વડોદરા : 'તારા માટે બધું છોડ્યું ને તે મને દગો દીધો', નફીસાના આપઘાત પહેલાંના વીડિયોની હકીકત શી છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'તું પણ બીજા લોકો જેવો જ નીકળ્યો, તારા માટે મેં બધું છોડ્યું અને તે મને દગો દીધો.'

'હવે મારી પાસે જીવવાનો કોઈ આધાર નથી હું મોતને વહાલું કરું છું. મને દગો આપવા બદલ અલ્લા માફ નહીં કરે.' આ શબ્દો છે વડોદરાનાં નફીસાનો જેમણે 21 જૂને આપઘાત કરી લીધો હતો.

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આત્મહત્યા કરનાર આયેશાબાનુની જેમ જ નફીસાએ આપઘાત કરતાં પહેલાં પોતાની વ્યથા વર્ણવતા ફોનમાં આ વીડિયો રેકૉર્ડ કર્યો હતો.

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

ગત વર્ષે આપઘાત કરનાર આયેશાની જેમ જ નફીસાનો વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે.

વડોદરાના નફીસાએ પોલીસના જણાવ્યા અનુસાર 21 જૂને આપઘાત કર્યો હતો અને ત્યાર પહેલાં તેમણે એક વીડિયો રેકૉર્ડ કર્યો હતો જેની પોલીસ તપાસ કરી રહી છે.

વડોદરા પોલીસના એસીપી એ.કે રાજગોરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "નૂરજહાં પાર્કમાં પોતાનાં બહેનપણી શબનમ સાથે રહેતાં 25 વર્ષીય યુવતી નફીસા ખોખરે 21 તારીખે આપઘાત કર્યો હતો. એમણે કોઈ સુસાઇડ નોટ લખી નહોતી પણ અમે નફીસાના મોબાઇલની તપાસ કરી હતી ત્યારે એમાંથી રમીઝ નામના યુવકને સંબોધીને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવેલા વીડિયો મળ્યા છે."

સંક્ષિપ્તમાં : નફીસાનો પ્રેમસંબંધ અને આપઘાત

  • પોલીસ અનુસાર 25 વર્ષીય નફીસાએ 21 જૂને આપઘાત કર્યો હતો.
  • વડોદરા પોલીસે નફીસાના ફોન પર મળેલા આપઘાત પહેલાંના વીડિયોની તપાસ શરૂ કરી.
  • નફીસાનો રમીઝ શેખ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો.
  • નફીસાના પરિવાર અનુસાર બંને પરણવાનાં હતાં પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો જેને કારણે નફીસા દુખી હતાં.
  • પોલીસ અનુસાર નફીસાએ પહેલાં પણ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો.

પ્રેમ, ખટરાગ અને આપઘાત

25 વર્ષનાં નફીસા ખોખર અને અમદાવાદના યુવાન રમીઝ શેખની મુલાકાત સોશિયલ મીડિયા પર થઈ હતી. બંનેને પ્રેમ થયો અને બંને લિવ-ઇન રિલેશનમાં રહેતાં હતાં.

નફીસા પોતાનું ઘર છોડીને વડોદરાના નૂરજહાં પાર્કમાં પોતાનાં બહેનપણી શબનમ શેખ સાથે ભાડે રહેવાં લાગ્યાં હતાં.

નફીસાનાં દોસ્ત શબનમે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "નફીસાને અમદાવાદના રમીઝ શેખ સાથે સોશિયલ મીડિયા પર પ્રેમ થયો."

નફીસાનાં માતા ઘણા સમય પહેલાં અવસાન પામ્યાં હતાં અને ત્યાર બાદથી તેમના પિતાની માનસિક સ્થિતિ સારી નહોતી. પરિવારમાં પિતા સિવાય નફીસા સહિત પાંચ ભાઈ-બહેન હતાં.

શબનમ કહે છે કે, "નફીસા રમીઝ શેખના ગળાડૂબ પ્રેમમાં હતાં. તેમણે પોતાનું ઘર છોડી દીધું હતું. નફીસા પોતે કામ કરતાં હતાં અને રમીઝ તેમને મળવા વડોદરા આવતા હતા અને નફીસા પણ તેમને મળવા અમદાવાદ જતાં હતાં."

તેઓ કહે છે કે, "નફીસા અને રમીઝ પરણવાનાં હતાં અને તે માટે રમીઝના પરિવારજનો વડોદરા આવીને નફીસાને મળ્યા હતા."

શબનમના જણાવ્યા અનુસાર "પાંચ મહિના પહેલાં બંને વચ્ચે કંઈક ખટરાગ થયો ત્યાર બાદ રમીઝે નફીસાનો ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું જેને કારણે નફીસા ખૂબ જ દુખી હતાં."

"બંને વચ્ચે કઈ વાતને કારણે ખટરાગ થયો એ નફીસાએ જણાવ્યું નહોતું. આશરે ચાર દિવસ પહેલાં તેઓ અમદાવાદથી પાછાં આવ્યાં ત્યારે તેઓ ખૂબ પરેશાન હતાં અને ત્યાર બાદ 20 જૂનની મોડી રાત્રે આપઘાત કરી લીધો હતો."

શું કહે છે નફીસાનો પરિવાર?

નફીસાનો પરિવાર વડોદરાના તાંદરડા વિસ્તારમાં રહે છે. તેમના નાના ભાઈ શોહેબ ખોખરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમની બહેનની આત્મહત્યા માટે અમદાવાદના દાણીલીમડામાં રહેતા રમીઝ શેખને જવાબદાર ગણાવ્યા હતા.

તેમણે કહ્યું કે રમીઝ પણ વડોદરા આવીને નફીસા સાથે રહેતા હતા. રમીઝ શેખ શું કરે છે તે વિશે અમને બહુ જાણકારી નથી કારણ કે નફીસા અલગ રહેવાં લાગ્યાં હતાં.

"રમીઝ શેખે નફીસાની સાથે નિકાહની વાત કરી હતી અને બંને વચ્ચે સંબંધ હતા એ બધાને ખબર હતી. બંનેના નિકાહની વાત કરવા માટે રમીઝના મોટા ભાઈ નઝીમ શેખ અન્ય પરિવારવાળાઓ સાથે વડોદરા આવ્યા હતા. પરંતુ જ્યારે નિકાહ માટે મારી બહેન અમદાવાદ ગઈ તો તેને ઘરમાંથી કાઢી મૂકી હતી."

શોહેબ કહે છે કે, "એ વખતે પણ નફીસાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો."

"અમદાવાદમાં નફીસા રમીઝને મળવાં ગઈ તો રમીઝ શેખના પરિવારના લોકોએ એમને રમીઝ ઘરમાં નથી એમ કહીને કાઢી મૂકી હતી જેના કારણે તેઓ માનસિક રીતે ખૂબજ અસ્વસ્થ હતાં."

"નફીસાએ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદમાં પણ એકવાર પ્રયાસ કર્યો હતો જેની અમે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી હતી પરંતુ કોઈ ફાયદો થયો નથી."

ફોનમાંથી મળ્યો નફીસાનો વીડિયો

બીબીસી ગુજરાતીએ અમદાવાદ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો પરંતુ પીએસઓ ઉષા પટેલે વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.

વડોદરા પોલીસના એસીપી એ.કે રાજગોરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "નૂરજહાં પાર્કમાં પોતાનાં મિત્ર શબનમ સાથે રહેતાં 25 વર્ષીય યુવતી નફીસા ખોખરે 21 તારીખે આપઘાત કર્યો હતો. એમણે કોઈ સુસાઇડ નોટ લખી નહોતી પણ અમે નફીસાના મોબાઇલની તપાસ કરી હતી ત્યારે એમાંથી રમીઝ નામના યુવકને સંબોધીને અમદાવાદ રિવરફ્રન્ટ પર બનાવેલા વીડિયો મળ્યા છે."

પોલીસે વધારે તપાસ કરતા એક ફોન નંબર પર વારંવાર થયેલી ચૅટ અને બીજી હિસ્ટ્રી કાઢી.

એ.કે રાજગોરે જણાવ્યું કે "આ નંબર બંધ આવતો હતો. એમના સગાંનો સંપર્ક કરતાં પોલીસને જાણ થઈ કે નફીસા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતાં. એમણે અમદાવાદમાં પણ આપઘાતનો પ્રયાસ કરેલો છે. રમીઝ શેખ પર અમદાવાદ પોલીસે શું કાર્યવાહી કરી છે એ અંગે અમદાવાદ પોલીસ સાથે સંકલન કરીને અમે કામગીરી કરી છે."

"અગાઉ અમદાવાદ પોલીસને રમીઝ શેખ મળ્યો નહોતો. વીડિયોમાં નફીસાએ કહ્યું કે મેં પોલીસને ફરિયાદ કરી નથી. નફીસાએ બનાવેલા વીડિયોમાં તેઓ કહે છે કે રમીઝે ફોન બંધ કરી દીધો છે અને એમના પરિવારના લોકોએ મને આવવા દીધી નથી. એમણે કહ્યું કે તેમની આબરૂ ગઈ છે અને તેમની સાથે દગો થયો છે."

વડોદરા પોલીસે જણાવ્યું કે તેમની એક ટીમ અમદાવાદ પોલીસ સાથે સંકલન કરવા માટે અમદાવાદ ગઈ છે.

પોલીસે જણાવ્યું કે નફીસાના વૉટ્સૅપ ચૅટ, મૅસેજ અને ઇનકમિંગ તથા આઉટગોઇંગ કૉલની પણ તપાસ કરાઈ રહી છે જેમાથી મહત્ત્વની કડીઓ મળી છે પરંતુ તપાસ ચાલુ હોવાને કારણે વિગતો જાહેર કરી શકાય તેમ નથી.

આરોપી નજીકના દિવસોમાં પકડાઈ જશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા એ.કે.રાજગોર કહે છે કે, "અમે અમદાવાદ પોલીસની મદદ માટે ટેકનિકલ અને હ્યૂમન ઇન્ટેલિજન્સ કામે લગાડી છે."

મનોચિકિત્સક શું કહે છે?

બીબીસી ગુજરાતીએ દાણીલીમડા વિસ્તારમાં રમીઝ શેખ અને એમના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઘર છોડીને નીકળી ગયેલા આ પરિવારનો સંપર્ક થઈ શક્યો નહોતો.

રમીઝ શેખના ભાઈ નઝીમ શેખના દોસ્ત સફી શેખ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "રમીઝ નાનોમોટો ધંધો કરતા હતા. કમિશન પર સેલ્સમૅન તરીકે પણ કામ કરતા હતા પરંતુ અલગ-અલગ જ્ઞાતિમાં આવવાને કારણે ખટરાગ ઊભો થયો હતો."

તેમણે કહ્યું કે, "નઝીમને એક વખત વાત થઈ હતી તે અનુસાર ખોખર એ ઓબીસીમાં આવે જ્યારે શેખ મુસ્લિમોમાં અપર કાસ્ટમાં ગણાય. આનાથી વધુ મને આ મામલે કંઈ ખબર નથી."

અમદાવાદમાં આવી જ રીતે 26 ફેબ્રુઆરી 2021માં આયેશા નામની યુવતીએ આવી જ રીતે આપઘાત કરતાં પહેલાં વીડિયો બનાવ્યો હતો જેમાં તેમના પતિ આરીફ ખાનને 10 વર્ષ જેલની સજા થઈ હતી.

આ પ્રકારે વીડિયો બનાવીને આપઘાત કરવાના મામલે મનોચિકિત્સક ડૉક્ટર જ્યોતિક ભચેચે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહ્યું કે, "આવા આત્મહત્યાના કેસ અપરોક્ષ રીતે એવા લોકોને પ્રેરણા આપે છે જે લોકો અંગત સંબંધોમાં કોઈ તણાવ અનુભવી રહ્યા હોય. આવી ઘટનાઓ દુખદ હોય છે પરંતુ માનસિક બીમારીથી પીડાતા અન્ય લોકોને આવાં પગલાં ભરવાની પ્રેરણા મળે છે."

આ પ્રકારે વીડિયો બનાવીને આપઘાત કરવાના મામલે મનોચિકિત્સક ડૉક્ટર જ્યોતિક ભચેચે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહ્યું કે, "આવા આત્મહત્યાના કેસ અપરોક્ષ રીતે અંગત સંબંધોમાં તણાવ અનુભવી રહેલા લોકોને ગેરમાર્દે દોરે છે. આવી ઘટનાઓ દુખદ હોય છે પરંતુ માનસિક બીમારીથી પીડાતા અન્ય લોકો આનાથી પ્રેરાતા હોય છે."

તેઓ કહે છે કે, "આયેશાની જેમ જ નફીસાએ કરેલા આપઘાતને કૉપીકૅટ સ્યુસાઇડ કહેવાય છે."

ભચેચ કહે છે કે, "આવા લોકોમાં આત્મવિશ્વાસ ઓછો હોય છે. એમના ક્લોઝ કૉન્ટેક્ટ એટલે નજીકના દોસ્ત- સગાં તરફથી હૂંફ મળવાને બદલે સમાજના ઘરેડ મુજબની સલાહ મળે."

"આવા સંજોગોમાં લાગણીનું પ્રમાણ ઓછું હોય અને સલાહનું પ્રમાણ વધુ હોય છે. આવા લોકોને પરંપરાગત સલાહો મળે એટલે એ વધુ મૂંઝવણમાં મૂકાય છે. એ લોકો પોતાની તકલીફ વિશે વાત કરવાનું બંધ કરે છે."

ભચેચ કહે છે કે, "જેથી પહેલેથી રિલેશનશિપમાં તકલીફનો સામનો કરી રહેલા લોકો આવાં પગલાં ભરવા માટે મજબૂર બને છે. જો આવા લોકોને કોઈપણ જાતની સલાહ આપ્યા વગર એમને શાંતિથી સાંભળવામાં આવે તો આત્મહત્યાના કેસ રોકી શકાય કારણ કે આત્મહત્યાના વિચારો મોટાભાગે ટેમ્પરરી ઇમ્પલ્સ હોય છે."

"ત્યારે એમને થોડી હૂંફ આપવામાં આવે તો આત્મહત્યાના ઘણા કેસ રોકી શકાય છે ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો