377 નાબૂદીનાં બે વર્ષ : ગુજરાતનાં સમલૈંગિકોની જિંદગી કેટલી બદલાઈ?

    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી ગુજરાતી

6 સપ્ટેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટે ભારતમાં સમલૈંગિક સંબંધોને માન્યતા આપતો ચુકાદો આપ્યો. દેશની અનેક મીડિયા સંસ્થાઓ અને નિષ્ણાતોએ આ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો હતો.

આ ચુકાદા અન્વયે કાયદાની દૃષ્ટિએ LGBT એટલે કે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ તથા ટ્રાન્સજેન્ડર સમુદાય પણ મૂળભૂત અધિકારો ધરાવે છે, તેવું પ્રસ્થાપિત થયું.

ચુકાદાને આવકારતાં LGBT સમુદાયના લોકોએ જણાવ્યું હતું કે હવે અમે આઝાદ દેશના આઝાદ નાગરિક બન્યા છીએ અને અમને ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર મળ્યો છે.

ચુકાદા પર પ્રતિક્રિયા આપતાં LGBT સમુદાયના અધિકારો માટે લડત આપી રહેલા કર્મશીલોએ કહ્યું હતું કે હવે અમે સમાનતા માગી શકીશું અને કોની સાથે રહેવું તે નિર્ણય લેવાની પણ અમને આઝાદી હશે.

આ ચુકાદાને બે વર્ષ થઈ ગયા છે, ત્યારે બીબીસી ગુજરાતીએ જાણવાનો પ્રયાસ કર્યો કે LGBT સમુદાય માટે ગુજરાતમાં શું-શું બદલાયું છે અને કેટલા પ્રમાણમાં બદલાયું છે?

'સમાજમાં જાગૃતિ આવી છે'

નીલમ એક લેસ્બિયન છે અને પોતાના પાર્ટનર સાથે વડોદરા શહેરની નજીક એક ભાડાના મકાનમાં રહે છે. એક વર્ષ પહેલાં તેઓ અહીં શિફ્ટ થયાં છે.

નીલમ કહે છે કે ઘર ભાડે લેતી વખતે પોતાના વિશે ઘર માલિકને જાણાવ્યું ત્યારે તેમને કંઈ પણ કહ્યા-કર્યા વગર ઘર ભાડે આપી દીધું.

તેમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી ઇચ્છો મકાનમાં રહી શકો છો.

તેઓ કહે છે, "મારા માટે આ અનપેક્ષિત હતું અને એટલે મને પણ થોડી નવાઈ લાગી. પાંચ વર્ષથી અમે બંને વડોદરામાં રહીએ છીએ, ઘર શોધતી વખતે લોકો કાયમ અમારા સંબંધ વિશે પૂછતા હતા."

શુંખરેખરસમાજમાંજાગૃતિઆવી?

LGBT કર્મશીલ હુસૈન આ પ્રશ્નના જવાબમાં કહે છે, "ચુકાદા બાદ સૌથી મોટો ફેર એ આવ્યો છે કે હવે લેસ્બિયન, ગે, બાયસેક્સયુઅલ તથા ટ્રાન્સજેન્ડરને પરિવારના સભ્યો, મિત્રો અને સહકર્મચારીઓનો સાથ મળી રહ્યો છે."

"તેઓ પોતાનાં ઘર અને ઑફિસમાં આ વિશે મુક્ત મને વાત કરી શકે છે અને પોતાના વિચારો જણાવી શકે છે."

"સમુદાય હવે પોતાની વાત જાહેરમાં કરે છે અને કોર્ટથી લઈને સામાન્ય લોકો તેમની વાત સાંભળે છે, જે દર્શાવે છે કે પરિસ્થિતિમાં ઘણો ફેર આવ્યો છે."

નીલમ જણાવે છે, "કલમ 377 નાબૂદ થયા બાદ જે ડર હતો તે હવે નીકળી ગયો છે અને સમાજની નજરમાં અમે ગુનેગાર નથી. સમાજમાં પરિવર્તન આવતા સમય લાગશે, પણ મને લાગે છે કે ધીમે-ધીમે જાગૃતિ આવી રહી છે. નવી પેઢી સમલૈંગિક સંબધો પ્રત્યે ઘણી માહિતી ધરાવે છે."

શુંહવેLGBTસમુદાયનાલોકોમુક્તરીતેરહીશકેછે?

આ પ્રશ્નના જવાબમાં વડોદરા સ્થિત ફોરમ ફાઉન્ડેશનના વડા અંકુરિયા પટેલ, જે પોતે એક ટ્રાન્સજેન્ડર છે, તેઓ કહે છે, "કાયદાકીય ગૂંચવણ દૂર થઈ જતાં હવે આ શક્ય બન્યું છે."

"આ સમુદાયના લોકો હવે સામાજિક કાર્યક્રમોમાં સામેલ થાય છે અને લગ્ન સમારંભમાં પણ હાજરી આપે છે."

"આજે પાડોશમાં જો કોઈ લેસ્બિયન, ગે, બાયસેક્સયુઅલ અથવા ટ્રાન્સજેન્ડર રહેવા આવે તો સોસાયટીમાં રહેતા બીજા લોકો તેમનો વિરોધ કરતા નથી. ઊલટાનું લોકો હવે તેમની મદદ કરે છે."

ચુકાદા બાદ સર્જાયેલી પરિસ્થિતિઓ અંગે વાત કરતાં તેઓ કહે છે, "લોકો અમારા પ્રત્યે સજાગ થયા છે અને અમારા વિશે તેમના વિચારો પણ બદલાયા છે. આજે વડોદરા અને તેની આજુબાજુના વિસ્તારોની ઘણી શાળાઓમાં હું LGBT વિશે લૅક્ચર આપી રહી છું. એટલે એવું તો ચોક્કસ કહી શકાય કે ચુકાદાથી ફરક પડ્યો છે."

LGBT કૉમ્યુનિટીના હક માટે કામ કરતા રિયાઝ સ્વીકારે છે કે ચુકાદા બાદ ગુજરાતમાં લોકો LGBT સમુદાયને સ્વીકારતા થયા છે અને તેમના પ્રતિ લોકોના વ્યવહારમાં ફેર પણ પડ્યો છે, પરંતુ તેઓ કહે છે કે મંજિલ હજી દૂર છે.

તેઓ કહે છે, "આપણો સમાજ હજી LGBT સમુદાયના લોકો સાથે એક પ્રકારે અંતર જાળવે છે, જેના કારણે આજે પણ સમુદાયના ઘણા લોકો પોતાની ઓળખ જાહેર કરતા નથી. તેઓ સામાન્યપણે પોતાના જૂથના લોકો સાથે જ રહેવાનું પસંદ કરે છે."

'નોકરીમેળવવામાંતકલીફપડેછે'

કર્મશીલો માને છે કે ગુજરાતમાં LGBT સમુદાયના લોકોને હજી પણ નોકરી મેળવવામાં તકલીફ થઈ રહી છે.

અંકુરિયા કહે છે એવા ઘણા લોકો છે, જેઓ સારું ભણેલા હોવા છતાં નાની નોકરી કરી રહ્યા છે કારણકે તેમને લાયકાત પ્રમાણે કામ મળતું નથી.

તેઓ ઉમેરે છે કે "સમુદાયના મોટાભાગના લોકો ટ્રસ્ટ અથવા સ્વયંસેવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને જૂજ લોકો બીજા ક્ષેત્રમાં કામ કરી રહયા છે. LGBT લોકોને યોગ્ય રોજગારી મળે એમાં રાજ્ય સરકાર પણ રસ લેતી નથી, જેના કારણે હજુ ભેદભાવ થઈ રહયો છે."

અમદાવાદની આયેશાને પોતાના શહેરમાં કોઈ કામ નહીં મળતાં તેઓ જાન્યુઆરી 2020માં બેંગલુરુ જતાં રહ્યાં અને હવે એક પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરી રહ્યાં છે.

તેઓ જણાવે છે કે અમદવાદની સાથે વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ નોકરી મેળવવા માટે બહુ પ્રયત્નો કર્યા, પરંતુ બધી જગ્યાએ નિષ્ફળતા જ હાથ લાગી.

તેઓ આ વિશે વધુ જણાવે છે કે, "ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિને જ્યારે ખબર પડતી કે હું ટ્રાન્સજેન્ડર છું તો તેઓ તરત કોઈ પણ કારણ આગળ ધરીને, ઇન્ટરવ્યૂ ટુંકાવી દેતા હતા."

"મારી ડિગ્રી અને બીજી લાયકાતોને ધ્યાને લેવામાં આવતી નહોતી."

તેઓ કિસ્સો યાદ કરતાં કહે છે, "એકવાર મેં બધી ટેસ્ટ પાસ કરી અને ઇન્ટરવ્યૂ વખતે જ્યારે તેમને ખબર પડી કે હું ટ્રાન્સજેન્ડર છું તો મને કહેવામાં આવ્યું કે તમારે બીજી ટેસ્ટ આપવી પડશે. જોકે, એ ટેસ્ટ આપ્યા વગર હું પાછી આવી ગઈ."

"આ અનુભવો બાદ મેં બીજી જગ્યાએ નોકરી શોધવાનું શરૂ કર્યું અને હવે હું બેંગલુરુની એક કંપનીમાં જોડાઈ ગઈ છું."

આયેશા જેવી જ કહાણી ગૌરવની છે, જે હવે સુરત છોડીને મુંબઈમાં રહે છે.

મૉડલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગૌરવ તેમના પાર્ટનર સાથે રહે છે, જેઓ પણ એક મૉડલ છે.

ગૌરવ કહે છે, "સુરતમાં મારી કારકિર્દી સારી ચાલી રહી હતી, પણ પછી મારી સમલૈંગિકતા વિશે ખબર પડતાં કામ મળવાનું ઓછું થઈ ગયું. અમુક મહિના બાદ મને કામ મળવાનું સાવ બંધ થઈ ગયું.”

“છ મહિના સુધી પ્રયત્નો કર્યા બાદ કામ ન મળતાં હું માર્ચ 2020માં મુંબઈ આવી ગયો. હવે હું મોટા ફૅશન ડિઝાઇનરો જોડે કામ કરી રહ્યો છું."

"મુંબઇમાં બીજાં ક્ષેત્રોમાં પણ LGBT સમુદાયના લોકો કામ કરી રહ્યા છે. અહીં નોકરી મેળવવામાં એવી તકલીફ નથી પડતી."

‘આરક્ષણમળવુંજોઈએ

સમલૈંગિક સંબધોને માન્યતા મળી ગયા બાદ હવે LGBT સમુદાયને લાગે છે કે તેમણે શિક્ષણ અને નોકરીમાં આરક્ષણ મળવું જોઈએ.

LGBT કર્મશીલો મુજબ સમુદાયને કાયદકીય રક્ષણ મળ્યું છે, પરંતુ ભેદભાવ હજુ થાય છે.

દિલ્હીમાં રહેતા મૂળ સુરતી સિલ્વેસ્ટર કહે છે, "હાલ એવો કોઈ કાયદો અસ્તિત્વમાં નથી જે આ સમુદાયને ભેદભાવ સામે રક્ષણ આપે શકે. સમાન તકો માટે હજી લડાઈ ચાલી રહી છે. અમને સમાન તકો મળે એ માટેના કાયદાઓ ઘડવા જોઈએ."

"જો કાયદો અસ્તિત્વમાં હશે તો અમે પોતાનો હક માગી શકીશું અને ભેદભાવ સામે અવાજ પણ ઉઠાવી શકીશું."

હુસૈન જણાવે છે કે રાજ્ય સરકાર સમુદાય માટે આરક્ષણની જાહેરાત કરે તે સમય પાકી ગયો છે. એવા ઘણા વિભાગો છે, જ્યાં આરક્ષણ આપી શકાય છે.

તેમનું કહેવું છે કે LGBT સમુદાય સામાજિક અને આર્થિક રીતે મજબૂત થઈ શકે એ માટે થોડાં વર્ષો સુધી આરક્ષણ આપવું જોઈએ.

ગુજરાતમાં LGBT કૉમ્યુનિટીની સામાજિક અને આર્થિક સ્થિતિ પર રિસર્ચ માટેની તૈયારી કરતાં રિયાઝ જણાાવે છે કે, “કૉમ્યુનિટીના લોકોને શિક્ષણ અને રોજગાર મળી રહે એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા નથી અને એટલે જરૂરી છે કે તેમને મદદ મળી રહે અને એ માટે આરક્ષણ એક ઉપાય હોઈ શકે.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો