You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હલાલ અને ઝટકાઃ માંસના ધંધાનો નવો વિવાદ શું છે?
કાનપુરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) નવા વિવાદનો સામનો કરી રહ્યાં છે. એ વિવાદ ભારતીય ટીમના મેન્યુ કાર્ડને કારણે શરૂ થયો છે.
કાનપુરમાં ભારતીય ખેલાડીઓને આહારમાં માત્ર 'હલાલ' માંસ આપવામાં આવશે એવું BCCIએ જાહેર કર્યું તેના પગલે આ વિવાદ શરૂ થયો છે. આ બાબતે સોશ્યલ મીડિયા પર મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યા છે ત્યારે 'હલાલ' અને 'ઝટકા' વચ્ચે શું ફરક છે તે જાણી લેવું જોઈએ.
કેન્દ્રના વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રાલય હેઠળની એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ (APEDA) 'લાલ માંસ' સંબંધી નિયમોમાંથી 'હલાલ' શબ્દ કાઢી નાખ્યો હતો. નવા નિયમ મુજબ, 'આયાતકર્તા દેશના કાયદા અનુસાર પશુઓની કતલ કરવામાં આવે છે.'
અત્યાર સુધી માંસની નિકાસ માટે તેનું 'હલાલ' હોવું એક મહત્વની શરત ગણાતું હતું.
'હલાલ' સર્ટિફિકેટ ઈસ્યુ કરવામાં એકેય સરકારી વિભાગની ભૂમિકા ન હોવાની સ્પષ્ટતા APEDAએ કરી છે.
અગાઉના નિયમો મુજબ, 'તમામ પ્રાણીઓની કતલ ઈસ્લામિક શરિયા અનુસાર કરવામાં આવતી હતી અને જમીયત-ઉલ-ઉલેમા-એ-હિન્દની દેખરેખ હેઠળ જમીયત સર્ટિફિકેટ આપવામાં આવતું હતું.'
હલાલના મુદ્દે સંઘર્ષરત સંગઠન હલાલ કન્ટ્રોલ ફોરમના જણાવ્યા મુજબ, પશુની કતલ 'હલાલ' પ્રક્રિયા મુજબ ન કરવામાં આવતી હોય તેવું કોઈ પણ કતલખાનું ચાલી શકે નહીં, એવી કોઈ જોગવાઈ APEDAની નિયમાવલીમાં નથી.
પશુઓની કતલ 'હલાલ' અને 'ઝટકા' પદ્ધતિથી કરવાના મુદ્દે હલાલ કન્ટ્રોલ ફોરમ લાંબા સમયથી લડાઈ લડી રહી છે. સંગઠનના જણાવ્યા મુજબ, હલાલ માંસનું પ્રમાણપત્ર આપવાનું કામ સરકારી નહીં, પણ ખાનગી સંસ્થા કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીનમાં માંસની સૌથી વધુ નિકાસ
હલાલ કન્ટ્રોલ ફોરમના હરિન્દર સિક્કા કહે છે, "માંસની નિકાસનો 11,000 કરોડ રૂપિયાનો બિઝનેસ પસંદગીના લોકોની લોબીના હાથમાં છે. કતલખાનાની તપાસણી કરવામાં આવે છે અને ચોક્કસ ધર્મના ગુરુની મંજૂરી પછી જ EPIDAમાં નોંધણી કરવામાં આવે છે."
હલાલ કંટ્રોલ ફોરમ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદે (વિહિપ) પણ તેનો વિરોધ કર્યો છે. વિહિપના જણાવ્યા અનુસાર, મોટાભાગનું માંસ ચીનમાં નિકાસ કરવામાં આવે છે, જ્યાં માંસ હલાલ છે કે ઝટકા તેનાથી કોઈ ફરક પડતો નથી.
બીબીસી સાથે વાત કરતાં વિહિપના વિનોદ બંસલે જણાવ્યું હતું કે સિખ ધર્મમાં હલાલ જાનવરનું માંસ ખાવાની મનાઈ છે. સિખધર્મીઓ ઝટકો આપીને કતલ કરાયેલા જાનવરનું માંસ જ ખાઈ શકે છે.
તેઓ કહે છે, "આ એક ધર્મની વિચારધારા થોપવાનો પ્રયાસ છે. અમે હલાલ માંસ ખાવાના અધિકારને પડકારતા નથી, પરંતુ જેઓ હલાલ ખાવા નથી માંગતા તેમના પર તે શા માટે લાદવામાં આવે છે? અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ. ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે અને દરેકને વેપાર કરવાનો સમાન અધિકાર હોવો જોઈએ."
હરિન્દર સિક્કાના કહેવા પ્રમાણે, બધા પર 'હલાલ' લાદવામાં આવી રહ્યું છે. ફાઈવ-સ્ટાર હોટેલથી માંડીને નાની રેસ્ટોરાં, ઢાબા, રેલવે પેન્ટ્રી અને સશસ્ત્ર દળોની કેન્ટીન સુધી તે સપ્લાય કરવામાં આવે છે. માંસ સિવાયના ઉત્પાદનોને પણ 'હલાલ' પ્રમાણિત કરવાની વ્યવસ્થા હોવી જોઈએ.
બિઝનેસ પર 'હલાલ' વેપારીઓનો અંકુશ?
હલાલ કન્ટ્રોલ ફોરમના પવન કુમારે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ મુદ્દો માંસને 'હલાલ' પ્રમાણિત કરવા પૂરતો મર્યાદિત નથી.
તેઓ કહે છે, "અત્યારે તો ભુજિયા, સિમેન્ટ, સૌંદર્ય પ્રસાધનો અને દાળ, લોટ, મેંદો, બેસન વગેરે જેવાં અન્ય ઉત્પાદનોને હલાલ તરીકે પ્રમાણિત કરવાની ફેશન ચાલી રહી છે. તેમાં મોટી બ્રાન્ડ્ઝ સામેલ છે. તેઓ તેમનાં ઉત્પાદનો ઈસ્લામી દેશોમાં મોકલવા અને વેચવા ઈચ્છે છે, પણ એ માટે તેઓ અલગથી પેકેજિંગ કરી શકે છે. તેમાં અમને કોઈ વાંધો નથી, પણ ભારતીય ભુજિયાનાં પેકેટ્સને કે સાબુને હલાલ તરીકે પ્રમાણિત કરવાનો કોઈ અર્થ નથી."
સંગઠનનું કહેવું છે કે માંસના બિઝનેસમાં 'ઝટકા' માંસના વેપારીઓનું કોઈ મહત્વ જ નથી. બધો વ્યવહાર 'હલાલ'ના વેપારીઓએ પોતાના તાબામાં લઈ લીધો છે. સિખો અને અનુસૂચિત જાતિ તથા જનજાતિના અનેક લોકો 'ઝટકા' માંસ ખાવા ઈચ્છે છે. 'હલાલ'ની સાથે 'ઝટકા' માંસનું પ્રમાણપત્ર આપવામાં આવશે ત્યારે જ બન્ને પ્રકારના માંસના વેપારીઓને સમાન તક મળશે.
દક્ષિણ દિલ્હી મહાનગરપાલિકાએ માંસના તમામ વેપારીઓ તથા હોટેલ-ઢાબાના સંચાલકોને, તેમની દુકાનો, હોટેલ્સ કે ઢાબામાં ક્યા પ્રકારનું માંસ મળે છે તે સ્પષ્ટ લખવાનો આદેશ આપ્યો છે. તેથી ગ્રાહકોને પસંદગીની તક મળે છે. કોઈના પર કશું થોપવામાં આવતું નથી અને લોકો તેમની પસંદગી અનુસારનું માંસ ખાઈ શકે છે, એવું હરિન્દર સિક્કા માને છે.
વિશ્વ હિન્દુ પરિષદનો આક્ષેપ
2019-2020ના નાણાકીય વર્ષમાં ભારતમાંથી અંદાજે 23,000 કરોડ રૂપિયાના લાલ માંસ એટલે કે ભેંસના માંસની નિકાસ કરવામાં આવી હતી. સૌથી વધુ નિકાસ વિયેતનામમાં કરવામાં આવી હતી. એ સિવાય મલેશિયા, ઈજિપ્ત, સાઉદી અરેબિયા, હોંગકોંગ, મ્યાનમાર અને સંયુક્ત આરબ અમિરાતમાં પણ માંસની નિકાસ કરવામાં આવી હતી.
સંગઠનના જણાવ્યા મુજબ, ઈસ્લામી દેશોને બાદ કરતાં માત્ર વિયેતનામમાં જ 7,600 કરોડ રૂપિયાના માંસની નિકાસ કરવામાં આવી હતી. વિયેતનામ તથા હોંગકોંગમાં નિકાસ કરવામાં આવતું માંસ હલાલ હોવું બંધનકારક નથી, કારણ કે એ બધો માલ ચીન પહોંચાડવામાં આવતો હોય છે અને ચીનમાં હલાલનો કોઈ અર્થ નથી.
હરિન્દર સિક્કાના જણાવ્યા મુજબ, વિયેતનામ અને હોંગકોંગ જેવા દેશોમાં 'ઝટકા' માંસની નિકાસ કરી શકાય. તેનાથી 'ઝટકા' માંસના વેપારીઓને પણ કમાણીની તક મળી શકે, "પરંતુ આવી વ્યવસ્થા ન હોવાને કારણે 'ઝટકા' માંસના વેપારીઓને વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે," એવું હરિન્દર સિક્કા કહે છે.
વિશ્વ હિન્દુ પરિષદે હલાલ પ્રમાણપત્ર દેવાની સંપૂર્ણ વ્યવસ્થાની ચકાસણીની માગણી કરી છે. આ વ્યવસ્થાનો દુરુપયોગ કરવામાં આવે છે અને તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી તત્વો તથા સંસ્થાઓને લાભ થતો હોવાનો આક્ષેપ પણ પરિષદે કર્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો