કૃષિકાયદા રદ : ‘600 ખેડૂતોના જીવ લેનારો નિર્ણય ‘માસ્ટરસ્ટ્રોક’ કઈ રીતે હોઈ શકે?’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વિવાદિત કૃષિકાયદા પરત ખેંચીને તેને રદ કરવાની જાહેરાત કરતાં જ તેમના આ નિર્ણય પર સોશિયલ મીડિયા પર લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર મોદી સરકારના આ નિર્ણય પર ભારે ચર્ચા થઈ રહી છે. તેમાં ટ્વિટર પર યૂઝર્સ અને સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ પણ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આજે રાજકીય નેતાઓ, બોલીવૂડ સેલિબ્રિટીઝ અને સામાન્ય યૂઝર્સ સહિતના લોકો કૃષિકાયદા મામલે વડા પ્રધાન મોદીના નિર્ણય પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કેટલાક યૂઝર્સનું કહેવું છે કે આ નિર્ણય પહેલાં જ લઈ લેવો જોઈતો હતો.

સોશિયલ મીડિયા પર ચર્ચા જામી છે કે મોદી સરકારનો આ નિર્ણય માસ્ટરસ્ટ્રોક છે કે યૂ ટર્ન.

સાથે જ મોદી સરકારના ટાઇમિંગની પણ ચર્ચા થઈ રહી છે. દસ દિવસ પછી સંસદનું શીતકાલીન સત્ર શરૂ થવાનું છે. 26 નવેમ્બરના દિવસે ખેડૂત આંદોલનને એક વર્ષનો સમય પૂરો થઈ રહ્યો છે અને ખેડૂતોએ આંદોલન તેજ કરવાની જાહેરાત કરી હતી.

પાંચ રાજ્યોમાં આવતા વર્ષે ચૂંટણી પણ છે જેમાં ઉત્તર પ્રદેશ સૌથી મોટું રાજ્ય છે. જ્યાં એક દિવસ પહેલાં જ અમિત શાહને ઉત્તર પ્રદેશની કમાન પણ સોંપવામાં આવી છે.

પરંતુ ગુર નાનકદેવના પ્રકાશ પર્વના દિવસે વડા પ્રધાન મોદીએ આ જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.

સોશિયલ મીડિયા પર માસ્ટર સ્ટ્રોક ટ્રૅન્ડ થઈ રહ્યું છે જેમાં લોકો મોદીના પગલાને માસ્ટરસ્ટ્રોક ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો અનેક કારણ આપીને દલીલ કરી રહ્યા કે આ માસ્ટસ્ટ્રોક કેવી રીતે હોઈ શકે.

“કયો માસ્ટરસ્ટ્રોક મોટો છે?”

ચિરનજીત ઓઝા નામના યૂઝરે ટ્વીટ કરી લખ્યું, “તેમણે ખુદે જ ઊભી કરેલી સમસ્યાનું તેમણે જ ઉકેલ લાવ્યો. જેમ પેટ્રોલના ભાવમાં 10 રૂપિયા ઘડાટી, ત્રણ ગણો સેસ લગાવી દીધો, એવું જ આ સમાધાન હતું.”

“વળી પહેલા ખેડૂતોનો દેશવિરોધી કહેવામાં આવ્યા કેમ કે તેઓ કાયદા રદ કરાવવા માગતા હતા. તો શું હવે સરકારે કાયદા પરત લીધા, તો સરકાર દેશવિરોધી છે?”

વળી ટ્વિટર પર #MasterStroke ટ્રૅન્ડ થવા લાગ્યું હતું. જેમાં સોશિયલ મીડિયા યુઝર્સ હૅશટૅગ સાથે કેટલાક રમૂજી મીમ્સ પણ મૂકી રહ્યા હતા.

પંજાબ-યુપીની આગામી ચૂંટણીઓ મામલે પણ સોશિયલ મીડિયા પર આ નિર્ણય પર કટાક્ષ કરવામાં આવ્યા.

એક યૂઝરે દક્ષિણના સ્ટાર સૂર્યાની ફિલ્મ ‘જય ભીમ’ના એક દૃશ્ય સાથે આ જીતને સરખાવી હતી.

એક એ.જે. નામના અન્ય યૂઝરે સવાલ પૂછતા લખ્યું, “કયો માસ્ટરસ્ટ્રોક મોટો છે? કૃષિકાયદા લાગુ કરવાનો કે પથી 600 ખેડૂત શહીદ થયા પછી તેને પરત લેવાનો?”

વળી એક યૂઝરે લખ્યું, “તમને કાયદા લાગુ કરવા મત આપ્યા હતા, રદ કરવા માટે નહીં.”

દરમિયાન કનિમોઝી નામનાં ટ્વિટર યૂઝરે લખ્યું, “સીએએ બાજૂ પર મૂક્યું, જમીન સંપાદન અને કૃષિકાયદા રદ કરવાના છે. કડક એસસીએસટી કાયદા ફરી લાગુ કર્યો. જો તમે આ લોકોને એમ કહેશો કે 370નો નિર્ણય બદલવાથી ચૂંટણી જીતી શકાશે, તો તેઓ એ પણ કરશે. હવે ભાજપ આ નિર્ણયને માસ્ટરસ્ટ્રોક ગણાવશે. હવે આગળ શું? કલમ 370?”

જયપુર ડાયલૉગ્સ નામના હૅન્ડલ પરથી ટ્વિટ કરી લખવામાં આવ્યું, “મોદીજીનો માસ્ટરસ્ટ્રોક. એક વર્ષ પછી ખાલિસ્તાની અને ડાબેરીઓ સામે સરકાર ઝૂકી ગઈ. આ વિચિત્ર છે.”

શ્રેયંક પેર્લા નામના ટ્વિટર યૂઝરે લખ્યું, “નબળી સરકારના લીધે ભારતમાં સુધારા નથી થઈ શકતા. તેમને માત્ર ચૂંટણીઓ વિશે જ ચિંતા હોય છે. જનતાની ચિંતા નથી હોતી.આવી રીતે તો દેશનો સાચો વિકાસ નહીં થઈ શકશે.”

મોદી સરકારને ચૂંટણી હારવાો ડર?

વિવિધ અહેવાલો અનુસાર છેલ્લા એક વર્ષમાં ખેડૂત આંદોલનમાં 700 ખેડૂતોનાં મૃત્યુ થયાં હોવાનું બહાર આવ્યું હતું.

આમ વિરોધપ્રદર્શનો સંબંધિત ખેડૂતોનાં મૃત્યુ પર પણ સવાલ અને નારાજગી વ્યક્ત કરાઈ છે.

એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું, “સીએએમાં કોઈની નાગરિકતા નહોતી ગઈ. કૃષિકાયદામાં કોઈની જમીન નહીં ગઈ. ત્રિપુરા રમખાણોમાં કોઈ નહીં મર્યું પણ આ ત્રણેય વિરોધ પ્રદર્શનોમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. વિરોધની આ કિંમત છે.”

લેખક ચેતન ભગતે ટ્વીટ કર્યું, “સરકારે વાત સાંભળીને નિર્ણય લીધો છે. હજુ પણ કહીશ કે કાયદા સારા માટે જ હતા. સરકારે કાયદા લાવીને અને પરત લઈને બંને રીતે કોશિશ હકારાત્મક જ કરી છે. સુધારા સરળ નથી હોતા.”

જેના જવાબમાં પત્રકાર રોહિણી સિંહે જવાબ આપતું ટ્વીટ કરી લખ્યું, “તેમને (ખેડૂતોને) ખાલિસ્તાની, આતંકી કહેવામાં આવ્યા, ન્યૂઝ ચૅનલોએ તેમના અપમાન કર્યાં, લાઠીચાર્જ થયા, પાણીનો મારો ચલાવાયો, 600 ખેડૂતોએ પ્રદર્શનોમાં જીવ ગુમાવવા પડ્યા. શું આને યોગ્ય પ્રત્યુત્તર આપ્યો કહેવાય? આ માત્ર ચૂંટણી હારવાનો ડર છે.”

રસપ્રદ વાત એ છે કે ભાજપના જ નેતા સુબ્રમણ્યન સ્વામીએ મોદી પર શાબ્દિક પ્રહાર કરતું ટ્વીટ કર્યું.

તેમણે લખ્યું, “શું હવે મોદી સ્વીકારશે કે ચીને આપણી જગ્યા પચાવી પાડી છે? શું તેમની સરકાર તેને પરત મેળવવા કંઈક કરશે?”

બોલીવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ લખ્યું, “ખેડૂતોની લડાઈથી શીખવું જોઈએ. ખરેખર તેઓ જીતી ગયા.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો