નટવર ગાંધી અને પન્ના નાયકની એ પ્રેમકહાણી જે સિત્તેર વર્ષે શરૂ થઈ

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા

“અમે સાથે રહેવાનું નક્કી કર્યું ત્યારે મારી ઊંમર 73 વર્ષ અને પન્નાની 80 વર્ષ હતી. અમારા બંનેનાં આ બીજા લગ્ન હતાં. કેટલાક લોકોને મનમાં એવો સવાલ થતો હતો કે આ એક ભવમાં બે ભવ તમે ક્યાં કરવા બેઠા? ભારતીય સમાજમાં લગ્નવ્યવસ્થામાં પુરુષની ઉંમર સ્ત્રી કરતાં સહેજ વઘુ હોય છે. અમારામાં ઊંધું થયું છે. પન્ના મારા કરતાં સાત વર્ષ મોટી છે, એટલે પણ કેટલાક લોકોને મનમાં સવાલ થતા હતા. મેં અને પન્નાએ ક્યારેય એવી બાબતોને ગણકારી નથી. અમે સુખેથી સહજીવન માણીએ છીએ.”

આ શબ્દો નટવર ગાંધીના છે. મૂળે સાવરકુંડલાના નટવરભાઈ પચાસેક વર્ષથી અમેરિકાના વૉશિંગ્ટનમાં રહે છે.

તેઓ વૉશિંગ્ટન ડીસીના નિવૃત્ત ચીફ ફાઇનાન્સિયલ ઑફિસર છે. તેમણે વરિષ્ઠવયે બીજાં લગ્ન કર્યાં. કારણકે, માણસ એક સામાજિક પ્રાણી છે. માણસને બીજા માણસ વગર ન ચાલે. વાત કરવા, હરવાફરવા, ગમતી વાતો કહેવા અને નાનામોટા ઝઘડા કરવા માટે માણસને બીજો માણસ જોઈએ. લાખ વૈભવ વચ્ચે પણ માણસ એકલો હોય તો એ વૈભવ એકલતાને દૂર કરી શકતો નથી. એકલતા માણસને કોરી ખાય છે. તેથી સંગાથ માટે નટવર ગાંધી અને પન્ના નાયક લગ્નગ્રંથીથી જોડાયા.

નટવરભાઈનાં પત્ની પન્ના નાયક તેમને ‘ગાંધી’ કહીને બોલાવે છે. પન્નાબહેન કહે છે કે, “મને ગાંધીની સેન્સ ઑફ હ્યુમર ગમે છે. ઓરડો ભરાઈ જાય એટલું ખડખડાટ હસે છે. અમે ખૂબ હસીએ છીએ. ગાંધીની સંવેદનશીલતા અને રસિકતા ખૂબ આકર્ષે છે. તેઓ ખૂબ કૅરિંગ છે.”

સંતાનોએ પુનઃલગ્નના નિર્ણયને વધાવ્યો

નટવર ગાંધી અને પન્ના નાયકનાં આ બીજાં લગ્ન છે.

નટવર ગાંધીનાં પત્ની નલિની ગાંધીનું 2009માં અવસાન થયું હતું. પન્ના નાયકનાં પતિ નિકુ નાયકનું તે અગાઉ નિધન થયું હતું.

એ પછી નટવરભાઈ અને પન્નાબહેન પોતપોતાનાં જીવનમાં પરોવાયેલાં હતાં. બંનેને સાહિત્યનો શોખ છે.

પન્ના નાયક તો જાણીતાં કવયિત્રી છે. નટવરભાઈ અને પન્નાબહેન એકબીજાને 1978થી ઓળખતાં હતાં.

અમેરિકાની ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિમાં બંને સક્રિય હતાં. બંનેના પરિવારજનો પણ પરિચીત હતા.

તમે બંને મોડી ઊંમરે અને બીજી વખત પરણવાનું નક્કી કર્યું ત્યારે તમારા પરિવારજનોની શું પ્રતિક્રિયા હતી?

આ સવાલના જવાબમાં નટવર ગાંધી કહે છે કે, "મેં પન્ના સાથે સહજીવનની વાત મારાં સંતાનોને કહી તો તેઓ ખુશ થયાં હતાં. પિતાજી આટલી ઊંમરે એકલા રહેવાને બદલે કોઈ સાથે રહે તો તેમને એ વાતનો આનંદ હતો. પ્રેમનો સંબંધ છે એ તેમના માટે ખૂબ આનંદની વાત હતી. મારાં સંતાનો પણ પન્નાને ઓળખતાં હતાં."

"પન્નાની એક વખત હા થયા પછી મેં જ્યારે મારાં સંતાનો આગળ અમારા સંબંધની વાત મૂકી ત્યારે હું એ વાતે સ્પષ્ટ હતો કે તેમને ગમે તો સારું ન ગમે તો પણ મેં નક્કી કર્યું છે કે પન્ના સાથે મારે મારાં બાકીનાં વર્ષો જીવવાં છે. સદ્ભાગ્યે સંતાનોએ નિર્ણયને આવકાર્યો.

"સંતાનોને એ ખાતરી હતી કે તેમનાં મમ્મીના અવસાન પછી મારા જીવનમાં જે ખાલીપો હતો તે ભરાયો છે. તેથી તેમને એની રાહત પણ થઈ."

પન્નાબહેન પોતાના પરિવાર વિશે જણાવતાં કહે છે કે, “મારું કુંટુંબ મુંબઈમાં છે, આધુનિક વિચારસરણી ધરાવે છે. તેથી વાંધાવિરોધનો કોઈ પ્રશ્ન હતો જ નહીં. બીજી વાત હું એ કહીશ કે ગાંધીનાં જે સંતાનો છે એ મારાં સંતાનો છે એવું હું માનું છું તેથી મારા માટે અવઢવને કોઈ અવકાશ નહોતો.”

નટવરભાઈ કહે છે કે, “સદ્ભાગ્યે અમારાં લગ્ન વિશે મોટા ભાગના જે પ્રતિભાવ મને મળ્યા તે આનંદ, હર્ષ અને સ્વીકારના મળ્યા હતા. એવું પણ કેટલાકે કહ્યું કે તમે દાખલો પૂરો પાડો છો કે આટલી મોટી ઊંમરે તમે નવજીવન શરૂ કરો છો તે બહુ અગત્યની વાત છે.”

પરણવાનો પ્રસ્તાવ કોણે અને કેવી રીતે મૂક્યો?

તમારા બંનેમાંથી પ્રેમનિવેદન ઉર્ફે પ્રપોઝ કોણે કર્યું?

આ પ્રશ્નના જવાબમાં નટવરભાઈ હસતાં હસતાં કહે છે કે, “હું એમ માનું છું કે મેં પ્રસ્તાવ મૂક્યો હતો, પણ તમે પન્નાને પૂછી લેજો.”

પન્નાબહેન કહે છે કે, “મને લાગે છે કે એ અમારો સંયુક્ત નિર્ણય હતો. અમે સાથે ખૂબ પ્રવાસ કરતાં હતાં. કમ્પેનિયનશિપ અમે ખૂબ ઇન્જોય કરી હતી. તેથી અમે વિચાર કર્યો કે શા માટે બાકીની જિંદગી સાથે ન વિતાવીએ?”

પન્નાબહેન અને નટવરભાઈએ પાંચ ડિસેમ્બર 2014ના રોજ લગ્ન કર્યાં હતાં. કોર્ટમાં જઈને નોંધણી કરાવીને લગ્ન કર્યાં હતાં. એ દિવસે પન્નાબહેને સાંજે શીરો બનાવ્યો હતો.

પન્ના નાયક ગુજરાતી ભાષાનાં જાણીતાં કવિયત્રી છે.

પ્રવેશ, ફિલાડેલ્ફીઆ, નિસ્બત, અરસપરસ, આવજાવન જેવાં તેમનાં કાવ્યપુસ્તકોની નોંધ લેવાઈ છે.

નટવર ગાંધી પણ સાહિત્યના શોખીન જીવ છે.

તેઓ દરેક વેલૅન્ટાઈન ડે નિમિત્તે પન્ના નાયક માટે સૉનેટ – કાવ્ય લખે છે. પન્નાબહેન રસોઈ ખૂબ સરસ બનાવે છે.

નટવર ગાંધી હળવાશથી કહે છે કે, “મને પન્નાની કવિતા કરતાં રસોઈ વધુ ગમે છે.”

પન્નાબહેન કહે છે કે, “ગાંધી ક્યારેક મારી કવિતા પણ ચાખો.”

લોકો શું કહેશે? એવું વિચારીને સહજીવનની જરૂરિયાત અને આનંદને ચૂકવા જેવા નથી

પ્રેમના પણ કેટલાક એવા સ્વરૂપ હોય છે જે યાદ રહી જતા હોય છે.

એ વ્યક્તિ હયાત ન હોય ત્યારે પણ એ સ્વરૂપે યાદ રહી જતી હોય છે.

પન્ના નાયક આવા જ એક ગમતા સ્વરૂપનો દાખલો આપતાં કહે છે કે, “મેં મારાં બા-બાપુજીને સવાર સાંજ હિંચકા પર વાતો કરતાં જોયાં હતાં. મને હંમેશાં વિચાર આવે અને કુતૂહલ પણ થાય કે એ લોકો શું વાતો કરતાં હશે? મને એ દૃશ્ય ખૂબ ગમતું હતું. એ દામ્પત્યજીવનની ભાવના મારા મનમાં હતી. સહજીવનની એ ઇચ્છા ગાંધી સાથે સાકાર થઈ છે. અમે લોકો ઘણી વખત સૂર્યોદય સાથે નિહાળીએ છીએ. અલકમલકની વાતો કરીએ છીએ.”

તો પછી કઈ બાબતે તમારી વચ્ચે નોકઝોક થાય છે?

પન્નાબહેન કહે છે કે, “ગાંધીને સવારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠવાની ટેવ છે. એ સવારે ચાર વાગ્યે ઊઠે અને તેમનું વાંચન – લેખન શરૂ થઈ જાય. એ મને સહેજ નડે છે. જોકે, હું ઊઠું ત્યારે તેઓ મારા માટે ચા તૈયાર કરી રાખે છે એ મને ગમે છે. અમે એકબીજામાં સંપૂર્ણ છીએ એવી પ્રતિતી થઈ રહી છે.”

પન્નાબહેન કહે છે કે, "એવા ઘણા લોકો હોય છે કે જે મોટી ઊંમરે એકલતા મહેસૂસ કરતા હોય છે. લગ્નનો વિચાર તેમને આવતો હોય તો સમાજ કે લોકો શું કહેશે એ વિચારે તેઓ ડગલું માંડી શકતા હોતા નથી. મને લાગે છે કે તેમણે આગળ વધવું જોઈએ. સહજીવનની જે જરૂરિયાત અને આનંદ છે તે ચૂકવા ન જોઈએ.”

નટવરભાઈ કહે છે કે, “આપણા સમાજમાં આ પ્રકારના સંબંધ બાંધવા સહેલા નથી. બીજી વાત એ પણ છે કે પરસ્પર એકબીજાની સંવેદના સમજી શકે એવી વ્યક્તિ પણ મળવી જોઈએ. મારું સદ્ભાગ્ય છે એ છે કે મને એવી વ્યક્તિ મળી.”

દર વર્ષની જેમ આ વર્ષે પણ નટવર ગાંધીએ પન્ના નાયક માટે જે સૉનેટ કાવ્ય લખ્યું છે તેનું શીર્ષક છે - ‘કોરોનાકાળમાં વૅલેન્ટાઈન ડે’

શિખરિણી છંદમાં લખાયેલું કાવ્ય અત્રે પ્રસ્તુત છે:

“ફરી પાછો આવ્યો, અચૂક, સખી, આ પ્રેમ દિન જો,

કરોના કૈં કાળો લગીર પણ એને ન નડતો!

ભલેને હોમાતા લખ લખ જનો, ભાંગી પડતા

બડા શૂરા પુરા મજબુર થતા, હાર ભણતા,

અનામી કૈં નામી, શિશુ, જરઠ સૌ ભોગ બનતા,

અહીં આજુ બાજુ મરણ બસ સર્વત્ર નીરખું.

ભરાડી ને ભૂંડે ભૂર સમય આ દિન ઉજવી,

કહે, લોકો સાથે હળવું મળવું કેમ ભળવું?

ઘણું જાણું છું કે સમય કપરો તો ય કહું કે,

પ્રભુએ સર્જેલી કુદરત, ક્રીડા આપણ તણી,

હજી એની એ છે: હૃદય દ્રવતું, પ્રેમ ઉભરે,

વધુમાં તું છે પાસે અમૃત ઝરતી, એ જ પૂરતું

મને, તેથી તો આ દિવસ અમુલો, પ્રેમ સભર,

સખી, તારી સાથે સ-રસ કરું એની ઉજવણી!”

પન્ના નાયકે લખેલું એક પ્રેમ કાવ્ય પણ આ રહ્યું...

“ચકમક ઘસાય

કે

દીવાસળી સળગે

ને

જ્વાળા ભભૂકી ઊઠે-

બરાબર એ બિંદુ પર

હું તને લઈ જવા માંગુ છું.

જો, મારી હથેળી

નરી શૂન્ય અત્યારે તો.

હું હાથ લંબાવું છું.

આ લંબાવેલા હાથને થોડીક અપેક્ષા છે

એને વિશ્વાસ છે કે

એ મહોરી ઊઠશે તારા હાથની સુવાસથી

પછી

દુનિયા મૂંગી-બહેરી મટી જશે

ને હું

મૌનનું પ્રથમ આકાશ પાર કરી ગઈ હોઈશ.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો