Paytm IPO : પેટીએમની ડરામણી કહાણી શૅરબજાર વિશે શું શીખવાડે છે?

    • લેેખક, આલોક જોશી
    • પદ, નાણાકીય મામલાના જાણકાર

પેટીએમ ચલાવનારી કંપની વન નાઇન્ટી કૉમ્યુનિકેશન્સ લિમિટેડના શૅર નોંધણીના પ્રથમ દિવસે જ ધડાકાભેર પડી ભાંગ્યા, જે કોઈ નવી વાત ન હતી.

કંપનીનું કામકાજ, નફો અને ખોટ, ધંધામાં સતત વધી રહેલી સ્પર્ધા તેમજ કંપનીના અનિશ્ચિત ભવિષ્યની આશંકાઓને પગલે તમામ જાણકારો આ ચેતવણી આપી ચૂક્યા હતા કે પેટીએમમાં પૈસા રોકવા યોગ્ય રહેશે નહીં.

શૅરબજારમાં સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કોઈ પણ મોટી કંપની વિશે સરળતાથી ખરાબ બોલવા માગતી નથી, તેથી જ પેટીએમ વિશે પણ જાણકારોએ સીધું કહ્યું નહોતું કે તેમાં પૈસા રોકો, પરંતુ તેમણે પૂરતા સંકેતો આપ્યા હતા કે અહીં પૈસા ન રોકો તો સારું રહેશે.

આઈપીઓના પહેલા આવનારા રિપોર્ટ્સમાં તેને ઍવૉઇડ અથવા તો સ્કિપ રેટિંગ કહેવામાં આવે છે.

કેટલાક લોકો તેને 'ઇન્વેસ્ટ ફૉર લૉન્ગ ટર્મ' પણ કહે છે. જોકે આમ કહેવાનારા લોકો એ પણ સ્પષ્ટ કરે છે કે કંપનીનો વ્યવસાય ખૂબ સારો છે એટલે લાંબા સમયની સલાહ આપે છે અથવા તો કંપની હાલમાં સારો વ્યવસાય ન કરી રહી હોવાથી લાંબા ગાળે ફાયદો મળવાની આશા છે.

નફો મેળવવાની રાહ જોવી કે?

ખરો સવાલ એ છે કે દેશનો સૌથી મોટો આઈપીઓ લાવીને પેટીએમ દ્વારા માર્કેટમાંથી 18 હજાર ત્રણસો કરોડ રૂપિયાની માતબર રકમ ઉપાડી લેવામાં આવી. લિસ્ટિંગના દિવસે જ કંપનીની માર્કેટ કૅપ 39 હજાર કરોડ રૂપિયા ઘટી ગઈ હતી.

જે લોકોએ 2150 રૂપિયામાં શૅર ખરીદ્યો હતો તેમને પહેલા જ દિવસે ઓછામાં ઓછા 9 ટકા અને વધુમાં વધુ 27 ટકાનું નુકસાન ભોગવવું પડ્યું હતું.

આ બાદ પણ પેટીએમના શૅરમાં હજુ પણ ઘટાડો થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે, કેમ કે એક મોટી આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ દ્વારા પેટીએમનો સાચો ભાવ 1200 રૂપિયા જણાવીને તેને અંડરપર્ફૉર્મનું રૅટિંગ આપતો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ લિસ્ટિંગના દિવસે બજાર ખૂલતાં પહેલાં જ આવી ગયો હતો.

હવે તો સોમવારે બજાર ખૂલ્યા બાદ જ ખબર પડશે કે જે રોકાણકારોએ હજુ સુધી શૅર નથી વેચ્યા કે પછી પહેલા દિવસે શૅર ન વેચી શક્યા તેઓ આગળ શું કરશે, કારણ કે હવે તમામ જાણકારો કહી રહ્યા છે કે જે પણ ખોટ થઈ રહી છે તેને ભોગવીને પણ પેટીએમના શૅરમાંથી નીકળી જવું જોઈએ.

શા માટે અસફળ રહ્યા વિશેષજ્ઞો?

વાત માત્ર પેટીએમની નથી. વાત એ લોકોની છે, જેણે તમામ જાણકારોની સલાહ અને ચેતવણીને અવગણીને પેટીએમના આઈપીઓમાં અરજી કરી. તેઓ શું વિચારતા હતા? તેમનો કોઈ ચિંતા કેમ નહોતી? પોતાના પૈસે અરજી કરનારા નાના-મોટા રોકાણકારોને છોડી દઈએ.

10 મ્યુચ્યુઅલ ફંડ્સ છે, જેમના મૅનેજરોએ આ ઘટનામાં ઍન્કર ઇન્વેસ્ટર તરીકે પોતાના ફંડના પૈસા લગાવ્યા છે. તેઓ તો ભણેલા-ગણેલા અને આ વ્યવસાયને સારી રીતે સમજનારા લોકો હતા. તેમના પર તો પોતાના રોકાણકારોના પૈસા સુરક્ષિત રીતે આગળ વધારવાની જવાબદારી છે. તો તેમને પણ શું થઈ ગયું હતું?

તેનો જવાબ અંગ્રેજી ભાષાના ચાર અક્ષરમાં છે. FOMO એટલે કે 'ફીયર ઑફ મિસિંગ આઉટ.' થોડા દિવસો અગાઉ જ ઝૉમેટોનો આઈપીઓ આવ્યો હતો. તે કંપની કંઈ કમાઈ તો નથી રહી, પરંતુ ભારે નુકસાનમાં ચાલે છે.

ભવિષ્યમાં ક્યારે કમાશે તે પણ નક્કી નથી, પરંતુ જ્યારે તેના શૅર લિસ્ટ થયા તો 53 ટકા ઉછાળો નોંધાયો હતો. એવી જ રીતે નાઇકાનો પણ આઈપીઓ આવ્યો. આ કંપની નુકસાનમાં નથી. તેણે હાલમાં જ નફો મેળવવાનું શરૂ કર્યું છે.

પરંતુ નફાની સરખામણીએ શૅરની કિંમત હાલમાં ઘણી ઊંચી જોવા મળી રહી છે. તેમ છતાં પણ જે લોકોએ પૈસા લગાવ્યા, તેમના પૈસા પ્રથમ દિવસે જ લગભગ ડબલ થઈ ગયા. એવા અનેક આઈપીઓ આવી ચૂક્યા છે, જેણે રોકાણકારોને ઘણો ફાયદો અપાવ્યો હોય. આ કારણથી જ આઈપીઓમાં લોકોએ મોટી સંખ્યામાં રોકાણ કર્યું અને ઘણા ઓછા લોકોને જ શૅર મળ્યા.

ગુસ્સો અને હતાશા

હવે જે લોકોએ એક પછી એક અનેક આઈપીઓ માટે અરજી કરી અને કંઈ પ્રાપ્ત ન થયું, તેઓ પોતાની આસપાસના લોકોને જોઈને એક રીતે ગુસ્સા તેમજ હતાશામાં આવી ગયા અને દરેક ઈસ્યૂમાં અરજી લગાવી રહ્યા છે.

આ પ્રકારના લોકો નફો મેળવવાની ઘેલછામાં દરેક આઈપીઓમાં અરજી કરી બેસે છે અને યોગ્ય જગ્યાએ રોકાણ ન કર્યું હોવાથી અંતે નિરાશ થઈ બેસે છે.

વર્ષ 2021માં મોટી સંખ્યામાં આઈપીઓ આવ્યા હતા. અંદાજે 50 કંપનીઓ લિસ્ટ થઈ હતી. જેમાંથી લિસ્ટિંગના દિવસે 31 ટકા કંપનીઓએ કમાણી કરી હતી.

એનો અર્થ એ નથી થતો કે દરેક આઈપીઓમાં કમાણી થઈ હોય. પેટીએમ તેનું ભયાનક ઉદાહરણ છે, કારણ કે તેમાં પ્રથમ દિવસે જ શૅર ઈસ્યૂ પ્રાઇસથી 27.5 ટકા નીચે આવીને બંધ થયો હતો. અગાઉ પણ કેટલીક કંપનીઓ લિસ્ટિંગના દિવસે ખૂબ નુકસાની ભોગવી ચૂકી છે.

તેમાં કલ્યાણ જ્વેલર્સ અને વિંડલાસ બાયોટૅકનો સમાવેશ થાય છે. જે લિસ્ટિંગના પ્રથમ દિવસે જ 10 ટકાથી વધુ નીચે ધકેલાઈ હતી. જ્યારે સૂર્યોદય, કારટ્રેડ, નુવોકો વિસ્ટાઝ અને એસઆઈએસ ઍન્ટરપ્રાઇઝ જેવી કંપનીઓ લિસ્ટિંગના પાંચ દિવસમાં જ 5થી 10 ટકા નીચે ધકેલાઈ હતી.

ખરાબ લિસ્ટિંગનો અર્થ એમ નથી કે કંપનીનો વ્યવસાય સારો નથી ચાલી રહ્યો. ઇતિહાસમાં એવાં અનેક ઉદાહરણો છે, જ્યારે કંપનીનો આઈપીઓ સંપૂર્ણ રીતે ન ભરાયો હોય અથવા લિસ્ટિંગના દિવસે ઓછી કિંમત મળ્યા બાદ પાછળથી કિંમત ઉછળી હોય.

કમાણી કરાવનારા આઈપીઓ

આઈપીઓમાં હળવા રિસ્પૉન્સનું સૌથી મોટું ઉદાહરણ છે ઇન્ફોસિસ, એચડીએફસી અને મારુતિ. આ તમામ કંપનીઓને ઈસ્યૂ પૂરા ભરવામાં પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પાછળથી આ કંપનીએ રોકાણકારોને ખૂબ જ કમાણી કરાવી હતી.

જે લોકો શૅરબજારમાં કમાણીના કિસ્સા સાંભળે છે. તેઓ હંમેશાં એવી કંપનીઓની વાત કરે છે, જેના પર શરૂઆતમાં કોઈએ ધ્યાન ન આપ્યું હોય અને જ્યારે નજર પડે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.

આ પ્રકારની કંપનીઓ એવી હોય છે કે જે કોઈ નવા પ્રકારનો વ્યાપાર કરતી હોય. લોકો તેની પ્રોડક્ટ્સ અથવા તો સેવાઓનો ઉપયોગ પણ કરતા હોય છે, પરંતુ તેના આઈપીઓ માટે અરજી કરતા ખચકાટ અનુભવતા હોય છે. બાદમાં તેમને ખ્યાલ આવે છે કે તેમની સામે કમાણીનો ખૂબ મોટો અવસર હતો, જે તેમણે ગુમાવી દીધો છે.

પેટીએમના કિસ્સામાં પણ આવું જ કંઈક થયું. પેટીએમ પોતાના ક્ષેત્રની દિગ્ગજ કંપની છે. કંપનીના આઈપીઓ ખરીદનારા મોટા ભાગના લોકો દિવસમાં ત્રણથી ચાર વખત આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરતા જ હશે. આથી દેખીતું છે કે લોકોને લાગે કે કંપની ખૂબ સારો જ વ્યાપાર કરી રહી છે અને તેથી તેમાં રોકાણ કરવા માટે લોકો ઊમટી પડ્યા.

પરંતુ આ બાબત ઘણા ઓછા લોકોને ખબર હતી કે કંપની જેટલો વ્યાપાર કરે છે, તેમાંથી મોટા ભાગની રકમ ખર્ચ થઈ જાય છે. સૌથી મોટી રકમ બૅન્કો પાસે જતી રહે છે.

ખર્ચાને બાદ કરતા કંપની ખૂબ જ નુકસાનમાં ચાલી રહી છે. કેટલાક લોકો આ તમામ બાબતો જાણતા હોવા છતાં પણ એ ડરથી અરજી કરવા લાગ્યા કે ઈસ્યૂ થયા બાદ જો શૅરના ભાવમાં તેજી આવશે તો તેઓ કમાણીની બહુ મોટી તક ચૂકી જશે. તેને જ કહેવાય છે FOMO એટલે કે ચૂકી જવાનો ડર.

બજારમાં તેજી પણ છે ખતરનાક સમય

જે સમયે બજારમાં તેજી હોય છે ત્યારે ડરનો ફાયદો ઉઠાવવા માટે ઘણીબધી કંપનીઓ મેદાનમાં ઊતરે છે. તેમના મર્ચન્ટ બૅન્કર અને લીડ મૅનેજર કંપનીના સોનેરી ભવિષ્યનાં સપનાં બતાવીને ઊંચા ભાવે શૅર વેચવામાં સફળ થઈ જાય છે.

પરંતુ બાદમાં જ્યારે ભાવ ન મળે અથવા તો ખોટ જાય ત્યારે તેમાં પૈસા લગાવનારા લોકો માત્ર ખોટ નથી ભોગવતા, પરંતુ મોટા ભાગના લોકો શૅરબજાર છોડીને ચાલ્યા જાય છે અને ફરી ક્યારેય પરત આવવાનું વચન પાળી લે છે. છેલ્લા એક વર્ષમાં માર્કેટમાં 2 કરોડથી વધુ નવા રોકાણકારો આવ્યા છે.

હવે સેબી કહે છે કે તેઓ આ વાત ગંભીરતાથી મૂકશે કે આઈપીઓની જાહેરાતોમાં જોખમનો ઉલ્લેખ પ્રમુખતાથી કરવામાં આવે, જેથી તેમાં કયાં-કયાં જોખમો છે, તે અંગે સ્પષ્ટ અને મોટા અક્ષરોમાં જાણકારી આપી શકાય.

જોકે અહીં આ વાત પણ સ્પષ્ટ કરવી જરૂરી છે કે આઈપીઓ જ શૅરમાં પૈસા રોકવા માટે સોનેરી તક નથી. કેટલાક મોટા જાણકારો તો દૃઢપણે કહે છે કે જો માર્કેટમાં સારા શૅર ખરીદીને લાંબો સમય ટકવું હોય તો આઈપીઓથી દૂર જ રહેવું જોઈએ. શૅરબજારમાં અગાઉથી લિસ્ટેડ કંપનીઓના શૅર ખરીદીને આપ વધુ સારી કમાણી કરી શકો છો.

રોકાણના સિદ્ધાંતોને બાકાત રાખીએ તો પણ આઈપીઓમાં અરજી કરનારા લોકોએ એટલી મહેનત તો કરવી જ જોઈએ કે કંપનીની તમામ જાણકારી મેળવી લે અને જેટલા રૂપિયામાં શૅર ખરીદ્યો હશે, તેની મૂળ કિંમત પરત મેળવવામાં કેટલો સમય લાગી શકે છે અને કંપની કેટલી ઝડપથી નફો મેળવીને અથવા તો વ્યાપાર વધારીને તે સમયને ઓછો કરી શકશે.

જો આપ તે પણ ન કરી શકતા હોવ તો શૅરબજારને દોષ આપવો યોગ્ય નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો