You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૃષિકાયદા : મોદી સરકાર શું હવે સીએએ અને એનઆરસી મુદ્દે પણ પીછેહઠ કરશે?
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
ચાલુ વર્ષે બારમી જાન્યુઆરીએ મોદી સરકારના ત્રણેય કૃષિકાયદાની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલતી હતી.
સુનાવણી દરમિયાન મોદી સરકારના એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહેલું કે દિલ્લીની સીમાએ ખેડૂતોના વિરોધ-પ્રદર્શનમાં 'ખાલિસ્તાનીઓ' પ્રવેશી ગયા છે.
આ વાત કે.કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ કરી હતી. વેણુગોપાલે કહેલું કે તેઓ આ મામલામાં આઈબીના ઇનપુટ સાથે એક એફિડેવિટ પણ રજૂ કરશે.
ખેડૂતોના આંદોલનમાં પ્રતિબંધિત સંગઠન 'શીખ્સ ફૉર જસ્ટિસ' સામેલ થયું હોવાનો એટર્ની જનરલે દાવો કર્યો હતો.
ગયા વર્ષે પહેલી ફેબ્રુઆરીએ દિલ્લી વિધાનસભાની ચૂંટણીની એક રેલીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહેલું કે, જેઓ કાશ્મીરમાં આતંકવાદીઓને સમર્થન આપી રહ્યા છે તેઓ જ શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહ્યા છે.
છેલ્લા એક વર્ષથી ખેડૂત આંદોલન ચાલે છે અને સીએએ વિરોધી આંદોલન પણ મહિનાઓ સુધી ચાલ્યું હતું. ખેડૂત આંદોલનમાં શીખ ખેડૂતોએ મુખ્ય ભાગ ભજવ્યો અને સીએએ–એનઆરસીના વિરોધમાં મુસલમાનોની મોટી સંખ્યા હતી.
શીખોને ડર હતો કે મોદી સરકારના ત્રણ નવા કૃષિકાયદાને કારણે તેમણે પોતાના પાક ખૂબ ઓછી કિંમતે વેચવા પડશે અને મુસલમાનોને સીએએ–એનઆરસીથી બીક હતી કે એમની નાગરિકતા સંકટમાં મુકાઈ જશે.
જે ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાનીઓ સામેલ હોવાની વાત મોદી સરકારે કોર્ટમાં કહી હતી એ આંદોલનને કારણે શુક્રવારે વડા પ્રધાન મોદીએ દેશને સંબોધન કરીને ત્રણે કૃષિકાયદા પાછા ખેંચી લેવાની ઘોષણા કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જાહેરાત માટે તેમણે શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકની જયંતીના દિવસને પસંદ કર્યો. વડા પ્રધાન મોદીએ ત્રણે કાયદાને પાછા ખેંચી લેવાની ઘોષણા કરતાં શુક્રવારે કહ્યું કે, "પ્રયત્નો કરવા છતાં અમે કેટલાક ખેડૂતોને સમજાવી ન શક્યા. કૃષિ અર્થશાસ્ત્રીઓએ, વૈજ્ઞાનિકોએ, પ્રગતિશીલ ખેડૂતોએ પણ એમને કૃષિકાયદાનું મહત્ત્વ સમજાવવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા."
શા માટે ઝૂકી મોદી સરકાર?
કૃષિકાયદા માટેનું મોદી સરકારનું આ વલણ બિલકુલ નવું છે. આની પહેલાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર કહેતા હતા કે મુઠ્ઠીભર ખેડૂતો કૃષિકાયદાનો વિરોધ કરે છે, જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો એને સમર્થન આપે છે.
પરંતુ પીએમ મોદીની આ જાહેરાતથી એવું લાગે છે કે મુઠ્ઠીભર ખેડૂતો ન સમજ્યા એ કારણે ત્રણે કાયદા પાછા ખેંચી લેવા પડ્યા.
બીજી તરફ, મોદી સરકાર સીએએ અને એનઆરસી વિરોધી આંદોલન બાબતે કડક રહી. ગયા વરસે ત્રીજી જાન્યુઆરીએ સીએએ આંદોલનને નકારતાં ગૃહમંત્રી અમિત શાહે કહેલું કે, "જો આખો વિરોધપક્ષ પણ એમને સાથ આપે તોપણ સરકાર સીએએ મુદ્દે એક ઇંચ પણ પાછી નહીં હટે."
વડા પ્રધાનની ઘોષણા પછી સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે હવે કોનો વારો છે? શું 370ની કલમ પણ પાછી લાગુ કરાશે?
ટાઇમ્સ નાઉનાં સંપાદક નાવિકાકુમારે ટ્વીટ કરીને પૂછ્યું છે કે, "કૃષિકાયદા પાછા ખેંચી લેવાયા. સીએએ અને એનઆરસી અભરાઈએ છે. યુનિફૉર્મ સિવિલ કોડ માટે કોઈ સંકેત નથી. હવે આગળ શી યોજના છે?"
ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાજનીતિ-વિજ્ઞાનના પ્રોફેસર ગૌરાંગ જાનીએ જણાવ્યું કે, "નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ પાસે હવે હિન્દુત્વનો સંવેદનશીલ મુદ્દો રહ્યો નથી. એવું કોઈ કામ નથી જેનો હવાલો આપીને તેઓ કહે કે લોકોના જીવનસ્તરમાં સુધારો થયો હોય. બહુમતીના જોરે એમણે આડીઅવળી નીતિઓ બનાવી અને હવે કોઈ માર્ગ નથી દેખાતો."
"એમણે શીખો સામે ટક્કર લીધી હતી. જો શીખોનો ઇતિહાસ જાણતા હોત તો એવું ના કરત. એમણે વિચાર્યું હતું કે સીએએ વિરોધી આંદોલનની જેમ આને પણ રફેદફે કરી દઈશું. આ આંદોલને મોદી સરકારને જમીન પર લાવી દીધી છે."
ગૌરાંગ જાનીએ ઉમેર્યું કે, "એમની બેચેની સમજાય એવી છે. ધડાધડ મુખ્ય મંત્રીઓ બદલે છે. દલિતો અને પછાતવર્ગને પોતાની કૅબિનેટમાં પ્રતીકરૂપે સામેલ કરી રહ્યા છે. પણ એમને એ નથી સમજાતું કે ગૅસ મોઘો થઈ રહ્યો છે. પેટ્રોલ મોઘું થઈ રહ્યું છે. નોકરીઓ નથી. ભૂખમરો અને બેરોજગારી વધી રહ્યાં છે."
"હંગર ઇન્ડેક્સમાં પાકિસ્તાન કરતાં પણ આગળ આવી ગયા છીએ. આવનારા સમયમાં એમણે સીએએ અને એનઆરસી મુદ્દે પીછેહઠ કરવી પડશે. પશ્ચિમ બંગાળમાં 30 ટકા મુસલમાન છે અને ત્યાં પણ એમને સીએએથી ફાયદો નથી થયો. નોટબંધી, જીએસટી અને ચીનનું આક્રમક વલણ… બધા મોરચે નિષ્ફળ ગયા છે."
મોદી સરકાર સીએએ અને એનઆરસી મુદ્દે પણ આવું જ વલણ અખત્યાર કરશે?
શું મોદી સરકાર સીએએ અને એનઆરસી મુદ્દે પણ આવું જ વલણ અખત્યાર કરશે?
ઑલ ઇન્ડિયા મજલિસ–એ–ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ લખ્યું છે કે, "આગામી ચૂંટણીઓ અને વિરોધપ્રદર્શનના કારણે વડા પ્રધાન વિચારવા માટે મજબૂર થયા છે. એ જનઆંદોલનને દાબી ન શક્યા પણ આંદોલનકારીઓને પરેશાન કર્યા. સીએએ વિરોધી પ્રદર્શનના કારણે એનઆરસીને અભરાઈએ ચડાવી દેવો પડ્યો. સીએએ હજીયે બનાવવાનો બાકી છે. ખેડૂતોનું આંદોલન એમની જીદ અને પ્રતિબદ્ધતાને લીધે સફળ થયું છે."
મનમોહનસિંહની સરકારમાં નાણામંત્રી રહેલા પી. ચિદમ્બરમે લખ્યું છે કે, "લોકતાંત્રિક વિરોધથી જે ન મેળવી શકાય તે આવનારી ચૂંટણીઓની બીકથી હાંસલ કરી શકાય છે. ત્રણ કૃષિકાયદાને પાછા ખેંચી લેવાની વડા પ્રધાનની જાહેરાત નીતિ-પરિવર્તન કે હૃદય-પરિવર્તનથી પ્રેરિત નથી. એ ચૂંટણીની બીકથી પ્રેરિત છે."
પી. ચિદમ્બરમે લખ્યું છે, "જો આગામી ચૂંટણીમાં હારી જવાની બીક છે, તો વડા પ્રધાન સ્વીકારશે કે નોટબંધી એક મહાભૂલ હતી. જીએસટી કાયદો ખૂબ ખરાબ રીતે બનાવાયો અને જબરજસ્તી એને લાગુ કરાયો."
"વડા પ્રધાને સ્વીકારવું જોઈએ કે ચીની સૈનિકો ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યા છે અને આપણી ધરતી પર કબ્જો કર્યો છે. વડા પ્રધાન સ્વીકારશે કે સીએએ કાયદો સંપૂર્ણપણે ભેદભાવ કરનારો છે. એ સ્વીકારવું પડશે કે રફાલ સોદામાં ગોટાળો થયો છે અને એની તપાસ થવી જરૂરી છે. એ પણ સ્વીકારવું પડશે કે પેગાસસનો ઉપયોગ ગેરકાયદે હતો."
અટલ બિહારી સરકારમાં કૃષિ રાજ્યમંત્રી રહેલા સોમપાલ શાસ્ત્રીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઉત્તરપ્રદેશમાં હારની બીકના કારણે મોદી સરકારે ત્રણે કૃષિકાયદા પાછા ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.
શાસ્ત્રીએ જણાવ્યું કે, "કાયદો રદ કરવામાં મોદી સરકારે ખૂબ મોડું કરી દીધું. હવે એનો કોઈ ફાયદો નથી. એમણે આ જાહેરાત કરવા માટે ગુરુ નાનકની જયંતી પસંદ કરી. તેઓ ધાર્મિક રાજકારણ રમવામાં ક્યારેય અચકાતા નથી."
"એમને હવે એહસાસ થઈ ગયો છે કે સંવેદનશીલ મુદ્દાને કારણે સત્તા મેળવી શકાય છે પણ એનું આયુષ્ય ભાવનાના ઉભરા પૂરતું સીમિત હોય છે. એ સાચું કે હવે એમની પાસે સંવેદનશીલ મુદ્દા નથી વધ્યા."
ભારતના ચૂંટણીલક્ષી રાજકારણમાં વ્યાવસાયિક ઓળખ ભાગ્યે જ સંગઠનનું માધ્યમ બને છે. જાતીય ઓળખ હંમેશાં હાવી રહે છે.
ભારતમાં ચૂંટણી દરમિયાન જાતીની ઓળખ સામે ખેતી–ખેડૂતોના મુદ્દા પણ દબાઈ જાય છે.
છેલ્લાં સાત વરસોમાં નરેન્દ્ર મોદી સરકારને ખેડૂતોએ જે રીતે પડકારી છે એનાં પરિણામ નજર સામે છે. સરકારે ઝૂકવું પડ્યું. વ્યાવસાયિક ઓળખનો મુદ્દો હાવી થયો તો કોઈ પણ સરકાર માટે સંવેદનશીલ મુદ્દે સંગઠિત કરીને સરળતાથી ચૂંટણી જીતવી મુશ્કેલ થઈ જશે.
આધુનિક ભારતમાં કૃષિ હવે ભગવાન ભરોસે છોડાયેલું ક્ષેત્ર છે. અર્થવ્યવસ્થામાં કૃષિનું યોગદાન વર્ષોવર્ષ ઘટતું ગયું અને ખેડૂતો પણ ખેતીથી દૂર થતા ગયા.
વિશ્વ બૅન્કના ડેટા અનુસાર, ગ્રામીણ ભારતમાં ગરીબીનો રેશિયો 25 ટકા છે, જ્યારે શહેરી ક્ષેત્રોમાં આ પ્રમાણ 14 ટકા છે.
મોટા ભાગના ખેડૂતો બુનિયાદી તકનીક પર નિર્ભર છે અને એમની પાસે નાની ખેતી છે. ઘણી વાર તો તેમણે પોતાના પાક ખર્ચ કરતાં પણ ઓછી કિંમતે વેચવા મજબૂર થવું પડે છે.
કેન્દ્ર સરકાર અનાજ ખરીદે છે જરૂર, પણ એ ખૂબ પ્રભાવી નથી. એવાં બધાં કારણે ખેડૂતોએ પોતાની ઊપજ ઓછા ભાવે વેચી દેવી પડે છે.
ખેડૂતોને નારાજ કરીને મોદી સરકાર ચૂંટણી ન જીતી શકે. જોકે 2024 સુધી ભાજપ સત્તા પર રહેશે અને અત્યારે કોઈ જોખમ નથી.
ઉત્તરપ્રદેશ ભારતનું સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય છે અને ત્યાં ચૂંટણી છે. વિપક્ષી પાર્ટીઓ એમ કહે છે કે મોદીને ચૂંટણીમાં હારી જવાથી બીક છે, એટલે પોતાની જીદ છોડીને કૃષિકાયદા પાછા ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.
ચાલુ વર્ષના છેલ્લા કેટલાક મહિનામાં ભાજપે ચાર મુખ્ય મંત્રી બદલ્યા છે. ગુજરાત, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગઢ છે, ત્યાંની આખી કૅબિનેટ બદલી નખાઈ છે. ભાજપના આ નિર્ણયોને કારણે એવું લાગે છે કે આગામી ચૂંટણીઓમાં જીતની બાબતે પાર્ટીને શંકા છે.
હવે પીએમ મોદીએ એ ત્રણ કૃષિકાયદાને પાછા ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે જેને એમની સરકાર ક્રાંતિકારી પગલું ગણાવતી હતી.
પીએમ મોદીએ કૃષિકાયદા પાછા ખેંચી લેવા માટેનો તર્ક રજૂ કર્યો છે કે કેટલાક ખેડૂતોને સમજાવી ન શક્યા. જોકે, જે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના દીકરા પર લખીમપુર ખીરીમાં ખેડૂતોને કચડી મારી નાખવાનો આરોપ છે એમને હજી પણ કૅબિનેટમાંથી દૂર નથી કરાયા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો