આખરે કૃષિ મંત્રાલયે ધ્યાને લીધા અને તેમને આણંદ છોડવા પરવાનગી અપાઈ.

આણંદ છોડવાના કુરિયનના હરખનો પાર ના રહ્યો. કુરિયન આણંદ છોડી રહ્યા હતા પણ આણંદ કુરિયનને છોડવાનું નહોતું.

કુરિયન આણંદ છોડે એ પહેલાં જ ત્રિભુવનદાસ પટેલ તેમની પાસે આવ્યા અને જ્યાં સુધી કુરિયનને બીજી નોકરી ના મળે ત્યાં સુધી તેમણે મગાવેલાં મશીનોને કામ કરતાં કરી આપવાની ભલામણ કરી.

આ અંગે આત્મકથામાં કુરિયન જણાવે છે, ''ત્રિભુવનદાસ પટેલને ના કહેવી મુશ્કેલ હતી.''

''આટલા મહિનાના સંપર્કમાં મને અનુભવાયું હતું કે તેઓ એક અપવાદરૂપ વ્યક્તિ હતી."

"મને તેમની સાથે સાથે કામ કરવામાં ગૌરવ અનુભવાયું અને હું બે મહિના આણંદમાં વધુ રોકાવા તૈયાર થયો.''

''પણ એ બે મહિના ત્રિભુવનદાસ અને ખેડા જિલ્લા માટે મારું જીવનભરનું જોડાણ બની રહ્યું.''

ત્રિભુવનદાન પટેલ અને વર્ગીસ કુરિયનનું આ જોડાણ આજીવન રહ્યું.

ત્રિભુવનદાસ પટેલના વડપણ હેઠળ અમૂલ સફળતાના શિખરે પહોંચ્યું. 'કૉમ્યુનિટી લિડરશિપ' બદલ તેમને 1963માં રૉમન મૅગ્સેસે એવૉર્ડ પણ અપાયો અને એ પછીના વર્ષે જ પદ્મ ભૂષણ પણ એનાયત થયો.

ત્રિભુવનદાસના આગ્રહને પગલે આણંદમાં જ રોકાઈ ગયેલા વર્ગીસ કુરિયને આવનારાં વર્ષોમાં ગુજરાતની શ્વેત ક્રાંતિને ભારતની શ્વેત ક્રાંતિ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

વર્ગીસ કુરિયન અને ત્રિભુવનદાસ પટેલના પ્રયાસો અને અથાક પરિશ્રમના કારણે જ અમૂલ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ દૂધઉત્પાદનક્ષેત્રે મોટી બ્રાન્ડ બની ગયું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો