કૃષિકાયદા : જ્યારે-જ્યારે નરેન્દ્ર મોદી સરકાર આંદોલન સામે ઝૂકી અને નિર્ણયો પાછા ખેંચ્યા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણ કૃષિકાયદા રદ કરવાની જાહેરાત કરી, જેને રાજકીય વિશ્લેષકો કેન્દ્રની ભાજપ સરકારની ખેડૂતોના આંદોલન સામેની પીછેહઠ ગણાવે છે.

દેશને સંબોધન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "ઘણા પ્રયાસો છતાં અમે ખેડૂતોને સમજાવી ન શક્યા એટલે આ કાનૂન પાછા ખેંચી રહ્યા છીએ."

"કદાચ અમારા તપમાં કંઈક ખામી રહી ગઈ, જેને કારણે દીવાના પ્રકાશ જેવું સત્ય અમે કેટલાક ખેડૂત ભાઈઓને સમજાવી ન શક્યા."

ત્રણેય કૃષિકાયદા જૂન 2020માં વટહુકમ તરીકે લાગુ કરવામાં આવ્યા, ત્યારબાદ સપ્ટેમ્બરમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આની પર બંને ગૃહોમાં બિલ પસાર કરવામાં આવ્યાં અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે આ બિલ કાનૂન બની ગયાં.

આ ત્રણ કાયદાઓની સામે ખેડૂતોએ એક વર્ષ સુધી લડત આપી અને દિલ્હી-હરિયાણાની સરહદે તેમનો વિરોધ સતત ચાલુ રહ્યો હતો.

પંજાબ, હરિયાણાથી શરૂ થયેલું ખેડૂતોનું આંદોલન 26 નવેમ્બરે દિલ્હીની સરહદ સુધી પહોંચી ગયું હતું.

હવે સરકારે ત્રણેય કૃષિકાનૂન રદ કરવાની જાહેરાત કરી છે, ત્યારે આંદોલનની આગેવાની કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ જાહેરાત કરી છે કે સંસદમાં કાયદાને પાછા લેવાની પ્રક્રિયા પૂર્ણ થશે, પછી જ આંદોલન સમેટાશે.

મોદી સરકારની આ પહેલી પીછેહઠ નથી

નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે આંદોલનના કારણે લીધેલા નિર્ણયો પાછા ખેંચવા પડ્યા હોય, એવું પહેલી વખત બન્યું નથી.

તવારીખમાં જોઈએ તો ઘણાં પ્રસંગો મળી આવે છે, જેમાં સરકારે પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે.

2015માં મોદી સરકારને જમીનસંપાદનના વટહુકમ મામલે પણ પાછી પાની કરવી પડી હતી.

2013માં કૉંગ્રેસની આગેવાનીમાં યુપીએ સરકારે જમીનસંપાદનનો કાયદો બનાવ્યો હતો, જેને નરેન્દ્ર મોદીએ મોદી સરકારે ખેડૂતવિરોધી અને ઉદ્યોગવિરોધી ગણાવ્યો હતો.

જે બાદ 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપની સરકાર બની અને આ સરકારે આ કાયદામાં કેટલાક સુધારા કર્યા હાત, જોકે વિરોધ બાદ આ સુધારા પાછા ખેંચવાની સરકારને ફરજ પડી હતી.

EPFના નિર્ણયમાં બદલાવ

15 એપ્રિલ 2016ના રોજ સરકારના નાણા મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર 8.7% વ્યાજદરને મંજૂરી આપી હોવાની સંસદમાં જાહેરાત કરી હતી.

EPF સંદર્ભે નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા સૅન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીએ 8.8%ના વ્યાજદરની ભલામણ કરી હતી.

જોકે આ દરખાસ્તની ઉપરવટ જઈને નાણા મંત્રાલયે 8.7% વ્યાજદરને બહાલી આપી હતી. પ્રૉવિડન્ટ ફંડના પાંચ કરોડ કરતાં વધુ લાભાર્થીઓને આ નિર્ણયની અસર થવાની હતી.

અહેવાલ અનુસાર સંસદમાં જાહેરાતને પગલે કામદારોના સંગઠનોના દેશવ્યાપી વિરોધ પછી સરકારે પીએફ પરના નવા ધોરણો પાછા ખેંચ્યા હતા અને ભલામણ પ્રમાણે 8.8% વ્યાજનો દર લાગુ કર્યો હતો.

પીએફનો વધુ એક નિર્ણય પાછો ખેંચાયો

પીએફ પરના વ્યાજદરનો નિર્ણય પાછો ખેંચાયો, એ જ અરસામાં શ્રમ મંત્રાલયે પણ એક નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો.

શ્રમ મંત્રાલયે લાગુ કરેલા પીએફના નવા નિયમો એપ્રિલ 2016થી લાગુ કરવાની જાહેરાત કરાઈ હતી.

એ નિયમ પ્રમાણે કર્ચમારી જો બે મહિના અથવા વધુ સમયથી બેરોજગાર હોય અને તે પીએફની પૂરી રકમ ઉપાડી લેવા માગતો હોય, તો તે માટે મહત્તમ 15 દિવસ મળતા હતા. જો 15 દિવસમાં કર્મચારી પૈસા ન ઉપાડે તો પછી તે 58 વર્ષ પૂર્ણ કરે એ પછી આ જ રકમ ઉપાડી શકે, એવી જોગવાઈ હતી.

બેંગલુરુમાં કપડાના કારખાનાના કામદારોના પ્રદર્શનને પગલે આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો હતો. આ વિરોધ દરમિયાન હિંસા થઈ હતી, દેશનું આઈટી-હબ ગણાતા બેંગલુરુમાં 15 બસોને આગ ચાંપવામાં આવી હતી અને પોલીસસ્ટેશન પર હુમલો પણ થયો હતો.

માર્ચ 2016માં કામદારોના યુનિયન અને પગારદાર વર્ગના વધતા વિરોધ વચ્ચે સરકારે પીએફ ઉપાડવા સંદર્ભેની વિવાદાસ્પદ દરખાસ્ત પાછી ખેંચી લીધી હતી.

અરુણ જેટલીએ બજેટમાં કરેલી જાહેરાત

તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ 29 ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં જાહેરાત કરી હતી કે પીએફ અને NPS યોજનાઓમાં જમા રકમના 40% રકમ પર કર લાગશે નહીં. અર્થાત કે EPFની બાકીની 60% રકમ કરપાત્ર રહેશે.

અહેવાલ પ્રમાણે સાંસદોના વિરોધને પગલે આ બજેટ દરખાસ્તને પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જૂન 2014માં રેલવે સાથે જોડાયેલા એક નિર્ણયનો પણ વિરોધ થયો હતો.

રેલવેના પૅસેન્જરભાડામાં 14.2%ના વધારાની જાહેરાત કરાી હતી, અને એના ચાર દિવસ પછી રેલવેમંત્રી સદાનંદ ગૌડાએ આ વધારો આંશિક રીતે પાછો ખેચ્યો હતો.

એનડીએના ગઠબંધનના સાથી શિવસેનાના દબાણને પગલે આ વધારો પાછો ખેંચાયો હતો. ગૌડાએ શિવસેનાના સાંસદોના પ્રતિનિધિમંડળ સાથેની બેઠકના જૂજ કલાકો બાદ જ આ નિર્ણય પાછો ખેંચી લીધો હતો.

વ્યાજદર ઘટાડવાનો આદેશ એક દિવસમાં જ પાછો લીધો

સરકારે 1 એપ્રિલ 2021ના રોજ નાની બચત યોજનાઓ પર વ્યાજદર ઘટાડવાનો નિર્ણય એક જ દિવસમાં પાછો ખેંચ્યો હતો. નાણામંત્રી નિર્મલા સિતારમણે ટ્વીટ કરીને આ અંગે જાણ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે શરતચૂકથી વ્યાજદરો ઘટાડવાનો આદેશ જારી થઈ ગયો હતો.

31 માર્ચે સરકારે જાહેરાત કરી હતી કે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ જેવી નાની બચત યોજનાઓના વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી હતી.

નવા આદેશ પ્રમાણે, વાર્ષિક 4 ટકાની જગ્યાએ 3.5 ટકાના દરે વ્યાજ મળવાની જોગવાઈ હતી. આ જાહેરાતની અસર પીપીએફ બચતખાતાં, કિસાન બચત યોજના અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતાધારકો પર પડવાની હતી.

બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ હિમંત કાતરિયા સાથેની વાતચીતમાં અર્થશાત્રી હેમંતકુમાર શાહ કહે છે કે, "આ નિર્ણય શરતચૂકથી નહીં, પણ પશ્ચિમ બંગાળની ચૂંટણીના પગલે પાછો લેવાયો હતો."

"જેમ અત્યારે કૃષિકાનૂન પાછા લેવાનો નિર્ણય ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવાયો છે તેમ."

"સરકાર વન નેશન, વન ઇલેક્શનની વાતો પણ એટલા માટે કરે છે કે પાંચ વર્ષ સુધી મન ફાવે તેવા નિર્ણયો તેઓ લઈ શકે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો