વજન ઘટવું, તાવ આવવો : કૅન્સરના એવા 10 સંકેત જેને સામાન્ય ગણી ધ્યાન નથી અપાતું

માત્ર કૅન્સર શબ્દ સાંભળતા જ આપણામાંથી ઘણા લોકોને ચિંતા થઈ જાય છે. આ રોગ મોટાભાગના કેસોમાં જીવલેણ મનાય છે.

પરંતુ 1970થી અત્યાર સુધીના આંકડાઓ જોઈએ તો રિકવરી રેટ ત્રણ ગણો થયો છે. તેનું કારણ એ છે કે હવે તેના નિદાનમાં ઝડપ આવી છે.

હકીકતમાં મોટાભાગના કૅન્સર કે જેમનું નિદાન ઝડપથી થઈ જાય છે અને સારવાર વહેલી ચાલુ થઈ જાય છે તેમાં દર્દી બચી જાય છે.

પરંતુ સમસ્યા એ છે કે મોટાભાગના કૅન્સરપીડિત દર્દીઓ ડૉક્ટરનું સાંભળતા નથી.

ભારતમાં પણ ઘણા દર્દીઓ શરૂઆતના તબક્કામાં દેખાતાં લક્ષણોને અવગણે છે.

અમેરિકન કૅન્સર સોસાયટી પ્રમાણે કૅન્સરના જે દસ લક્ષણોને ચિન્હિત કરવામાં આવ્યા છે કે જેને લોકો અવગણે છે તેને સમજાવવાનો આ પ્રયત્ન છે.

વજનમાં અતિશય ઘટાડો

કૅન્સરના મોટાભાગના દર્દીઓ કોઈને કોઈ તબક્કે પોતાનું વજન ગુમાવે છે.

વજનમાં પાંચ કિલો કે તેનાથી વધુનો ઘટાડો એ કૅન્સરની નિશાની હોઈ શકે છે.

સ્વાદુપિંડ, જઠર, ફેફસા કે અન્નનળીનું કૅન્સર આ રીતે થઈ શકે છે.

તાવ આવવો

તાવ એ કૅન્સરના દર્દીઓનું સામાન્ય લક્ષણ છે. જ્યારે કૅન્સર અન્ય અંગોમાં ફેલાય છે ત્યારે તાવ આવે છે.

કૅન્સરના દર્દીઓને કોઈ તબક્કે તાવ આવશે એ ચોક્કસ વાત છે.

કૅન્સર અને તેની સારવારને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ અસર થાય છે. તેના કારણે કૅન્સરનાં દર્દીઓને તાવ આવવો એ સામાન્ય વાત છે.

લ્યુકેમિયા અને લિમ્ફોમાનું પણ સામાન્ય લક્ષણ તાવ છે.

થાક લાગવો

કૅન્સરના અનેક લક્ષણોમાંથી એક એટલે થાક લાગવો. ઘણીવાર એવું પણ બને છે કે તમે આરામ કરો છો છતાં પણ થાક લાગે છે.

આ કૅન્સર હોવાનું મોટું લક્ષણ છે.

લ્યુકેમિયા જેવા કૅન્સરનું એ મુખ્ય લક્ષણ ગણાય છે.

મોટા આંતરડા અથવા પેટનાં કૅન્સરથી એનિમિયા થઈ શકે છે. એમાં પણ થાક લાગવો એ સામાન્ય છે.

શરીરમાં ફેરફારો થવા

ચામડીના કૅન્સરની સાથે જ કૅન્સર પણ શરીરમાં ફેરફારો કરે છે.

જેમ કે, ચામડીનો રંગ વધુ ઘેરો થઈ જવો (હાઈપરપિગ્મૅન્ટેશન), ચામડીનો અને આંખનો રંગ પીળો પડી જવો (કમળો), ખંજવાળ આવવી અને ચામડી લાલ થઈ જવી, વાળમાં વૃદ્ધિ થવી વગેરે.

આંતરડા અને મૂત્રાશયની પેટર્નમાં ફેરફાર

કબજિયાત, ડાયેરિયા અને મળમાં લાંબા સમય સુધી આવા ફેરફારો એ કૉલન કૅન્સરનું લક્ષણ હોઈ શકે છે.

પેશાબ દરમિયાન દુખાવો, પેશાબમાં લોહી અને મૂત્રાશયની પેટર્નમાં ફેરફાર જેમ કે વારંવાર પેશાબ લાગવો એ મૂત્રાશય અથવા પ્રોસ્ટેટ કૅન્સરનું લક્ષણ હોઈ શકે છે.

ઘા પર રુઝ ન આવવી

ઘણા લોકો જાણે છે કે મોટા ઘામાં રૂઝ ન આવવી એ ચામડીના કૅન્સરનાં લક્ષણો છે.

પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે નાના ઘાવ કે જે લાંબા સમય સુધી રૂઝાતા નથી તે પણ કૅન્સરના સંકેતો છે.

જો તે ચાર અઠવાડિયાથી વધુ સમય સુધી રૂઝાય નહીં તો તેના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

મોઢાનું કૅન્સર ઝડપથી મટતું નથી.

જો તમને લાંબા સમય સુધી તમારા મોંમાં કોઈ ફેરફાર દેખાય, તો તમારે તાત્કાલિક ડૉક્ટર અથવા ડૅન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ અને તપાસ કરાવવી જોઈએ.

શિશ્ન અથવા યોનિમાર્ગ પરના ચાંદા પણ ચેપ અથવા પ્રારંભિક તબક્કાના કૅન્સરના સંકેતો હોઈ શકે છે.

ડૉકટર પાસે જાઓ અને તેમની તપાસ કરાવો.

રક્તસ્ત્રાવ થવો

જો સ્ટૂલમાં લોહી આવતું હોય, તો તે કૉલોન કૅન્સર અથવા ગુદાના કૅન્સરની નિશાની હોઈ શકે છે.

ઍન્ડોમૅટ્રાયલ (ગર્ભાશયનું) કૅન્સર પણ ભારે રક્તસ્રાવનું કારણ બની શકે છે.

પેશાબમાં લોહી આવવું એ મૂત્રાશય અથવા કિડનીના કૅન્સરની નિશાની હોઈ શકે છે.

સ્તનની ડીંટડીમાંથી લોહી આવવું એ સ્તન કૅન્સરના લક્ષણોમાંનું એક છે.

શરીરના કોઈ ભાગમાં ગાંઠ થવી

ત્વચામાં થતા ફેરફારો દ્વારા આપણે ઘણા કૅન્સરનું નિદાન કરી શકીએ છીએ.

આ કૅન્સર મુખ્યત્વે સ્તનો, અંડકોષ, ગ્રંથીઓ અને પેશીઓમાં બને છે.

કૅન્સરના પ્રારંભિક અથવા અંતમાં તબક્કાના ચિહ્નોમાંનું એક એ શરીરના કોઈપણ ભાગમાં ગાંઠ થવી છે.

ખોરાક ગળે ન ઊતરવો

ખોરાક અથવા પીવાનું પાણી ગળવામાં મુશ્કેલી થવી એ અન્નનળીના કૅન્સર, લિવરના કૅન્સર અથવા ગળાના કૅન્સરની નિશાની હોઈ શકે છે.

પુષ્કળ ઉધરસ અથવા ગળામાં સતત ખારાશ રહેવી

ભારે ઉધરસ એ પણ ફેફસાના કૅન્સરની નિશાની છે.

જો તે તમને ત્રણ અઠવાડિયાથી વધુ સમય માટે પરેશાન કરી રહી છે, તો ડૉક્ટરની સલાહ લેવી વધુ હિતાવહ છે.

એ થાઇરોઇડ ગ્રંથિના કૅન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે.

જોકે, ઉપરોક્ત લક્ષણો કૅન્સર સાથે સંબંધિત ન પણ હોઈ શકે. આ સમસ્યાઓ અન્ય કારણોસર પણ થાય છે. પરંતુ જો આ લક્ષણો દેખાય, તો તેને અવગણશો નહીં અને ડૉક્ટરની સલાહ લો.

લોકો લક્ષણોને કેમ અવગણે છે?

કૅન્સર રીસર્ચ યુકે દ્વારા કરવામાં આવેલું એક સંશોધન કહે છે કે બ્રિટનની અડધોઅડધ વસ્તીમાં કોઈ એક એવું લક્ષણ જોવા મળે છે કે જે કૅન્સરની હાજરીનું સૂચક છે.

કૅન્સર રીસર્ચ યુકેના એક અધ્યયન અનુસાર માત્ર 2 ટકા લોકો જ વિચારે છે કે તેમને આ બીમારી હોઈ શકે છે. લગભગ 75 ટકાથી વધુ લોકો ખતરાના સંકેતોને નજરઅંદાજ કરે છે.

સંશોધન પ્રમાણે એમાંથી મોટાભાગના લોકો ડૉક્ટર પાસે ન ગયા અને લક્ષણોને અવગણ્યાં.

યુનિવર્સિટી કૉલેજ લંડનના સંશોધક કૅટરીના વ્હિટેકર કહે છે કે, “ઘણા લોકો ડૉક્ટર પાસે જવું તેને સમયની બરબાદી ગણે છે અને સ્વાસ્થ્ય પ્રણાલીનાં સાધનોનો અનાવશ્યક ઉપયોગ ગણે છે.”

તેઓ કૅન્સરના લક્ષણોને નજરઅંદાજ કરે છે.

આ લક્ષણોને અવગણવા ન જોઇએ અને ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.