You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત સરકારે કહ્યું ‘ધન્યવાદ મોદીજી’, ખર્ચ થયો બે કરોડ રૂપિયા
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
હાલ ગુજરાત વિધાનસભાના સત્રમાં વિપક્ષના પ્રશ્નોના જવાબમાં શાળાઓમાં ઓરડાઓ અને શિક્ષકોની ઘટ સહિતની અનેક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. વિધાનસભામાં કોરોના મહામારીને લગતી કામગીરીના સવાલમાં ગુજરાત સરકારે એમ પણ કહ્યું કે રાજ્યમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ ઓકિસજનની ઘટને કારણે થયું નથી. આવી જ એક ચોંકાવનારી માહિતી માહિતી અધિકારના કાયદા અંતર્ગત બીબીસી ગુજરાતીના પ્રતિનિધિએ કરેલી અરજીમાં મળી છે જેમાં જાણવા મળ્યું છે કે વિજય રૂપાણી સરકારે વડા પ્રધાનનો આભાર માનવામાં બે કરોડ કરતાં વધારે રૂપિયાનો ખર્ચ કર્યો.
માહિતી અધિકાર હેઠળ કરવામાં આવેલી બીબીસી ગુજરાતીના પ્રતિનિધિની અરજીમાં ગુજરાતના માહિતી વિભાગે એવો સ્વીકાર કર્યો છે કે ગુજરાત સરકારે 21 જૂન 2021થી લઈને 8 ફેબ્રુઆરી 2022 દરમિયાન "બધાને વૅક્સિન, મફત વૅક્સિન, ધન્યવાદ મોદીજી"ની જાહેરાતો પાછળ સરકારી તિજોરીમાંથી 2,10,26,410 (બે કરોડ દસ લાખ છવ્વીસ હજાર ચારસો દસ) રૂપિયાનો ખર્ચ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે જે સમયમાં આ ખર્ચ કરવામાં આવ્યો તે સમયે ગુજરાતમાં વિજય રૂપાણી મુખ્ય મંત્રીપદે હતા અને માહિતી પ્રસારણ વિભાગ પણ તેમની હેઠળ જ આવતો હતો.
ગુજરાતના મહિતી ખાતાએ કોરોના વૅક્સિન બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ આપતી જાહેરખબર મામલે જે ખર્ચનો સ્વીકાર કર્યો તે જ સબબની અરજી કેન્દ્ર સરકારના બ્યૂરો ઑફ આઉટરીચને પણ કરવામાં આવી હતી. બ્યૂરો ઑફ આઉટરીચ ભારત સરકારની એ સંસ્થા છે જે સરકારી વિજ્ઞાપન મામલે તમામ કામગીરી કરતી હોય છે.
બ્યૂરો ઑફ આઉટરીચે માહિતી આપી હતી કે દેશભરમાં 21 જૂન 2021થી લઈને 20 ડિસેમ્બર 2021 દરમિયાન આ જાહેરાતો માટે 16 કરોડ રૂપિયા કરતાં વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે, બ્યૂરોએ આ અંગે જારી કરાયેલ જાહેરાતના સંદેશની મંજૂર થયેલ સ્ક્રિપ્ટની નકલ એમ કહીને ન આપી કે તે તમામ જાહેરાતો જાહેર માધ્યમોમાં ઉપલબ્ધ છે. આ અંગેની જાહેરાતોની કેટલીક તસવીરો નીચે જોઈ શકાય છે.
આ જવાબોની કૉપી બીબીસી પાસે ઉપલબ્ધ છે.
આ વિજ્ઞાપનોમાં વિવિધ માધ્યમો થકી કોરોના સામે ઝઝૂમવા માટે ફ્રી વૅક્સિનેશન પૂરું પાડવા માટે વડા પ્રધાનને ધન્યવાદ પાઠવવામાં આવ્યા હતા.
આ સંદેશ સાથેનાં પોસ્ટરો અને રેડિયો વિજ્ઞાપનો તો તમે જોયાં સાંભળ્યાં હશે.
આ વિજ્ઞાપનનો સંદેશ કંઈક આવો હતો.
'બધાને વૅક્સિન, મફતમાં વૅક્સિન. વિશ્વનું સૌથી મોટું મફત રસીકરણ અભિયાન.'
સાથે જ 'ધન્યવાદ મોદીજી' ખાસ લખવા-બોલવામાં આવતું.
જાહેરાતના હોર્ડિંગમાં આ શબ્દોની નીચે નાના ફોન્ટમાં લખવામાં આવ્યું ''અત્યાર સુધી 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે મફત રસી ઉપલબ્ધ હતી. હવે 21 જૂનથી સરકારી કેન્દ્રોમાં 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો માટે રસી ઉપલબ્ધ છે.''
આની નીચે એક લાઇનમાં ''રજિસ્ટર કરવા માટે કોવિન ઍપ પર જાવ અને નજીકના રસીકરણ કેન્દ્રની માહિતી મેળવો'' એમ લખવામાં આવ્યું.
સંદેશ સ્પષ્ટ છે, બધાને મફતમાં વૅક્સિન આપવા માટે PM મોદીનો ધન્યવાદ.
જોકે 'ધન્યવાદ મોદીજી' જાહેરાત સામે એ સવાલ અનેક લોકોએ કર્યો કે ભારતના સામાન્ય નાગરિકને ભારતના જ કરદાતાઓના પૈસે અપાઈ રહેલી, કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી વૅક્સિન મફતમાં પૂરી પાડવાની વડા પ્રધાનની બંધારણીય જવાબદારી છે. તો એના માટે તેમને ધન્યવાદ શા માટે?
ભારતીયોના જ પૈસે ભારતીયોને વૅક્સિન આપવા માટે 'મોદીજીને ધન્યવાદ' આપવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે વિવિધ માધ્યમો થકી અનુક્રમે 16.08 કરોડ રૂપિયા અને 1.72 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતે 21 ઑક્ટોબર 2021ના રોજ 100 કરોડ રસીકરણનો આંકડો આંબી લીધો હતો. જેની મોટા પાયે તમામ સરકારી અને ખાનગી માધ્યમોમાં ઉજવણી કરાઈ હતી.
નોંધનીય છે કે વડા પ્રધાન મોદીએ 21 જૂન, 2021થી ભારતના 18 વર્ષથી વધુ વયના તમામ નાગરિકો માટે કોરોનાની વૅક્સિન મફતમાં પૂરી પાડવાની જાહેરાત કરી હતી.
આ પહેલાં થોડા સમય માટે રાજ્યોને તેમના રહેવાસીઓ માટે વૅક્સિન મેળવવાની છૂટ અપાઈ હતી. જે બાદમાં રદ કરી દેવામાં આવી હતી.
આ વિજ્ઞાપન અંગે વધુ વિગતવાર સમજ મેળવવા અને તેનો હેતુ સવિસ્તાર સમજવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતોનો સંપર્ક કર્યો હતો.
જે પૈકી મોટા ભાગના એ આ જાહેરાતને વડા પ્રધાન મોદીનાં ગુણગાન કરવા માટેના પ્રયત્નો ગણાવ્યા હતા. જ્યારે સામા પક્ષે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ ભારતના રસીકરણની ઝડપ પર ધ્યાન કેન્દ્રીત કરી અને આવી માહિતીઓ પર વધુ ભાર ન મૂકવાની સલાહ આપી હતી.
તેમજ ગુજરાત ભાજપના પ્રવક્તાએ તો 'ધન્યવાદ આપવો જ જોઈએ' તેવું કહીને તે અંગે થયેલા ખર્ચ અંગે બોલવા ઇનકાર કર્યો હતો.
આ સમગ્ર મામલા અંગે નિષ્ણાતો અને પક્ષકારોના અભિપ્રાય જાણીએ પહેલાં બીબીસી ગુજરાતીને મળેલ માહિતી અધિકારની અરજીના બ્યૂરોના જવાબને વિસ્તારપૂર્વક જાણી લઈએ.
મફત કોરોના રસીકરણ અને બ્યૂરોનો જવાબ
ગુજરાત સરકારના માહિતી વિભાગમાં કરવામાં આવેલી માહિતી અધિકારની અરજીના જવાબમાં જાણવા મળ્યું હતું કે, ગુજરાત સરકારે 'મફત વૅક્સિનેશન આપવા માટે મોદીજીને ધન્યવાદ' પાઠવવા માટે હૉર્ડિંગ્સ, રેલવે પ્લૅટફૉર્મ બોર્ડ, HPCL & IOCL ગૅસ બિલ, ટીવી માધ્યમો અને રેડિયો માધ્યમો થકી કુલ 2,10,26,410 રૂપિયાનો ખર્ચ કર્યો છે.
ગુજરાત સરકારના જવાબ અગાઉ બીબીસી ગુજરાતી દ્વારા કરાયેલ પ્રથમ RTI અરજીમાં BOCને પૂછવામાં આવ્યું હતું કે, "BOC દ્વારા ધન્યવાદ મોદીજી શિર્ષક હેઠળ કોઈ કૅમ્પેન હાથ ધરાયું છે કે કેમ? આ સવાલના જવાબમાં BOCએ એમ જણાવ્યું કે "આવા કોઈ શિર્ષક હેઠળ કૅમ્પેન હાથ ધરવામાં આવ્યું નથી જોકે, વિવિધ માધ્યમો દ્વારા કોરોના સામે બાથ ભીડવા બધા માટે મફત વૅક્સિનની ઉપલબ્ધતા જણાવવા માટે જાગૃતિઅભિયાન ચલાવાયું છે. જે માટે 21 જૂનથી 21 જુલાઈ સુધી 15.63 કરોડ રૂ. કરતાં વધુ ખર્ચ કરાયો છે."
આ અંગે વધુ સ્પષ્ટતા મેળવવા માટે અમે બીજી RTI કરી જેમાં પૂછવામાં આવ્યું હતું કે ભારત સરકારે સામાન્ય લોકોને કોરોના વાઇરસ સામે બાથ ભીડવા માટે મફત રસીની ઉપલબ્ધતા વિશે માહિતગાર કરવા માટે જુદાં જુદાં માધ્યમો થકી 21 જૂનથી 21 ઑક્ટોબર સુધી કેટલો ખર્ચ કર્યો હતો?
જેના જવાબમાં બ્યૂરોએ જણાવ્યું હતું કે, બ્યૂરોએ 21 જૂનથી માંડીને 26 જુલાઈ સુધી કોરોના વાઇરસ સામે બાથ ભીડવા માટે બધા માટે મફત રસીની ઉપલબ્ધતાનો સંદેશાને લોકો સુધી વિવિધ માધ્યમો સુધી પહોંચાડવા માટે 16,08,54,382 રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
જે પૈકી ન્યૂઝ પેપર થકી આ સંદેશ પહોંચાડવા માટે 1,49,19,614 રૂપિયા, રેડિયો વિજ્ઞાપન માટે 6,59,97,015 રૂપિયા અને આઉટડોર વિજ્ઞાપનો માટે 7,99,37,753 રૂપિયાનો ખર્ચ કરાયો હતો.
તેમજ બ્યૂરો દ્વારા જારી કરાયેલ વિજ્ઞાપનના મંજૂર થયેલા મૅસેજ અને તેની સ્ક્રિપ્ટની માગણીના જવાબમાં બ્યૂરોએ જણાવ્યું હતું કે તે અગાઉથી પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ છે.
તેથી બીબીસી ગુજરાતીએ વિવિધ સરકારી વેબસાઇટો, વિભાગો - મંત્રીઓના સોશિયલ મીડિયા હૅન્ડલ તપાસ્યાં.
પબ્લિક ડૉમેઇનમાં 'થેંક્યુ મોદીજી'
આ સરકારી વેબસાઇટ અને ટ્વિટર હૅન્ડલમાં પ્રેસ ઇન્ફૉર્મેશન બ્યૂરોની વેબસાઇટ, ડિપાર્ટમેન્ટ ઑફ કન્ઝ્યૂમર અફેર્સની વેબસાઇટ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ઑફિશિયલ ટ્વિટર હૅન્ડલ, BOC અંતર્ગત આવતાં ભાગલપુર ફિલ્ડ આઉટરીચ બ્યૂરોના ટ્વિટર હૅન્ડલ, ઇન્ડિયન બ્યૂરો ઑફ માઇન્સ, રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર, રાંચી PIB અને કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની વેબસાઇટ પર પણ આવી જ 'મફત રસીકરણ માટે વડા પ્રધાન મોદીને ધન્યવાદ કરતી' જાહેરાતો અને તેની તસવીરો શૅર કરાઈ હતી.
નોંધનીય છે કે આ તમામ જાહેરાતો પર 'અશોકસ્તંભ' જે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે, તે જોવા મળી રહ્યું છે. જે પ્રમાણિત કરે છે કે આ જાહેરાતો ભારત સરકાર દ્વારા જ જારી કરવામાં આવી છે.
ધ સ્ટેટ એમ્બલેમ ઑફ ઇન્ડિયા (પ્રોહિબિશન ઑફ ઇમ્પ્રોપર યુઝ) ઍક્ટ, 2005 અંતર્ગત રાષ્ટ્રીય ચિહ્નનો કે તેની આકૃતિનો કોઈ પણ વ્યક્તિ દ્વારા કેન્દ્ર સરકારની પૂર્વમંજૂરી વગર ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.
ધારવાડ બેઠક પરથી ભાજપના સાંસદ અને સંસદીય બાબતો, કોલસા અને ખાણ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પણ 29 જૂન, 2021ના રોજ વડા પ્રધાનને ધન્યવાદ પાઠવતું પોસ્ટર પોતાના ટ્વિટર એકાઉન્ટથી શૅર કર્યું હતું.
આ સિવાય યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા પણ પોતાના તાબા હેઠળની તમામ યુનિવર્સિટીઓને કોરોના સામે બાથ ભીડવા માટે મફત વૅક્સિનેશન પૂરું પાડવા ધન્યવાદ પાઠવતાં પોસ્ટર લગાવવા આદેશ જારી કરાયા હતા. જે બાદ વિવાદ થયો હતો. પરંતુ દેશભરમાં ઘણી સંસ્થાઓએ આ પ્રકારની જાહેરાતો પોતાનાં શૈક્ષણિક સંકુલોમાં લગાવી હતી.
ગુજરાતમાં તથા દેશમાં અનેક સ્થળોએ આવાં હોર્ડિંગ જોવા મળ્યા હતા.
ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદીયાએ પણ કેન્દ્ર સરકાર દ્વારા બધાને મફત વૅક્સિન પૂરી પાડવા બદલ વડા પ્રધાનને ધન્યવાદ પાઠવતી જાહેરાતો માધ્યમોમાં આપવા માટે રાજ્યના ઑફિસરો પર દબાણ કરાઈ રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.
નોંધનીય છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જારી કરાયેલા આદેશની વ્યાપક ટીકા થઈ હતી. તેમજ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ 'મોદીનો આભાર કેમ?' એવી પ્રતિકાર ઝુંબેશ ચલાવી હતી. શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ UGCના આ નિર્ણય આ આદેશની ટીકા કરી હતી.
આ સિવાય જુદા જુદા પ્રદેશના ભાજપના નેતાઓ પણ આવા જ મૅસેજ સાથેનાં પોસ્ટરો પોતાના વિસ્તારોમાં લગાવડાવી 'મફત વૅક્સિનેશન માટે મોદીને ધન્યવાદ પાઠવ્યા હતા.'
વૅક્સિનની જાગૃતિ કે લોકોમાં વાહવાહી?
કોરોનાની બીજી લહેરમાં સરકારની છબિ સુધારવા માટે આ પ્રકારની જાહેરાતો કરાઈ હતી?
આ પ્રશ્નના જવાબમાં બિઝનેસ સ્ટાન્ડર્ડના પૉલિટિકલ એડિટર સિદ્ધાર્થ કલહંસ જણાવે છે કે, "હા, બિલકુલ બીજી લહેર બાદ સરકારની ખરડાયેલી છબિ સુધારવાની વ્યૂહરચનાના ભાગરૂપે આ કૅમ્પેન શરૂ કરાયું."
તેઓ કહે છે "મારા મતે આ જાહેરાતોનો હેતુ માત્ર વૅક્સિનેશન અંગે જાગૃતિ ફેલાવવાનો નહોતો, પરંતુ લોકોની વચ્ચે સરકાર અને મોદીની વાહવાહી કરવાનો હતો. જેથી લોકો વચ્ચે એ પ્રકારનો સંદેશ જાય કે આ રસીની જોગવાઈ મોદીએ અંગતપણે કરી છે."
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ નિવાસી તંત્રી કિંગશુક નાગ પણ માને છે કે, "વિજ્ઞાપનના મૅસેજમાં વડા પ્રધાન મોદીને ધન્યવાદ આપવાની વાત યોગ્ય લાગતી નથી. તે સરકાર તરફથી તેમની છબિ સુધારવા માટેનો પ્રયાસ લાગે છે. પરંતુ આવું આ સરકાર ઘણાં વર્ષોથી કરતી આવી છે. તેમ છતાં જનતાના પૈસે જનતાને વૅક્સિન આપવા માટે વડા પ્રધાનને શેનો ધન્યવાદ એ પ્રશ્ન તો મનમાં ઊઠે જ છે."
હિંદુસ્તાન ટાઇમ્સના પૉલિટિકલ એડિટર વિનોદ શર્મા આ વિજ્ઞાપનોના મૅસેજ સામે તેઓ વાંધો વ્યક્ત કરે છે અને કહે છે કે, "આ વિજ્ઞાપનોમાં લોકોને જણાવવાનો પ્રયત્ન કરાયો છે કે તમને મફત વૅક્સિન અપાઈ રહી છે. સરકારી પૈસા પર ભારતના દરેક નાગરિકનો હક છે. તેથી લોકોને જણાવવું કે તમને મળી રહેલ વૅક્સિન મફત છે તે ખોટું છે. આ જનતાના પૈસે જ ખરીદાયેલી વૅક્સિન છે."
જોકે, તેઓ વિજ્ઞાપનમાં PM મોદીને ધન્યવાદ પાઠવવા અંગે વાંધો વ્યક્ત કરતા નથી.
ભાજપ શું કહે છે?
નવેમ્બર 2021માં બ્યૂરો ઑફ આઉટરીચની માહિતી અંગે બીબીસી ગુજરાતીએ સમાચાર પ્રકાશિત કર્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ આપતી જાહેરાત બાબતે ભાજપનો મત જાણવા પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા નલીન કોહલીનો સંપર્ક સાધ્યો હતો.
એ સમયે તેમણે જણાવ્યું હતું કે, "ભારતમાં દરરોજ એક કરોડ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી અપાઈ રહી છે. જેના પરિણામે અત્યાર સુધીમાં સો કરોડ કરતાં વધુ લોકોને રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે."
સાથે જ તેઓ મોદી સરકારના આ ખર્ચ અંગેના આ અહેવાલ સંદર્ભે કહે છે કે, "PM મોદી અને મોદી સરકારની કામગીરીને બિરદાવવાને બદલે ગમે તે મુદ્દે તેમને હતોત્સાહિત કરવાનું વલણ મીડિયામાં જોવા મળી રહ્યું છે."
આ સિવાય ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે આ અંગેના પ્રશ્નોના જવાબમાં કહ્યું હતું કે, "મોદીજીને ધન્યવાદ પાઠવવો જ જોઈએ." જ્યારે તેમને પુછાયું કે આવી જાહેરાત માટે જાહેર નાણાંના ખર્ચ અંગે શું કહેવા માગશો? તો તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે "આ અંગે હું કંઈ કહેવા માગીશ નહીં."
આ અંગે સ્પષ્ટતા માટે બીબીસી ગુજરાતીએ ઇન્ફર્મેશન ઍન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલયને ઈ-મેઇલ કર્યા હતા, જોકે તેમના તરફથી પ્રત્યુત્તર હજી સુધી મળ્યો નથી."
'થેંકયુ મોદીજી'ની જાહેરાત અને કાયદાકીય પાસું
કોરોનાની ફ્રી વૅક્સિન માટે PM મોદીને ધન્યવાદ પાઠવતી જાહેરાતનું કાયદાકીય પાસું સમજાવતાં નેશનલ લૉ યુનિવર્સિટી ઑફ ઓડિશાનાં આસિસ્ટન્ટ પ્રોફેસર નંદિતા બત્રાએ જણાવ્યું હતું કે :
"વૅક્સિન માટે PM મોદીને ધન્યવાદ પાઠવતી જાહેરાત એ ગેરકાયદે છે અને સુપ્રીમ કોર્ટના કૉમન કૉઝ વિરુદ્ધ ભારતીય સંઘ મામલામાં અપાયેલા ચુકાદાની વિરુદ્ધ છે."
તેઓ જણાવે છે કે, "રસીકરણ અંગે જાગૃતિ ફેલાવવા માટે તેની જાહેરાત કરવી જરૂરી છે. પરંતુ આ જાહેરાત રાજકીય પક્ષની વ્યક્તિની સ્તુતિ કરે છે અને તેમનું મહિમામંડન કરે છે. આ જાહેરાતનો મુખ્ય હેતુ લોકોને તેમના હકો વિશે જણાવવાનો નથી લાગતો."
બત્રા આગળ જણાવે છે કે, "આ વિજ્ઞાપન લોકોનાં મનમાં એવી છાપ ઊભી કરે છે કે PM જાતે આ રસી લોકોને પૂરી પાડી રહ્યા છે. ભારત સરકાર નહીં."
"તેમજ આ રસી પૂરી પાડીને PM અને સરકાર માત્ર બંધારણ દ્વારા નાગરિકોને અનુચ્છેદ 21 અંતર્ગત અપાયેલ જીવન જીવવાનો અધિકાર જેમાં સ્વાસ્થ્યનો અધિકાર સામેલ છે તે પૂરો પાડી રહ્યાં છે. તેથી તમે કોઈ દાન-ધર્માદો નથી કરી રહ્યા જે માટે તમે તમારી જાતને જ ધન્યવાદ કરો. તમે એ કરી રહ્યા છો જે કરવા માટે તમે બંધારણ મુજબ બંધાયેલા છો."
સરકારી જાહેરાત મામલે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન શું છે?
ભારતની સુપ્રીમ કોર્ટમાં કૉમન કૉઝ અને સેન્ટર ફૉર પબ્લિક દ્વારા કરાયેલ રિટ અરજીમાં જાહેર નાણાંનો સરકાર દ્વારા સરકારી યોજનાઓનાં વિજ્ઞાપનો અને પ્રસિદ્ધિ માટે વિવેકપૂર્ણ અને વાજબીપણે ઉપયોગ કરવા માટે નિર્દેશ આપવા અને તેના યોગ્ય નિયમન માટે માર્ગદર્શિકા ઘડવાની માગણી કરાઈ હતી. કોર્ટે આ માટે એક સમિતિ નીમી.
આ સમિતિએ ઘડેલી ગાઇડલાઇનમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, સરકારી વિજ્ઞાપનોમાં રાજકીય તટસ્થતા જળવાવી જોઈએ. તેમજ વિજ્ઞાપનોમાં કોઈ પણ રાજકારણીનું મહિમાગાન ટાળવાનું જણાવાયું છે.
તેમજ સત્તામાં હોય તે પક્ષની હકારાત્મક છબિ રજૂ કરવાનો અને તેમનો વિરોધ કરતા પક્ષની નકારાત્મક છબિ રજૂ કરવા માટેની જાહેરાતો માટે સરકારી નાણાંનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવાઈ છે.
આ સિવાય રાજ્ય અને કેન્દ્રની સરકારો દ્વારા પોતાના શાસનનાં અમુક દિવસો કે વર્ષો પૂરાં થવાના પ્રસંગે પોતાની સિદ્ધિઓને લગતાં વિજ્ઞાપનો જારી કરવામાં આવે છે. જોકે, કોર્ટ દ્વારા જારી કરાયેલી ગાઇડલાઇન અનુસાર આવાં વિજ્ઞાપનોનો હેતુ પ્રસિદ્ધિ નહીં પરંતુ જાહેર જનતાને સરકારનાં કામોનાં પરિણામો જણાવવા પૂરતો હોવો જોઈએ.
આ અરજીઓના નિકાલ માટેના હુકમમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે સરકારી જાહેરાતો અને પ્રસિદ્ધિનો હેતુ સરકારની યોજનાઓ અને તેની નીતિઓ અંગે લોકોને માહિતગાર કરવાનો હોવો જોઈએ.
આમ, લોકોને માહિતગાર કરવાના હેતુની સ્વીકાર્યતા અને રાજકારણીના મહિમાગાનની અસ્વીકાર્યતા પર આ ગાઇડલાઇનમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
જોકે, આ માર્ગદર્શિકાનું કેટલી હદે પાલન કરવામાં આવે છે તે એક ચર્ચાનો વિષય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો