You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કેટલાક સિનિયર સિટીઝન લગ્ન પહેલાં લિવ ઇન રિલેશનમાં રહેવાનું કેમ પસંદ કરે છે?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
યુવાનીમાં તો લગ્નસાથી શોધવામાં સગાંસંબધીથી લઈને વિવિધ પ્રકારની વેબસાઇટ અને મૅરેજ બ્યૂરો પણ મદદે આવે છે પણ વાત જ્યારે જીવનના છ દાયકા વિતાવી ચૂકેલા સિનિયર સિટીઝનની હોય તેમણે જીવનસાથી શોધવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
પરંતુ વર્ષોથી આ કામમાં ઍક્ટિવ અમદાવાદની અનુબંધ ફાઉન્ડેશન નામની સંસ્થા અને તેના પ્રમુખ નટુભાઈ પટેલ સિનિયર સિટીઝનની એકલતા દૂર કરવા માટે તેમનાં લગ્ન કરાવવા માટે જીવનસાથી પસંદગીમેળા યોજવા માટે જાણીતાં છે.
તેઓ અત્યાર સુધીમાં 182 સિનિયર સિટીઝનનાં લગ્ન કરાવી ચૂક્યા છે જ્યારે 12 કપલને લિવ ઇન રિલેશનશિપમાં ગોઠવી ચૂક્યા છે.
જાણીએ આવી જ કેટલીક સફળ કહાણીઓ વિશે.
વૃદ્ધાવસ્થામાં લિવ ઇન રિલેશનશિપ
મોટી ઉંમરે થતાં લગ્નમાં એકબીજા સાથે સેટ થઈ શકાશે કે નહીં તેવો ડર રહે છે, જેથી હવે કેટલાક સિનિયર સિટીઝન લગ્ન પહેલાં લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે.
આવી એક વ્યક્તિઅમદાવાદમાં પણ છે.
59 વર્ષીય સોનલબહેન ઠક્કર અને 62 અમૃતલાલ પટેલે મોટી ઉંમરે લગ્નની ઉતાવળ પહેલાં લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું નક્કી કર્યું. પાછલા ત્રણ માસથી તેઓ એકસાથે રહે છે.
અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતાં 59 વર્ષીય સોનલબહેન ઠક્કરના નાની ઉંમરે છૂટાછેડા થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોનલબહેનના છૂટાછેડા થયા તે સમયે તેમની દીકરીની ઉંમર માત્ર બે વર્ષ હતી અને તેથી દીકરી માટે બીજાં લગ્નનો વિચાર માંડી વાળ્યો હતો. દીકરી મોટી થઈ. તેનાં લગ્ન થઈ ગયાં. પછી સોનલબહેનને એકલતા સાલવા લાગી.
સોનલબહેનની દીકરીએ જ તેઓને બીજાં લગ્ન કરી લેવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં. તેમણે આખરે બીજાં લગ્ન કરવાનો વિચાર કર્યો હતો પણ મોટી ઉંમરે લગ્ન કર્યા બાદ સેટ થવાશે કે નહીં તે વિચાર તેમને ચિંતામાં મૂકી દેતો હતો, આથી તેમણે લગ્ન પહેલાં લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનો વિચાર કર્યો અને પછી લગ્ન કરવા તેવું નક્કી કર્યું હતું.
આ અંગે સોનલબહેન ઠક્કરે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, "છૂટાછેડા બાદ મને બૅંકમાં નોકરી મળી. વર્ષો એકલાં પસાર કર્યાં પરંતુ પછી પુત્રીની પ્રેરણાથી બીજાં લગ્નનો વિચારો આવ્યો."
"ત્યાર બાદ મેં અનુબંધ ફાઉન્ડેશનમાં લગ્ન માટે નોંધણી કરાવી હતી. જ્યાં મારી મુલાકાત અમૃત પટેલ સાથે થઈ હતી. તેમનાં પત્નીનું મૃત્યુ થયું હતું અને તેઓ પણ જીવનસાથીની શોધમાં હતા. એમના પુત્ર અને પુત્રવધૂને શરૂઆતના સમયમાં અમારા સાથે રહેવાથી કચવાટ હતો. જોકે એ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે."
"અમે બંને એ નક્કી કર્યું હતું કે રિલેશનશિપમાં રહ્યા બાદ જો એકબીજા સાથે ફાવે અને આગળ વધવાનો વિચાર થાય તો જ લગ્ન કરીશું. અમારો સ્વભાવ મેળ ખાય છે. જેથી અમે આવતાં બે-ત્રણ મહિનામાં લગ્ન કરવાનું વિચારી રહ્યાં છીએ."
તેઓ કહે છે, "નાની ઉંમરે તમે કામ કરતા હોય ત્યારે કદાચ તમને જીવનસાથીની જરૂર ન લાગે પરંતુ મોટી ઉંમરે જ્યારે બાળકો પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય, તમે નોકરી કે કામમાંથી નિવૃત્ત થઈ જાઓ છો ત્યારે તમારે સાથીની જરૂર પડે છે, જેની સાથે તમે વાત કરી શકો. તમે બહાર જઈ શકો. આથી એકલા રહેતા સિનિયર સિટીઝને લગ્ન અથવા તો લિવ ઇન રિલેશનશિપમાં પણ રહેવું જોઈએ."
સિનિયર સિટીઝન પણ લિવ ઇન રિલેશનશિપમાં રહેવાના વલણ અંગે નટુભાઈ પટેલ જણાવે છે કે, "જો કોઈ વ્યક્તિ સરકારી નોકરીમાંથી પોતાના પતિ કે પત્ની વતી પેન્શન મેળવતી હોય તો બીજાં લગ્ન કરતાં જ તેમનું પેન્શન બંધ થઈ જાય છે. તેવા કિસ્સામાં લિવ ઇન રિલેશનશિપનો પ્રયાસ સારો છે."
"પેન્શન પણ મળે અને લગ્ન વગર સાથે રહી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ પ્રકારનાં 12 યુગલે લગ્ન કર્યાં છે. જે પૈકી બે-ત્રણ એવાં છે જેમને બંધનમાં નથી રહેવું અને પોતાની આવક હોય તેવી સ્ત્રીઓ પણ લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માગે છે."
"પુરુષ પક્ષમાં બાળકો મિલકત અંગે વિરોધ કરતાં હોય છે, તેથી લોકો લિવ ઇનમાં રહે છે. સ્ત્રીને પાછળથી સમસ્યા ન થાય તે માટે સ્ત્રીના નામે મકાન કરી આપે કે પછી દર મહિને 25 હજાર બૅંક ખાતામાં મૂકવા તે પ્રકારનાં પગલાં પણ લઈએ છીએ."
'લગ્ન બાદ એકલતા દૂર થઈ'
"60 વર્ષની ઉંમરે લગ્ન કર્યાં ત્યારે પતિનાં બે સંતાન હતાં, તેઓને થોડો કચવાટ હતો પણ સમય જતાં હવે તેવું લાગતું નથી. હવે બધાં સાથે હળીમળીને રહીએ છીએ. હું ખુશ છું."
મૂળ ભાવનગરનાં વતની અને 62 વર્ષીય નિવૃત્ત શિક્ષિકા મીનાક્ષીબહેન પંડ્યા પણ મોટી ઉંમરે લગ્ન કરનાર પૈકી એક છે. નિવૃત્ત સરકારી અધિકારી રમેશભાઈ સાથે તેમણે લગ્ન કર્યાં હતાં.
મીનાક્ષીબહેન અને રમેશભાઈ તેમના અગાઉના જીવનસાથીનાં મૃત્યુ બાદ એકલતા અનુભવતાં બંને પાર્ટનરની શોધમાં હતાં. આખરે લગ્ન કરવાનો નિર્ણય લીધો અને હાલ દંપતી ખુશ છે.
આ અંગે મીનાક્ષીબહેન પંડ્યાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "વર્ષ 2017માં નિવૃત્ત થઈ પછી હું વધુ એકલતા અનુભવવા લાગી. આ સ્થિતિમાં મારા મમ્મીની પણ ઇચ્છા હતી કે હું લગ્ન કરી લઉં. તેમણે સલાહ આપી કે કોઈનો સાથ સહકાર જીવનમાં ખૂબ જ જરૂરી હોય છે."
તેઓ આગળ જણાવે છે કે, "આ પછી હું અનુબંધ ફાઉન્ડેશનના સંપર્કમાં આવી હતી. દરમિયાન રમેશને મળી. અમારી મુલાકાત થઈ અને થોડા દિવસો પસાર થયા હતા તે દરમિયાન લૉકડાઉન જાહેર થયું. આ લૉકડાઉનના સમયગાળામાં અમે દિવસમાં ચારથી પાંચ કલાક વાત કરતાં હતાં. અમને બંનેને એકબીજાને ઓળખવાનો સમય મળી ગયો હતો. બસ પછી અમે લગ્ન કરી લીધાં"
"પ્રારંભિક મુશ્કેલી બાદ રમેશનાં દીકરી અને દીકરાએ અમારાં લગ્ન સ્વીકારી લીધાં છે. અમે હાલ વડોદરામાં સાથે રહીએ છીએ. વૃદ્ધાવસ્થામાં એકલતા ઘણી માંદગીઓ નોતરે છે. તેથી પરિવારજનોએ પણ આ પહેલને આવકારવી જોઈએ."
તો આ અંગે રમેશભાઈ શાહ જણાવે છે કે "મોટી ઉંમરે લગ્ન કર્યાં બાદ સેટ થવાશે કે નહીં તેવા ડરથી કેટલાક લોકો લગ્ન કરતા નથી. પરંતુ એકલા રહેવા કરતા બંને પક્ષ થોડું સમાધાન કરીને સાથે રહે તે હું વધારે યોગ્ય માનું છું. "
ગુજરાતના ભૂકંપે નટુભાઈને આપી અનોખું કામ શરૂ કરવાની પ્રેરણા
મોટી ઉંમરે લોકોને જીવનસાથી મળી રહે તે હેતુથી કામ કરી રહેલા નટુભાઈ તેમની પ્રેરણા વિશે વાત કરતાં જણાવે છે કે, "વર્ષ 2001ના ભૂકંપમાં જીવ બચ્યા બાદ મને આ આપત્તિના કારણે જીવનસાથીઓને ગુમાવનાર લોકોની મદદ કરવાનો વિચાર આવ્યો. ત્યારથી મોટી ઉંમરના લોકો માટે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવાનું ચાલુ કર્યું. હવે સમય સાથે લોકોના વિચારો બદલાયા છે."
"બાળકો પોતાનાં માતાપિતા અને સાસુસસરાને લઈને અમારી પાસે આવે છે. મારી પાસે લગ્નવાંછુઓના હજારો બાયોડેટા છે. તેમજ સમગ્ર ભારતમાં અમે ઘણાં જીવનસાથી સંમેલન યોજી ચૂક્યાં છીએ. 20 વર્ષના અંતે 182 કપલને હું પરણાવી ચૂક્યો છું."
નટુભાઈ નાની ઉંમરની અને મોટી ઉંમરની વ્યક્તિઓ માટે જીવનસાથીની પસંદગીનાં ધોરણો અલગઅલગ હોવાની વાત કરતાં જણાવે છે કે, "નાની ઉંમરે પોતાના જીવનસાથી શોધવા માટેના માપંદડો મોટી ઉંમરના લોકો પર લાગુ પડતા નથી. મોટી ઉંમરના લોકોનાં લગ્ન કરાવવાં માટે પરિવારજનો અને સમાજની દૃષ્ટિ બદલવી પડે છે. તેમને સમજાવવા પડે છે. પરંતુ હવે ધીરે ધીરે જાગૃતિ આવી છે."
તેઓ જણાવે છે કે અમુક કિસ્સામાં લગ્ન બાદ પરિવારજનોનો અણગમો અને નિયમિત સમાગમની માગણીના કારણે અમુક લગ્નો તૂટી જતાં હોય છે. જેથી સમસ્યા સર્જાય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો