વધતી ઉંમર સાથે કૅન્સરનું જોખમ પણ કઈ રીતે વધે છે?

    • લેેખક, ડેવિડ કૉક્સ
    • પદ, બીબીસી ફ્યુચર

યુનાઇટેડ કિંગડમના કિંગ ચાર્લ્સને કૅન્સર થયું હોવાના નિદાનથી પાછલા કેટલાક દિવસમાં દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હશે. પરંતુ આ સમાચારની સાથે જ કેટલાક નિષ્ણાતોએ વૃદ્ધ લોકો પર કૅન્સરના વધતાં જોખમોનો ફરીથી ઉલ્લેખ કર્યો છે. વધતી ઉંમર એ કૅન્સરના વિકાસ માટેના સૌથી મોટાં જોખમી પરિબળોમાંના એક તરીકે જાણીતી છે.

અમેરિકાના નેશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, કૅન્સરની શરૂઆતની સરેરાશ વય 66 વર્ષની છે ત્યારે યુકેમાં કૅન્સરના તમામ નવા કેસમાં અડધાથી વધુ 70 કે તેથી વધુ વયના લોકોમાં જોવા મળે છે.

તેના ઘણાં કારણો છે. તેમાં સૌથી પહેલું અને સરળ કારણ એ છે કે જેમ જેમ આપણી વય વધે છે તેમ તેમ સંખ્યાબંધ પરિબળોને લીધે આપણા કોષોમાંના ડીએનએમાં વધુને વધુ નુકસાન થતું જાય છે.

એ પૈકીનાં કેટલાંક સૌથી સામાન્ય પરિબળોમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોના સંપર્ક, ક્રૉનિક ઇન્ફ્લૅમેશન (લાંબા ગાળાથી સોજો), પર્યાવરણમાંથી આવતાં વિષાક્ત તત્ત્વો, દારૂ તથા ધૂમ્રપાન અને માઇક્રોબિયલ ચેપનો સમાવેશ થાય છે.

સમય આગળ વધવાની સાથે આવા નુકસાનને સુધારવાની આપણા કોષોની ક્ષમતા ઘટતી જાય છે અને તે ડીએનએ મ્યુટેશનનું કારણ બને છે. આપણા શરીરમાં જેટલું વધારે મ્યુટેશન થાય તેટલું જ કોષ વિભાજન અથવા કૅન્સરનું જોખમ વધે છે.

ઉંમર સાથે શું સંબંધ છે?

બ્રિટનની કિંગ્ઝ કૉલેજ લંડનના ઍજિંગ રિસર્ચના ડિરેક્ટર રિચર્ડ સિઓવ કહે છે, "મુખ્યત્વે, કૅન્સર તરફ દોરી જતા ફેરફારોની શરૂઆત અટકાવી શકે છે તેવી રિપેર મિકેનિઝમ્સ આપણી વય વધવાની સાથે નબળી પડે છે, જેથી આપણા કોષમંડળોના કામને સંબંધિત ડીએનએમાં ફેરફાર વધતા રહે છે. આપણી વય વધવાની સાથે કોષોના સામાન્ય કાર્યને જાળવી રાખતા સંતુલનમાં ઘટાડો થાય છે."

તેઓ કહે છે કે આપણા શરીરમાં આ રીતે જેટલા ફેરફારો વધતા જશે કોષોના અનિયંત્રિત વિભાજન અથવા કૅન્સરનો ખતરો એટલો જ વધતો જશે.

અભ્યાસોમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ વધતા મ્યુટેશન્શને લીધે રોગપ્રતિકારક કોષોની કૅન્સરના કોષોને દબાવી દેવાની અથવા નાશ કરવાની ક્ષમતા નબળી પડે છે.

કૅમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે કૅન્સર અને વૃદ્ધત્વ વિશે સંશોધન કરતાં માસાહી નારિતા પી53 તરીકે ઓળખાતા મૉલેક્યુલર પાથવેની વાત કરે છે. પી53ને ટ્યૂમર્સ (ગાંઠો)ને દબાવવા સાથે સંબંધ છે.

અલબત, પી53 જનીનમાં મ્યુટેશશન્સના સંચયને લીધે આ પાથવેની અસરકારતા, વય વધવાની સાથે ઘટતી જાય છે.

રક્ત સ્ટૅમ કોશિકાઓમાં વિવિધ જનીન પરિવર્તન થાય છે ત્યારે તેઓ સમય જતાં તેમના કદમાં ક્રમશઃ વિસ્તાર માટે પ્રેરિત કરે છે, જેને જીવવિજ્ઞાનીઓ ક્લૉનલ હેમેટોપોઈસીસ તરીકે ઓળખાવે છે.

યુવાનોમાં આમ થવું દુર્લભ હોય છે, પરંતુ વૃદ્ધ લોકોમાં સર્વસામાન્ય હોય છે અને તેના બે મુખ્ય પરિણામ હોઈ શકે છે.

પ્રથમ બ્લડ કૅન્સરનું વધતું જોખમ છે અને બીજું, મોનોસાઈટ્સ, મૅક્રોફેજ અને લિમ્ફૉસાઇટ્સ જેવા વિવિધ રોગપ્રતિકારક કોષોમાં ફેરફારનું છે. એ બધા રક્ત સ્ટેમ કોશિકાઓમાંથી ઉદ્ભવે છે.

નારિતા અને તેમનું રિસર્ચ ગ્રૂપ માનવ શરીરને શું થાય છે તે સમજવા માટે, વય વધવાની સાથે વધારે સર્વસામાન્ય બનતા કૅન્સરકારક જનીન પરિવર્તનો સંબંધી પ્રયોગ કરી રહ્યાં છે.

તેઓ કહે છે, "અમે એ પૈકીનું એક જનીન લઈએ છીએ, તેને પુખ્ત પ્રાણીમાં દાખલ કરીએ છીએ અને એક કોષના સ્તરે શું થાય છે તેની તપાસ કરીએ છીએ."

જનીનનો શું સંબંધ છે?

તેનાથી કોષોના વિભાજન અને ફેરફારો રોકાવાની પ્રક્રિયા(સેલ્યુલર સેન્સન્સ)માં વધારો થાય છે અને તે જૂના તથા ક્ષતિગ્રસ્ત કોષોનું વિભાજન તેમજ વૃદ્ધિ બંધ થાય ત્યારે થાય છે, એવું નરિતા અને તેમની ટીમે શોધી કાઢ્યું છે. ઘરડી થયેલી કોશિકાઓનો વિપુલ સંચય તેની આસપાસના પર્યાવરણને મોટા પ્રમાણમાં હાનિકારક રીતે મૉડ્યુલેટ કરી શકે છે, તે ક્રૉનિક ઇન્ફ્લૅમેશનને ઉત્તેજિત કરે છે. તે વધુ નુકસાન પહોંચાડે છે અને કૅન્સરનો ભોગ બનવાની શક્યતામાં વધારો કરી શકે છે.

જોકે, આ પ્રક્રિયાઓ હજુ પણ એ બાબતોનો બહુ નાનો હિસ્સો છે, જેની વય વધવાની સાથે કૅન્સરના જોખમ પર અસર પડી શકે છે. નવી વિચિત્ર અને અજબ થિયરીઓ પણ રજૂ થઈ રહી છે.

કોષો તેમની યાદશક્તિ ગુમાવે છે. વય વધવાની સાથે માનવીની યાદશક્તિ ઘટતી જાય છે. તેથી આપણને બહુ યાદ નથી રહેતું અને ભૂલો થવાની શક્યતામાં વધારો થાય છે ત્યારે કેટલાક કૅન્સર બાયૉલોજિસ્ટ્સને શંકા છે કે વ્યક્તિગત કોષોની યાદશક્તિ પણ સમય જતાં નબળી પડી જાય અને પોતાનું કાર્ય શું છે તે વિસરી જાય તે શક્ય છે.

બ્રિટનની ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૅન્સર રિસર્ચના ઍપિજેનેટીસ્ટ લુકા મેગ્નૅનીના કહેવા મુજબ, સ્તન કૅન્સર માટે આ એક કાર્યકારી સિદ્ધાંત છે. જે સંભવતઃ મૅનોપોઝની શરૂઆતમાં થતા હૉર્મોનલ ફેરફારોને લીધે ટ્રિગર થાય છે. બ્રિટનની નેશનલ હૅલ્થ સર્વિસના જણાવ્યા મુજબ, સ્તન કૅન્સરના પ્રત્યેક 10માંથી આઠ કેસ 50થી વધુ વર્ષની વયની સ્ત્રીઓમાં જોવા મળે છે.

લુકા મેગ્નાની કહે છે, “આ ક્ષેત્રમાં એવી ધારણા આકાર પામી રહી છે કે આ કોષો તેમની યાદશક્તિ ગુમાવી રહ્યા છે અને તેમણે વિસ્તરવાનું ન હોવા છતાં વિસ્તરવાનું શરૂ કરે છે.”

માત્ર સ્તન કૅન્સરમાં જ નહીં, વય સંબંધિત અન્ય અનેક કૅન્સરમાં આવું શા માટે થઈ શકે છે તેના અનેક કારણો પૈકીનું એક કારણ એ છે કે જીવનકાળ દરમિયાન આપણા આપણા જનીનની માહિતી પ્રસારણની ક્ષમતા ઘટતી જાય છે. તે કથિત એપિજેનેટિક્સ પરિવર્તન અથવા આનુવંશિક ફેરફારનું પરિણામ છે, જેની અસર ડીએનએ સિક્વન્સ બદલ્યા વિના જીન એક્ટિવિટી પર થતી હોય છે.

વૈજ્ઞાનિકો શું પરીક્ષણ કરી રહ્યા છે?

મૅરીલેન્ડ બાલ્ટીમોર ખાતેની જોન હૉપકિન્સ મેડિસિનના ઍપિજેનેટિક્સ અને કૅન્સરના પ્રૉફેસર ઍન્ડી ફિનબર્ગ કહે છે, “વ્યક્તિની વય વધવાની સાથે માહિતીનું પ્રસારણ ઓછું સુસંગત અને વિશ્વસનીય રીતે થાય છે. તેમાં અસ્પષ્ટતા વધારે છે અને તે કયા જનીનો સક્રીય હોવાં જોઈએ અને કયા નિષ્ક્રીય હોવાં જોઈએ તેની પેટર્ન વિશેની અચોક્કસતા તરફ દોરી જાય છે. જીનોમના જે વિસ્તારમાં ગરબડ વધારે હોય ત્યાં કૅન્સરજનક ફેરફારો થવાની શક્યતા વધારે હોવાનું જાણવા મળ્યું છે.”

જોકે, આ વિચારો કૅન્સરનો સામનો કરવાની તદ્દન નવી રીતો તરફ દોરી શકે છે. કૅન્સરની દવાના વિકાસના સૌથી સક્રિય ક્ષેત્રોમાંના એક સૌથી નાના મૉલેક્યુલ્સ છે, જે પી53ના માર્ગમાં પરિવર્તનની હાનિકારક અસરોના નિરાકરણનો પ્રયાસ કરે છે અને નોર્મલ ટ્યુમર-સપ્રેસિંગ ફંક્શન્શને પુનઃસ્થાપિત કરે છે.

ફિનબર્ગ માને છે કે વર્તમાન પરિસ્થિતિમાં ઍપિજેનેટીક્સ કેવી રીતે ફાળો આપે છે એ જેટલું આપણે વધારે સમજીશું એટલા જ વધારે આ ફેરફારોને ઉલટાવી દેવાના માર્ગોને શોધી શકીશું. તેઓ કહે છે, “પ્રોત્સાહક બાબત એ છે કે એપિજેનેટિક ફેરફારો તેની વ્યાખ્યા અનુસાર ઉલટાવી શકાય તેવા છે.”

એન્ટિ-એજિંગ વિજ્ઞાનીઓ વિવિધ રાસાયણિક મિશ્રણ શોધવા હાલ પ્રારંભિક તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ્સ કરી રહ્યા છે. જે તંદુરસ્ત પેશીઓને નુકસાન પહોંચાડ્યા વિના વૃદ્ધ કોષોને શોધીને ખતમ કરી શકે છે. તે સેનોલિટીક્સ તરીકે ઓળખાય છે. તેમાં ફિસેટિન નામનું એન્ટિ-ઓક્સિડન્ટ, દ્રાક્ષના બીજનો અર્ક, પોલિફેનોલ પ્રોસાયનિડિન સી-વન અને કવેર્સેટિન નામના અન્ય કુદરતી રસાયણ સાથેના સંયોજનમાં ડાસાટિનિબ નામના ઔષધનો સમાવેશ થાય છે.

હાલ શારીરિક રીતે નબળા, વૃદ્ધ લોકો પર આ પૈકીના કેટલાક સેનોલિટીક્સનું પરીક્ષણ ચાલી રહ્યું છે. પોતાની રોગપ્રતિકારક શક્તિ અને સામાન્ય સ્વાસ્થ્ય બહેતર બનાવી શકે છે એ જોવા માટે કૅન્સર સામેની અગાઉની લડાઈમાં આ વૃદ્ધો બચી ગયા છે. આ પરીક્ષણ સફળ થશે તો તેના વ્યાપક સૂચિતાર્થો હશે.

સિઓવને આશા છે કે વય સંબંધિત ફેરફારોને ઉલટાવી શકે અને વ્યક્તિના સ્વસ્થ જીવનનાં વર્ષોની સંખ્યા વધારી શકે તેવા સારવારના આ નવા વિકલ્પો આગામી વર્ષોમાં લોકોના સ્વાસ્થ્યમાં બહુ મોટો ફરક લાવી શકે છે.

તેઓ કહે છે, “એક હેતુ આરોગ્ય સંભાળનો આર્થિક બોજ ઘટાડવાનો પણ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરેખર મોંઘું બનશે, કારણ કે લોકો રોગ સાથે લાંબો સમય જીવતા હોય છે.”