સૌરભ કૃપાલ કોણ છે, જેઓ બની શકે છે દેશના પ્રથમ સમલૈંગિક જજ, શું છે તેમનું ગુજરાત કનેક્શન?

    • લેેખક, સુચિત્ર મોહંતી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સુપ્રીમ કોર્ટના કૉલેજિયમે વરિષ્ઠ વકીલ સૌરભ કૃપાલને દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ બનાવવાની ભલામણ કરી છે. જો તેમની આ પદ પર નિમણૂક થાય છે તો તેઓ ભારતના પહેલા સમલૈંગિક ન્યાયાધીશ હશે.

સૌરભ કૃપાલે દિલ્હીમાં સેન્ટ સ્ટિફન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. ત્યારબાદ સ્કૉલરશિપ મેળવીને તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી એલ.એલ.બીનો અભ્યાસ કર્યો અને ત્યારપછી કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી તેમણે એલ.એલ.એમ.ની ડિગ્રી મેળવી છે.

તેમણે થોડા સમય માટે જિનીવામાં સંયુક્ત રાષ્ટ્ર સાથે પણ કામ કર્યું છે. ત્યારબાદ 1990માં તેઓ ભારત પાછા ફર્યા હતા. અહીં આવીને તેમણે બે દાયકા સુધી સુપ્રીમ કોર્ટમાં લૉની પ્રૅક્ટિસ કરી.

સૌરભ કૃપાલ જ્યારે છ વર્ષના હતા ત્યારે તેમના પિતા બી.એન. કૃપાલ હાઈકાર્ટના ન્યાયાધીશ બનેલા. તેમણે ઘણાં રાજ્યોની હાઈકોર્ટમાં ફરજ બજાવી છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ત્યારપછી તેમના પિતા ભારતના મુખ્ય ન્યાયાધીશ પણ બન્યા હતા. બી.એન. કૃપાલ હવે સેવાનિવૃત્ત છે.

ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ અતિરિક્ત સૉલિસિટર જનરલ (એએસજી) અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ વિકાસસિંહ સૌરભ કૃપાલ સાથે સારા સંબંધ ધરાવે છે.

વિકાસસિંહે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "સૌરભ ખૂબ જ કાબેલ વકીલ છે. હાઈકોર્ટના ન્યાયાધીશ પદ માટે તેમના નામની ભલામણ કરવામાં આવી તે એક સારું પગલું છે અને એ ન્યાયપાલિકાને માટે પણ સારું છે. દેશે સમય પ્રમાણે આગળ વધવું જોઈએ."

પૂર્વ એટર્ની જનરલ પાસેથી મેળવ્યું પ્રશિક્ષણ

સૌરભ કૃપાલે પૂર્વ એટર્ની જનરલ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી પાસેથી લીધેલા પ્રશિક્ષણને યાદ કરતાં વિકાસસિંહે જણાવ્યું કે રોહતગીના કુશળ માર્ગદર્શન અને દેખરેખ હેઠળ કૃપાલે ઘણું બધું શિક્ષણ મેળવ્યું. એ કારણે, કૉલેજિયમે કાયદાના ક્ષેત્રે તેમની કુશળતાને ધ્યાને લઈને તેમના નામનો વિચાર કર્યો છે.

વિકાસસિંહ જણાવે છે કે, "સૌરભ કૃપાલ સંપૂર્ણપણે પ્રોફેશનલ છે અને કાયદાની ઊંડી સમજ ધરાવે છે."

કૃપાલે મોટા ભાગે બંધારણીય, વાણિજ્યિક, નાગરિક અને ગુનાખોરીસંબંધી કાયદાના ક્ષેત્રમાં કાર્ય કર્યું છે. તેઓ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેઠક સમક્ષ એલજીબીટીક્યુ મામલામાં વકીલોની ટીમમાં હતા.

377ની કલમના કેસમાં વકીલ

તેઓ સુપ્રીમ કોર્ટમાં ભારત સરકાર વિરુદ્ધ નવતેજસિંહ જૌહરની અરજીના કેસમાં એમના વકીલોમાંના એક વકીલ હતા. આ કેસ એલજીબીટીક્યુ કેસ સાથે જોડાયેલો હતો.

એમણે આઈપીસી (ઇન્ડિયન પિનલ કોડ)ની કલમ 377ને બિન-ગુનેગાર બનાવવા માટે ભરપૂર દલીલો રજૂ કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક સુનાવણી કરીને સમલૈંગિક સંબંધોને ગુનો ગણનારી આ કલમને રદ કરી હતી.

નોંધવું જોઈએ કે, કાયદાના ક્ષેત્રમાં પોતાની યોગ્યતા માટે સૌરભ કૃપાલ પોતાના પિતા સીજેઆઈ બી.એન. કૃપાલ અને પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીને શ્રેય આપે છે.

સ્ટ્રોફિઝિક્સ અને ઑક્સફર્ડની ચૂંટણી

સુપ્રીમ કોર્ટમાં ઘણાં વર્ષોથી પ્રૅક્ટિસ કરતા એક વરિષ્ઠ વકીલે નામ ન આપવાની શરતે જણાવ્યું કે ઓછા લોકો એ જાણે છે કે સૌરભ કૃપાલ ઑક્સફર્ડમાં ખૂબ ઓછા લેક્ચર લેતા હતા. એમનો પહેલો પ્રેમ ખગોળ ભૌતિક (ઍસ્ટ્રોફિઝિક્સ) હતું. તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં 15 મતોથી ચૂંટણી જીત્યા હતા.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે સૌરભ કૃપાલે ઘણાં ન્યાયાલયોમાં ઘણા લોકો માટે સમાનતા માટેના કેસમાં પેરવી કરી છે અને તેમને ન્યાય અપાવ્યો છે.

તેઓ ભારતમાં સમલૈંગિકતાને ગુનાપાત્ર ન ગણવાની ઝુંબેશ માટે કામ કરતા એનજીઓ નાઝ ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે.

ભલામણ કરવામાં વાર લાગી

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સૌરભ કૃપાલને નિયુક્ત કરવાની ભલામણ મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાની અધ્યક્ષતાવાળા કૉલેજિયમે 11 નવેમ્બર 2021એ કરી હતી.

પણ, મીડિયા રિપૉર્ટ્સ અનુસાર, ઑક્ટોબર 2017માં જ દિલ્હી હાઈકોર્ટ કૉલેજિયમે સૌરભ કૃપાલને દિલ્હી હાઈ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી હતી.

કહેવાય છે કે સૌરભ કૃપાલ સમલૈંગિક હોવાના કારણે એમના નામની ભલામણ કરવામાં સમય લાગ્યો હતો, કેમ કે તેઓ ભારતના પ્રથમ સમલૈંગિક ન્યાયાધીશ હોત.

કેન્દ્ર સરકારને કૃપાલનું નામ વારંવાર મોકલવામાં આવ્યું હતું. સરકારે ભલામણની પ્રક્રિયાને પહેલાં અટકાવી હતી.

'સમલૈંગિક હોવાને કારણે મારા નામનો વિચાર ન કરાયો'

એક ઇન્ટરવ્યૂમાં સૌરભ કૃપાલે કહેલું કે, "એમ કહેવું કે, 20 વર્ષ જૂનો મારો એક પાર્ટનર વિદેશી મૂળનો છે, જેનાથી સુરક્ષાસંબંધી જોખમ ઊભું થઈ શકે છે, એ એક દેખાડા પૂરતું કારણ છે, જેનાથી એમ લાગે છે કે એ સંપૂર્ણ સત્ય નથી. એટલે મને લાગે છે કે મારી જાતીયતાના કારણે ન્યાયાધીશ તરીકે મારી બઢતી કરવા અંગે મારા નામનો વિચાર ન કરાયો."

પ્રતિષ્ઠિત ફોજદારી વકીલ ગીતા લુથરાએ બીબીસી સાથે વાતચીત કરતાં જણાવ્યું કે ન્યાયાધીશની ચૂંટણીમાં એમની જાતીયતા કે કોઈના માટેની એમની અંગત પસંદગીની કોઈ ભૂમિકા ન હોવી જોઈએ.

ગીતા લુથરાએ જણાવ્યું કે, "સૌરભ કૃપાલની અંગત પસંદગીની એમના દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકેની ભલામણમાં કોઈ ભૂમિકા ન હોવી જોઈએ. આપણે યોગ્યતા અને ક્ષમતાને પ્રાથમિકતા આપીએ છીએ. ન્યાયાધીશ બનવા માટેના બધા ગુણ એમનામાં છે."

સૌરભ કૃપાલે કાયદાક્ષેત્રે કરેલાં સંશોધન અને અધ્યયન ખૂબ પ્રભાવી છે. ગીતા લુથરા જણાવે છે કે, "તેઓ પ્રતિભાશાળી છે, કાયદાના ક્ષેત્રમાં અસાધારણ ક્ષમતા ધરાવે છે. વાસ્તવમાં તેઓ એક યોગ્ય વ્યક્તિ છે જેમના માટે સુપ્રીમ કોર્ટના કૉલેજિયમ દ્વારા દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂત કરવાની ભલામણ કરી શકાય."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો