સિંધુ બૉર્ડરથી ખેડૂતો ખસવા નથી તૈયાર, ઉત્તર પ્રદેશથી પણ ખેડૂતો દિલ્હી પહોંચ્યા

દિલ્હી ખાતે સિંધુ બૉર્ડર પર વિરોધ કરી રહેલા પંજાબના ખેડૂતોના સમર્થનમાં ઉત્તર પ્રદેશના ખેડૂતોના કેટલાક જૂથ પોતાનાં વાહનો સાથે ગાઝીપુર બૉર્ડર પર એકઠા થઈ ગયા હતા.

ઉત્તર પ્રદેશના આ ખેડૂતો કેન્દ્ર સરકારના નવા કૃષિ કાનૂનો વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા પંજાબના ખેડૂતોને સમર્થન આપી રહ્યા છે.

દિલ્હીના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે પંજાબનાં ખેડૂતો સંગઠનોની 'દિલ્હી ચલો' કૂચના આહ્વાન પર અંદાજે 200 ખેડૂત ગાઝીપુર બૉર્ડર પર આવ્યા છે અને પોલીસ અધિકારીઓ એમની સાથએ વાતચીત કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે પ્રદર્શનકારી ખેડૂતોએ તેમનાં વાહન નિર્ધારિત જગ્યાએ પાર્ક કરી દીધા છે, જેથી સામાન્ય લોકોને કોઈ પરેશાની ન થાય અને ટ્રાફિક યોગ્ય રીતે ચાલતો રહે.

પોલીસ ઉપાયુક્ત (પૂર્વ) જસમીત સિંહે કહ્યું, "ખેડૂતો માગ કરી રહ્યા છે કે તેઓ દિલ્હી તરફ આગળ જવા માગે છે પણ અમે એમની સાથે વાત કરી રહ્યા છીએ. અત્યારે તેમની સંખ્યા અંદાજે 200 છે. તેઓ યૂપી ગેટ પર બેઠા છે."

'સરકાર કાયદો પરત લે', ખેડૂત માગ પર અડગ

દિલ્હીના બુરાડીમાં સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે તે ત્યાં સુધી નહીં જાય, જ્યાં સુધી તેમની માગણી સ્વીકારવામાં નહીં આવે.

વિરોધપ્રદર્શનમાં ભાગ લઈ રહેલા ખેડૂતોએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું, "અમને સરકાર પર ભરોસો નથી. આ પહેલાં પણ સરકાર સાથે વાતચીત થઈ છે પણ કોઈ પરિણામ નથા આવ્યું. અમે ઇચ્છીએ છીએ કે સરકાર કાયદો પરત ખેંચે."

વધુ એક ખેડૂતનું કહેવું છે, "અમે ત્યાં સુધી પ્રદર્શન કરીશું, જ્યાં સુધી સરકાર અમારી માગણી સ્વીકારી ન લે. અમે અનેક મહિનાઓનું રૅશન સાથે લાવ્યા છે. અમારી સમસ્યાઓનું હલ નીકળવું જોઈએ."

શનિવારે દિલ્હી અને હરિયાણાથી સિંધુ બૉર્ડર પાર કરીને ખેડૂતો બુરાડી પહોંચ્યા હતા અને એ પછી ટિકરી બૉર્ડર પરથી ખેડૂત દિલ્હી પહોંચવા લાગ્યા હતા.

જોકે હજી ખેડૂતોનો એક સમૂહ સિંધુ બૉર્ડર પર પ્રદર્શન કરી રહ્યો છે. વિરોધપ્રદર્શનમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેડૂત યુનિયનનું કહેવું છે કે તેઓ સિંધુ બૉર્ડર પર પ્રદર્શન ચાલુ રાખશે અને તંત્ર દ્વારા જણાવાયેલી જગ્યાએ જઈને પ્રદર્શન નહીં કરે.

સંગઠનની પંજાબ શાખાના મહાસચિવ હરિન્દરસિંહે કહ્યું, "અમે રોજ સવારે 11 વાગ્યે મળીને આગળની રણનીતિ પર વિચાર કરીશું."

ખેડૂત નેતા સામે ફરિયાદ દાખલ

હરિયાણાના ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ ગુરનામસિંહ ચડૂની વિરુદ્ધ ખેડૂતોનાં પ્રદર્શનમાં ભાગ લેવાના આરોપ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સમાચાર એજન્સી એએનઆઈએ કરનાલના ડેપ્યુટી પોલીસ અધિક્ષક રાજીવ કુમારના હવાલાથી નોંધ્યું છે કે વિરોધ કરી રહેલા ખેડૂતો વિરુદ્ધ બે કેસ દાખલ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું, "ગુરનામ સિંહ સહિત અન્ય ખેડૂતનેતાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. કેટલાક અજાણ્યા ખેડૂતો સામે કેસ દાખલ કર્યો છે."

સરકાર વાતચીત કરવા તૈયાર - અમિત શાહ

અહીં ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કહ્યું છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોની 'સમસ્યાઓ અને માગો'ને લઈને વાતચીત માટે તૈયાર છે.

તેમણે કહ્યું, "દિલ્હી-હરિયાણા અને દિલ્હી-પંજાબ સરહદે વિરોધ કરી રહેલા ખેડૂતોને હું કહેવા માગું છું કે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ડિસેમ્બરની ત્રીજી તારીખે વાતચીત માટે પેશકશ કરી છે અને એ દરમિયાન કેન્દ્ર સરકાર તમામ મુદ્દે વાત કરવા માટે તૈયાર છે."

તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ વિરોધપ્રદર્શન કરવા માટે અપાયેલી જગ્યા ખાતે એટલે કે બુરાડીના નિરંકારી ગ્રાઉન્ડ તરફ આગળ વધે, જેથી પ્રદર્શનના કારણે અન્ય લોકોને પરેશાની વેઠવી ન પડે.

જોકે બીજી તરફ ખેડૂત સંગઠન ગૃહમંત્રી અમિત શાહની અપીલથી રાજી જણાઈ રહ્યા નથી.

સિંધુ બૉર્ડર પર હાજર ભારતીય કિસાન સંઘ (પંજાબ)ના અધ્યક્ષ જગજીત સિંહે પણ ગૃહમંત્રીના આ પ્રસ્તાવ પર નારાજગી વ્યક્ત કરી છે.

તેમણે સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું, "અમિત શાહજીએ જલદી વાતચીત માટે એક શરત મૂકી દીધી છે. આ યોગ્ય નથી. તેમણે દિલ ખોલીને વાતચીત માટે પ્રસ્તાવ મૂકવાની જરૂર હતી. આવતીકાલે સવારે અમે એક મિટિંગ કરીશું અને પછી નિર્ણય લઈશું."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો