ભાજપ ગઠબંધન કર્યા બાદ સાથી પક્ષોને જ કઈ રીતે કમજોર કરી નાખે છે?

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બીબીસી હિંદી માટે

રાજનૈતિક વર્તુળોમાં હાલ એ ધારણા જોર પકડી રહી છે કે ભારતીય જનતા પાર્ટી રાજ્યોમાં ચૂંટણી દરમિયાન મતો મેળવવા માટે પ્રાદેશિક પાર્ટીઓનો ઉપયોગ કરે છે અને બાદમાં તેમને અસ્તિત્વહીન બનાવી દે છે.

એમ માનવામાં આવી રહ્યું છે કે આ પ્રકારના ભયની ગંધ આવી જતાં બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે ભાજપ સાથેનું ગઠબંધન તોડી નાંખ્યું હતું.

તેને હાલમાં દાયકાના સૌથી સરળ રાજનૈતિક ઑપરેશન તરીકે જોવામાં આવી રહ્યું છે.

ભલે એમ લાગી રહ્યું હોય કે બિહારમાં રાજકીય પરિવર્તન ખૂબ જ ઝડપથી અને ઘણા ઓછા સમયમાં થયું છે, પરંતુ નીતીશ કુમાર જેવા રાજકારણીને એ સમજવામાં ઘણો સમય લાગ્યો કે તેમના રાજકીય મેદાનને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ઘણી વખત એવો પણ આરોપ લાગ્યો છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ચિરાગ પાસવાનનો ઉપયોગ જેડીયુનો પ્રભાવ ઓછો કરવા માટે કર્યો હતો. શક્ય છે કે તેઓ તેમના 'ક્યારેક સાથી, ક્યારેક વિરોધી' ભાજપ પર પ્રહાર કરવા માટે સૌથી અનુકૂળ સમયની રાહ જોઈ રહ્યા હોય.

તેનાંથી વિપરિત કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી રામકૃષ્ણ હેગડેએ તેમની લોકશક્તિ પાર્ટીને જેડીયુ સાથે મર્જ કરી હતી.

હેગડેએ જ 1998ની લોકસભા ચૂંટણીમાં કર્ણાટકની મોટા ભાગની 28 બેઠકો પર લોકશક્તિ પાર્ટી ગઠબંધનને જીત અપાવી હતી. ગઠબંધનમાં 13 બેઠક ભાજપ અને ત્રણ લોકશક્તિ પાર્ટીને મળી હતી.

આ જીત નોંધપાત્ર હોવાનું કારણ એ છે કે હેગડે કર્ણાટકમાં લિંગાયત વોટબૅન્કને ભાજપમાં સમાવવામાં સક્ષમ હતા.

ભાજપ નેતાનો એ ચર્ચિત દાવો

આ એટલા માટે પણ મોટી વાત હતી કારણ કે સંભવિત રીતે પહેલી વખત એક ગઠબંધન સહયોગી (ભાજપ)એ બીજા નેતા વિશે કહ્યું હતું કે "તેઓ(હેગડે) આ ચૂંટણી બાદ શૂન્ય થઈ જશે."

આ નિવેદનમાં ભલે ભાજપનું અભિમાન દેખાતું હોય પણ તે સમયે ભાજપ નેતા એચ. એન. અનંત કુમારે મને કહ્યું હતું, "મારા શબ્દો યાદ રાખજો."

તે વખતે અનંત કુમારે એક સાંસદ તરીકે માત્ર બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. આગળ જઈને તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા અને તેમની કહેલી વાત સાચી સાબિત થઈ.

આ એ જ લિંગાયત વોટબૅન્ક હતી જેને અનંત કુમાર અને બી. એસ. યેદિયુરપ્પાએ આધાર બનાવ્યો અને આગળ જઈને ભાજપે વર્ષ 2008માં કર્ણાટકમાં સત્તામાં આવ્યો હતો.

રાજકીય વિશ્લેષક અને ભોપાલસ્થિત 'જાગરણ લેકસાઇડ યુનિવર્સિટી'ના વાઇસ ચાન્સેલર પ્રોફેસર સંદીપ શાસ્ત્રીએ બીબીસીને જણાવ્યું, "ભારતીય જનતા પાર્ટીએ એક પ્રાદેશિક પાર્ટીની વોટબૅન્કનો ઉપયોગ કર્યો, સમય જતાં તેને ખુદની વોટબૅન્ક બનાવીને એક મોટી રાજકીય શક્તિ તરીકે ઊભરી આવી."

સંદીપ શાસ્ત્રી કહે છે, "ભાજપને જ્યારે પણ લાગ્યું છે કે તેઓ એટલા શક્તિશાળી થઈ ગયા છે કે ગઠબંધનમાં વરિષ્ઠ સહયોગી બની શકે છે અથવા તો સહયોગી પ્રાદેશિક પાર્ટીઓ પાસે પોતાના દમ પર ઊભા રહેવાનું સામર્થ્ય નથી તો તેમને કિનારે કરી દે છે. મહારાષ્ટ્ર, બિહાર, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટક માટે આ વાત સત્ય છે."

જોકે, 'સેન્ટર ફૉર સ્ટડીઝ ઑફ ડેવલપિંગ સોસાયટીઝ' (સીએસડીએસ)ના નિદેશક પ્રોફેસર સંજય કુમારનો મત તેનાંથી અલગ છે. તેઓ માને છે કે ભાજપ માટે એ ધારણા ખોટી છે કે તેઓ પ્રાદેશિક પાર્ટીઓની તાકાત છીનવી લે છે.

પ્રોફેસર કુમાર કહે છે, "દરેક પાર્ટી પાસે વિસ્તરણ કરવાનો અધિકાર છે. અહીં ચર્ચા એ વાત પર થવી જોઈએ કે શું આ રમત યોગ્ય રીતે રમાઈ રહી છે અને જો નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તો શું ભાજપ ગંદી અને ચતુર રાજનીતિ કરી રહ્યો છે? તેનો એક પક્ષ સરકારી મશીનરી(ઈડી, સીબીઆઈ જેવી સંસ્થાઓ)નો વિપક્ષી દળો પર દબાણ ઊભું કરવાનો છે. તમામ આરોપ માત્ર ભાજપ અથવા પ્રાદેશિક પાર્ટીઓ પર જ લગાવી ન શકાય. ઉદાહરણ તરીકે નીતીશ કુમાર વિરુદ્ધ ઈડીનો ઉપયોગ કરવો ભાજપ માટે સરળ નહીં હોય."

રાજ્યો પ્રમાણેની રણનીતિ

ઘણી વખત અલગ-અલગ રાજ્યોમાં પ્રાદેશિક પાર્ટીઓ માટે જુદી-જુદી રણનીતિ અપનાવવામાં આવી છે. દાખલા તરીકે કર્ણાટકમાં રણનીતિ અલગ હતી. જ્યાં 'ઑપરેશન લોટસ' અંતર્ગત ભાજપે વિધાનસભામાં બહુમત હાંસલ કર્યો હતો.

ભાજપે વિપક્ષી દળો કૉંગ્રેસ અને જનતા દળ સૅક્યુલરના કેટલાક નબળા ધારાસભ્યોનાં રાજીનામાં અપાવ્યાં અને બાદમાં તેમને પોતાની ટિકિટ પર પેટાચૂંટણી લડાવી.

આ માત્ર એક વખત નહીં પરંતુ 2018માં બે વખત કરવામાં આવ્યું. જોકે, એમ કરવામાં કોઈ કાયદો ન તૂટે તેનું ચતુરાઈથી ધ્યાન રાખવામાં આવ્યું હતું.

આ રીતે ભાજપે વિધાનસભામાં સાધારણ બહુમત પ્રાપ્ત કરી લીધો હતો.

મહારાષ્ટ્રમાં ભાજપી રણનીતિ કંઇક અલગ રહી હતી. મુખ્ય મંત્રી એકનાથ શિંદે એકમાત્ર એવા નેતા હતા જેમની આસપાસ ડઝનેક ધારાસભ્ય હતા. તેમનો અન્ય ધારાસભ્યોને ખેંચવા માટે 'હૂક' તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને અળગા કરી દેવામાં આવ્યા હતા.

પ્રોફેસર શાસ્ત્રી કહે છે, "ખુદને એક પ્રતિદ્વંદી તરીકે સ્થાપિત કરવા માટે ભાજપ પ્રાદેશિક પાર્ટીના ખભે ચઢ્યો અને બાદમાં એ પ્રાદેશિક પાર્ટીની જગ્યા લેવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે હવે તમે અમારા ખભે ચઢી જાઓ. મહારાષ્ટ્રમાં ભાજપે કંઇક આવું જ કર્યું છે."

રાજકીય વિશ્લેષક પ્રદીપ સિંહ કહે છે, "આ દેશમાં ભાજપથી સારી ગઠબંધનની રણનીતિ અન્ય કોઈ પક્ષની નથી. શિવસેનાએ હંમેશાં નાના સહયોગી તરીકેની ભૂમિકા ભજવી અને એ જ કારણથી તે આગળ ન વધી શકી. તેમની પાસે વિપક્ષમાં બેસવા અથવા તો ભાજપ સાથે ગઠબંધન ચાલુ રાખવાની તક હતી. શિવસેના ચૂંટણીમાં ચોથા નંબરે હતી અને ભાજપને સૌથી વધુ બેઠકો મળી હતી. મહારાષ્ટ્રમાં સત્તાસંકટ ઊભું થયું કારણ કે શિવસેના આ તથ્યને સ્વીકારી શકી નહીં."

પ્રોફેસર શાસ્ત્રી જણાવે છે, "હાલનું સંકટ શિવસેનાને લીધે નહોતું આવ્યું. એ મરાઠા વોટબૅન્ક માટે શિંદેને શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ વિરુદ્ધ ઊભા કરવા માટે હતું."

અન્ય એક રાજકીય વિશ્લેષક આશુતોષ કહે છે, "એ વાતનું ધ્યાન રાખવું પડશે કે મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની વોટબૅન્ક એક જ છે. શિવસેના હારી ગઈ કારણ કે ભાજપ એક સ્માર્ટ પાર્ટી છે. ભાજપ હંમેશાં સામાજિક દાદરા ચઢતો આવે છે. તે જનતા પાર્ટીમાં સામેલ થઈને ભાજપ બની ગયો અને આગળ જઇને વીપી સિંહ સાથે સમજણ વિકસિત કરી. સંગઠનની રીતે તેઓ ઘણા મજબૂત છે અને તેઓ હિંદુઓના સપનાનું હિંદુ રાષ્ટ્ર બનાવી રહ્યા છે."

બિહાર અને અન્ય રાજ્ય

પ્રદીપ સિંહ કહે છે, "1966માં જ્યારે બિહારમાં પહેલું ગઠબંધન થયું ત્યારે ભાજપે જેડીયુને વધુ બેઠકો આપી હતી. જે મે 2005માં બે વખત યોજાયેલી ચૂંટણીમાં પણ જોઈ શકાય છે. લોકસભાની ચૂંટણીમાં પણ નીતીશ કુમારને વધુ બેઠકો મળી. તેમ છતાં પણ તેઓ ગઠબંધનથી દૂર થઈ ગયા અને ફરી સાથે આવ્યા તો પણ અલગ થવા માટે જ."

જ્યારે પ્રોફેસર શાસ્ત્રી માને છે કે ચાર વખત નીતીશ કુમારે અદલાબદલી કરી એ જ તેમના માટે સૌથી મોટો પડકાર છે. શાસ્ત્રી કહે છે કે હવે જોવાનું એ રહ્યું કે નીતીશ પોતાના મતદાતાઓને એ કેવી રીતે સમજાવશે કે તેમણે જે કર્યું એ મહત્ત્વનું હતું.

તેઓ કહે છે, "એકમાત્ર શક્તિશાળી હથિયાર એ છે કે આ લડાઈ સામાજિક અને આર્થિકપણે પછાત લોકોનાં હિતોને બચાવવાની છે. તેમનું ગઠબંધન પણ આ લોકોનું જ પ્રતિનિધિત્વ કરે છે."

જોકે, ભાજપ જે પારદર્શકતાથી પ્રાદેશિક પાર્ટીઓનો ઉપયોગ કરે છે તેનાંથી વિશ્લેષકો હેરાન છે.

'ઇસ્લામિક યુનિવર્સિટી' શ્રીનગરના પૂર્વ વાઇસ ચાન્સેલર અને રાજકીય વિશ્લેષક પ્રોફેસર સિદ્દીક વાહિદ કહે છે, "ભાજપ એક રાજ્યમાં દાખલ થાય ત્યારથી જ તાકાતનો ઉપયોગ કરીને અન્ય પાર્ટીને નિષ્ફળ કરી દે છે. એમ કરવા માટે તેમની પાસે માસ્ટર ખેલાડી છે, તેમ છતાં લાગે છે કે કોઈ કંઈ શીખ્યું નથી."

"ગઠબંધન માટે ભરોસો જરૂરી છે. સ્પષ્ટપણે પીડીપી (પીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટી) અને ભાજપ વચ્ચે તત્કાલીન જમ્મુ-કાશ્મીરમાં કોઈ ભરોસો ન હતો. સ્પષ્ટપણે તેનાંથી કાશ્મીરને મોટું નુક્સાન થયું."

જમ્મુ-કાશ્મીરનું ઉદાહરણ

આ ગઠબંધનથી પીડીપીએ પોતાનું જેટલું સમર્થન ગુમાવ્યું તે હજુ સુધી પાછું મળ્યું નથી.

જોકે, તેનું સાચું આકલન કરવું મુશકેલ છે કારણ કે ત્રણ વર્ષ પહેલાં કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠ્યા બાદથી અત્યાર સુધી કાશ્મીરમાં કોઈ રાજકીય ગતિવિધિ થઈ નથી.

જ્યારે દક્ષિણમાં તામિલનાડુમાં અન્ય રાજ્યોની સરખામણીએ ભાજપની સ્થિતિ અલગ છે.

અહીં તેઓ એઆઈડીએમકેને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જેથી તેમની પીઠ પર સવાર થઈને ડીએમકેને પડકાર ફેંકી શકે અને મુખ્ય વિપક્ષી પાર્ટી બની જાય. ભાજપ એ જાણે છે કે પૂર્વ મુખ્ય મંત્રી ઈ પલાનીસ્વામી દિવંગત જયલલિતાની જેમ લોકનેતા નથી અને તેમની જગ્યા લઈને ભાજપ માટે મતોનું ધ્રુવીકરણ સરળ રહેશે.

જોકે, એઆઈડીએમકે ભાજપ સાથેના ગઠબંધનથી ખચકાઈ રહ્યું છે કારણ કે તેમને લાગે છે કે તેઓ શહેરી યુવાનોથી 2021ની વિધાનસભાની ચૂંટણી હાર્યા હતા. આ યુવાનો ભાજપના કારણે તેનાથી દૂર થઈ ગયા હતા.

ભાજપના નજીક રહેલા પૂર્વ મુખ્ય મંત્રી ઓ પનીરસેલ્વમને પલાનીસ્વામી જૂથ દ્વારા પહેલેથી અવગણવામાં આવ્યા છે. ઈડીએ પૂર્વ એઆઈએડીએમકે મંત્રીની નજીકની વ્યક્તિના ઘર ઈડીનો પહેલો દરોડો પડી ગયો છે. લાગે છે કે હજી અહીં લડાઈ શરૂ થવાની બાકી છે.

બીજી બાજુ અન્ય એક દક્ષિણના રાજ્ય આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની તેલુગુદેશમ પાર્ટી (ટીડીપી) ખરાબ સંબંધોને ફરીથી સારા કરવા માટે કેન્દ્રીય નેતૃત્વના સંકેતની રાહ જોઈ રહી છે.

વર્ષ 2014માં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો આપવાનો અને રાજધાની અમરાવતી માટે ફંડ આપવાનો વાયદો પૂરો ન કર્યો ત્યારે ટીડીપી અને ભાજપના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી.

નાયડુનો મામલો અલગ છે કારણ કે તેનું કારણ ભાજપના જૂના નેતૃત્વની જગ્યા નવા નેતૃત્વએ લીધી છે.

એમ પણ આંધ્ર પ્રદેશમાં ભાજપને ટીડીપીની વધુ જરૂર પણ નથી કારણ કે ત્યાં ગઠબંધનની મજબૂરીઓમાં બંધાયા વિના મુખ્ય મંત્રી જગન મોહન રેડ્ડીની વાયઆરએસ પાર્ટી સંસદનાં બંને સદનમાં ભાજપને સમર્થન આપતી આવી છે.

ભાજપના કેન્દ્રીય નેતૃત્વના દૃષ્ટિકોણમાં આ જ પ્રકારના પરિવર્તને પંજાબમાં પાર્ટીના સૌથી જૂના ગઠબંધન સહયોગી અકાલી દળ સાથેના સંબંધોને પ્રભાવિત કર્યા છે.

પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીના નિધન અને અકાલી દળની વોટબૅન્ક શીખોમાં રાષ્ટ્રવાદી હિંદુ પાર્ટી ભાજપ પ્રત્યે સમર્થન બનાવી રાખવામાં ખચકાટ એમ બંનેએ પાર્ટીના સંબંધોને પ્રભાવિત કર્યા છે. કૃષિકાયદાએ બંનેના સંબંધોને સંપૂર્ણ રીતે તોડી નાંખ્યા.

કેવી રીતે ભાજપ પોતાનો આધાર વધારે છે?

પ્રોફેસર સંજય કુમાર પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબિ લોકોના દિમાગમાં સૌથી મોટો ફરક ઊભો કરે છે.

સંજય કુમાર કહે છે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબિએ પ્રાદેશિક પાર્ટીઓની પારંપરિક વોટબૅન્ક, ખાસ કરીને અન્ય પછાત વર્ગને આકર્ષિત કર્યા છે. એવાં રાજ્યોમાં જ્યાં આરજેડી, સમાજવાદી પાર્ટી કે બહુજન સમાજવાદી પાર્ટી જેવી પાર્ટીઓ સત્તામાં હતી, ત્યાં તેમના બાદ સત્તામાં આવેલા ભાજપે શાસન દરમિયાન કેટલાક ફેરફાર કર્યા છે. હું ઘણી સાવધાનીથી 'કેટલાક ફેરફાર' શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું."

સંજય કુમાર કહે છે, "આ કારણથી જ ભાજપ દલિતો અને આદિવાસીઓમાં પોતાનું સમર્થન બેગણું કરવામાં સફળ રહ્યો છે. ભાજપ ઓબીસીમાં નીચલા વર્ગમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે કારણ કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઓબીસીનો ઉપલો વર્ગ આરજેડી અને સમાજવાદી પાર્ટી માટે વફાદાર છે. માત્ર એટલું જ નહીં, વફાદાર ગઠબંધન સહયોગીઓ પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં અલગ થઈ રહ્યા છે."

સંજય કુમાર કહે છે, "વિપક્ષીઓ અને લાંબા સમય સુધી ભાજપ સાથે રહેલા સહયોગીઓને પણ એ વાતની ખબર છે કે ભાજપ માત્ર ચૂંટણી જીતવા માગતો નથી. તે વિપક્ષને ખતમ કરીને જીતવા માગે છે. જેમાં તેઓ નિર્મમ છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો