ફિટ રહેવા યુવાઓમાં પીવાતું પ્રોટીન શેક કેટલું ખતરનાક?

    • લેેખક, આદર્શ રાઠોડ
    • પદ, બીબીસી હિંદી માટે

બ્રિટનમાં પ્રોટીન શેક પીવાના કારણે ભારતીય મૂળના એક કિશોરના મૃત્યુના કારણને લઈને આવેલા સમચારે નવી ચર્ચા શરૂ કરી દીધી છે.

એવા સવાલ ઊઠી રહ્યા છે કે પ્રોટીન સપ્લિમેન્ટ્સ પર લાગેલા લેબલ પર પણ ચેતવણી લખાયેલી હોવી જોઈએ કે નહીં.

લંડનમાં રહેતા 16 વર્ષના રોહનની તબિયત 15 ઑગસ્ટ 2020ના રોજ અચાનક બગડી હતી તેના ત્રણ દિવસ બાદ તેમણે હૉસ્પિટલમાં જીવ ગુમાવી દીધો હતો.

લગભગ પોણાં ત્રણ વર્ષ સુધી થયેલી ગહન તપાસ બાદ તપાસકારો એ નિર્ણય પર પહોંચ્યા કે રોહનનું મૃત્યુ એ પ્રોટીન શેકના કારણે થયું હતું, જે તેમના પિતાએ વજન વધારવા માટે ખરીદ્યું હતું.

તપાસકર્તા પ્રમાણે, રોહનને ઑર્નિથીન ટ્રાન્સકાર્બામિલેઝ (ઓટીસી) ડેફિસિયન્સી નામક એક આનુવાંશિક તકલીફ હતી, જેના કારણે પ્રોટીન શેક લીધા બાદ તેમના શરીરમાં અમોનિયાનું સ્તર જીવલેણ કક્ષાએ પહોંચી ગયું હતું.

તપાસકર્તાઓએ કોર્ટમાં જણાવ્યું હતું કે પ્રોટીન સપ્લિમેન્ટના લેબલ પર આ અંગે ચેતવણી છાપવી જોઈએ.

તેમના અનુસાર, “ભલે ઓટીસી ડિફિસિયન્સી સામાન્ય સમસ્યા ન હોય, પરંતુ આ ડિસઑર્ડરથી ગ્રસ્ત લોકો માટે વધુ પડતું પ્રોટીન લેવું એ ખતરનાક સાબિત થઈ શકે છે.”

આ સમાચાર બાદ બ્રિટન જ નહીં સમગ્ર વિશ્વમાં પ્રોટીન સપ્લિમેન્ટને લઈને ચિંતા વ્યક્ત કરાઈ રહી છે અને કહેવાઈ રહ્યું છે કે પ્રોટીન સપ્લિમેન્ટના લેબલ પર આ પ્રકારની ચેતવણી હોય, કારણ કે યુવાનો, ખાસ કરીને જિમ જતા લોકોમાં પ્રોટીન શેક ખૂબ લોકપ્રિય છે.

પ્રોટીન કેમ જરૂરી છે?

પ્રોટીન એક જરૂરી પોષકતત્ત્વ છે. માંસપેશીઓ બનાવવા અને તેના રિપૅરમાં આની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે.

પ્રોટીન હાડકાં અને રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે, સાથે હૃદય, મગજ અને ત્વચાને સ્વસ્થ રાખે છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર, ભારતીયો માટે દરરોજ પોતાના વજનના હિસાબે 0.8થી એક ગ્રામ પ્રતિ કિલો પ્રોટીન લેવું એ પૂરતું છે અને ભોજનનો એક ચતુર્થાંશ પ્રોટીન હોવું જોઈએ.

ઈંડાં, દૂધ, દહીં, માછલી, દાળ, માંસ, સોયા વગેરે પ્રોટીનથી ભરપૂર હોય છે અને સંપન્ન દેશોના મોટા ભાગના યુવાનોને જરૂરી પ્રમાણમાં પ્રોટીન તેમના આહારમાંથી મળે છે.

ડાયટમાંથી ન મળી શકતા પ્રોટીનની અછતને સરભર કરવા માટે પ્રોટીન સપ્લિમેન્ટનો ઉપયોગ કરાય છે.

મોટા ભાગે પ્રોટીન સપ્લિમેન્ટ પાઉડર સ્વરૂપે ઉપલબ્ધ હોય છે જેનું મુખ્યત્વે શેક બનાવીને સેવન કરાય છે.

પ્રોટીન પાઉડર અલગઅલગ સ્રોતો મારફતે લેવાયેલ પ્રોટીન પાઉડર હોય છે. આ પ્રોટીન પાઉડર, બટાટા, સોયાબીન, ચોખા અને મટર જેવા છોડથી તેમજ ઈંડાં-દૂધમાંથી પણ લેવામાં આવે છે.

પ્રોટીન સપ્લિમેન્ટ લેવા એ કેટલું ખતરનાક?

હિમાચલ પ્રદેશના કાંગડાસ્થિત ડૉક્ટર રાજેન્દ્રપ્રસાદ મેડિકલ કૉલેજમાં કાર્યરત ડૉક્ટર સમીર જમ્વાલ જીવરસાયણ વિભાગમાં એમડી છે.

તેઓ જણાવે છે કે, “જો તમે 50 કિલોના હો તો દરરોજ 50 ગ્રામ પ્રોટીન લેવામાં કોઈ સમસ્યા નથી.”

તેઓ જણાવે છે કે પ્રોટીનને પચાવ્યા બાદ વધારાના અમોનિયાને શરીર યુરિયામાં તબદીલ કરી દે છે, જે પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

પરંતુ ઘણા લોકોના શરીરમાં અમોનિયાને યુરિયામાં તબદીલ કરી દેતા એન્ઝાઇમ નથી હોતા એટલે કે તેમને યુરિયા સાઇકલ ડિસઑર્ડર હોય છે.

તેઓ જણાવે છે કે યુરિયા ડિસઑર્ડર અલગઅલગ પ્રકારના હોય છે જે લોકોને આ પ્રકારની સમસ્યા હોય છે તેમના માટે વધારે પડતું પ્રોટીન લેવું એ ખતરનાક સાબિત થઈ શકે છે.

યુવાનોમાં પ્રોટીન સપ્લિમેન્ટનું ચલણ

એવું જોવા મળી રહ્યું છે કે ખાસ કરીને બૉડી બિલ્ડિંગ અને રમતગમતમાં સામેલ રહેનારા લોકોમાં સપ્લિમેન્ટનું ચલણ ખૂબ વધ્યું છે.

તેઓ પૈકી જ એક છે નોએડાની એક ખાનગી ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા ઉદય. તેઓ બાળપણથી જ ખૂબ દુબળા હતા. પરંતુ કૉલેજમાં તેમની અંદર પોતાના વજનને લઈને હીન ભાવના પેદા થઈ. જે બાદ તેમણે વજન વધારવા માટે પ્રોટીન લેવાનું શરૂ કર્યું.

તે બાદ તેમનું વજન વધ્યું તો ખરું પરંતુ તરત મુશ્કેલી પડવાનું પણ શરૂ થઈ ગયું.

દિલ્હીના પુષ્પાંજલિ મેડિકલ સેન્ટરના વરિષ્ઠ ચિકિત્સક મનીષસિંહ જણાવે છે કે તેમની પાસે એવા ઘણા મામલા આવે છે જેમાં યુવાનો સમજ્યા વગર પ્રોટીન સપ્લિમેન્ટ લેવાની શરૂઆત કરીને બાદમાં બીમાર પડે છે.

તેઓ જણાવે છે કે, “અમે પ્રોટીન શેક લેવાની સલાહ નથી આપતા, કારણ કે ઘણી વાર તેનાથી કોશિકાઓની અંદર થતી પ્રક્રિયાઓને અસર થાય છે અને રોગપ્રતિકારક ક્ષમતામાં ઘટાડો થાય છે.”

તેઓ કહે છે કે, “મેં યુવાનોના લિવરમાં પરુ ભરાયાના ઘણા મામલા જોયા છે. ઘણી વાર વજન તો વધે છે પરંતુ આવા યુવાનોને ન્યુમોનિયા થયેલો પણ જોવા મળે છે. તે બાદ જણાવે છે કે બૉડી બિલ્ડિંગ માટે તેઓ પ્રોટીન શેક લઈ રહ્યા હતા.”

ડૉક્ટર મનીષ જણાવે છે કે ઘણા લોકો નફા-નુકસાન અંગે સમજ્યા વગર સપ્લિમેન્ટ લેવાનું શરૂ કરી દે છે, પરંતુ ખરેખર તેમને તેની જરૂર નથી હોતી.

તેઓ કહે છે કે, “જો તમે સ્વસ્થ જ ન રહો તો બૉડી બિલ્ડિંગનો શો લાભ? તમે જોયું હશે કે જિમ જતી ઘણી વ્યક્તિઓને કાર્ડિઆક અરેસ્ટ થાય છે. સારું શરીરસૌષ્ઠવ જ સ્વાસ્થ્યનો માપદંડ નથી. સૌથી જરૂરી છે સંતુલિત ભોજન.”

તેમજ ડૉક્ટર સમીર જમ્વાલ પ્રોટીન સપ્લિમેન્ટ સાથે જોડાયેલ એક મોટા ખતરા અંગે ચેતવે છે. એ ખતરો છે પ્રોટીન સપ્લિમેન્ટમાં રહેલી હેવી મૅટલ્સની અશુદ્ધિઓ.

ડૉક્ટર જમ્વાલ કહે છે કે, “સામાન્યપણે સામાન્યપણે જિમ જનારા લોકો દૂધમાંથી બનતા વે પ્રોટીનનો ઉપયોગ કરે છે. જો ફેકટરીમાં સાવધાની ન રાખવામાં આવે તો સ્રોતથી પ્રોટીનને અલગ કરવાની પ્રક્રિયામાં લેડ, આર્સેનિક અને મર્ક્યુરી જેવી હેવી મૅટલ ભળી જવાનો ખતરો હોય છે. આ હેવી મૅટલને શરીર બહાર નથી કાઢી શકતું અને કિડની અને લિવર જેવાં અંગોને આનાથી નુકસાન પહોંચે છે.”

પ્રોટીન સપ્લિમેન્ટની બજાર

ભારતમાં પ્રોટીન સપ્લિમેન્ટની માગ ખૂબ ઝડપથી વધી રહી છે.

આઈએમએઆરસી અનુસાર, 2022માં ભારતમાં ડાયટરી સપ્લિમેન્ટની બજાર લગભગ 435 અબજ રૂપિયાની હતી જે વર્ષ 2028 સુધી 958 અબજ રૂપિયાની થશે.

તેમાં મોટો ભાગ પ્રોટીન સપ્લિમેન્ટનો છે. આવી સ્થિતિમાં લાભ માટે નકલી અને ભેળસેળવાળા પ્રોટીન સપ્લિમેન્ટનો કારોબાર પણ ચાલી રહ્યો છે.

પશ્ચિમ દિલ્હીમાં સપ્લિમેન્ટ અને હેલ્થ કેર ઉત્પાદનોનું શોરૂમ ચલાવનારા અમન ચૌહાણ જણાવે છે કે ભેળસેળવાળી અને નકલી પ્રોડક્ટથી બચવું જરૂરી છે.

તેઓ કહે છે કે, “સ્થાપિત કંપનીઓ દ્વારા અધિકૃત સ્ટોરથી જ સપ્લિમેન્ટની ખરીદી કરવી જોઈએ. પ્રોડક્ટના પૅક પર હૉલમાર્ક સ્ટેમ્પ, ઇમ્પૉર્ટરનું ટૅગ ચેક કરો અને જીએસટી બિલ જરૂર લો.”

ચેતવણીના ઉલ્લેખથી કંઈ બદલાશે ખરું?

હવે બ્રિટનમાં આ વાતને લઈને નિર્ણય નથી થયો કે ત્યાં પ્રોટીન સપ્લિમેન્ટના લેબલ પર કોઈ ચેતવણીનો ઉલ્લેખ કરવો છે કે નહીં.

પરંતુ શું આવી ચેતવણીથી કંઈ થશે ખરું?

કારણ કે આની સાથે સંબંધિત એક પ્રશ્ન એ પણ છે કે ભારતમાં હજુ જેનેટિક મૅપિંગ કરવાનું ચલણ નથી, જેનાથી એ વાતની ખબર પડે કે અમુક વ્યક્તિને કોઈ જેનેટિક ડિસઑર્ડર છે કે કેમ, તેમજ તેને કઈ વસ્તુઓ લેવાથી સમસ્યા થઈ શકે છે.

આવી સ્થિતિમાં ડૉક્ટરો પાસે મોટા ભાગના કેસ ત્યારે જ આવે છે, જ્યારે એ ડિસઑર્ડરના કારણે ગંભીર સમસ્યા સર્જાય.

પરંતુ લેબલ પર ચેતવણી આપવાની રીત કદાચ કારગત સાબિત ન પણ થાય.

ડૉક્ટર જણાવે છે કે સપ્લિમેન્ટ લેવાને સ્થાને લોકો પોતાના ભોજન અંગે વધુ ધ્યાન આપે અને સંતુલિત આહાર લેવો જોઈએ.