ઇન્ટરનેટ સર્ફ કરીને આ લોકો કેવી રીતે કમાણી કરે છે?

    • લેેખક, કેથરીન કાઇટ
    • પદ, બિઝનેસ રિપોર્ટર

ઇન્ટરનેટ પર આપણે જે કંઈ પણ જોઈએ છીએ, વાંચીએ છીએ કે સાંભળીએ છીએ, તે દરેક વસ્તુ કોઈ માટે મૂલ્યવાન સ્રોત બની જાય છે.

ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ આ ડેટા દ્વારા દર વર્ષે અબજો રૂપિયાની કમાણી કરી રહી છે.

આ કંપનીઓની કમાણી જાહેરાતની આવકમાંથી થાય છે કારણ કે તેઓ આ ડેટાનો ઉપયોગ આપણા સુધી લક્ષિત જાહેરાતો પહોંચાડવા માટે કરે છે.

ઉદાહરણ તરીકે, જો તમે નવું જીન્સ ખરીદવાનું વિચારી રહ્યા હો અને આ માટે તમે ફૅશન સ્ટોર્સના ઇ-શોપ પર નવી પ્રોડક્ટ અને ડિઝાઇન ઑનલાઈન ચેક કરી રહ્યાં હો, તો ટૂંક સમયમાં તમને તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર ડેનિમ ટ્રાઉઝરની જાહેરાતો જોવા મળશે.

આપણે જે ખરીદવાનું વિચારીએ તે બધી વસ્તુઓમાં આમ થાય છે. આપણે તેને આપણા કમ્પ્યુટર સ્ક્રીન પર વારંવાર જોયું છે.

ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ ઇન્ટરનેટ પર જે રીતે આપણા પર નજર રાખી રહી છે, તે જોતાં કયારેક અકળામણ થઈ જાય છે.

તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે યુરોપનાં લોકો ઇન્ટરનેટ પર જે જુએ છે તેનાથી સંબંધિત ડેટા દિવસમાં 376 વખત શૅર કરવામાં આવે છે.

અમેરિકન લોકોનાં કિસ્સામાં, આ ડેટા લગભગ બમણાં સુધી પહોંચી ગયો છે. સરેરાશ અમેરિકનની ઇન્ટરનેટ વપરાશની માહિતી 747 વખત શૅર કરવામાં આવે છે.

હવે જરા થોભો. જો ચિત્ર સાવ ઊલટું કરી નાખવામાં આવે તો તે કેવું રહેશે? એટલે કે જે ડેટા શૅર કરવામાં આવે તેની પર તમારું વધારે નિયંત્રણ હોય અને તેનાથી તમે કમાણી પણ કરી શકો.

જો આવું થાય તો કેવું સારું?

કમાણીની ખાતરી

કેનેડાની એક ટેક કંપની 'સર્ફ' આવી ખાતરી આપે છે. 'સર્ફ' એ ગયા વર્ષે આ જ નામ સાથેનું એક બ્રાઉઝર એક્સટેન્સન લૉન્ચ કર્યું હતું.

જે ઇન્ટરનેટ સર્ફિંગ કરનારા લોકોને પૈસા કમાવવાની તક આપે છે.

જોકે, 'સર્ફ' હાલમાં માત્ર યુએસ અને કેનેડામાં જ અને તે પણ ઘણી મર્યાદિત હદ સુધી ઉપલબ્ધ છે. તમે બસ એમ સમજી લો કે તે ગૂગલને છેતરીને કામ કરે છે અને તમારો ડેટા સીધો રિટેલ કંપનીઓને વેચે છે.

બદલામાં, સર્ફ તમને ૉઇન્ટ ઑફર કરે છે જે તમે ગિફ્ટ કાર્ડ અથવા ડિસ્કાઉન્ટનાં બદલામાં ભેગા કરી શકો છો અને ખર્ચ કરી શકો છો.

આ માટે 'સર્ફ'એ અત્યાર સુધી ફૂટ લૉકર, ધ બૉડી શોપ, ક્રૉક્સ અને ડાયસન જેવી કંપનીઓ સાથે જોડાણ કર્યું છે.

'સર્ફ' જણાવે છે કે યૂઝરના ડેટામાં યૂઝરની ઓળખને એકદમ ગોપનીય રાખવામાં આવે છે, યૂઝરનું ઇમેલ એડ્રેસ કે તેનો ટેલિફોન નંબર શૅર કરવામાં આવતો નથી, સાઇન-અપ કરવા માટે તેનું નામ પણ જરૂરી નથી.

જોકે 'સર્ફ' તેના યૂઝર્સ પાસેથી તેમની ઉંમર, લિંગ અને સરનામું જેવી માહિતી માગે છે, પરંતુ યૂઝર્સને આ વિગતો આપવાની ફરજ પાડવામાં આવતી નથી.

કંપની માને છે કે તેના યૂઝર ડેટાનો ઉપયોગ બ્રાન્ડ્સ કરી શકશે. ઉદાહરણ તરીકે, શહેરમાં 18 થી 24 વર્ષની વયના લોકો કઈ વેબસાઇટની વધુ મુલાકાત લે છે? આ માહિતીના આધારે કંપનીઓ તેમની જાહેરાત આ ગ્રાહકો સુધી પહોંચાડી શકશે.

જોકે, 'સર્ફ' એ હજુ સુધી એ નથી જણાવ્યું કે જે યૂઝર તેનું બ્રાઉઝર એક્સટેન્શન ઇન્સ્ટોલ કરે તે સર્ફિંગ દ્વારા કેટલી કમાણી કરી શકે છે. જોકે કંપનીએ એમ જણાવ્યું છે કે તેનાં યૂઝર્સને કુલ મળીને 12 લાખ ડૉલરની કમાણી કરવાની તક છે.

'સર્ફ'ના યૂઝર્સ માટે એક સગવડ એ પણ છે કે તેઓ કેવા પ્રકારનો ડેટા શૅર કરવા માગે છે તેની લગામ તેમની પાસે રાખી શકે છે. ઉદાહરણ તરીકે, કેટલીક વેબસાઇટની મુલાકાતને તેઓ ગોપનીય રાખવા માગતા હોય તો તેઓ તેમ કરી શકે છે.

કેનેડાના ટોરોન્ટોમાં આવેલી યોર્ક યુનિવર્સિટીની વિદ્યાર્થિની અમીના અલ-નૂર 'સર્ફ'ની યૂઝર છે. અમીનાને લાગે છે કે તેમનાં ઑનલાઇન ડેટા પર તેમનું નિયંત્રણ ફરીથી આવી ગયું છે.

21 વર્ષીય અમીના કહે છે, "તમે સર્ફ સાથે શું શૅર કરવા માંગો છો તેનો નિર્ણય તમે કરી શકો છો. કેટલીકવાર હું મારા પૉઇન્ટ્સ તપાસવાનું ભૂલી જાઉં છું પરંતુ જ્યારે હું એક અઠવાડિયા પછી જોઉં છું, ત્યારે હું જોઉં છું કે મારા પૉઇન્ટ્સ એકદમ વધી રહ્યાં છે. બધી ટેક કંપનીઓ અમારી માહિતી એકત્રિત કરે છે, પરંતુ ટેકનૉલૉજીનો ઉપયોગ કરવાનો અનુભવ કેવી રીતે સુધારી શકાય તે મહત્વનું છે."

યૂઝર્સને વળતર

સર્ફના સહ-સ્થાપક અને ચીફ ઍક્ઝિક્યુટિવ સ્વિશ ગોસ્વામી કહે છે કે તેમની કંપની ઇન્ટરનેટ બ્રાઉઝ કરનારાં યૂઝર્સને સતત પુરસ્કાર આપવાનું ચાલું રાખવા માગે છે.

તેઓ કહે છે, "પહેલા દિવસથી જ એ સ્પષ્ટ હતું કે યૂઝર્સનાં ડેટા પર તેમનું નિયંત્રણ હશે, તેઓ પોતે નક્કી કરશે કે તેઓ શું શૅર કરવા માગે છે અને શું નહીં."

"મને લાગે છે કે જો તમે લોકો સામે સ્પષ્ટ હો અને તેમને જણાવો કે તમે બ્રાન્ડ્સ સાથે ડેટા શૅર કરી રહ્યાં છો અને તે અનામી રીતે કરી રહ્યાં છો, તો તેનો અર્થ એ છે કે તેઓ ક્યારેય લપેટમાં આવશે નહીં કારણ કે અમારી પાસે તેમનાં નામ કે અટક નથી. તો લોકો સહેલાઈથી સંમત થશે અને અમારી સાથે વધુને વધુ સાથે શૅર કરશે."

સર્ફ એ વિસ્તરી રહેલા અભિયાનનો હિસ્સો છે જેને ઘણા વિશ્લેષકો "જવાબદાર ટેકનૉલૉજી" ગણાવી રહ્યાં છે અને તેનો હેતુ લોકોને તેમનાં ડેટા પર વધુ નિયંત્રણ આપવાનો છે.

  • અલ્ગોરિધમના આ સમયમાં ડિજિટલ ડેટા એ મોટી શક્તિ છે.
  • તમે કંઈક ખરીદવાનું વિચારી મોબાઇલમાં શોધ કરો છો અને ગણતરીનાં સમયમાં એની જાહેરાતો તમને ઠેરઠેર કેમ દેખાય છે વિચાર્યું છે કદી?
  • દુનિયામાં એવી કંપનીઓ બની છે જે તમને ઇન્ટરનેટના વપરાશની મરજી મુજબની માહિતી શૅર કરવા બદલ વળતર આપે છે.
  • ઇન્ટરનેટનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે પ્રાઇવસીની ચિંતા ખાસ વધી રહી છે અને એટલે જ જવાબદાર ટેકનૉલૉજીની માગ વધવાની છે.

અન્ય કંપનીઓ પણ મેદાનમાં

આ ક્ષેત્રની આવી જ બીજી ટેક કંપની કેનેડિયન સ્ટાર્ટ-અપ કંપની વેવરલી છે. તે લોકોને તેમની ન્યૂઝ ફીડ સબમિટ કરવા દે છે. આનાથી લોકો ગૂગલ ન્યૂઝ અને એપલ ન્યૂઝ અને કસ્ટમાઇઝ્ડ ફીડ પ્રદાન કરતી સેવાઓ પર આધારિત નથી રહેતાં.

વેવરલી પર, તમે તમને રુચિ પ્રમાણેના વિષયો દાખલ કરો છો અને તેનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સૉફ્ટવેર તમારી માગ પ્રમાણેના લેખો શોધી આપે છે.

તેના સ્થાપક મોન્ટ્રીયલસ્થિત ફિલિપ બ્યૂદોં છે, જે અગાઉ ગૂગલમાં એન્જિનિયર હતા.

આ ઍપ્લિકેશનના વપરાશકર્તાઓ નિયમિતપણે તેમની પસંદગીઓ બદલી શકે છે અને તેમને મોકલવામાં આવતા લેખોના આધારે પ્રતિભાવ આપી શકે છે.

ફિલિપ બ્યૂદોં કહે છે કે વપરાશકર્તાઓએ થોડો પ્રયત્ન કરવો પડશે, તેઓને શું ગમે છે તે ઍપ્લિકેશનને જણાવવું પડશે અને બદલામાં તેઓ "જાહેરાતોની જાળામાં ફસાવાથી બચી જશે".

તેઓ કહે છે, "જવાબદાર ટેકનૉલૉજીએ યૂઝર્સને અધિકાર સંપન્ન હોવાનો અહેસાસ કરાવવો જોઈએ, બદલામાં તેમને કંઈક કરવાં માટે કહેતાં અચકાવું જોઈએ નહીં."

રોબ શૈવેલની અમેરિકન કંપની એબીન બે ઍપ બનાવે છે જે યૂઝર્સને તેમની પ્રાઇવસી વધારવા સક્ષમ બનાવે છે. બંને ઍપના નામ છે - બ્લર અને ડીલીટ મી.

બ્લર એ સુનિશ્ચિત કરે છે કે તમારો પાસવર્ડ અને ચુકવણી વિગતો ટ્રેક ન કરવામાં આવે. જ્યારે ડીલીટ મી તમારા વ્યક્તિગત ડેટાને સર્ચ એન્જિનમાંથી કાઢી નાખે છે.

શૈવેલ કહે છે કે તેમના મતે કોઈપણ ઈન્ટરનેટ સર્ફ કરવા સાથે "ગોપનીયતા" આપોઆપ જોડાયેલી હોવી જોઈએ.

ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍથિક્સનાં એસોસિએટ પ્રોફેસર કેરિસા વેલિજ કહે છે કે ટેક કંપનીઓએ "વ્યક્તિગત ડેટાના શોષણ પર આધારિત ન હોય તેવા બિઝનેસ મોડલને અગ્રતા અગ્રતા આપવી જોઈએ".

કેરિસા કહે છે, "તે ચિંતાનો વિષય છે કે આપણાં જીવનને ચલાવતા મોટાભાગનાં એલ્ગોરિધમ્સ ખાનગી કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે અને તેમની પાસે આ અલ્ગોરિધમ્સ જાહેર હિત અને મૂલ્યોનું પાલન કરે છે કે કેમ તેની કોઈ દેખરેખ નથી કે નથી કોઈ માર્ગદર્શન."

"મને નથી લાગતું કે પારદર્શિતા એ દરેક વસ્તુનો ઉકેલ છે, અથવા તો અડધો પણ ઉકેલ છે, પરંતુ નીતિ નિર્માતાઓની એલ્ગોરિધમ્સ સુધીની પહોંચ હોવી જોઈએ."

બીજી બાજુ, ગૂગલ તેના નવા "પ્રાઇવસી સેન્ડબોક્સ" પ્રયાસ તરફ નિર્દેશ કરે છે, જેનો હેતુ "નવા, વધુ વ્યક્તિગત જાહેરાત ઉકેલોને સામે લાવવાનો છે".

ગૂગલના પ્રવક્તા કહે છે, "એટલે જ અમે પ્રાઇવસી સેન્ડબોક્સ દ્વારા આવી ટેકનૉલૉજી બનાવવા તેમજ તમામને મફતમાં ઑનલાઇન સામગ્રી અને સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે નિયમનકારો અને વેબ સમુદાય સાથે મળીને કામ કરી રહ્યાં છીએ."

"આ વર્ષના અંતમાં, અમે માય ઍડ સેન્ટર શરૂ કરીશું, જે અમારા ગોપનીયતા નિયંત્રણોને વધારશે જેથી લોકોને જે જાહેરાતો બતાવવામાં આવે છે તેને તે લોકો વધુ નિયંત્રિત કરી શકે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો