કૅન્સરની નવી દવા જે કીમોથૅરપી કરતાં ઓછી પીડાદાયક છે

    • લેેખક, મિશેલ રોબર્ટ્સ
    • પદ, ડિજિટલ હેલ્થ રિપોર્ટર

કૅન્સરથી પીડિત કેટલાંક બાળકોની સારવાર બ્રિટનમાં નવી પ્રકારની દવાથી કરાઈ રહી છે. આ દવા કીમોથૅરપી કરતાં ઘણી ઓછી ઝેરી છે.

11 વર્ષના આર્થરને લંડનની ગ્રેટ ઓરમંડ સ્ટ્રીટ હૉસ્પિટલમાં બ્લડ કૅન્સરની સારવાર માટે આ દવા આપવામાં આવી હતી. આ દવા લેનારા તે પ્રથમ લોકોમાંના એક છે.

તેના પરિવારના સભ્યો આ નવી થૅરપીને 'આશાનું કિરણ' ગણાવી રહ્યા છે, કારણ કે તેનાથી આર્થરની તબિયત વધુ બગડી નથી.

ખાસ વાત એ છે કે તે દર્દીને ગમે ત્યાં આપી શકાય છે. આ કારણે આર્થર પોતાના પરિવાર સાથે ઘરે વધુ સમય વિતાવી શક્યો અને પોતાની પસંદગીનું કામ પણ કરી શક્યો.

તે આ દવા તેની પીઠ પર રાખેલી બૅગમાં લઈ જઈ શકાય છે. આ બૅગને 'બ્લીના બૅકપૅક' કહેવામાં આવે છે.

જ્યારે કીમોથૅરપી કારગત ન નીવડી

આર્થરના ઈલાજ માટે બ્લીનાટૂમોમૅબ કે બ્લીના જ એકમાત્ર વિકલ્પ હતો, કારણ કે કીમોથૅરપીથી કૅન્સર મટતું નહોતું.

પુખ્ત વયના લોકોમાં કૅન્સરની સારવારમાં ઉપયોગ માટે બ્લીનાને પહેલેથી જ લાઇસન્સ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે નિષ્ણાતોને આશા છે કે તે બાળકો માટે પણ સુરક્ષિત રહેશે.

યુકેમાં આવાં 20 જેટલાં કેન્દ્રો છે જ્યાં બી-સેલ એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા (B-ALL)થી પીડિત બાળકોની સારવાર માટે તેનો ઉપયોગ ઑફ-લેબલે કરવામાં આવે છે.

ઑફ-લેબલનો અર્થ એ છે કે મંજૂર કરેલી દવા સિવાયના અન્ય હેતુ માટે અથવા તેના હેતુવાળા ઉપયોગ સિવાયના રોગ માટે માન્ય દવાનો ઉપયોગ.

આ દવા ઇમ્યુનોથૅરાપી પર આધારિત છે. એટલે કે તે શરીરમાં કૅન્સરગ્રસ્ત કોષોને ઓળખે છે. જેથી શરીરની પોતાની રોગપ્રતિકારક શક્તિ ઓળખે અને પછી તેનો નાશ કરે.

આ કામ ખૂબ જ ઝીણવટપૂર્વક કરવામાં આવે છે. સ્વસ્થ કોષો સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે, જ્યારે કીમોથૅરપીમાં આવું થતું નથી.

બ્લીના એક બૅગમાં પ્રવાહી સ્વરૂપે હોય છે. તે પાતળી પ્લાસ્ટિકની નળી દ્વારા દર્દીની નસમાં સીધી દાખલ કરવામાં આવે છે. આ ટ્યૂબ ઘણા મહિનાઓ સુધી દર્દીના હાથ સાથે જોડાયેલી રહે છે.

બૅટરી સંચાલિત પંપ નિશ્ચિત માત્રામાં લોહીમાં દવાનું ઇન્જેક્શન રાખે છે. આ દવાની એક થેલી ઘણા દિવસો સુધી ચાલે છે.

આ આખી કીટ નાની બૅગમાં મૂકીને ગમે ત્યાં લઈ જઈ શકાય છે. તેની સાઈઝ નોટબુક કરતાં નાની છે.

નાના કદ અને પોર્ટેબિલિટીનો અર્થ એ હતો કે આર્થર જે ઇચ્છે તે કરી શકે છે. જેમ કે તે તેના ઘરની બાજુના પાર્કમાં હીંચકા ખાતો હતો અને તે જ સમયે તેની સારવાર પણ ચાલી રહી હતી.

કીમોથૅરપી તેના માટે કારગત નહોતી નીવડી. ઉપરાંત તેનાથી તેને એટલી નબળાઈ આવી જતી કે તે કોઈ ક્ષણ માણી નહોતો શકતો.

શરૂઆતની સમસ્યાઓ

બ્લીનાનો ઉપયોગ કરતા અન્ય દર્દીઓની જેમ, આર્થરને શરૂઆતમાં નવી પ્રકારની સારવારની કોઈ ગંભીર પ્રતિક્રિયા અથવા આડઅસરો ન થાય તે માટે દવાઓ આપવામાં આવી હતી.

શરૂઆતમાં તેને થોડા દિવસ તાવ આવ્યો હતો અને દરમિયાન તેને તપાસ માટે હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું.

પરંતુ ટૂંક સમયમાં તે ઘરે જઈ શક્યો.

દવાની આ થેલી આર્થર પાસે સતત રહી. તેના પલંગ પર પણ. તેના પંપમાંથી થોડો અવાજ આવતો હોવા છતાં તે રાત્રે આરામથી સૂઈ શકતો હતો.

આર્થર માટે કીમોથૅરપી કરાવવી ખૂબ જ મુશ્કેલ હતી. તેનાં માતા સેન્ડ્રીન કહે છે કે બ્લીનાએ તેને મોટી રાહત આપી છે.

તેમણે કહ્યું, "તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. એક તરફ અમે તેની સારવાર કરી રહ્યા હતા પરંતુ બીજી તરફ અમે તે જ સારવારથી તેની તબિયત બગાડી રહ્યા હતા. આ તબક્કામાંથી પસાર થવું ખૂબ મુશ્કેલ હતું.”

મોટું પગલું

આર્થરને દર ચાર દિવસે હૉસ્પિટલમાં જવું પડતું હતું જેથી ડૉક્ટરો બ્લીના કીટમાં દવા ફરી ભરી શકે. બાકીના સમયમાં ઘરે સારવાર ચાલુ રહી.

સેન્ડ્રીને કહ્યું, "તેને આનંદ થયો કે તે તેને (દવાની થેલી) પકડી શકે છે, જવાબદારી લઈ શકે છે. તેણે આ બધું સ્વીકાર્યું હતું.”

એપ્રિલ 2023ના અંતમાં આર્થરનું છેલ્લું ઑપરેશન થયું અને તેના હાથમાંથી ટ્યૂબ દૂર કરવામાં આવી.

સેન્ડ્રીન કહે છે, “આ એક મોટું પગલું હતું. તેને આઝાદી મળી ગઈ હતી.”

ડૉક્ટર કહે છે કે બ્લીનાના ઉપયોગથી કીમોથૅરપીની જરૂરિયાતને કદાચ 80 ટકા સુધી ઘટાડી શકાય છે.

યુનાઇટેડ કિંગડમમાં દર વર્ષે આશરે 450 બાળકોને આ પ્રકારનું કૅન્સર થાય છે, જે આર્થરને થયું છે.

કીમોની આડઅસરો

ચીફ ઇન્વેસ્ટિગેટર અને કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક હેમેટોલૉજિસ્ટ પ્રોફેસર અજય વોરાએ જણાવ્યું હતું કે, “કીમોથૅરપીમાં ઝેર હોય છે જે લ્યુકેમિયા કોષોને મારી નાખે છે. એટલું જ નહીં તે સામાન્ય કોષોને પણ નુકસાન પહોંચાડે છે. આ કારણે કીમોની આડઅસર જોવા મળે છે.”

તેઓ કહે છે, "બ્લીનાટુમોમેબ એ નરમ (હળવી) અને ઓછી પીડાદાયક સારવાર છે,"

હાલમાં જ અન્ય ઇમ્યુનોથૅરપી આધારિત દવા-કિમેરિક એન્ટિજન રિસેપ્ટર ટી-સેલ થૅરપી (CAR-T) પણ કૅન્સરની સારવાર માટે ઉપલબ્ધ બની છે.

પરંતુ તે બ્લીના કરતાં વધુ ખર્ચાળ છે. આમાં દર્દીઓના કોષો લેવાય છે, તેને પ્રયોગશાળામાં સુધારી દેવાય અને પછી દવાના રૂપ તેના ઇન્જેક્શન દર્દીના શરીરમાં આપવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં પણ સમય લાગે છે.

આર્થરની સારવાર સફળ રહી છે અને કૅન્સર દૂર થઈ ગયું છે.

સેન્ડ્રીન કહે છે, “અમને નવા વર્ષે ખબર પડી કે બ્લીનાએ કામ કર્યું છે અને કૅન્સરનાં કોઈ ચિહ્નો બાકી નથી. આવી સ્થિતિમાં અમારી ખુશી બેવડાઈ ગઈ.”