કૃષિકાયદા : ખેડૂતો સામે મોદી સરકારની પીછેહઠની ગુજરાતના ચૂંટણીગણિત પર શું અસર થશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

શુક્રવારે સવારે નવ કલાકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તેઓ દેવ દિવાળી કે ગુરુ નાનક જયંતીના ઉપલક્ષમાં કોઈ વાત કહેશે અને તહેવારો બાદ વધી રહેલા કોરોનાના કેસોની સંખ્યા કે રસીકરણ મુદ્દે કોઈ વાત કરશે.

પરંતુ મોદીએ તેમના સંબોધનમાં સરકાર દ્વારા કૃષિક્ષેત્રે કરવામાં આવેલાં કાર્યો અને બજેટફાળવણી મુદ્દે વાત કરી. સાથે જ તેમણે ત્રણ વિવાદાસ્પદ કૃષિકાયદાને પરત ખેંચવાની જાહેરાત કરી હતી અને દેશવાસીઓની માફી પણ માગી હતી.

આ જાહેરાત વિપક્ષ માટે આંચકાજનક, રાજકીય વિશ્લેષકોના મતે અપેક્ષિત તથા ભાજપના જ નેતાઓ માટે આશ્ચયર્જનક હતી. આ જાહેરાત રાજકીય અને ચૂંટણીલક્ષી છે, એ મુદ્દે વિપક્ષ તથા રાજકીય વિશ્લેષકો એકમત છે.

આ જાહેરાતની અસર આવતાં વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અને તે પહેલાં કૃષિઆધારિત રાજ્યો પંજાબ તથા ઉત્તર પ્રદેશમાં થશે એમ માનવામાં આવે છે.

ચૂંટણી ગુજરાત અને યુપીની

શું ગુજરાતની ગ્રામ-પંચાયત કે વિધાનસભા ચૂંટણીના અનુસંધાને આ નિર્ણય લેવામાં આવ્યો છે કે કેમ તેના અંગે રાજકોટસ્થિત વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યે બીબીસી ગુજરાતીના સહયોગી જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું, "ગુજરાતમાં કૃષિકાયદાની સામે દેખીતો કોઈ વિરોધ ન હતો અને અત્યાર સુધી તેની કોઈ ચર્ચા ન હતી. દેશમાં કૃષિ આંદોલન ચરમ ઉપર હતું, ત્યારે પણ મ્યુનિસિપલ કૉર્પોરેશન તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો."

"આ જાહેરાત ગુજરાત ભાજપ માટે નૈતિક રીતે ચોક્કસપણે આંચકાજનક છે, પરંતુ તેનાથી પાર્ટી કે મતદારોને ખાસ અસર નહીં થાય. કાયદા પરત ખેંચીને આ મુદ્દાનો રાજકીય ઉપયોગ કરવા માગતા વિપક્ષ પાસેથી હથિયાર ખૂંચવી લીધો છે."

અત્રે એ યાદ રાખવું ઘટે કે ગ્રામ-પંચાયતની ચૂંટણી કોઈ પક્ષના બેનર તળે નથી લડાતી. આચાર્ય માને છે કે પંજાબમાં ભાજપનું કોઈ ખાસ અસ્તિત્વ ન હતું, પરંતુ યુપી તેમાં પણ વિશેષ કરીને પશ્ચિમ યુપીને અસર કરશે, જે ભાવનાત્મક રીતે આ મુદ્દા સાથે જોડાયેલા છે.

મુંબઈસ્થિત રાજકીય વિશ્લેષક જતીન દેસાઈ માને છે કે આ નિર્ણય 'ચૂંટણીલક્ષી' છે.

બીબીસી સંવાદદાતા દીપલ શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું, "આ આવકાર્ય પગલું છે, પણ કાયદા એક વર્ષ પહેલાં જ રદ થઈ જવા જોઈતા હતા. આટલા એક વર્ષમાં કેટલું નુકસાન થયું છે. 700થી વધુ ખેડૂતો શહીદ થયા છે."

"લખીમપુર ખીરીની ઘટના તાજી જ છે. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રીને બરતરફ કરવા ખેડૂતોએ તીવ્ર માગ કરી હતી. કેસ ઘણો ચર્ચામાં રહ્યો."

"મોદી સરકાર માટે આ બાબત પણ ઘણી પડકારજનક રહી. બીજી તરફ હિમાચલની મંડી તથા દાદરા અને નગર હવેલીની લોકસભાની પેટાચૂંટણીની બેઠકો ભાજપ હારી ગયો."

"પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો સહિતની તમામ બાબતોને લીધે મોદી સરકાર તમામ મોરચે ઘેરાયેલી હતી. સરકારની કૃષિ સંબંધિત કામગીરી મામલે પણ ખેડૂતોમાં નારાજગીની લાગણી હતી."

"પંજાબ-યુપીની ચૂંટણીઓ ભાજપ માટે અત્યંત મોટો પડકાર છે. ખેડૂત આંદોલને આ રાજ્યની ચૂંટણીઓ ભાજપ માટે વધુ પડકારજનક બની ગઈ હતી. આથી એક રીતે તો આ ચૂંટણીલક્ષી નિર્ણય જ છે."

કૃષકો મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઝૂકવું પડ્યું, હોય તેવો આ પ્રથમ બનાવ નથી.

ગત ટર્મ વખતે કેન્દ્રની મોદી સરકાર દ્વારા જમીન અધિગ્રહણનો કાયદો લાવવામાં આવ્યો હતો, જેને વિપક્ષ તથા ખેડૂતોના વિરોધ બાદ પાછો ખેંચી લેવો પડ્યો હતો. સરકારે અધ્યાદેશના માધ્યમથી તેને લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો.

'ખેડૂતોની જેમ યુવાઓ પણ હક માગે'

કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કૃષિકાયદા પરત ખેંચાવા અંગે લગભગ એક કલાકના અરસામાં ચાર ટ્વીટ કરીને પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.

ટ્વિટર પર પ્રતિક્રિયા આપતા કહ્યું, "આ વિજય ખેડૂતો તથા તેમના અધિકાર માટે એક વર્ષથી મોદી સરકાર સામે લડનારા તમામનો વિજય છે. આ વાત સાબિત કરે છે કે મોદી સરકાર ખોટી હતી છતાં સૂટ-બૂટવાળા મિત્રોને માફક આવે એવો ખોટો ઍજન્ડા આગળ ધપાવવાનો પ્રયાસ કરતી રહી."

"અત્યાર સુધી ભાજપના નેતા ત્રણ કૃષિકાયદાના ફાયદા ગણાવતા હતા, પરંતુ હવે તેઓ કાયદા પાછા ખેંચવાના ફાયદા ગણાવશે."

પાટીદાર અનામત આંદોલન તથા તેમાં પોતાની ભૂમિકાને યાદ અપાવતા પટેલે લખ્યું, "મારી ટીમ તથા પાટીદાર સમાજે અધિકારો માટે લડત ચલાવી અને સરકારને બિનઅનામત સમુદાય માટે કાયદા ઘડવાની ફરજ પડી. આજે ખેડૂતોના વિજયે દેખાડી દીધું છે કે સરમુખત્યારશાહી સરકાર સામે શાંતિપૂર્ણ રીતે ચળવળ ચલાવવામાં આવે તો તાત્કાલિક નહીં, પરંતુ નિશ્ચયપણે વિજય મળે છે."

રોજગારી માટે આંદોલન ચલાવવા યુવાનોને આહ્વાન કરતા હાર્દિક પટેલે લખ્યું, "જો ખેડૂતો કરી શકે તો યુવાનો પણ કરી શકે. ગાંધીજી દ્વારા દેખાડવામાં આવેલા સત્ય અને અહિંસાના પથને પકડો અને તમારો હક છે એવી નોકરીઓ તથા (રોજગારની) તકોની માગ કરો. આ લડાઈમાં અમે તમારી સાથે છીએ અને સરકાર પર વાયદાઓને પૂર્ણ કરવા અથવા પદ છોડવા દબાણ લાવીશું."

વડગામની બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય તથા કૉંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરનારા જિજ્ઞેશ મેવાણીએ આ જાહેરાતને આવકારી હતી અને તેને ચૂંટણીલક્ષી ગણાવી હતી.

ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપતા મેવાણીએ લખ્યું, "પંજાબ અને યુપીની ચૂંટણીમાં જોખમ દેખાતા ત્રણ કૃષિવિરોધી કાયદાને પરત ખેંચવાની સરકારની જાહેરાતનું સ્વાગત છે. જો ચૂંટણીલક્ષી ગણિતને બદલે માનવીય સંવેદનાથી પ્રેરિત થઈને અગાઉથી જ આ નિર્ણય લીધો હોત તો સેંકડો ખેડૂતોના જીવ બચી ગયા હોત."

મેવાણીએ કહ્યું કે નવા સંસદભવન તથા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં થનારા ખર્ચ પર કાપ મૂકીને દરેક મૃત ખેડૂતોને રૂપિયા એક-એક કરોડની સહાય આપવી જોઈએ.

તો કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું, "વડા પ્રધાન ત્રણ કાયદા લાવ્યા હતા અને સંસદે તેને પસાર કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઇરાદો ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનો હતો, આ કાયદાને કારણે ખેડૂતોને લાભ થયો હોત. પરંતુ મને એ વાતનું દુખ છે કે અમે અમુક ખેડૂતોને આ વાત સમજાવવામાં નિષ્ફળ રહ્યા છીએ."

"અમે ચર્ચાનો માર્ગ અપનાવીને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં સફળ ન થઈ શક્યા. આથી પ્રકાશ પર્વના દિવસે વડા પ્રધાને આ કાયદાઓને પરત ખેંચવાનો નિર્ણય લીધો છે જે આવકારદાયક પગલું છે."

તોમરે કેન્દ્ર, રાજ્ય, ખેડૂતો, વિજ્ઞાનીઓ તથા અર્થશાસ્ત્રીઓની સમિતિ બનાવવાની વડા પ્રધાની વાતનો પુનર્રોચ્ચાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તે ટેકાના ભાવોને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા તથા અન્ય મુદ્દાઓ ઉપર અહેવાલ સુપ્રત કરશે.

આમ આદમી પાર્ટીની ગુજરાત પાંખના નેતા ઈસુદાન ગઢવીએ ત્રણ કૃષિકાયદા પાછા ખેંચવા બદલ ખેડૂતોને અભિનંદન આપ્યાં હતાં અને મૃત ખેડૂતોના પરિવારના ભરણપોષણનો મુદ્દો ઉઠાવ્યો હતો.

તેમણે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું, "સવા વર્ષના આંદોલન દરમિયાન તમે ખેડૂતોને આતંકવાદી, ખાલિસ્તાની અને આંદોલનજીવી પણ કહ્યા. 700થી વધુ ખેડૂતો ઠંડીમાં ઠૂંઠવાઈને મૃત્યુ પામ્યાં છે, ત્યારે તેમના મૃત્યુ માટે કોણ જવાબદાર છે? તેમના પરિવારનું પાલનપોષણ કોણ કરશે?"

ગઢવીએ માગ કરી હતી કે "સરકારે ટેકાના ભાવોની ગૅરંટી પણ આપવી જોઈએ."

ગઢવીના મતે માત્ર પેટાચૂંટણીમાં પરાજયમાત્રથી જો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો તથા ચૂંટણી પહેલાં કૃષિકાયદાને પરત ખેંચ્યા તો એનો મતલબ એ છે કે આ કેન્દ્ર સરકાર માત્ર 'ચૂંટણીજીવી' સરકાર છે.

દરમિયાન 40 જેટલા ખેડૂત સંગઠના સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે જ્યાં સુધી સંસદમાં આ કાયદા પરત ખેંચવામાં નહીં આવે તથા એમએસપી વગેરે જેવા પડતર મુદ્દાઓ પર નિર્ણય લેવામાં નહીં આવે, ત્યાર સુધી આંદોલન ચાલુ રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.