મહિલા અને પુરુષોમાં થતાં પાંચ સૌથી સામાન્ય કૅન્સર કયાં છે?

    • લેેખક, સુશીલા સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં દર નવમાંથી એક વ્યક્તિને કૅન્સર થવાનું જોખમ છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ ઇન્ફૉર્મેટિક્સ ઍન્ડ રિસર્ચ (એનસીડીઆઈઆર)ના સંશોધનમાં આ વાત સામે આવી છે.

ગયા વર્ષે લોકસભામાં તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ નુસરત જહાંએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણમંત્રીને ભારતમાં કૅન્સરપીડિતો અને કૅન્સરથી થતા મૃત્યુને લગતો પ્રશ્ન પૂછ્યો હતો.

આના જવાબમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવારે જવાબ આપ્યો હતો કે ભારતમાં વર્ષ 2022માં કૅન્સરના 14,61427 કેસ નોંધાયા હતા, જે છેલ્લાં બે વર્ષની સરખામણીએ વધુ છે.

વર્ષ 2021માં ભારતમાં કૅન્સરના 14,26447 કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2020માં 13,92,179 લોકો કૅન્સરથી પીડિત હોવાનું કહેવાયું હતું.

ઉલ્લેખનીય છે કે સરકાર આ આંકડા નેશનલ કૅન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ હેઠળ એકત્ર કરે છે.

બીજી તરફ છેલ્લાં પાંચ વર્ષના આંકડા પર નજર કરીએ તો ભારતમાં કૅન્સરના કારણે મૃત્યુનો આંકડો પણ વધ્યો છે.

આઈસીએમઆર-એનસીડીઆઈઆરના સંશોધન મુજબ, સ્તન કૅન્સરના મોટા ભાગના કેસો મહિલાઓમાં નોંધાય છે, જ્યારે ફેફસાં અથવા ફેફંસાંનાં કૅન્સર પુરુષોમાં સૌથી વધુ જોવા મળે છે.

શું કહે છે ડૉક્ટર?

ડૉક્ટરો કહે છે કે એવાં ઘણાં કૅન્સર છે જે શરૂઆતમાં જ ડિટેક્ટ થઈ જાય છે, પરંતુ ઘણાં કૅન્સર 'સાયલન્ટ' હોય છે અને તે છેલ્લા સ્ટેજમાં ડિટેક્ટ થાય છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અને ગ્લોબોકૅનના 2020ના ડેટા અનુસાર, મહિલાઓમાં સ્તન, સર્વાઇકલ, ગર્ભાશય ગ્રીવા, અંડાશય, હોઠ, જડબું અને આંતરડાનાં કૅન્સરના સૌથી વધુ કેસ નોંધાય છે, જ્યારે પુરુષોમાં હોઠ, જડબું, ફેફસાંનું કૅન્સર, પેટનું કૅન્સર, મોટા આંતરડાનું કૅન્સર અને અન્નનળીનું કૅન્સર સામાન્ય રીતે જોવા મળે છે.

ગ્લોબોકૅન 2020 એ 185 દેશોમાં 36 પ્રકારનાં કૅન્સરથી અસરગ્રસ્ત અને મૃતકોના આંકડા પ્રદાન કરતી અને અંદાજ આપતી ઑનલાઈન ડેટાબેઝ કંપની છે.

મહિલાઓમાં થતા પાંચ મોટાં કૅન્સર

સ્તન કૅન્સર

કૅન્સર નિષ્ણાતોનું કહેવું છે કે હવે ભારતમાં યુવતીઓમાં પણ સ્તન કૅન્સરના કેસ નોંધાઈ રહ્યા છે.

ગાયનેકૉલૉજિસ્ટ અને કૅન્સર સ્પેશિયાલિસ્ટ ડૉ. સ્વસ્તી કહે છે કે બ્રેસ્ટ કૅન્સર વારસાગત હોય છે એટલે કે પરિવારમાં કોઈ મહિલાને બ્રેસ્ટ કૅન્સર થયું હોય તો તે જનીન આગામી પેઢીમાં આવી શકે છે. યુવાન મહિલાઓમાં તે સ્તન કૅન્સરનું કારણ બને છે.

ભારતમાં સ્તન કૅન્સરને લઈને ઘણાં વર્ષોથી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં એ પણ કહેવામાં આવે છે કે મહિલાઓ ઘરે રહીને પણ કેવી રીતે તેની તપાસ કરી શકે છે.

ઘરે તપાસ કેવી રીતે કરવી?

18 વર્ષની ઉંમર પછી દરેક યુવતી આ તપાસ જાતે કરી શકે છે.

માસિક સ્રાવ બંધ થયા પછી, તમારી ચાર આંગળીઓથી સ્તનની ગાંઠની તપાસ કરો. બગલને દબાવીને ગાંઠની તપાસ કરવી.

સ્તનની ડીંટડીને દબાવીને જુઓ કે થોડો સ્રાવ બહાર આવી રહ્યો છે કે નહીં.

જો કોઈ છોકરી કે મહિલાના પરિવારમાં બ્રેસ્ટ કૅન્સરનો કેસ પહેલાં આવી ગયો હોય, જેમાં માતાને 35 વર્ષની ઉંમરે બ્રેસ્ટ કૅન્સર થયું હોય તો આવી સ્થિતિમાં દીકરીની તપાસ છ-સાત વર્ષ અગાઉથી શરૂ કરી દેવામાં આવે છે.

દરેક મહિલાએ 40 વર્ષની ઉંમર પછી મેમોગ્રાફી કરાવવી જોઈએ.

જો કંઈક શંકાસ્પદ જણાય તો તરત જ તેની તપાસ કરાવવી જોઈએ.

સર્વાઇકલ કૅન્સર અથવા ગર્ભાશયના મુખનું કૅન્સર

મહિલાઓમાં થતું આ બીજું મોટું કૅન્સર છે. તેને ગર્ભાશયના મુખનું કૅન્સર પણ કહેવામાં આવે છે.

આ કૅન્સરનું કારણ હ્યુમન પેપિલોમા વાઇરસ (એચપીવી) છે અને નિષ્ણાતો કહે છે કે આ કૅન્સરનું 100% નિવારણ કરી શકાય છે.

રસીકરણ પરના રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથે સર્વાઇકલ કૅન્સરને અટકાવવા માટે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં એચપીવી વાઇરસની રસીનો સમાવેશ કરવાની ભલામણ પણ કરી છે.

તેઓ જણાવે છે કે આ રસી 9થી 14 વર્ષની વયની કિશોરીઓને આપવી જોઈએ.

શરૂઆતમાં આ કૅન્સરનાં કોઈ લક્ષણો દેખાતાં નથી પરંતુ જો લક્ષણો જોવાં મળે તો તેને અવગણવાં નહીં.

આ વાઇરસને કૅન્સર થવામાં લાંબો સમય લાગે છે અને તેને પેપસ્મિયર ટેસ્ટ દ્વારા શોધી શકાય છે.

અંડાશયનું કૅન્સર

આ કૅન્સર છેલ્લા સ્ટેજ એટલે કે ત્રીજા કે ચાર તબક્કામાં જોવા મળે છે, તેથી તેને 'સાયલન્ટ કૅન્સર' પણ કહેવામાં આવે છે.

ડૉ. સ્વસ્તિ કહે છે, "આ કૅન્સરમાં કોઈ લક્ષણો જોવાં મળતાં નથી. મહિલાઓ સામાન્ય રીતે પેટ ફૂલવું, ભૂખ ન લાગવી, ઊલટી થવી, ગેસ પસાર ન કરી શકવો અથવા શૌચક્રિયા જેવી સમસ્યાઓનો સામનો કરે છે. તેમને આવી સમસ્યાઓ માત્ર એક મહિના માટે જ થાય છે. પરંતુ તપાસ કરાવતા તે અંડાશયનું કૅન્સર પણ હોઈ શકે છે.”

તેઓ કહે છે, "જ્યારે ડૉકટરો આવી મહિલાઓની મેડિકલ હિસ્ટ્રીમાં જાય છે, ત્યારે જાણવા મળે છે કે તેઓ બેને બદલે એક રોટલી ખાતી હતી, વધુ પચતી નહોતી અને ઘરગથ્થું ઉપચાર કરાવતી હતી."

આવી સ્થિતિમાં તેઓ સલાહ આપે છે કે મહિલાઓએ દર વર્ષે અલ્ટ્રાસાઉન્ડ કરાવવું જોઈએ જેથી અંડાશયમાં કોઈ ફોલ્લો હોય તો તે જાણી શકાય અને સમયસર સારવાર શરૂ કરી શકાય.

આ સિવાય પુરુષોમાં જોવા મળતું હોઠ, જડબા અને કોલોરેક્ટમ એટલે કે મોટા આંતરડાનું કૅન્સર પણ સ્ત્રીઓમાં સામાન્ય છે.

પુરુષોમાં જોવા મળતું કૅન્સર

હોઠ, જડબાનું કૅન્સર અથવા મોંનું કૅન્સર

હેડ ઍન્ડ નેક સર્જન અને ઑન્કોલૉજિસ્ટ ડૉ. સૌરભ અરોરા કહે છે કે હોઠ અને જડબાનું કૅન્સર 90 ટકા તમાકુનું સેવન કરનારા લોકોમાં જોવા મળે છે.

ડૉક્ટરોનું કહેવું છે કે આ કૅન્સર થવાનું મુખ્ય કારણ તમાકુ (કોઈ પણ સ્વરૂપમાં) અને દારૂ પીવો છે.

આ કૅન્સર મોંની અંદર ગાલ, જીભ, જીભની નીચે, તાળવું જેવી અલગઅલગ જગ્યાએ થઈ શકે છે. અહીં અલ્સર અથવા ફોલ્લો બને છે અને તે દવાઓ લીધા પછી પણ ઠીક થતો નથી.

ઑન્કોલૉજિસ્ટ ડૉ. રાશિ અગ્રવાલ જણાવે છે કે, "જો તમારી જીભ કપાઈ ગઈ હોય અથવા તમારા મોઢાનો કોઈ ભાગ દાંતથી કપાઈ જાય અને દવા લીધા પછી પણ તે ત્રણ અઠવાડિયાં સુધી ઠીક ન થાય તો તે ચિંતાનું કારણ બની જાય છે. ક્યારેક દાંત ઢીલા થઈને તૂટી જાય તો ત્યાં ઘાવ થઈ શકે છે."

ડૉ. સૌરભ અરોરા જણાવે છે કે, "આ સિવાય જો તમારા મોંમાં કોઈ ગ્રોથ જોવા મળે તો એ જરૂરી નથી કે તે કૅન્સર જ હોય, પરંતુ તેની તપાસ કરાવવી જરૂરી છે. આ ઉપરાંત, જો ઘણી વખત મોં ખોલવામાં તકલીફ થતી હોય તો તે પણ આ કૅન્સરનું લક્ષણ હોઈ શકે છે."

આ સિવાય લક્ષણો છે કે જ્યારે તબિયત બગડવા લાગે ત્યારે ઘામાંથી લોહી નીકળવું, અવાજમાં ફેરફાર થવો, દર્દના કારણે ખોરાક લેવામાં તકલીફ થવી અને વજન ઘટવું.

જો આવાં ચિહ્નો દેખાય અને દવા લેવા છતાં ત્રણ અઠવાડિયાં સુધી સારું ન થાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

ફેફસાનું કૅન્સર

ડૉક્ટરોનું કહેવું છે કે લોકો આ કૅન્સરને ટીબી સાથે પણ જોડી દે છે, કારણ કે દર્દીને ઉધરસની વધુ ફરિયાદ રહે છે.

પરંતુ જો આ બધાં લક્ષણો ત્રણ અઠવાડિયાં સુધી ચાલુ રહે અને દવા લીધા પછી પણ કોઈ અસર ન થાય તો ડૉક્ટર બાયોપ્સીની સલાહ આપે છે, પરંતુ તેનાથી ગભરાઈ જવું ન જોઈએ.

ડૉક્ટરોનું કહેવું છે કે આ કૅન્સરનું મુખ્ય કારણ ધૂમ્રપાન છે, જોકે હવે પ્રદૂષણને પણ તેનું કારણ માનવામાં આવી રહ્યું છે. આ કૅન્સર એડવાન્સ સ્ટેજ એટલે કે ત્રીજા કે ચોથા સ્ટેજમાં જ જોવા મળે છે.

અન્નનળીનું કૅન્સર

ડૉક્ટરોના મતે આ કૅન્સરની 50 વર્ષની ઉંમર પછી જ ખબર પડે છે. આ કૅન્સરમાં ખોરાક ગળવામાં તકલીફ થાય છે અને બાદમાં કંઈક પીવામાં તકલીફ થાય છે.

આ કૅન્સર એવા લોકોને થવાની શક્યતા વધુ હોય છે, જેમને લાંબા સમયથી એસિડિટીની સમસ્યા હોય અથવા મોઢું ખાટું રહેવાની ફરિયાદ હોય.

આ સિવાય આ લક્ષણો પણ આવી શકે છે.

  • પાચન સમસ્યાઓ
  • છાતીમાં બળતરા
  • કંઈક ફસાયેલું હોવાની લાગણી

તબીબોના મતે જે લોકો મેદસ્વી હોય, દારૂ પીતા હોય અને ધૂમ્રપાન કરતા હોય તેમને આ કૅન્સર થવાની શક્યતા વધુ હોય છે.

આંતરડાનું કૅન્સર

ગૅસ્ટ્રો ઍન્ડ કૅન્સર સેન્ટર રીજન્સી હૉસ્પિટલ લિમિટેડના જીઆઈ સર્જરી વિભાગના પ્રમુખ ડૉ. અભિમન્યુ કપૂર કહે છે કે પેટનું કૅન્સર, જેને ગેસ્ટ્રિક કૅન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે તે પેટના અસ્તર પર જોવા મળતા કોષોમાં શરૂ થાય છે.

ડૉક્ટરોનું કહેવું છે કે તેનાં લક્ષણો અન્નનળીનાં કૅન્સર જેવાં જ છે.

જે દર્દીઓને કૅન્સરને કારણે રક્તસ્ત્રાવ થતો હોય તેમને લોહીની ઊલટી થઈ શકે છે અથવા તેમના મળનો રંગ કાળો થઈ શકે છે.

ડૉ. અભિમન્યુ કપૂર જણાવે છે કે આ કૅન્સર થવાનાં મુખ્ય કારણો દારૂ પીવો, તમાકુનું સેવન અને ધૂમ્રપાન છે. તે જ સમયે, જંક ફૂડ અને કસરત ન કરવી પણ આ કૅન્સરનું કારણ બની શકે છે.

તેઓ સમજાવે છે કે આંતરડાનું કૅન્સર જાપાનમાં સામાન્ય રીતે જોવા મળે છે અને તેનું મુખ્ય કારણ આ રોગ માટે સ્ક્રીનિંગની સુવિધા છે પરંતુ ભારતમાં આવો કોઈ સ્ક્રીનિંગ પ્રોગ્રામ નથી તેથી દર્દીમાં લક્ષણો દેખાય ત્યારે જ રોગનું નિદાન થઈ શકે છે.

સાથે જ તેઓ એ પણ જણાવે છે કે જો આ કૅન્સર પેટ સુધી જ સીમિત રહે એટલે કે જો શરૂઆતના સ્ટેજમાં તેની ખબર પડી જાય તો દર્દી સંપૂર્ણ રીતે સાજો થઈ જાય છે.

ડૉ. અભિમન્યુ કપૂર સમજાવે છે, "આ બીમારી 20 વર્ષ પહેલાં અમને નિરાશ કરી દેતી હતી, પરંતુ હવે એટલી બધી સર્જિકલ સારવાર શક્ય બની છે કે દર્દી લાંબો સમય જીવી શકે છે."

તબીબોનું કહેવું છે કે ધૂમ્રપાન, દારૂનું સેવન, સ્થૂળતા, વધુ મીઠું ખાવું એટલે કે પ્રીઝર્વેટિવવાળો ખોરાક લેવો અને શાકભાજી અને ફળોનું ઓછું સેવન આનાં કારણોમાં ગણાય છે.

કોલોરેક્ટલ કે મોટા આંતરડાનું કૅન્સર

ડૉ. રાશી અગ્રવાલ કહે છે કે આ કૅન્સરમાં તમારા શરીરમાં લોહીની ઊણપ આવી જાય છે.

સામાન્ય રીતે મહિલાઓમાં હિમોગ્લોબિન 12-15 ગ્રામ પ્રતિ ડેસિલિટર અને પુરુષોમાં 13.5-17.5 ગ્રામ પ્રતિ ડેસિલિટર હોવું જોઈએ.

ડૉકટરોના જણાવ્યા અનુસાર આ કૅન્સરથી પીડિત વ્યક્તિને એનીમિયાની સમસ્યા સર્જાય છે અને તેમાં અચાનક લોહીની ઊણપ આવી જાય છે.

ડૉ. અભિમન્યુ કપૂર સમજાવે છે કે જો ગાંઠ બને તો શૌચ દરમિયાન રક્તસ્રાવ, કાળો મળ, કબજિયાત અથવા ઝાડા તેનાં લક્ષણોમાં ગણવામાં આવે છે.

આ સિવાય ડૉક્ટરો લક્ષણો વિશે જણાવે છે-

  • ગેસ બને
  • પેટનું ફૂલવું
  • પેટમાં પાણી ભરાવું

જો પેટમાં દુખાવો ગંભીર હોય તો પેટમાં ગાંઠ પણ બની જાય છે.

ડૉકટરો કહે છે કે આ વધતી ઉંમરનું કૅન્સર છે, જે 50 વર્ષની ઉંમરે થાય છે અને કહે છે કે આનાં કારણો જાણી શકાયાં નથી.

પરંતુ જો પરિવારમાં પ્રથમ ડિગ્રી સંબંધી એટલે કે માતા, પિતા, સગા ભાઈ કે બહેન હોય તો તેમને આ કૅન્સર થવાનું જોખમ રહેલું છે.