You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગ્રેડ પે : પોલીસકર્મચારીઓના પગારમાં વધારાની ભૂપેન્દ્ર પટેલની જાહેરાતની ટીકા કેમ થઈ રહી છે?
ગુજરાતના પોલીસકર્મીઓના ગ્રેડ પે આંદોલન બાદ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે 550 કરોડ રૂપિયાના ભંડોળની જાહેરાત કરી છે. જોકે સોશિયલ મીડિયા પર આની ટીકા થઈ રહી છે અને સરકારની આ જાહેરાત 'લોલિપોપ' હોવાનો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે. જોકે બીજી તરફ આ જાહેરાતને કેટલાક પોલીસકર્મીઓ દ્વારા આવકારવામાં આવી છે.
ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અંગે એક ટ્વીટ કરીને માહિતી આપી છે. ટ્વીટમાં લખ્યું છે કે, "પોલીસવિભાગના કર્મચારીઓની રજૂઆતોને ધ્યાને લઈ સમિતિની રચના કરાઈ હતી."
"મારી તથા ગૃહરાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી અનેક બેઠકોમાં આ અનુસંધાને ચર્ચા-વિચારણા થઈ હતી."
"પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસવિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરું છું."
ગુજરાતના પોલીસકર્મચારીઓનો પગાર કેટલો વધ્યો?
- LRD જવાન (ફિક્સ પગાર) - 2,51,100 (જૂનો પગાર) - 3,47,250 (નવો પગાર)
- કૉન્સ્ટેબલ - 3,63,660 (જૂનો પગાર) - 4,16,400 (નવો પગાર)
- હેડ કૉન્સ્ટેબલ - 4,36,654 (જૂનો પગાર) - 4,95,394 (નવો પગાર)
- એએસાઈ - 5,19,354 (જૂનો પગાર) - 5,84,094 (નવો પગાર)
ગ્રેડ પે આંદોલનકારીઓ શું કહે છે?
એક તરફ રાજ્યમાં કેટલાક સ્થળોએ પોલીસકર્મીઓ દ્વારા સરકારના આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા સરકારની આ જાહેરાતની ટીકા કરાઈ રહી છે.
આ સંદર્ભે બીબીસી ગુજરાતીના સંવાદદાતા સાગર પટેલે આંદોલનમાં સંકળાયેલા રાહુલ રાવલ સાથે વાત કરી હતી, તેઓ પણ સરકારની આ જાહેરાતની ટીકા કરે છે.
તેમનું કહેવું છે કે, "સરકારનું પૅકેજ અમને માન્ય નથી, પોલીસ પરિવારે ક્યારેય પણ પૅકેજ વધારવાની માગ કરી નથી. અમારી માગણી ગ્રેડ પે વધારવા માટેની જ હતી."
"આ સિવાયની પણ જે-જે માગણીઓ અમે કરી હતી, એ સ્વીકારાઈ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ પણ આને સરકારની 'લોલિપોપ' ગણાવે છે.
કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા શું બોલ્યા?
ગુજરાતની સરકારની આ જાહેરાત બાદ વિપક્ષ કૉંગ્રેસની પણ પ્રતિક્રિયા આવી છે, આ મામલે તેમણે ભાજપની ટીકા કરી છે.
કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપના આ નિર્ણયની આકરી ટીકા કરતા કહ્યું કે, "જેમના માથે રાજ્યની સુરક્ષાની જવાબદારી છે એવા 65 હજાર પોલીસકર્મચારીઓ માટે 550 કરોડના ભથ્થા વધારવાની જાહેરાત કરાઈ છે, જે એક લોલિપોપ છે."
"ગ્રેડ પે પોલીસકર્મીઓનો અધિકાર છે અને જે રાજ્યો ગુજરાત કરતાં આર્થિક દૃષ્ટિએ પાછળ છે, ત્યાં પણ ગુજરાત કરતાં વધારે ગ્રેડ પે ચૂકવવામાં આવે છે. તો પછી એમાં વધારો કેમ કરાતો નથી."
"બીજાં રાજ્યોમાં 4200 રૂપિયાનો ગ્રેડ પે આપવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં માત્ર 1800 રૂપિયા ગ્રેડ પે આપવામાં આવે છે."
AAPના ઈસુદાન ગઢવી શું બોલ્યા?
આ અંગે આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ઈસુદાન ગઢવીને પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે આ અંગે ગુજરાતના પોલીસકર્મીઓને અભિનંદન પાઠવ્યાં છે.
સાથે જ તેમણે કહ્યું કે, "અરવિંદ કેજરીવાલની એક જાહેરાત બાદ ગુજરાતની ભાજપ સરકાર સફાળી જાગી અને પોલીસકર્મીઓનાં ભથ્થાંમાં વધારો કર્યો."
"પોલીસકર્મીઓની ગ્રેડ પેની માગ છે, વર્ષોથી ગુજરાતના પોલીસકર્મીઓનું શોષણ થાય છે. સરકારે ભથ્થાં વધારીને આ વાત સાબિત પણ કરી દીધી."
"જોકે હજી પણ પોલીસકર્મીઓ ઇચ્છે છે કે ગ્રેડ પેમાં વધારાની અમારી માગ છે. ગ્રેડ પેમાં વધારો થાય તો પોલીસકર્મીઓને પૂરતો લાભ મળવાપાત્ર છે."
"મારી ગુજરાત સરકારને વિનંતી છે કે પોલીસકર્મીઓને ગ્રેડ પેમાં વધારો કરે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો