You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોતિયાના ઑપરેશન બાદ શું કાળજી રાખવી, અંધાપો ક્યારે આવી જાય?
- લેેખક, રુચિતા પુરબિયા
- પદ, બીબીસી ગુજરાતી માટે
પાટણ જિલ્લાના રાધનપુરમાં ટ્રસ્ટની સર્વોદય આંખની હૉસ્પિટલમાં બીજી ફેબ્રુઆરીના રોજ 13 ગરીબ દર્દીઓનાં મોતિયાનાં ઑપરેશન થયાં હતાં. ત્યાર બાદ તેમાંથી સાત જેટલા દર્દીઓએ 8 ફેબ્રુઆરીએ ‘અંધાપા’ જેવી સ્થિતિની ફરિયાદ કરી હતી.
ત્યાર બાદ આ તમામ દર્દીઓને અમદાવાદની સિવિલમાં તપાસ અર્થે ખસેડાયા હતા.
તો બે દિવસ પહેલાં જ રાજકોટમાં એક દર્દીએ મોતિયાના ઑપેરશન બાદ સંપૂર્ણપણે ‘દૃષ્ટિ ગુમાવી’ હોવાની ફરિયાદ કરી હતી.
અગાઉ જાન્યુઆરી મહિનામાં અમદાવાદ જિલ્લાના માંડલમાં આવેલી રામાનંદ હૉસ્પિટલમાં મોતિયાનું ઑપરેશન કરાવનારા આશરે 17 દર્દીએ તેમને ‘આંખે દેખાતું બંધ થઈ ગયું’ હોવાની ફરિયાદ કરી હતી.
આ કિસ્સામાં ઑપરેશનમાં બેદરકારી દાખવવા બદલ ડૉક્ટર અને ટ્રસ્ટીઓ મળીને કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
મોતિયાનું ઑપરેશન એક મહત્ત્વનું ઑપરેશન હોય છે અને થોડી પણ બેદરકારી થાય તો તેની આડઅસર ગંભીર રૂપ ધારણ કરી શકે છે, દર્દીઓને આંખ પણ ખોવાનો વારો આવી શકે છે.
આ અહેવાલમાં જાણીએ કે મોતિયાના ઑપરેશન પહેલાં અને પછી કેવી સાવચેતી રાખવી જોઈએ, મોતિયો આવ્યો હોય એ કેવી રીતે ખબર પડે અને તેનાં લક્ષણો શું હોય છે.
મોતિયો એટલે શું અને કેવી રીતે થાય?
અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપ્થાલમૉલૉજી પ્રમાણે, આપણી આંખની અંદર એક કુદરતી લેન્સ હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેત્રપટલ એ ટિસ્યૂની અંદરની લાઇનિંગ છે જે પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે. તે આંખના પાછળના ભાગમાં આવેલું હોય છે.
આ લેન્સ આંખોમાં આવતા પ્રકાશનાં કિરણોને પ્રતિબિંધિત કરે છે, જેથી આપણને ચોખ્ખું દેખાઈ શકે. તેથી આ લેન્સ સાફ હોવો જોઈએ.
મોતિયા માટે વૃદ્ધત્વ એ સૌથી સામાન્ય કારણ માનવામાં આવે છે. મોટા ભાગે 40ની ઉંમર બાદ આંખોમાં જે સામાન્ય ફેરફારો થાય છે તેને કારણે મોતિયો આવે છે.
મોતિયા આવે ત્યારે લેન્સમાં રહેલા પ્રોટીનનું આવરણ તૂટવા લાગે છે. આના લીધે દૃષ્ટિ ધૂંધળી થવા લાગે છે.
60 વર્ષથી વધુ ઉંમરના લોકોને સામાન્ય રીતે આ સમસ્યા શરૂ થતી હોય છે. જોકે, નરી આંખે ન દેખાવાની સમસ્યા વર્ષો પછી થતી હોય છે.
અહેવાલ અનુસાર, મોતિયાના પ્રારંભિક તબક્કામાં કોઈ ખાસ સમસ્યા નથી થતી. પહેલા આ ઝાંખપ લેન્સના ફક્ત થોડા હિસ્સાને અસર કરે છે. જોકે, મોતિયો ધીરે ધીરે વધે છે અને લેન્સને વધારે અસર થવા લાગે છે. પછી જોવામાં તકલીફ પડવા લાગે છે. જો નેત્રપટલ પર પ્રકાશ પહોંચતો ઓછો થઈ જાય તો દેખાવાનું ઓછું થાય છે. માણસની દૃષ્ટિ આછી અને નબળી પડતી જાય છે.
મોતિયો એક આંખથી બીજી આંખમાં ફેલાતો નથી. જોકે, ઘણા લોકોને બંને આંખમાં મોતિયો આવે એવું પણ બનતું હોય છે.
મોતિયો ઘણાં કારણથી થાય છે, જેમ કે:
- મોટી ઉંમરે થતો મોતિયો: મોટા ભાગના મોતિયા મોટી ઉંમરના લીધે આવતા થાય છે
- જન્મજાત મોતિયો: અમુક નવજાત શિશુ મોતિયા સાથે જ જન્મે છે. તો અમુક બાળકને થોડાંક વર્ષ બાદ મોતિયો આવવાનો શરૂ થાય છે. કેટલાક લોકોને જન્મજાત મોતિયો દૃષ્ટિને અસર કરતો નથી, કેટલાકને કરે છે અને તેને દૂર કરવાની જરૂર પડતી હોય છે
- સેકન્ડરી મોતિયો: સેકન્ડરી મોતિયો સામાન્ય રીતે શરીરમાં અન્ય રોગ (જેમ કે ડાયાબિટીસ)ને કારણે થાય છે. સેકન્ડરી મોતિયા સ્ટેરૉઇડના ઉપયોગના લીધે પણ થઈ શકે છે
- આઘાતના લીધે થતો મોતિયો: એક અથવા બંને આંખોને ઈજા થવાથી મોતિયો આવી શકે છે. આ અકસ્માત પછી અથવા તેનાં ઘણાં વર્ષો પછી થઈ શકે છે
આંખના ડૉક્ટર મોતિયા માટે કેવી રીતે તપાસ કરે છે?
ડૉક્ટરો સલાહ આપે છે કે જો તમારી ઉંમર 60 કે તેથી વધુ હોય છે તો દર એકથી બે વર્ષે આંખની સંપૂર્ણ તપાસ કરાવી જોઈએ. આંખની તપાસ સરળ અને પીડારહિત હોય છે. ડૉક્ટર તમારી આંખમાં કેટલાંક ટીપાં નાખશે, જેથી આંખો બરોબર ખૂલી શકે અને પછી મોતિયો અને આંખની અન્ય સમસ્યાઓ માટે આંખોને તપાસે છે.
મોતિયાનાં લક્ષણો શું હોય?
- દૃષ્ટિ ઝાંખી થવી
- કોઈ વસ્તુ બબ્બે દેખાવી કે પછી ધૂંધળું દેખાય
- રાત્રે જોવામાં તકલીફ પડવી
- પ્રકાશ સામે જોવામાં તકલીફ પડે અથવા આંખ વધુ સંવેદનશીલ લાગે
- ચળકતા રંગો પણ આછા અને પીળા પડતા દેખાવા લાગે
ડૉક્ટરોનું કહેવું છે કે જો આમાંથી કોઈ લક્ષણો દેખાય તો તરત જ આંખના ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવવી જોઈએ.
મોતિયાનું ઑપરેશન કેવી રીતે થાય છે?
આંખનો કુદરતી લેન્સ પારદર્શક હોય છે, પણ મોતિયાના લીધે તે અપારદર્શક અથવા ધૂંધળો થાય છે.
મહેન્દ્ર ચૌહાણ સુરતમાં પ્રૅક્ટિસ કરે છે અને આંખના ડૉક્ટર છે. તેમના કહેવા પ્રમાણે, મોતિયા મોટા ભાગે ત્રણ પ્રકારના હોય છે:
- એક, મોતિયો લેન્સના કેન્દ્રમાં થાય છે
- બીજો, તે લેન્સના પાછળના ભાગમાં પણ આવી શકે છે
- ત્રીજો, તે આંખના બહારના આવરણમાં (કોર્ટેક્સ)માં થઈ શકે છે
બીબીસી સાથે વાત કરતા ડૉક્ટર ચૌહાણ સમજાવે છે કે મોતિયાના ઑપરેશનમાં લેન્સમાં નાનું છિદ્ર કરીને અંદરની કુદરતી વસ્તુઓ કાઢી લેવામાં આવે છે અને કૃત્રિમ વસ્તુઓ મૂકવામાં આવે છે. આને કૃત્રિમ લેન્સ કહેવામાં આવે છે. આ કૃત્રિમ લેન્સને મણિ (ઇન્ટ્રાઓક્યુલર લેન્સ) પણ કહેવાય છે. સાદી ભાષામાં સમજીએ તો, એક દડામાં કાણું પાડીને અંદરની વસ્તુઓ કાઢી નાખવી અને ફરીથી દડો બંધ કરી દેવો.
તેમના કહેવા પ્રમાણે, આ મણિ અથવા કૃત્રિમ લેન્સના પણ વિવિધ પ્રકાર હોય છે, જેવા કે ત્રાંસા નંબર હોય તો તેવો લેન્સ, દૂરના નંબર હોય તો એ પ્રમાણેનો લેન્સ અને દૂર તથા નજીકનું બંને દેખાય તેમના માટે બીફૉકલ લેન્સ. એવી જ રીતે ત્રાંસું, દૂર અને નજીકનું દેખાય તેના માટે ટ્રિફોકલ લેન્સ વગેરે હોય છે.
લેન્સ વિવિધ પ્રકારના હોય છે અને જરૂર પ્રમાણે દર્દીની આંખમાં નાખવામાં આવે છે. તેની કિંમત પણ અલગઅલગ હોય છે.
મોતિયાના ઑપરેશન પહેલાં કેવી સાવચેતી રાખવી જોઈએ?
આ વિશે બીબીસીએ વિસ્તારપૂર્વક સમજવા માટે અમદાવાદના નેત્રરોગ ચિકિત્સક ડૉક્ટર પરિમલ દેસાઈ સાથે વાત કરી. તેમના સમજવ્યા પ્રમાણે અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપ્થાલમૉલૉજી પ્રમાણે:
- મોતિયાના ઑપેરશન પહેલાં એ મહત્ત્વની બાબત છે કે દર્દીનું ડાયાબિટીસ અને બ્લડપ્રશર સામાન્ય રહે.
- દર્દીએ કોઈ પણ પ્રકારની એન્ટિબાયોટિક દવાઓ લેવાનું ટાળવું જોઈએ.
- ડૉક્ટર ઑપરેશન પહેલાં આંખમાં નાખવા એન્ટિબાયોટિકનાં ટીપાં આપશે, જેનાથી આંખના જીવાણુ મરી જાય.
- એ પણ જરૂરી છે કે દર્દીનું હાયપરટેન્શન કંટ્રોલમાં હોવું જોઈએ.
મોતિયાના ઑપરેશન પછી કેવી તકેદારી રાખવી જોઈએ?
ડૉક્ટર પરિમલ સમજાવે છે કે, ચેપ ફેલાવાને ટાળવા માટે સ્વચ્છતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મોતિયાકાંડના મોટા ભાગના કેસ ચેપને કારણે થાય છે. તેનાથી બચવા માટે તેઓ કેટલાંક સૂચનો કરે છે:
- ડાયાબિટીસને અને બ્લડપ્રેશરને સામાન્ય સ્તરે રાખવું જોઈએ
- દર્દીએ તેમની અને આસપાસની જગ્યા હંમેશાં સ્વચ્છ રાખવી જોઈએ.
- વ્યક્તિએ ખાતરી રાખવી જોઈએ કે તેઓ ચહેરા પર સાબુનો ઉપયોગ ન કરે, સાબુ આંખોમાં ન જાય.
- નખ કાપેલા રાખવા જોઈએ.
- વ્યક્તિએ હંમેશાં હાથને સેનિટાઇઝ કરવા જોઈએ, જેથી આંખોને ચેપ ન લાગે.
ઑપરેશન પછી અંધાપો કેમ આવતો હોય છે?
ડૉક્ટર મહેન્દ્ર ચૌહાણ બીબીસી સાથે વાત કરતા જણાવે છે કે મોતિયાના ઑપરેશન બાદ અંધાપો આવવાનું મુખ્ય કારણ છે ચેપ થવો. અને ચેપ થવાનું મુખ્ય કારણ છે ગંદકી. જ્યારે ડૉક્ટરોએ નવી સિરીંજ ન વાપરી હોય, સ્ટરીલાઇઝ ન કર્યું હોય ત્યારે નીચી ગુણવત્તાના સોલુશન્સને લીધે આંખોમાં ચેપ લાગે છે.
આવી વસ્તુઓથી આંખમાં બૅક્ટેરિયા અથવા ફૂગ વળે છે અથવા આંખમાં બળતરા થવા લાગે છે. આવી સ્થિતિમાં અંધાપો આવે છે, જેને એન્ડોપ્થાલ્મિટિસ કહેવાય છે.
હૉસ્પિટલમાં કેવી પ્રાથમિક સુવિધા હોવી જોઈએ?
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં મોતિયાના ઑપરેશન બાદ દર્દીઓને ચેપ લાગ્યાની અને આડઅસરની ફરિયાદ જોવા મળી છે.
દર્દીને ઑપરેશન બાદ આંખે ચેપ ન લાગે તે માટે ડૉક્ટરો કેટલીક સલાહ આપે છે.
ડૉક્ટર પરિમલ કહે છે, "જ્યાં તમે સર્જરી કરવાનું પસંદ કરો ત્યાં કેટલીક પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ, જેમ કે હૉસ્પિટલમાં સ્વચ્છતાની હોવી જરૂરી છે, ડૉક્ટરો દરેક દર્દીને તપાસ્યા પછી હાથનાં મોજાં બદલતાં હોવા જોઈએ, ડૉક્ટરોએ જે વાપરે છે તે દરેક સાધનને જંતુમુક્ત અથવા સ્ટરીલાઇઝ કરવું જોઈએ, દરેક દર્દી પછી હૉસ્પિટલમાં વપરાતા ડિસ્પોઝિબલ નબળી ગુણવત્તાનાં ન હોવાં જોઈએ."
તેઓ વધુમાં કહે છે કે, "મોતિયાકાંડ મોટે ભાગે હૉસ્પિટલમાં દ્વારા એક દિવસમાં સંખ્યાબંધ સર્જરી પૂરી કરવાનો પ્રયાસ કરવાનું પરિણામ હોય છે. હૉસ્પિટલો તેનાં ઑપરેશન થિયેટરોને યોગ્ય રીતે જંતુરહિત કરતી નથી અને તેનાં સાધનો પણ નબળી ગુણવત્તાનાં હોય છે."